ન્યાય એટલે માત્ર કાયદો નહીં, કાયદાથી કંઈક વધુ

04 April, 2020 07:22 PM IST  |  Mumbai Desk | Dinkar Joshi

ન્યાય એટલે માત્ર કાયદો નહીં, કાયદાથી કંઈક વધુ

માણસ કેટલીક વાર સંજોગો કે પછી ઉશ્કેરાટના તકાદા હેઠળ અપરાધ આચરી લેતો હોય છે. અપરાધવૃત્તિ તેના જીન્સમાં નથી હોતી. આવા અપરાધીને એકાદ અપરાધ માટે એવી સજા થવી જોઈએ કે ભવિષ્યમાં તેને સુધારાનો અવકાશ રહે! ન્યાયનો આ પણ એક સિદ્ધાંત છે. ન્યાય દયા કા દાની કવિતાનો આ જ પ્રાણ છે. પણ આવો પ્રાણ ક્યાં અને કેટલો રેડવો જોઈએ એ વિવેકનો પ્રશ્ન છે

ભગવાન તથાગત બુદ્ધની બાલ્યાવસ્થાનો એક પ્રસંગ આજે યાદ આવે છે. બાળક સિદ્ધાર્થ અને તેનો સમવયસ્ક પિતરાઈ ભાઈ દેવદત્ત રાજમહેલના બગીચામાં રમી રહ્યા હતા. દેવદત્તે આકાશમાં ઊડતું એક પંખી જોયું અને એક પથ્થર ઊંચકીને એનાઉપર ઘા કર્યો. પંખી ઘાયલ થઈને લોહીલુહાણ થઈને ભોંય પર પડ્યું. સિદ્ધાર્થે દોડીને એ પંખીને તેડી લીધું, પાણી રેડ્યું, લોહી લૂછીને વનસ્પતિની ઔષધિ લગાડી. પંખી સ્વસ્થ થઈ ગયું. દેવદત્તે સિદ્ધાર્થ પાસે આવીને પંખીની માગણી કરી. તેણે કહ્યું - પંખી આકાશમાં ઊડતું હતું. એને જમીન પર મેં પાડ્યું માટે એના પર મારો અધિકાર છે. સિદ્ધાર્થે વળતો પ્રતિવાદ કર્યો - તેં પંખીને મારી નાખ્યું હતું. મેં બચાવ્યું છે એટલે એ મારું કહેવાય. આ ઝઘડાના ઉકેલ માટે બન્ને દાદીમા પાસે ગયા. દાદીમાએ બન્ને દીકરાઓની વઢવાડ સાંભળીને ચુકાદો આપ્યો - ન્યાય દયા કા દાની.
હિન્દી ભાષાના મૂર્ધન્ય કવિ મૈથિલીશરણ ગુપ્તે આ કથાનકને કવિતામાં વણી લીધું છે. આ કવિતા ગઈ કાલના હિન્દી વાચકોમાં અત્યંત લોકપ્રિય હતી. ‘ન્યાય દયા કા દાની’. આ ત્રણ શબ્દો એક ઉક્તિ જેમ વપરાતા. ૨૦૧૨માં નિર્ભયા નામે ઓળખાયેલી એક બાવીસ વરસની ગભરુ કન્યાને પીંખી નાખનાર ચાર નરાધમોને થોડા દિવસ પહેલાં જ ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા. બળાત્કાર માણસજાતે આચરેલો સૌથી ઘોર અપરાધ છે અને આદિકાળથી માંડીને આજ સુધી એવો એકેય દિવસ એવો નથી આથમ્યો કે માણસે આ અપરાધ આચર્યો ન હોય! દિલ્હીમાં અનેક અપરાધ થાય છે. કોઈ પણ ધુતારા કે બદમાશને ઓળખાવવા માટે ‘દિલ્હીનો ઠગ’ એ ઉક્તિ આપણે ત્યાં જાણીતી છે. નિર્ભયા પર અત્યાચાર કરનાર છ જણ હતા. ન્યાયી પ્રક્રિયા જ એટલી લાંબી ચાલી કે એક અપરાધી કુદરતી રીતે જ-આવરદા ખૂટી એટલે મરી ગયો. એકને તેની સગીરાવસ્થાનો લાભ મળ્યો અને સૌથી ક્રૂર અપરાધી હોવા છાતાં અદાલતી પ્રક્રિયા ચાલુ હતી ત્યાં જ તેની સજાનાં ત્રણ વરસ પૂરાં થઈ જતાં ગંગાસ્નાન કર્યું હોય એમ છૂટી ગયો- પેલી કન્યાનું નામનિશાન ભૂંસાઈ ગયું અને આ ‘સગીર’ બદમાશે કાયદાનો ગેરલાભ લઈને ખાધું પીધું અને રાજ્ય કર્યું.
આ ચારેયને ફાંસીના માંચડે લટકાવી દેવામાં ન્યાયના નામે હાંસીપાત્ર કહેવાય એવી પ્રક્રિયા ચાલી. ફાંસીને માંચડે લટકાવી દેવાના સર્વોચ્ચ અદાલતે અને દયાની અરજીના નામે રાષ્ટ્રપતિએ ચાર-ચાર વાર હુકમો આપ્યા. જેનો કોઈ રીતે બચાવ થઈ શકે નહીં એવા ઉઘાડા જુલમનો બચાવ કરવા માટે સામાજિક ન્યાયના ખેરખાંઓ દોડી આવ્યા. ન્યાયપોથીમાં એવી તે કઈ ખૂબીઓ - ખરેખર તો ખામીઓ કહેવાય - રહી ગઈ છે કે એકની એક દુર્ઘટનાને દેશના સર્વોચ્ચ ન્યાયધીશો કે રાષ્ટ્રપતિએ વારંવાર વાગોળવી પડે. ફાંસીને માંચડે ચડવાની બધી ન્યાયિક પ્રક્રિયા પૂરી થાય અને થોડાંક નાણાં ખાતર અધમાધમને પવિત્ર કરવા સજ્જન વકીલો
બહાર નીકળે. આ વકીલોને શું કહેવું? અદાલત, ન્યાયાધીશો અને વકીલો આ આખું માળખું સામાજિક ન્યાયની દેવડીના સરક્ષણ માટે છે. આ ન્યાયના રક્ષણ માટે છે?
અહીં બીજો એક પ્રશ્ન પણ ધ્યાનમાં લેવા જેવો છે. આ ચારેય અપરાધીઓ સામાજિક જીવનમાં નીચલા મધ્યમ વર્ગના પરિવારો છે. આર્થિક રીતે તેમને નબળા જ કહી શકાય. સાત-સાત વરસ સુધી તેમણે જે અદાલતી ખર્ચ કર્યો છે એ ધ્યાનમાં લઈએ તો સહજ પ્રશ્ન થાય - આવો ગંજાવર ખર્ચ તેમણે કર્યો શી રીતે? છેલ્લે-છેલ્લે યુનાઇટેડ નેશન્સની આંતરરાષ્ટ્રીય અદાલતમાં અપીલ કરવા સુધ્ધાંનો ખર્ચ તેમણે કર્યો. આ ખર્ચ જેવો-તેવો નથી હોતો એટલું જ નહીં, પાયાનો પ્રશ્ન એવો પણ થાય છે કે દેશના કોઈ પણ કાયદાને દેશની અદાલતોમાં ચકાસ્યા પછી યુનોની આંતરરાષ્ટ્રીય અદાલતમાં એને પડકારી શકાય ખરો? આ પડકાર આપણા દેશના મૂળભૂત સ્વાતંત્ર્યને પડકારે છે. આપણી વર્તમાન ન્યાય પદ્ધતિને ન્યાયી કહેતાં જીભ બે વાર અટકી જાય એવો આ મામલો છે.
જે આરોપીને કાનૂની સહાય માટે વકીલને રોકવાનું પરવડે નહીં તેને અદાલત તરફથી વકીલની સહાય મળે છે. આને આપણે ન્યાયી કહીએ છીએ. ફાંસીને માંચડે જેઓ સાત વરસ પહેલાં ચડી જવા જોઈતા હતા તેમને સાત વરસ સુધી કાનૂની રક્ષણ મળતું રહે એને ન્યાય કહેવાય કે ન્યાયના નામે નૌટંકી? માણસ કેટલીક વાર સંજોગો કે પછી ઉશ્કેરાટના તકાદા હેઠળ અપરાધ આચરી લેતો હોય છે. અપરાધવૃત્તિ તેના જીન્સમાં નથી હોતી. આવા અપરાધીને એકાદ અપરાધ માટે એવી સજા થવી જોઈએ કે ભવિષ્યમાં તેને સુધારાનો અવકાશ રહે! ન્યાયનો આ પણ એક સિદ્ધાંત છે. ઉપર દર્શાવેલી ‘ન્યાય દયા કા દાની’ કવિતાનો આ જ પ્રાણ છે. પણ આવો પ્રાણ ક્યાં અને કેટલો રેડવો જોઈએ એ વિવેકનો પ્રશ્ન છે. યાદ છે યાકુબ મેમણ? થોડા જ મહિના પહેલાં આ ત્રાસવાદીને ફાંસીને માંચડે લટકાવવા મધરાત સુધી અદાલતને ઓટલે ન્યાયધીશો ખાસ ઉજાગરા કરીને બેઠા હતા અને આવા ત્રાસવાદીના જનાનામાં હજારો સાગરીતો જોડાયા હતા? આને શું ન્યાય કહીશું? આ સમયનો તકાદો હતો કે પૂર્વ વ્યવસ્થા? ન્યાયના નામે આવી ગોઠવણ ચલાવી લેવાય ખરી?
આ ચાર નરાધમોને નરકને દરવાજે પહોંચાડી દેનાર જલ્લાદની વાત પણ સાંભળવા જેવી છે. આ જલ્લાદે ફાંસીનું દોરડું તૈયાર કરવામાં ત્રણ વાર શ્રમ કર્યો હતો. ત્રણ વાર તેમને ફાંસીએ લટકાવવાની તારીખ અને સમય જાહેર થયા પછી તેને રોકવામાં આવ્યો હતો. ત્રણ વાર તેણે દોરડું તૈયાર કર્યું. ત્રણ વાર દોરડાને સુંવાળું કરવામાં આવ્યું હતું. ત્રણ વાર માખણ અને એવા સ્નિગ્ધ પદાર્થો દોરડા ઉપર ઘસીને એવું બનાવવામાં આવ્યું કે અપરાધીની ગરદન પર ખરબચડા આંકા પાડ્યા વિના સજ્જડ ચીટકી જાય. આ ફાંસીનો ન્યાય તો જુઓ? આ જલ્લાદે ફાંસી પછી પત્રકારોને કહ્યું હતું કે ફાંસીગરનું આ કામ તેને ઘણું ગમે છે. જલ્લાદ તરીકે તે એવા અપરાધીઓને મૃત્યુમાં હડસેલી દે છે જેમણે પાપ આચર્યાં છે, જેમણે ક્રૂર કર્મો કર્યાં છે અને જેમને મારી નાખવાથી સમાજમાંથી દુષ્ટો ઓછા થશે અને સમાજ ભયમાંથી મુક્ત થશે. આમ ફાંસીગરનું કામ પવિત્રતાનું કામ છે. આ જલ્લાદના પિતા અને પિતામહ બન્નેએ જલ્લાદ તરીકે જ સમાજની સેવા કરી હતી. જોકે જલ્લાદ નરાધમને જ ફાંસીએ ચડાવી દે છે એવું માનવું સત્ય નથી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીએ લટકાવી દેનારો પણ એક જલ્લાદ જ હતો!
આ આખા ઘટનાક્રમમાં એક વાત વારંવાર ઊડીને આંખે વળગતી હતી. સાત વરસથી મુદતો પડ્યે જતી હતી, કાનૂની હુતુતુતુ રમાયે જતી હતી. અદાલતો બદલાયે જતી હતી અને અપરાધીઓની સજા લંબાયે જતી હતી. આ દરેક વખતે નિર્ભયાનાં માતા-પિતા અદાલતના દરવાજે આક્રંદ અને રુદન કરતાં હોય એવી તસવીરો અખબારોમાં છપાયે જતી હતી. આ માતાનું રુદન સરેરાશ વાચકનું દિલ દ્રવિત કરી નાખે એવું જ હતું. હવે ચારેયને મૃત્યુદંડનો અમલ થયો. ચારેય પહેલી પચીસીના યુવાન હતા. પત્ની, બાળ-બચ્ચાં અને પરિવારવાળા હતા. અત્યાર સુધી નિર્ભયાની માતા ન્યાય માગતી હતી, રુદન કરતી હતી. ફાંસીની સજા ન્યાયી છે કે નહીં એ વિષે દુનિયાભરમાં વિવાદ થાય છે. ઘણા દેશોએ ફાંસીની સજાને કાયદાઓમાંથી રદબાતલ કરી છે. આપણે નથી કરી. હવે આ ફાંસી અપાઈ ચૂકી ત્યારે અપરાધીની પત્ની અને આઠ-દસ વરસનું બાળક જેલના દરવાજે હૈયાફાટ રુદન કરતી તેમની તસવીર છપાય છે. એ સાથે જ નિર્ભયાની માતા વિક્ટરીનો વી-V બે આંગળીથી દર્શાવીને ખડખડાટ હસી ખુશખુશાલ તેના પતિ અને પરિવાર સાથે ઊભી છે એવી તસવીર પણ છપાય છે. આ બેય તસવીરો એકસાથે છાપવામાં અખબારી વિવેકનું નિર્લજ્જ હનન થયું છે! અપરાધ આ બળાત્કારીએ કર્યો છે, પણ ન્યાયના નામે સજા આ નિર્દોષ બાળક અને તેની પત્નીને થઈ છે! હવે આખી જિંદગી આ મા-દીકરા સામે આંગળી ચીંધાશે - કદાચ તેમને કોઈ કામ પણ નહીં આપે. કોણ કહે છે - ન્યાય દયા કા દાની?

ફાંસીને માંચડે લટકાવી દેવાના સર્વોચ્ચ અદાલતે અને દયાની અરજીના નામે રાષ્ટ્રપતિએ ચાર-ચાર વાર હુકમો આપ્યા. જેનો કોઈ રીતે બચાવ થઈ શકે નહીં એવા ઉઘાડા જુલમનો બચાવ કરવા માટે સામાજિક ન્યાયના ખેરખાંઓ દોડી આવ્યા. ન્યાયપોથીમાં એવી તે કઈ ખૂબીઓ - ખરેખર તો ખામીઓ કહેવાય - રહી ગઈ છે કે એકની એક દુર્ઘટનાને દેશના સર્વોચ્ચ ન્યાયધીશો કે રાષ્ટ્રપતિએ વારંવાર વાગોળવી પડે.

dinkar joshi weekend guide columnists