કોના કહેવાથી ખય્યામસા’બે પ્લેબૅક સિંગર તરીકે આગળ ન વધવાનો નિર્ણય કર્યો?

19 January, 2020 04:27 PM IST  |  Mumbai Desk | rajani mehta

કોના કહેવાથી ખય્યામસા’બે પ્લેબૅક સિંગર તરીકે આગળ ન વધવાનો નિર્ણય કર્યો?

એક સંગીતકારની સફળતામાં તેના અરેન્જરનો ફાળો મહત્ત્વનો હોય છે. સંગીતકાર ગીતનું એક માળખું બનાવીને અરેન્જરને આપે. ત્યાર બાદ એને સંગીતની ખૂબીઓથી ભરવાનું કામ અરેન્જરનું હોય છે. હિન્દી ફિલ્મોમાં જે મહાન અરેન્જર્સ થઈ ગયા તેઓમાં ઍન્થની ગોન્સાલ્વિસ, બાસુ-મનોહરી સિંહ, પ્યારેલાલ, ઉત્તમ સિંહ, અનિલ મોહિલે, સપન–જગમોહન, સોનિક–ઓમી જેવા અનેક ધુરંધર કલાકારોનાં નામ આવી શકે. સમય જતાં આમાંના ઘણા અરેન્જર્સ સ્વતંત્ર સંગીતકારો બનીને નામ કમાયા હતા. આવા જ એક હોનહાર અરેન્જર હતા એનોક ડેનિયલ્સ. ખૈયામને યાદ કરતાં એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે...

‘કભી કભી’ (૧૯૭૬)માં પહેલી વાર ખૈયામસા’બના અરેન્જર તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો. એ પહેલાં એક મ્યુઝિશ્યન તરીકે મેં તેમની સાથે કામ કર્યું હતું. ‘કભી કભી’ પહેલાં અનેક અરેન્જર્સ તેમની સાથે કામ કરી ચૂક્યા હતા, પરંતુ કોઈ પર્મનન્ટ નહોતા થયા. છેવટ સુધી તેમની સાથે અરેન્જર તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો એ મારે માટે બહુ મોટી વાત છે.’

‘કભી કભી’ ખૈયામસા’બના જીવનની માઇલ સ્ટોન ફિલ્મ બની ગઈ. આ પહેલાં ‘ફુટપાથ’ અને ‘ફિર સુબહ હોગી’ના સંગીત બાદ સૌને લાગતું કે તેમની ડિમાન્ડ વધી જશે, પરંતુ એમ ન બન્યું. એવું નહોતું કે તેમના સંગીતમાં જાન નહોતો. મને ખબર નથી કે તેમની સાથે કેમ આવું થયું. તેમની કાબેલિયતના પ્રમાણમાં તેમને જે શોહરત મળવી જોઈએ એ મળી નથી. મને લાગે છે કે આ બધા નસીબના ખેલ છે. જોકે ‘કભી કભી’ની સફળતા પછી તેમની ગણના ટોચના સંગીતકાર તરીકે થવા માંડી એ વાતનો અમને સૌને આનંદ થયો.
‘કભી કભી’ પછી તેમને ઘણી ફિલ્મો ઑફર થઈ. તેમને લાગ્યું હશે કે હવે એક પર્મનન્ટ અરેન્જરની જરૂર છે એટલે તેમણે આ જવાબદારી મને સોંપી. એક અરેન્જર તરીકે તેમને મારું કામ ખૂબ જ પસંદ આવ્યું. તેમની સાથે કામ કરતા દરેક જણને કંઈ ને કંઈ શીખવા મળ્યું એનો કોઈ ઇનકાર ન કરી શકે. એક અરેન્જર તરીકે મને કામ કરવા મળ્યું એ મારે માટે ગર્વની વાત છે.

ખય્યામસા’બ પોતે ગીતની અરેન્જમેન્ટમાં રસ લે છે. મેં એવા સંગીતકાર જોયા છે જેઓ ધૂન બનાવીને અરેન્જર પર બાકીની વાત છોડી દે છે. ગીતની બૅકગ્રાઉન્ડ મેલડીમાં ‘વાયોલિન’ના સમૂહનો એક ખાસ રીતે ઉપયોગ કરવા માટેનો હમેશાં તેમનો આગ્રહ હોય. તેઓ ભારતીય સંગીતના ઊંડા જાણકાર છે એટલે પૂરી અરેન્જમેન્ટ ઇન્ડિયન સ્ટાઇલમાં થવી જોઈએ એવું તેમનું માનવું છે. કોઈ વાર એવું બને કે અમે ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કૉર્ડ યુઝ કરીએ તો તરત અમને અટકાવે અને એમાં ફેરફાર કરાવે.

આ વાત તમને બરાબર સમજાય એટલે એક દાખલો આપું છું. બે-ત્રણ વર્ષ પહેલાં અમે ‘શગુફ્તી’ નામના એક આલબમ પર કામ કરતા હતા, જેમાં કૈફી આઝમીની ચુનંદી શાયરીઓ રેકૉર્ડ કરવાની હતી. એક ગીત કમ્પોઝ થઈ ગયું હતું જે ખૂબ કર્ણપ્રિય બન્યું હતું. તમે માનશો, બીજે દિવસે શું થયું? અમે સીટિંગ્સ માટે ભેગા થયા ત્યારે મને કહે, ‘ડેનિયલસા’બ આપણે જે સંગીત તૈયાર કર્યું છે એ શાયરીને દબાવી દે છે. આ આલબમ આપણે કૈફીસા’બની કવિતાને હાઇલાઇટ કરવા માટે બનાવીએ છીએ. સંગીત કવિતાને ઓવરશેડો કરે એ ન ચાલે. આપણું સંગીત એવું હોવું જોઈએ જે શાયરીને એના સાચા સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડે.

તમે વિચાર કરો કે તેમના જેવો ઊંચી કક્ષાનો સંગીતકાર આ રીતે વાત કરે ત્યારે કેવું લાગે? પોતાના સંગીતને સેક્રિફાઇસ કરીને કવિતાને આટલું મહત્ત્વ આપવું એ નાનીસૂની વાત નથી. એક મહાન સંગીતકાર જ આ કરી શકે. પૂરી અરેન્જમેન્ટને મારા મગજમાંથી ભૂલીને, એની અસરમાંથી મુક્ત થઈને, અમારે નવેસરથી કામ કરવું પડ્યું. આ વસ્તુ ધારીએ એટલી સહેલી નથી, પરંતુ એક ચૅલેન્જ તરીકે એનો સ્વીકાર કરીને આ કામ અમે કર્યું અને જોઈતું પરિણામ ન આવ્યું ત્યાં સુધી મહેનત કરી.

ખય્યામસા’બના કાન ખૂબ જ સરવા છે. ક્યાંય પણ નાની ભૂલ થાય તો તરત નોટિસ કરે. પોતે પર્ફેક્શનિસ્ટ છે એટલે દરેક પાસેથી તેમને એવી જ અપેક્ષા હોય. આને લીધે જ્યારે ટેક ફાઇનલ થાય ત્યાં સુધીમાં મ્યુઝિશ્યન્સ થાકી ગયા હોય. ઘણાની ફરિયાદ હોય કે તેઓ ઘણા ટેક લેવડાવે છે, પણ જ્યારે ફાઇનલ રેકાર્ડિંગ સાંભળીએ ત્યારે એટલી ખુશી થાય કે એનો કોઈ હિસાબ ન હોય. તેઓ કોઈને હેરાન કરવાના ઇરાદાથી આવું નથી કરતા, પરંતુ તેમના માઇન્ડમાં એક પર્ટિક્યુલર મેલડી હોય છે. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી તેઓ કામ પૂરું ન કરે.

‘સિંગર્સ સાથે પણ તેમનો આ જ ઍટિટ્યુડ હોય. તેમની એક બીજી ખાસિયત છે કે સંગીતકાર સી. રામચન્દ્રની જેમ પૂરું ગીત ગાઈને સંભળાવે અને કહે કે આમ જ ગવાવું જોઈએ. આમાં જરા પણ ફેરફાર નહીં ચાલે. તેઓ એક હાર્ડ ટાસ્ક માસ્ટર છે. તેમનાં ગીત ગાવાં એ સહેલી વાત નથી. આ જ કારણસર આજે પણ તેમનાં ગીતો એટલાં જ મેલડિયસ લાગે છે. આજે તો રેકોર્ડિંગનો આખો સીન બદલાઈ ગયો છે. આજના સંગીતકારો નાની-નાની બારીકીઓને નજરઅંદાઝ કરે છે. સળંગ ગીત રેકૉર્ડ કરવાને બદલે એક-એક ટુકડામાં ગીત રેકૉર્ડ થાય છે. એક લાઇન સારી રીતે ગવાઈ હોય અને સિંગર બીજી વાર એટલું સારું ન ગઈ શકે તો મહેનત કરવાને બદલે રેકૉર્ડિસ્ટને કહે કે પહેલાંની લાઇનને કૉપી-પેસ્ટ કરી દો.

ખય્યામસા’બ જ્યારે એક ફિલ્મ સાઇન કરે ત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટની એક કૉપી માગે. સૉન્ગ સીક્વન્સની બારીકાઈથી સ્ટડી કરે અને એ પછી જ ગીતની ધૂન બનાવે. તેમનું માનવું છે કે ગીતો કેવળ મનોરંજન આપવાનું કામ નથી કરતાં. ફિલ્મને અસરકારક રીતે આગળ વધારવામાં ગીતોનો મોટો ફાળો છે. ઘણી વાર એવું બને કે સિંગર્સને કઈ સિચુએશનમાં આ ગીત ગવાય છે એની ખબર ન હોય. ખય્યામસા’બ તેમને ડિટેઇલમાં એ વાત સમજાવે. નવા સિંગર્સ માટે અથવા પહેલી જ વાર તેમની સાથે કામ કરતા સિંગર્સ માટે આ એક લર્નિંગ પ્રોસેસ બની જાય. એક વસ્તુ મેં નોટિસ કરી છે કે તેમનો પર્ફેક્શન માટેનો આગ્રહ જોઈને ભલભલા સિંગર્સ તેમની સાથે દલીલ કરવાનું ટાળતા.

ખય્યામસા’બ માટે મેલડી સુપ્રીમ છે. કામ હોય કે ન હોય, તેઓ કદી પ્રલોભનને વશ ન થાય. પ્રોડ્યુસરને કહે, ‘હમણાં મારી પાસે એક ફિલ્મ છે અને એની પાછળ મારે પૂરતો સમય આપવો પડે છે. મારા આત્મસંતોષ માટે મારે આ ફિલ્મને મારું ઉત્તમ આપવું છે. એ સમયે તમારી ફિલ્મ હું હાથમાં લઈ શકું એમ નથી. જો તમે રાહ જોઈ શકતા હો તો ઠીક છે, નહીંતર તમે બીજા કોઈ સંગીતકારને સાઇન કરી લો. અત્યારે હું ફિલ્મ સ્વીકારીને તમને અન્યાય કરવામાં માનતો નથી.

સંગીત એક દરિયો છે. તમે જ્યારે સંગીતકાર બનો છો ત્યારે તમારા દિલો–દિમાગમાં એ સંગીત છવાયેલું હોય; જે તમે સાંભળ્યું હોય, શીખ્યું હોય. છેવટે તો એની જ અસર તમારા કમ્પોઝિશનમાં આવે છે. તમે વારંવાર એક પ્રકારની ધૂન બનાવો તો એનું કોઈ મહત્ત્વ નથી. સદીઓથી આપણે સાત સૂર સાથે રમતા આવ્યા છીએ એટલે કંઈક નવું બનાવવું એ અત્યંત મુશ્કેલ કામ છે. જેના પર ભગવાનની મહેર હોય તેઓ જ સતત નવી ધૂન નવી રીતે બનાવી શકે. ખય્યામસા’બના કિસ્સામાં હું છાતી ઠોકીને કહી શકું કે તેમના દરેક કમ્પોઝિશન એક-એકથી ચડિયાતાં છે.

ખય્યામસા’બ એક પર્ફેક્ટ જેન્ટલમૅન છે. કોઈને હર્ટ ન કરે. તેઓ એકદમ ધાર્મિક છે. મને સંગીત સમજાવતાં પહેલાં ઈશ્વરને પ્રાર્થના કરે. તેઓ માનતા કે ભગવાનના આશીર્વાદને કારણે જ તેમને આવી સુંદર, મેલડિયસ ધૂનોની પ્રેરણા મળે છે.

***

૮૦ના દસકાથી ભારતમાં ટેલિવિઝન સામાન્ય માનવીના જીવનનું એક અગત્યનું અંગ બની ગયું. દર્શકોના મનોરંજન માટે ફિલ્મ ઉપરાંત ટીવી-સિરિયલ્સનું ચલણ વધવા લાગ્યું. આ તરફ ફિલ્મસંગીતમાં અનેક નવા પ્રયોગ થવા લાગ્યા. વેસ્ટર્ન ઇન્ફ્લ્યુઅન્સ જીવનના દરેક ક્ષેત્રમાં પગપેસારો કરી રહી હતી તો પછી ફિલ્મસંગીત એમાંથી બાકાત કેમ રહી શકે. દર્શકોનો ટેસ્ટ બદલાતો હતો. ગ્લોબલાઇઝેશનની શરૂઆત થઈ ચૂકી હતી. સ્વાભાવિક છે કે ખય્યામસા’બ જેવા પરંપરાગત સંગીત આપનારા કલાકારોની ડિમાન્ડ પહેલાં જેવી ન જ રહે છતાં ‘ધ ગ્રેટ મરાઠા’ જેવી મેગા સિરિયલની સાથે સુનહરે વરક, ક્રાન્તિ ૧૮૫૭, મિલન અને દર્દ જેવી સિરિયલ્સમાં ખય્યામના સંગીતની નોંધ લેવાઈ. આ સિરિયલ્સ માટે ખય્યામે નવા જનરેશનના સિંગર્સ જેવા કે અનુપ જલોટા, સુરેશ વાડકર, હરિહરન, પંકજ ઉધાસ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, મિતાલી સિંહ, રૂપકુમાર રાઠોડ, તલત અઝીઝ, જસ્પિન્દર નરુલા, સુફવિન્દર સિંહ અને ઉદિત નારાયણ સાથે કામ કર્યું. આ દરેકને ખય્યામનું અમૂલ્ય માર્ગદર્શન મળ્યું અને તેમને સફળતાના માર્ગે આગળ વધવામાં સારીએવી મદદ મળી.

આ અરસામાં ખય્યામની જે ફિલ્મો રિલીઝ થઈ હતી એ સાગર સરહદીની ‘લોરી’ (૧૯૮૪ - ફારુખ શેખ અને શબાના આઝમી), વી. સાગરમોહનની ‘બેપનાહ’ (૧૯૮૫ – શશી કપૂર અને પૂનમ ઢિલ્લન), મુઝફ્ફર અલીની ‘અંજુમન’ (૧૯૮૬ - ફારુખ શેખ અને શબાના આઝમી), શ્રીમતી નમ્રતાદેવીની ‘દેવર ભાભી’ (૧૯૮૬ - અરુણ ગોવિલ અને શોમા આનંદ), એસ. એસ. બ્રોકાની ‘તેરે શહર મેં’ (૧૯૮૬ - નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલ), વિનોદ પાંડેની ‘એક નયા રિશ્તા’ (૧૯૮૮ – રાજ કિરણ અને રેખા), આનંદ પ્રકાશની ‘પરબત કે ઉસ પાર’ (૧૯૮૮ – અભિનવ ચતુર્વેદી અને લુબના સિંહ), અબ્દુલ રબ બિન મહફુઝની ‘જાન–એ–વફા’ (૧૯૮૯ – ફારુખ શેખ અને રતિ અગ્નિહોત્રી).

આ ફિલ્મો લો બજેટની અને મોટી સ્ટારકાસ્ટ વિનાની હતી. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મો ખાસ ચાલી નહીં અને ખય્યામના સંગીતની પણ ખાસ નોંધ ન લેવાઈ. જોકે વર્ષો બાદ તલત મેહમૂદનો મખમલી અવાજ સંગીતપ્રેમીઓને સાંભળવા મળ્યો જ્યારે ખય્યામે ફિલ્મ ‘લોરી’ માટે એક સુંદર ડ્યુએટ રેકૉર્ડ કર્યું. શાયર બશર નવાઝ લિખિત, તલત મેહમૂદ અને આશા ભોસલેના આ ગીતના શબ્દો હતા, ‘તુમ્હી સે રોશન હૈ રાત મેરી, તુમ્હી સે હર દિન હુઆ સુનહરા...’ એક બીજી નોંધવા જેવી ઘટના એ બની કે ફિલ્મ ‘અંજુમન’ માટે ખય્યામે શબાના આઝમીના સ્વરમાં ત્રણ ગીત રેકૉર્ડ કર્યાં. એ ઉપરાંત લાંબા સમય બાદ ખય્યામ અને જગજિત કૌરના અવાજમાં રેકૉર્ડ થયેલું ‘કબ યાદ મેં તેરા સાથ નહીં, કબ હાથ મેં તેરા હાથ નહીં...’ સાંભળવા મળ્યું.

આ ગીતને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘જ્યારે અતીતમાં ડોકિયું કરીને જોઉં છું ત્યારે નવાઈ લાગે છે કે હું શું બનવા આવ્યો હતો અને શું બની ગયો. મારે તો અભિનેતા બનવું હતું. જોકે ફિલ્મી દુનિયામાં મારી એન્ટ્રી ગાયક કલાકારરૂપે થઈ હતી. વર્ષો બાદ મને સંગીતકાર તરીકે નામના મળી. શરૂઆતના દિવસોમાં એક સિંગર તરીકે મારું નામ થવા લાગ્યું હતું. ઘણાને એમ લાગ્યું કે હું બીજો જી. એમ. દુર્રાની બની શકું એમ છે. (જી. એમ. દુર્રાની એ સમયના વિખ્યાત પ્લેબૅક સિંગર હતા. મોહમ્મદ રફી તેમની ગાયકીને આદર્શ માનીને આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા.)

એક દિવસ જી. એમ. દુર્રાની સાથે અચાનક મારી મુલાકાત થઈ. તેમણે મને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમે સંગીતકાર બની ગયા છો? મેં કહ્યું, હા, અને હમણાં એ ફિલ્મ માટે ગીતો કમ્પોઝ કરવાનું કામ ચાલુ છે.
આ સાંભળીને તેમણે કહ્યું, તો એ ગીતો તમે જ ગાવાના હશો, નહીં?

મારી ‘હા’ સાંભળીને તેઓ થોડા ઇમોશનલ બની ગયા અને કહે કે અલ્લાહની મરજીથી તમે સંગીતકાર બની ગયા છો. બહુ સારી વાત છે. હવે પ્લેબૅક સિંગર બનીને અમારા જેવા કલાકારોના પેટ પર લાત શું કામ મારો છો?

તેમના ચહેરા પરની લાચારી અને પીડા જોઈને હું હલી ગયો. મને તેમના દુ:ખનો અહેસાસ થઈ ગયો. ત્યા ને ત્યાં જ મેં નક્કી કર્યું કે મારે પ્લેબૅક સિંગર બનવાની કોશિશ ન કરવી જોઈએ અને સંપૂર્ણ ધ્યાન સંગીતમાં આપવું જોઈએ. ત્યાર બાદ લાંબા અરસા સુધી મેં એ દિશામાં જોયું નહીં. જોકે મને તેનો અફસોસ પણ નથી. વર્ષો બાદ ફિલ્મ ‘અંજુમન’ના ડાયરેક્ટર મુઝફ્ફર અલી અને જગજિતના આગ્રહ અને ઇચ્છાને માન આપીને અમે આ ડ્યુએટ રેકૉર્ડ કર્યું.
(આવતા રવિવારે ખય્યામસા’બની સંગીતયાત્રા પૂરી થશે)

rajani mehta weekend guide columnists