પ્રવાસન નકશા પર કચ્છ

11 June, 2019 01:35 PM IST  |  કચ્છ | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર

પ્રવાસન નકશા પર કચ્છ

કચ્છ પ્રવાસન

ભૂકંપ પછીના કચ્છનું સર્વાંગી દૃશ્ય જ બદલાઈ ગયું છે. હવે કચ્છની ઓળખ ભૂકંપ પહેલાંનું કચ્છ અને ભૂકંપ પછીનું કચ્છ એવી થઈ ગઈ છે. કુદરતની અવકૃપા પછી કૃપા પણ એવી જ થઈ છે. વહીવટ કરતી સરકાર અને સૃષ્ટિનો વહીવટ કરતી સરકારોએ કચ્છી પ્રજાની આંગળી શું પકડી, કચ્છ આખું આધુનિક યુગમાં દોડતું થઈ ગયું. જિલ્લાનું મુખ્ય મથક ભુજ એનું ઉદાહરણ બની રહ્યું છે.

ભુજિયો ડુંગર કે પછી ભુજંગ નાગની કિવદંતી પરથી શહેરનું નામ ભુજ પડ્યું અને એનું ચલણી નાણું હોવાનું માનવામાં આવે છે. મૂળ તો એ હમીર વાંઢ હતું. ભુજ મહારાવશ્રી ખેંગારજી પહેલાએ ૬ ડિસેમ્બર, ૧૫૪૮ના રોજ વસાવ્યું હોવાનું ઐતિહાસિક પ્રમાણ મળે છે. કચ્છ પર છેલ્લાં હજાર વરસોથી જાડેજા વંશનું સામ્રાજ્ય હતું. ચલણી નાણું, ધ્વજ, કસ્ટમ અને અદાલત પણ પોતાની હતી. કહેવાય છે કે શાહજહાંનો પુત્ર દારા શિકોહ ભુજ આવીને રહ્યો હતો.

પાપ તારું પરકાશ જાડેજા.... એ લોકગીતનાં પાત્રો જેસલ-તોરલની સમાધિએ જે ભૂમિને અમર બનાવી છે એ અંજાર શહેર અને એની આસપાસનો વિસ્તાર ફળ-ફળાદીથી સમૃદ્ધ છે. બાંધણી અને અજરખ જેવી કચ્છી પ્રિન્ટ માટેનું અંજાર એ મહત્વનું કેન્દ્ર છે.

ભુજથી ૬૦ કિલોમીટર દૂર આવેલું મુન્દ્રા એની સુંદર આબોહવા, લીલીછમ વનરાજી અને બાગ-બગીચાઓના કારણે એક સમયે કચ્છનું પેરિસ ગણાતું હતું. હવે બંદર વિકસ્યું, અન્ય કંપનીઓ આવી અને લીલીછમ વાડીઓ ધીરે-ધીરે દેખાતી બંધ થતી જાય છે. કચ્છના કલ્પવૃક્ષ સમાન ખારેકનો હજી પણ મબલખ પાક થાય છે. નજીક જ આવેલું ઝરપરા અને ધ્રબ એનાં મુખ્ય મથક છે. મુન્દ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે. શહેરમાં શાહમુરાદ પીરની દરગાહ, પાશ્વર્નાથ જિનાલય અને ૩૦ કિલોમીટરના અંતરે જૈનોનું મોટું તીર્થ ભદ્રેશ્વર પણ આવેલું છે, જ્યાં ભક્તિના પવિત્ર વાતાવરણ સાથે રહેવા-જમવાની પણ સગવડ છે.

અતિ વેગે વિકસતું જતું નખત્રાણા એ તાલુકા મથક છે જ્યાં ઘણાં પ્રાચીન સ્થાનકો આવેલાં છે. દેશલપર પાસેની ઘરુડી નદી પરની શૈલ ગુફાઓ, નવા ખીરસરા પાસેની ગઢવાળી વાડી પુરાતત્વની દૃષ્ટિએ કચ્છને સિંધુ સંસ્કૃતિ સાથે જોડે છે. સુમરી-રોહા એ કવિ કલાપીના સાસરાનું ગામ છે. સૈકાઓ જૂના ડુંગર પરનો કિલ્લો, રાજમહેલનાં બોલતાં ખંડેરો અને જગદંબા આસાપુરાનું ચમત્કારિક મંદિર દર્શનીય છે.

અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા એની બાજુમાં ઊભા કરવામાં આવેલા ઍરફોર્સ સ્ટેશનના કારણે વિકસ્યું છે. નલિયામાં જૈન દેરાસરો જોવાલાયક છે. નજીકમાં જ દરિયાકિનારે આવેલું પિંગલેશ્વર મહાદેવનું મંદિર પર્યટનધામ સમાન છે. અબડાસા તાલુકાનાં નલિયા, કોઠારા, તેરા, સુથરી અને જખૌનાં દેરાસરો જૈનોની પંચતીર્થી ગણાય છે. સુથરી અને કોઠારાનાં જૈન દેરાસરોનું શિલ્પકામ દર્શનીય છે. ગુજરાતના શહીદ થયેલા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું સ્મારક પણ સુથરી પાસે જ આવેલું છે.

પૂર્વ કચ્છમાં ભચાઉ-રાપર વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે. ભચાઉ તો કચ્છનું પ્રવેશદ્વાર કહેવાય છે. પ્રાચીન ધામ કંથકોટ આ તાલુકામાં આવે છે. કંથકોટની ચમત્કારી વાત ફરી ક્યારેક કરીશું, પણ એ નામ સંત યોગી કંથડનાથ પરથી જામ મોડના પુત્ર જામ સાડેએ આપ્યું હતું. એ ઉપરાંત ખડીર અને ધોળાવીરા પણ ભચાઉ તાલુકામાં જ આવે છે. ગેડી, સુરકોટડા, વ્રજવાણી અને રવેચી માતાનાં સ્થાનકો પણ અહીં જ છે.

ભુજથી ૧૫૦ કિલોમીટર દૂર પશ્ચિમ સીમા પર આવેલા લખપતમાં જ્યારે સિંધુ નદી કચ્છમાંથી વહેતી હતી ત્યારે જાહોજલાલી આળોટતી હતી. લખપતમાં કિલ્લો, ગુરુદ્વારા અને મહંમદ ઘોસનો કૂબો જોવા જેવો છે. એ તાલુકામાં જ નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ જેવાં સુપ્રસિદ્ધ તીર્થધામો આવેલાં છે. કટેસરની બૌદ્ધ ગુફાઓ પણ આ વિસ્તારમાં જ આવેલી છે. આધુનિક તીર્થ સમાન પાનધþોમાં લિગ્નાઇટની ખાણો પણ જોવાલાયક છે.

હવે તો રણોત્સવ ઊજવીને કચ્છને વિશ્વ ફલક પર મૂકવાનાં થોડાં વર્ષોથી સરકારી પ્રયાસો થઈ રહ્યા છે છતાં પ્રવાસનમાં ઐતિહાસિક સ્થળોએ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે જેમ કે કચ્છમાં કારા ડુંગરની જેમ બીજા પહાડ ધીણોધરનું અત્યંત મહત્વ છે. ધીણોધર એટલે સમર્થ જોગીઓની તપોભૂમિ. ૧૨૬૮ ફુટ ઊંચા એ પહાડ પર દાદા ધોરમનાથની ત્રણ ફુટ ઊંચી પ્રતિમા છે. તેમના કાળથી પ્રગટાવેલો દીપ અને અખંડ ધૂણી આજે પણ પ્રજ્વલિત જોવા મળે છે. અરલ ગામ સુધી ગયા પછી પાકાં પગથિયાં મારફત પહાડ પર જવાય છે. દાદા ધોરમનાથનું મંદિર ઉપરાંત અન્ય સમાધિઓ અને દેરી-દેરાં પણ દર્શનીય છે.

ધીણોધરની તળેટીમાં થાન છે જ્યાં પીર, જોગીઓ, કાનકટા સાધુઓની વસાહત છે. થાન નાથ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. ત્યાનાં મકાનોની છતનાં ચિત્રો-ઝૂમરો વગેરે જાહોજલાલીના વિતેલા દિવસોની યાદ અપાવે છે. આ વિસ્તાર અને પહાડને પર્યટન ધામ તરીકે વિકસાવવાનાં પગલાં લેવાઈ રહ્યાં છે. ધીણોધર એ સિદ્ધ યોગીઓની તપસ્યાનું સ્થળ ગણાય છે. કવિ શ્રી નિરંજને ધીણોધરની મહત્તા હિમાલય જેટલી આંકતાં લખ્યું છે કે :

હિમાલય વટ પુગો નિરંજન,
તેત ધીણોધર સમ્ભરન,
મૂંજી માતૃભૂમિ કે નમન

હિન્દુ શાસ્ત્રોમાં, ભારતમાં પાંચ પવિત્ર સરોવરોનો ઉલ્લેખ આવે છે. એ પાંચમાંનું એક એટલે કચ્છનું નારાયણ સરોવર! એ કચ્છમાં આવેલાં ધાર્મિક સ્થળોમાં સૌથી પ્રાચીન, પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીંની વિશિષ્ટતા એ છે કે ચારેબાજુ ખારું પાણી, ખારી જમીન અને એની વચ્ચે આવેલા આ સરોવરનું પાણી માનસરોવર જેટલું જ મીઠું હોય છે. એવો ઉલ્લેખ જોવા મળે છે કે બર્હિશના પુત્રોએ અહીં તપશ્ચર્યા કરી હતી. સરોવરને કિનારે ત્રિકમરાય, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથ, આદી નારાયણ, રણછોડરાય અને લક્ષ્મીજીનાં મંદિરો આવેલાં છે. મંદિરો ઉપરાંત રામ ગુફા, લક્ષ્મણ ગુફા, શેષ ગુફા વગેરે પ્રાગ ઐતિહાસિક સ્થળો પણ છે.

ભુજથી ૧૩૫ કિલોમીટર દૂર આવેલા નારાયણ સરોવરથી એક કિલોમીટર દૂર ચાર ફુટ અરબી સમુદ્ર જેનાં પગ પખાળે છે એ અત્યંત પુરાણું શિવમંદિર આવેલું છે જે કોટેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. ચાર ફુટ ઊંચું સ્વયંભૂ શિવલિંગ રાવણની કથા સાથે જોડાયેલું છે. અત્યારે ત્યાં ભારતીય લશ્કરની છાવણી છે અને દરિયાઈ પૅટ્રોલિંગનું મુખ્ય મથક છે.

આ પણ વાંચો : કચ્છ એટલે રત્નધરા વસુંધરા

હાજીપીર એ હિન્દુ-મુસ્લિમ બન્નેની શ્રદ્ધાનું સ્થળ છે. કચ્છના કોમી સદ્દભાવનું એ પ્રતીક છે. કચ્છના ઉત્તર કાંઠે રણની કાંધીએ આવેલી એકાંત જગ્યાએ એક દયાળુ ઓલિયા સંત હાજીઅલી અકબર શાહની દરગાહ આવેલી છે.

kutch columnists