મંગાળા પર બનેલી ખીચડી અને એમાંથી આવતી ભીની માટીની ખુશ્બૂ

27 May, 2020 09:44 PM IST  |  Mumbai | Rashmin Shah

મંગાળા પર બનેલી ખીચડી અને એમાંથી આવતી ભીની માટીની ખુશ્બૂ

લૉકડાઉનમાં માધવપુર ઘેડના ઓશો આશ્રમમાં સ્વૈચ્છિક આઇસોલેશન માણતા પ્રફુલભાઈ અત્યારે દરરોજ દેશી પદ્ધતિથી રાંધીને પોતાનું ભોજન બનાવે છે

લોકગાયક પ્રફુલ દવેની ગાયકીમાં લોકભૂમિની જે સોડમ છે એ જ સોડમ તેમની રસોઈમાં છે. રસોઈ એક આવડત નહીં, એક કળા છે અને એ કળામાં બ્રાહ્મણ પારંગત હોવો જોઈએ એવું નાનપણથી જ તેમને બા મણિમાએ સમજાવ્યું છે એટલે પ્રફુલ્લભાઈ આજની તારીખે પણ પોતાની આ કળાનો રિયાઝ કરતા રહે છે. લૉકડાઉનમાં માધવપુર ઘેડના ઓશો આશ્રમમાં સ્વૈચ્છિક આઇસોલેશન માણતા પ્રફુલભાઈ અત્યારે દરરોજ દેશી પદ્ધતિથી રાંધીને પોતાનું ભોજન બનાવે છે અને આશ્રમે આવનારા સૌકોઈ માટે પ્રસાદ પણ બનાવે છે. પોતાના આ અનુભવો તેમણે રશ્મિન શાહ સાથે શૅર કર્યા

અમે પાંચ ભાઈ અને ત્રણ બહેનો. ભાઈઓમાં મારો નંબર ત્રીજો. આ થઈ સામાન્ય વાત. હવે તમને કહું રસોઈની વાત, તો મારો જવાબ છે હા. મને રસોઈ બનાવતાં આવડે છે. મને જ નહીં, મારા બધા ભાઈઓને પણ રસોઈ બનાવતાં આવડે અને એવી જ રસોઈ અમે બનાવી જાણીએ જેવી રસોઈ આપણા ઘરની સ્ત્રીઓ બનાવી જાણે. કોઈ કહી ન શકે કે આ રસોઈ પુરુષના હાથે બની હશે. અમને બધા ભાઈઓને બનાવતાં શીખવ્યું અમારાં બાએ. મારા બા મણિમા કહેતાં કે બ્રાહ્મણના દીકરાને રસોઈ બનાવતાં તો આવડવી જ જોઈએ. આજે કેટલા ઘરમાં આ વાત માનવામાં આવે છે એ તો રામ જાણે, પણ મારા સમયમાં મારાં બા તો આ માનતાં જ માનતાં અને જે શાસ્ત્રોનો જાણકાર હશે તે બાની આ વાત સાથે સહમત પણ થશે, કારણ કે પૂર્વના સમયથી બ્રાહ્મણો રસોઈકળામાં નિપુણ રહ્યા છે. 

કલાશાસ્ત્રમાં ચિત્રકામથી લઈને સંગીત, નૃત્ય, ભરતકામ જેવી કુલ ૬૪ કળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં એક કળા એ રસોઈકળા છે. સમય જતાં તો આ રસોઈકળાને પણ એક અલગ શાસ્ત્ર બનાવવામાં આવ્યું, જે આપણે ત્યાં પાકશાસ્ત્રના નામે પૉપ્યુલર થયું, પણ મૂળમાં રસોઈ એક કળા છે અને એ કળામાં નિપુણતા કેળવવી અઘરી છે, પણ અમને મારી બાને કારણે એ કળામાં નિપુણતા આવી એટલે બધું નહીં તો કંઈ નહીં પણ રોજબરોજના જીવનનો જે ખોરાક હોય એ ખોરાક તો બનાવતાં આવડે અને એ પણ પર્ફેક્ટ રીતે બનાવતાં આવડે. રોટલી-રોટલા, ભાખરી, શાક, દાળ-ભાત, ખીચડી-કઢી જેવું હું બધું બનાવી શકું અને સામાન્ય સંજોગોમાં માણસને જરૂર પણ એની જ હોય છે.
રસોઈ આવડતી થઈ તો પણ મારા ભાગે રસોઈ બનાવવાનું ખાસ આવતું નથી. ઘરે તૈયાર થયેલી રસોઈ જ જમવા મળે અને બ્રાહ્મણ એટલે ભાવતાં ભોજન તૈયાર મળે તો તસ્દી લેવાનું સૂઝે પણ નહીં, પણ હા, અમદાવાદ પાસે આવેલા મારા ફાર્મહાઉસે હોઉં ત્યારે મને જાતે બનાવેલી રસોઈ જમવાનું મન થાય એટલે હું બનાવું. બનાવવાનું મન પણ જો કોઈ વરાઇટીનું થતું હોય તો એ છે ભાખરી અને શાક. ભાખરી અને શાક મારાં સૌથી પ્રિય. શાક કોઈ પણ હોય તો ચાલે, પણ જો ભાખરી અને શાક મળી જાય તો વિરાનગીમાં વૈકુંઠ મળી ગયાનો આનંદ થાય. મારી વાત કરું તો હું કોઈ પણ શાક બનાવી શકું. દૂધી, રીંગણાં, ગુવાર જેવાં શાક પણ મારાથી બને ખરાં અને બટાટાનું ચટાકેદાર શાક પણ મારાથી મસ્ત બને. બટાટાના શાકમાં મારી જુદા પ્રકારની માસ્ટરી છે. બટાટાના શાકના રસામાં હું ચણાનો લોટ નાખું, જેને લીધે રસો છે એ પાણી જેવો બનવાને બદલે એ પંજાબી શાક જેવો સહેજ ઘટ બની જાય અને બટાટા સાથે ચણાના લોટનું કૉમ્બિનેશન આમ પણ સુપરહિટ કૉમ્બિનશેન છે.
લૉકડાઉન શરૂ થયું એના એક વીક પહેલાં હું મારી ફૅમિલી સાથે માધવપુર ઘેડ પાસે આવેલા ઓશો આશ્રમમાં આવી ગયો છું. હમણાં ગયા અઠવાડિયે લૉકડાઉનમાં રાહત મળી એટલે દીકરો હાર્દિક, નાનો ભાઈ શૈલશ અને વાઇફ ત્રણ જણ અમદાવાદ પાછાં ગયાં પણ હું હજી અહીં જ છું. આ જગ્યા મને બહુ ગમે છે. આ આશ્રમનું સંચાલન બ્રહ્મવેદાં સ્વામી કરે છે.તેમનો સંગ પણ મને ગમે એટલે વર્ષોથી મારો નિયમ છે કે નવરાશ મળે એટલે અહીં આવી જાઉં. શરૂઆતમાં રોકાવાનું ઓછું બનતું, કામની ભાગદોડને લીધે સમય મળે નહીં. એક વખત મેં મનની આ વાત બ્રહ્મવેદાંત સ્વામીને કરી એટલે તેમણે મને સરસ રસ્તો કાઢીને કહ્યું કે અહીં તમારું ઘર હશે તો તમારો પગ ટકશે. તેમણે જ મને એક જગ્યા દેખાડીને કહ્યું કે હિલ પર એક જગ્યા છે ત્યાં તમે રહેવા માટે કંઈ બનાવો અને આમ મારું સમર હાઉસ અહીં બન્યું. સમર હાઉસ બન્યા પછી વારતહેવારે હું અને મારી ફૅમિલી અહીં આવીએ અને શાંતિથી રહીએ. સેલ્ફ આઇસોલેશન આમ પણ મને બહુ ગમે. આ જે અવસ્થા છે એ અવસ્થામાં તમે તમારી જાત સાથે, તમારા આત્મા સાથે વાત કરતા હો છો. તમે શું કરી રહ્યા છો, તમારી આજુબાજુ શું થઈ રહ્યું છે અને ખરેખર શું થવું જોઈએ એ ઇન્ટ્રોસ્પેક્શન દરેકે કરવું જોઈએ. મારા આ માધવપુર ઘેડના સમર હાઉસમાં આવીને હું એ જ કરતો હોઉં છું. મને અહીં બહુ શાંતિ મળે છે. અહીં હું મારા માટે ગાઉં અને હું જ એ સાંભળું. અહીં મારે કોઈ પરીક્ષા નથી આપવાની અને કોઈની સામે પાસ નથી થવાનું. કોઈની સામે જાતને પુરવાર નથી કરવાની અને કોઈની સામે મારે કૉલર ટાઇટ કરવાના નથી. હું ભલો ને મારો નિજાનંદ ભલો અને મારું અન્ન ભલું.
સ્વામી ભાણદાસ નામના એક સંત થઈ ગયા, તેમણે અન્ન માટે બહુ સરસ વાત કહી છે...
ઉદરની વચ્ચે ગૂમડું, ઔષધ છે એનું અન્ન,
ભાણદાસ બાવો કહે એ ભર્યું હોય તો જ મોજ કરે છે મન.
વાત સાચી છે કે જો પેટ ભરેલું હોય, જો સમયસર અન્ન મળી રહેતું હોય તો જ મન મોજમાં રહે, તો જ મન કામ કરી શકે. હું અહીં થોડો ઉમેરો કરીને કહીશ કે જો સારું અન્ન મળે તો જ સારા વિચારો આવે અને જો શુદ્ધ અને સાત્ત્વિક અન્ન મળે તો જ મન શુદ્ધ અને વિચારધારા સાત્ત્વિક રહે.
અહીં આવીને પણ મને જમવાનું બનાવવાનું બહુ મન થાય અને આશ્રમ છે એટલે અહીં ક્વૉન્ટિટી પણ એ મુજબની બનતી હોય. આશ્રમમાં આવે તેમણે પ્રસાદ લઈને જ જવાનું એવો નિયમ સ્વામીજીએ બનાવ્યો છે. નવો કે અજાણ્યો આવ્યો હોય અને તેને ન ખબર હોય તો સ્વામીજી તેમને આ નિયમ સમજાવે અને પરાણે પ્રસાદ પર બેસાડે. હું અહીં ખીચડી અને બટાટાનું શાક બનાવું. આ લગભગ મારો કાયમનો નિયમ બની ગયો છે. ખીચડી બધા માટે એકસાથે બનાવવાને બદલે પાંચ-દસ લોકોની બનતી જાય અને એ ગરમાગરમ પીરસાતી જાય. શાકનું પણ થોડું એવું જ. થોડી ક્વૉન્ટિટી વધારે હોય, પણ બધાનું શાક એકસાથે બનાવવાનું નહીં. ભાઈ શૈલેશને અને મારા સન હાર્દિકને પણ રસોઈ બનાવતાં આવડે છે એટલે એ લોકો પણ મને મદદ કરવા આવે. શૈલેશ તો મારા કરતાં પણ વધારે સારી રસોઈ બનાવે છે.
રસોઈ બનાવવા માટે ત્રણ મોટા પથ્થર લઈને એની બખોલમાં લાકડાં ગોઠવીને આગ લગાવવાની. આવા ચૂલાને મંગાળો કહેવાય. મંગાળો જે રાંધે એમાં પોતાની અને ધરતીની મીઠાશ ઉમેરે એવું કહેવાય છે અને હું તો એ અનુભવી પણ ચૂક્યો છું. આ મંગાળો પર વાસણ મૂકી એમાં ખીચડી અને શાક બનાવવાનાં. ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને એ જ ખીચડી પ્રસાદમાં બધા જમે. મંગાળો પર બનેલી ખીચડીનું પાણી મહદંશે શોષાતું હોય છે એને લીધે બને એવું કે આ ખીચડી એકદમ રસદાર બને, એમાં પ્રવાહિતાનું પ્રમાણ હોય. બીજું કે એની સોડમમાં માટીની સુગંધ આવે. જો તમે બારીકીથી એ સૂંઘો તો તમને એમાં વરસાદની ભીની માટીની મહેક જેવી મહેક આવે.
ઈશ્વરનો સંકેત ગણો કે પછી ભગવાનની મહેર પણ પ્રસાદ બનાવતા હોઈએ એટલે ક્યારે કશું વધારે-ઓછું થાય નહીં. કોઈ ભૂલ થાય કે પછી અનાજ બગડે એવું પણ બને નહીં. આશ્રમમાં જ્યારે પ્રસાદ બનતો હોય ત્યારે માપ રાખીને એ બનાવવાનો પણ નહીં અને એ પછી પણ ધારો કે એ વધારે બની જાય તો એ પ્રસાદ પંખીઓને જમાડવાનો. એનો આનંદ પણ અનેરો છે. મારી આવડી ઉંમરમાં અત્યાર સુધીમાં માંડ એકાદ વાર મીઠું કે મરચું વધારે પડ્યું હોય એવું બન્યું હશે અને મને એનો ગર્વ છે. બાએ શીખવ્યું છે, આંગળી પકડીને સમજાવ્યું છે એટલે આવી ભૂલ થાય નહીં ને જો થાય તો બ્રાહ્મણનું પાકશાસ્ત્ર લાજે સાહેબ.

રસોઈ બનાવવા માટે ત્રણ મોટા પથ્થર લઈને એની બખોલમાં
લાકડાં ગોઠવીને આગ લગાવવાની. આવા ચૂલાને મંગાળો કહેવાય. મંગાળો જે રાંધે એમાં પોતાની અને ધરતીની મીઠાશ ઉમેરે એવું કહેવાય છે અને હું તો એ અનુભવી પણ ચૂક્યો છું. આ મંગાળો પર વાસણ મૂકી એમાં ખીચડી અને શાક બનાવવાનાં. ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને એ જ ખીચડી પ્રસાદમાં બધા જમે. મંગાળો પર બનેલી ખીચડીનું પાણી મહદંશે શોષાતું હોય છે એને લીધે બને એવું કે આ ખીચડી એકદમ રસદાર બને, એમાં પ્રવાહિતાનું પ્રમાણ હોય. બીજું કે એની સોડમમાં માટીની સુગંધ આવે. જો તમે બારીકીથી એ સૂંઘો તો તમને એમાં વરસાદની ભીની માટીની મહેક જેવી મહેક આવે.

Rashmin Shah columnists