હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અજિત શાહ ખરેખર તો નાટકનો જ જીવ

04 June, 2020 07:33 PM IST  |  Mumbai | Latesh Shah

હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અજિત શાહ ખરેખર તો નાટકનો જ જીવ

રિટાયર્ડ ચીફ જસ્ટિસ અજિત શાહ

ગયા ગુરુવારે મેં તમને વાત કરી એ યાદ છે કે નહીં? મુંબઈ શહેરની ભાગદોડમાં આગલા દિવસે શું ખાધું હતું કે શું પહેર્યું હતું એ યાદ નથી રહેતું તો છેક ગયા ગુરુવારની વાત ક્યાંથી યાદ રહે. પણ હમણાં કોરોના સ્પેશ્યલ મન્થમાં લગભગ બધા ઘરે જ છે એટલે ઝાંખું-ઝાંખું તો યાદ હશે જ. 

૧૯૭૨-’૭૩ના વર્ષની વાત છે. ‘વો પ્યારે દીનોં કી પ્યારી યાદેં, ખાલી જેબ ઔર બહુત સારે વાદે, મક્કમ ઇરાદે’વાળી વાત છે. દીન એટલે લખ્યું છે કે કૉલેજકાળમાં દીનદશા જ હતી. ખિસ્સામાં ફદિયું ન હોય પણ વાતો તો માલેતુજાર કરવાની. ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અજિત શાહે કહ્યું કે તેમની પાસે એક સરસ નાટક છે અને તેઓ જ ડિરેક્ટ કરશે. બપોરે દિનકર જાનીની હાજરીમાં સ્ક્રિપ્ટ  આપી. તેમણે કહ્યું, ‘જો ૬ દિવસમાં નાટક કરવું હોય તો આજે સાંજે જ રિહર્સલ શરૂ કરવું પડશે. લો આ નાટકની કૉપી અને એની ૧૦ કૉપી કઢાવો અને ૯ કલાકાર ભેગા કરો,’ એમ કહી તેઓ તો જાની સાથે જતા રહ્યા. બપોરનો ધોમધખતો તડકો અને રિહર્સલ શરૂ કરવાનું ટેન્શન. બન્નેએ ભેગા મળીને મને લોથપોથ કરી નાખ્યો. ગવર્નમેન્ટ લૉ કૉલેજ થઈ કે.સી. કૉલેજનો રસ્તો પાંચ જ મિનિટનો, પણ એ દિવસે મને કે.સી. કૉલેજ પહોંચતાં ૨૫ મિનિટ લાગી. રસ્તે વિચારતાં-વિચારતાં ગમે ત્યાં ઊભો રહી જતો હતો. ચર્ચગેટ સ્ટેશન થઈ રસ્તો ક્રૉસ કરતો હતો અને રસ્તાની વચ્ચે ઊભો રહી ગયો. એક ઍમ્બૅસૅડર ટૅક્સીવાળાએ જોરદાર હૉર્ન વગાડ્યું અને સાથે મા-બહેનની સંભળાવી ત્યારે હું તંદ્રામાંથી જાગ્યો હોઉં એમ દોડીને રસ્તાની બીજી બાજુએ ભાગ્યો. મનમાં એક જ વાત ચાલતી હતી કે ખિસ્સામાં કાવડિયું નથી અને ૧૦ કૉપી પ્રિન્ટ કેવી રીતે કરાવીશ. બપોરે ત્રણ વાગ્યે કૉલેજ છૂટી ગઈ હશે તો આર્ટિસ્ટ ક્યાંથી ભેગા કરીશ?  ભારતભરમાંથી નાટકો આવવાનાં હતાં એવો મારો ભ્રમ હતો. હાથમાં અઢી કલાક જ બચ્યા હતા. કૉલેજ પહોંચ્યો તો મહેન્દ્ર લાઇબ્રેરીમાંથી બહાર નીકળતો દેખાયો. થયું, હાશ, ચા તો પીવા મળશે. એ લાઇબ્રેરીનો કીડો હતો. પાછળ પન્ના પણ બહાર આવી. અમે ત્રણેય ચા પીવા કૅન્ટીન તરફ ગયાં. ચા પીતાં-પીતાં મહેન્દ્રને સમજાવ્યો નાટકમાં રોલ કરવા. તેણે તો ચોખી ને ચટ ના પાડી દીધી. મારું દિવેલ પીધેલું ડાચું જોઈને પન્નાએ પૂછ્યું, ‘શું થયું?’ જીદ કરી. છેવટે મેં તેને સાચી વાત કરી કે ૧૦ કૉપી, આ ૨૦ પાનાંની કરવાની છે. તે સમજદાર હતી. તેણે તરત પૂછ્યું, ‘પૈસા છે?’ હું માથું ખંજવાળતાં જવાબ આપું એ પહેલાં તેણે પર્સ ખોલ્યું અને ૫૦ રૂપિયા મને પકડાવી દીધા. મને કહ્યું, ‘કૉપી કરાવી લે.’ હું લેતાં ખચકાવા લાગ્યો તો જતાં-જતાં તેણે કહ્યું, ‘થાય ત્યારે પાછા આપજે અને લાઇબ્રેરીમાં ઘણા સ્ટુડન્ટ્સ બેઠા છે, પૂછી જો.’ મારા જીવમાં જીવ આવ્યો. મારે નાટક કરવું જ હતું, તો ઉપરવાળો ફરિસ્તાઓ મોકલીને મારી એ જમાનામાં પહાડ જેવી લાગતી મુશ્કેલીઓને હલ કરતો જતો હતો. હું તરત જ પન્ના સાથે લાઇબ્રેરીમાં ગયો. એકાદ-બે ચહેરા ઓળખીતા લાગ્યા તેમને ચીપકી ગયો. તેમને જેમતેમ કરીને સમજાવ્યા. પન્નાએ બે છોકરીઓને સમજાવી. મેં બધાને કહ્યું કે આજે ડિરેક્ટર આવવાનો છે, ૬ વાગ્યે. આજનો દિવસ રહો, ફાવે અને ગમે તો કાલે આવજો, બસ. ૪ જણ તો માની ગયા. થૅન્ક્સ ટુ પન્ના. આજે તો તે બહુ મોટી ડૉક્ટર છે અને બૉમ્બે હૉસ્પિટલમાં હેડ ઍનેસ્થેશિયન છે. હું ત્યાંથી પાછો કૅન્ટીનમાં આવ્યો. મને એમ કે બે-ચાર ચા-નાસ્તો કરતા વિદ્યાર્થીઓને મનાવી લઈશ, પણ એ પ્રયાસ નિષ્ફ્ળ નીવડ્યો. સાડાચાર વાગી ગયા હતા. હું ભાગ્યો ટાઇપિંગવાળા પાસે ચર્ચગેટ સ્ટેશન તરફ. તેણે કહ્યું કે પ્રિન્ટ કરીને એક કલાકમાં નહીં મળે. તેના કહેવાથી ઝેરોક્સ કૉપી કરાવી. કૉલેજ આવીને છૂટાં પાનાંઓને ટાંચણી અને પિન મારીને ૧૦ કૉપી તૈયાર કરી. સાડાપાંચ વાગી ગયા હતા. ચાર વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાંથી બહાર કાઢ્યા. ત્યાં રફિક અને તેની સાથે ચાર વિદ્યાર્થીઓ બહાર સ્ટેપ પર બેઠેલા દેખાયા. રફિકને મસ્ત મસ્કા-પાંઉ અને ચા પીવડાવી અને મસ્કો મારતાં તેને મોટોભા બનાવીને પ્રૉબ્લેમ રજૂ કર્યો. તે પોતે આ વર્ષે ફેલ થયેલો એટલે ભાગ લઈ શકે એમ નહોતો.
તેણે પહેલાં ચારને બોલાવીને મારી સાથે ગોઠવી દીધા. બરાબર ૬ વાગ્યાના ટકોરે અજિત શાહે કૉલેજમાં પ્રવેશ કર્યો. હું તેમને રિહર્સલ-હૉલમાં લઈ ગયો. આઠ વિદ્યાર્થીઓને તેમની સામે રજૂ કર્યા. અજિતસર તો શરૂ થઈ ગયા. નાટકનું નામ હતું, ‘મૈં અનિકેત સહસ્રબુદ્ધે હૂં...’ તેમણે  બધાને સ્ક્રિપ્ટ આપવાનું કહ્યું, મેં સરને પહેલી કૉપી આપી. તેમને પગે લાગવાનું મન થયું, હું પગે લાગ્યો. તેમણે  તરત પગ હટાવી લીધો. મને પગે લાગવાની ના પાડી. તેમની શાંત અને સૌમ્ય પ્રતિભાથી,  હું આકર્ષાયો હતો. તેમણે કહ્યું, ‘પગે લાગવું હોય તો સ્ક્રિપ્ટને લાગો. નાટ્યદેવતા નટરાજને  લાગો.’ તેમની દરેક વાત સીધી, સરળ અને સ્પષ્ટ હતી એનો અનુભવ ૬ દિવસમાં થઈ ગયો. ૧૯૭૨માં ફક્ત એક એકાંકી મારું ડિરેક્ટ કર્યું. તેમના સાલસ નિખાલસ સ્વભાવને લીધે ૨૦૨૦માં પણ તેમનો ચહેરો સ્પષ્ટ રીતે યાદ છે. મારા જીવનમાં આવેલા જૂજ ઉમદા માનવોમાં તેમનું નામ આવે. આજે તો તેઓ ભારતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા નાગરિક ગણાય છે. તેમણે ૧૯૭૬ સુધી નાટક કર્યાં  અને ત્યાર બાદ કાયદાના સ્નાતક હોવાથી એમાં પોતાનો જીવ પરોવી દીધો. વકીલાત કરીને જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી. ફાઇનલી મુંબઈ હાઈ કોર્ટમાં જજ બન્યા. ત્યાર પશ્ચાત ચેન્નઈ હાઈ કોર્ટના ચીફ જજ બન્યા અને ફાઇનલી દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ. તેમણે ઘણાં લૅન્ડમાર્ક જજમેન્ટ આપ્યાં જે નાગરિકોની તરફેણમાં હતાં. ૨૦૧૦માં દિલ્હી હાઈ કોર્ટથી રિટાયર થયાં. મારા પરમ મિત્ર અને સફળ સિનિયર ઍડ્વોકેટ આરીફ બુકવાલાનું કહેવું છે કે અજિત શાહ સર ઉત્તમ દરજ્જાના માણસ તો હતા. મારા જીવનમાં આવેલા સર્વોત્તમ, કાબિલે તારીફ જસ્ટિસ હતા. હાર્ડ વર્કિંગ, ઓનેસ્ટ, ઍન્ડ વન ઑફ ધ ફાઇનેસ્ટ જજ ઑફ ઇન્ડિયા. મારા થિયેટરગુરુ અને દિગ્દર્શક તથા તેમના મિત્ર  દિનકર જાનીનું માનવું છે કે એ કાયદા પ્રત્યે જેટલો અજિત પેશનેટ હતો એટલો જ થિયેટરમાં પણ તીવ્ર રસ ધરાવતો હતો. તેની એકાગ્રતા અજબ-ગજબ હતી. જે નાટક તેણે તને કરાવ્યું એ જ નાટકમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવીને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ લીધો હતો. તેમના ગવર્નમેન્ટ લૉ કૉલેજના ક્લાસમેટ ઉસ્માન મેમણનું કહેવું છે કે અજિત એટલે સ્ટ્રૉન્ગ માઇન્ડ, સ્ટ્રેઇટ ફૉર્વર્ડ, પોતાનો પૉઇન્ટ ઑફ વ્યુ ધરાવતો નીડર ઇન્સાન. 
તેઓ લૉ કમિશનના ચૅરમૅન છે. 
આજે તેમની ગણના ભારતને મળેલા હાઈ કોર્ટના ઉત્કૃષ્ટ ચીફ જસ્ટિસમાં થાય છે. તેમને હજી થિયેટરમાં એટલો જ રસ છે. તેઓ નાટક ભજવી નથી શકતા, પણ દુનિયાભરમાં જ્યાં ગયા હોય ત્યાંનાં નાટકો જરૂર જુએ જ. મને ગર્વ છે કે સર, તમારા દિગ્દર્શન હેઠળ નાટક કરવા મળ્યું. 
અજિતસર પર જેટલું લખાય એટલું ઓછું છે. 
ચાલો૧૯૭૨-‘૭૩માં આવી જાઓ. 
અજિતભાઈએ રિહર્સલ શરૂ કર્યાં. બધાને મોટેથી નાટક વાંચવાનું કહ્યું. મને અનિકેતનું મુખ્ય પાત્ર વાંચવા કહ્યું. બાકી બધાને પણ એક-એક પાત્ર વાંચવાનું કહ્યું. નાટકનો વિષય કોર્ટમાં જ શરૂ થતો હતો. અનિકેત ઍક્સિડન્ટમાં મરી જાય છે અને તેનું મગજ વિકાસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કોર્ટમાં વિકાસ કહે છે કે ‘હું અનિકેત સહસ્રબુદ્ધે છું.’ તેને અનિકેતની બધી વાતોની જાણ હોય છે. ફાઇનલી કોર્ટે ચુકાદો આપવાનો છે કે માણસ શેનાથી ઓળખાય? શરીરથી કે મગજથી? બહુ જ રસપ્રદ વાર્તા અને અભિનયનો સ્કોપ હતો. નાટકના રીડિંગ વચ્ચે એકને સુસુ લાગી. અજિતસરે રિહર્સલ રોક્યું અને તેમને જવા દીધા. એ લોકો ગયા તો પાછા આવ્યા જ નહીં એટલે હું અજિતસરની પરમિશન લઈને તેમને શોધવા ગયો. તેઓ લાઇબ્રેરીમાં નહોતા. એક વિદ્યાર્થીએ કહ્યું કે એ લોકો તો ઘરે જવા નીકળ્યા છે હમણાં જ. હું તરત બહાર દોડ્યો. જોયું તો બન્ને પાંચ નંબરના બસ-સ્ટૉપ જઈ રહ્યા હતા. મેં બૂમ મારી ‘રસેશ.’ રસેશે પાછળ વળીને જોયું અને અચાનક બન્ને ભાગ્યા. હું પણ તેમની પાછળ તેમના નામની બૂમો પાડતો ભાગ્યો, પણ તેમની રફ્તાર મારાથી વધુ તેજ હતી. તેઓ એક બિલ્ડિંગમાં છુપાઈ ગયા. હાથમાં ન આવ્યા. એવો ગુસ્સો આવ્યો કે હાથમાં આવે તો તેમનું થોબડું તોડી નાખું. અજિતસરને શું જવાબ આપીશ? હું શોધતો રહ્યો, પણ પછી શું થયું? વાંચો આવતા ગુરુવારે. ફીડબૅક મોકલવાનું ભૂલતા નહીં. 

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો

દિલમાં ધગશ હોય, મનમાં દૃઢ મનોબળ હોય તો તમને જે જોઈએ એ ઉપરવાળો આપવા તૈયાર  હોય છે. માગતા આવડવું જોઈએ. બાળકની જેમ માગો તો મા બાળકની જિદ પૂરી કરીને જ જમ્પે. તપાસી જુઓ, આપણી અંદર એ બાળક જીવતો છે કે તર્ક જીવે છે? સંશય જીવે છે? ગ્રંથિઓ જીવે છે? બાળક બરકરાર હોય તો જલસો અને ન હોય તો પોતાને સ્પિરિચ્યુઅલી અપડેટ કરો. બાળકને જીવતો કરો. મારી વાત માનો.

latesh shah columnists