એ જુગારિયાઓ સાથે ધંધો કોણ કરે, તેના પૈસાની જવાબદારી કોણ લેશે?

01 October, 2019 05:38 PM IST  |  મુંબઈ | જે જીવ્યું એ લખ્યું- સંજય ગોરડિયા

એ જુગારિયાઓ સાથે ધંધો કોણ કરે, તેના પૈસાની જવાબદારી કોણ લેશે?

સફળતા પારાવાર

જે જીવ્યું એ લખ્યું

‘પ્રીતમ પ્રેમમાં પડ્યો’માંથી કેવી રીતે એ નાટક ‘પ્રીત, પિયુ ને પાનેતર’ બન્યું એની વાત મેં ગયા અઠવાડિયે તમને કહી. જોકે એ પાયાની વાત થઈ. ગુજરાતનું આ નાટક કઈ રીતે મુંબઈ પહોંચ્યું એની રસપ્રદ વાત હજી બાકી છે, જે આ અઠવાડિયે આપણે કરવાના છીએ.
એ સમયે જાણીતા નાટ્યકર્મી ચંદ્રવદન ભટ્ટ અમદાવાદ નાટકો કરવા આવતા. ચંદ્રવદન ભટ્ટ અને અમિત દિવેટિયા વચ્ચે સગપણ છે, જે આજે બહુ ઓછા લોકોને યાદ હશે. ચંદ્રવદન ભટ્ટનાં વાઇફ નિહારિકા ભટ્ટ અમિતભાઈનાં સગાં બહેન. માત્ર આ સંબંધ જ નહીં, એક્સપર્ટ ઍડ્વાઇઝરના હેતુથી પણ અમિતભાઈએ ભટ્ટસાહેબને કહ્યું કે તમે એક વાર અમારાં રિહર્સલ્સ જોવા આવો.
‘પ્રીત, પિયુ ને પાનેતર’માં બાબાનો જે રોલ ખૂબ વખણાયો છે એ રોલ એ સમયે માત્ર એક સીન પૂરતો જ હતો. નાટકમાં એ રોલને લંબાવવામાં નહોતો આવ્યો, પણ ભટ્ટસાહેબે રિહર્સલ્સ જોઈને કહ્યું કે આ પાત્ર બહુ સારું છે, એનો વધારો કરો અને આખા નાટકમાં તેને રાખો. આમ બાબાનું પાત્ર મોટું થયું.
અમદાવાદમાં એ નાટક બહુ ચાલ્યું અને ત્યારે નાટક સાથે સંકળાયેલા સૌકોઈની ઇચ્છા હતી કે આપણે નાટકને મુંબઈ લઈ જઈએ તો વટ પડી જાય કે અમદાવાદનું નાટક મુંબઈ પહોંચ્યું. એ વખતે તેમને કોઈ નાટક માટે ડેટ આપતું નહોતું. ચંદ્રવદન ભટ્ટે કહ્યું કે તમે કે. સી. કૉલેજ કે સુંદરાબાઈ હૉલમાં શો કરશો તો કોઈ તમને પૂછશે પણ નહીં, તમારી નોંધ પણ નહીં લેવાય. તમે તેજપાલ, બિરલા કે પાટકર જેવા હૉલમાં શો કરો તો જ તમને એનો ફાયદો થશે. પ્રોડ્યુસરોએ ભટ્ટસાહેબને જ કહ્યું કે તમે અમને ડેટ્સમાં મદદ કરો.
તેજપાલમાં એ વખતે ચાર રવિવારમાંથી બે રવિવાર ભટ્ટસાહેબને મળતા એટલે ત્યાં ડેટ હતી નહીં. બિરલા માતુશ્રીના મૅનેજર પાવરીસાહેબને વાત કરી એટલે પાવરીસાહેબે ભુલાભાઈ દેસાઈ હૉલના મૅનેજરને બોલાવ્યા. તેમણે કહ્યું કે ડેટ આપવામાં વાંધો નથી, પણ આ શાહબંધુઓ તો જુગારિયાઓ છે, તેમની સાથે કઈ રીતે પૈસાનો વહીવટ કરીએ. વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો અને નક્કી થયું કે એક મૅનેજર રાખવામાં આવે, જે બધા વચ્ચે ડીલ કરે અને આમ એન્ટ્રી થઈ બાલકૃષ્ણ વોરાની. બાલકૃષ્ણભાઈ કપોળ હતા. નાટકના પ્રસ્તુતકર્તાનું નામ એ સમય આપવાનો રિવાજ નહોતો, પણ બધાને ખબર પડે કે આ નાટક સાથે તેઓ જોડાયેલા છે એટલે તેમનું નામ સંપર્કમાં આપવાનું નક્કી થયું. તારીખોનું બધું મૅનેજમેન્ટ તેઓ કરતા અને આને માટે તેમને ૫૦ રૂપિયાનું કવર આપવામાં આવતું હતું.
રાજુ વસાણીના પપ્પા અને પારસ પબ્લિસિટીના માલિક જેમને બધા વસાણીકાકા કહેતા એ વસાણીકાકા એ સમયે જાહેરખબરો તો કરતા જ, પણ સાથોસાથ તેઓ બધા પ્રોડ્યુસરોની ડેટનું મૅનેજમેન્ટ પણ કરતા. જોકે તેઓ પછી આવ્યા. ત્યાર બાદ જે. અબ્બાસ, કૌસ્તુભ ત્રિવેદી વગેરે આવ્યા. કૌસ્તુભ મારો મિત્ર પણ છે અને મારો પાર્ટનર પણ છે, તેનું નામ તમે લગભગ રોજ પેપરમાં વાંચો જ છો. આ તો થઈ અત્યારની વાત, પણ એ સમયે નાટકલાઇનમાં પ્રસ્તુતકર્તાની કોઈ ભૂમિકા નહોતી, જે શરૂ કરી ‘પ્રીત, પિયુ ને પાનેતર’એ.
એ વખતે કાંતિ મડિયા અમિત દિવેટિયાને ગાળો આપતા કે તારે કારણે હવે અમારે પણ પ્રસ્તુતકર્તા રાખવો પડશે અને અમારે પણ તેને ૫૦ રૂપિયાનું કવર આપવું પડશે. ગુજરાત પછી ‘પ્રીત, પિયુ ને પાનેતર’ મુંબઈમાં પણ ખૂબ ચાલ્યું. આ નાટકની અઢળક સિદ્ધિઓ છે. જેમાંની સૌથી અમુક સિદ્ધિ ગણાવું તો લંડન અને અમેરિકામાં કોઈ ગુજરાતી નાટક સૌથી પહેલી વાર ભજવાયું હોય તો એ ‘પ્રીત, પિયુ ને પાનેતર’ છે. પોર્ટુગલમાં પહેલું અને છેલ્લું નાટક જો કોઈ ભજવાયું હોય એ પણ ‘પ્રીત, પિયુ ને પાનેતર’. આફ્રિકાના યુગાન્ડાના કમ્પાલા શહેરમાં પહેલી વાર કોઈ નાટકનો પબ્લિક શો થયો હોય તો એ હતો ‘પ્રીત, પિયુ ને પાનેતર’નો.
આ નાટક યુગસર્જક બનવા માટે જ જન્મ્યું હતું. એનાં રિહર્સલ્સ શરૂ થયાં ત્યારે એનું નામ ‘પ્રીતમ પ્રેમમાં પડ્યો’ અને એ ૧૯૬૪ની ૧ જાન્યુઆરીએ ઓપન થયું ત્યારે એનું નામ ‘પ્રીત, પિયુ ને પાનેતર’ હતું.
અહીંથી હવે આપણે ફરી આવી જઈએ કિશોરકુમાર અને મહેશકુમાર ઍન્ડ પાર્ટી પર. આપણે માટે આ બધી વાતો એટલા માટે જરૂરી હતી કે એમાં વાત પ્રોડ્યુસર એવા શાહ-ત્રિપુટીની આવતી હતી. રમેશ શાહ, અભય શાહ અને રાજુ શાહ ‘પ્રીત, પિયુ ને પાનેતર’ની સાથે મુંબઈ આવ્યા અને એ પછી તેમને કિશોરકુમારના શો પણ કરવાનું કામ મળ્યું. કિશોરકુમારના શો મળવાનું શરૂ થયું એ પહેલાં શાહ-ત્રિપુટી મહેશકુમાર ઍન્ડ પાર્ટીના શો પણ મુંબઈમાં કરતી, જેને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો હતો.
એ રિસ્પૉન્સ જોઈને જ શાંતિભાઈ દવેએ કિશોરકુમારના શોનું કામ શાહ-ત્રિપુટીને સોંપ્યું હતું. કિશોરકુમારની પહેલાંની વાત જુદી હતી અને ‘આરાધના’ રિલીઝ થયા પછીની વાત જુદી હતી. ‘આરાધના’ પછી કિશોરકુમાર સ્ટાર બની ગયા અને શાહ-ત્રિપુટીએ એનો પૂરો લાભ લેવાનું શરૂ કરીને મહેશકુમાર ઍન્ડ પાર્ટીની અવગણના શરૂ કરી દીધી.
મહેશકુમાર ઍન્ડ પાર્ટી પણ ખૂબ ચાલતી અને હાઉસફુલ શો લેવા માંડી હતી, પણ કિશોરકુમાર આવ્યા પછી શાહબંધુઓ મહેશ કનોડિયા સાથે થોડું દુર્લક્ષ કહેવાય એવું વર્તન કરવા લાગ્યા હતા અને કિશોરકુમાર સ્ટાર બની ગયા પછી તો આખું વર્તન જ બદલાઈ ગયું હતું. આ લાંબો સમય ચાલ્યું એટલે મહેશકુમાર તેમની પાસે ગયા. જઈને કહે કે તમે અમારા શો કરતા નથી તો આમાં અમારું ઘર કેમ ચાલે?
મહેશ કનોડિયાને કેવો જવાબ મળ્યો અને એ જવાબ સામે મહેશભાઈએ શું કર્યું એની વાતો આવતા અઠવાડિયે.

ફૂડ ટિપ્સ
મિત્રો, લંડનમાં અમારા રોજ શો ચાલુ હતા, પણ મેં તમને કહ્યું હતું એમ, શુક્રથી રવિ જ શો હોય. અમેરિકા કે પછી આપણે ત્યાં હોય છે એવું નહીં કે આડા દિવસે પણ શો ચાલુ હોય. આ વખતની ટ્રિપમાં અમારા નાટકના શો લંડનમાં તો હતા જ, પણ લંડનની સાથોસાથ અમે લેસ્ટર, બર્મિંગહૅમ, બ્રેડફર્ડ જેવા લંડનથી બેચાર કલાક દૂર આવેલાં આ શહેરોમાં પણ શો કર્યા.
ગયા વીક-એન્ડમાં અમે લંડનમાં શો કર્યા પણ ખૂબ થકવી નાખનારા એ શો હતા. અમે બપોરે ૧૨ વાગ્યે નીકળીએ, સેટ લગાડીએ, શો કરીએ અને પછી સેટ પાછો પૅકઅપ કરીને ફરી હોટેલ પર આવીએ. વીક-એન્ડમાં તનતોડ કામ કરીએ અને વીક-ડેઝમાં અમારે રજા કરવાની. આ વખતે અમે નક્કી કર્યું હતું કે ફરવા માટે અમે સેન્ટ્રલ લંડન નહીં, પણ આજુબાજુમાં જઈશું. અમારો સ્ટે વેમ્બલીમાં હતો. અહીં વેમ્બ્લી અરીના નામનું મોટું ફુટબૉલનું ગ્રાઉન્ડ છે અને વેમ્બ્લી પાર્ક સ્ટેશન છે. અહીંથી અમારે સેન્ટ્રલ લંડન જવા માટે ટ્રેન પકડવાની હોય. એ વિસ્તારમાં લંડન ડિઝાઇનર આઉટલેટ નામનો મોટો મૉલ છે. આપણે તો પહોંચી ગયા. બપોર પડી અને ચાની તલબ લાગી. મારી આદત છે કે ચા હોય તો સાથે કંઈક ખાવા જોઈએ એટલે મારી નજર શૉપિંગ પર નહીં, ચાને શોધવામાં પડી હતી.

હું, મારી ચા અને એના ચૂરોઝ : ચૂરોઝ બનાવવાનું જો ઘરમાં ચાલુ કરી દેશો તો તમને બહારથી બિસ્કિટ, ખારી કે ટોસ જેવી વરાઇટી લાવવી નહીં પડે.

લંડન ડિઝાઇનરના ફોયરમાં એક ખૂમચા જેવી જગ્યા હતી, ત્યાં ચા મળતી હતી. ચા અને સાથે ચૂરોઝ. અમેરિકામાં પણ મેં ચૂરોઝ ખાધા છે, પણ ત્યાં જે ચૂરોઝ મળે એ લગભગ દોઢ ફુટ લાંબા હોય. તમને કાગળની થેલીમાં આપે. તમારે રસ્તા પર ચાલતા જવાનું ને ખાતા જવાનું. અહીં જે ચૂરોઝ હતા એની સાઇઝ નાની હતી. મેં તો નક્કી કર્યું કે આજે ચા સાથે ચૂરોઝ ખાઈ લઈએ. ચૂરોઝ શું છે એ તમને પહેલાં કહી દઉં.
ચૂરોઝ એક સ્પૅનિશ આઇટમ છે. સ્પૅનિશમાં આ આઇટમનો જન્મ થયો અને પછી તો આખા યુરોપ, અમેરિકામાં ફેલાઈ ગઈ. ચૂરો એ સ્પૅનિશ શબ્દ છે અને સ્પૅનિશમાં એનો ઉચ્ચાર કંઈક અલગ જ થાય છે. ચૂરોઝ બનાવવાની રેસિપી બહુ સિમ્પલ છે.
ગરમ પાણીમાં સાકર નાખીને એને ઉકાળવાની, પછી એમાં તેલ નાખવાનું, પછી એ મિશ્રણને બાજુમાં મૂકી દેવાનું. ત્યાર બાદ ઘઉંનો લોટ લેવાનો, મેંદો હોય તો વધારે સારું. એ લોટને જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં નાખીને એને બરાબર મિક્સ કરી દેવાનું, પછી બરાબર એકરસ થઈ જાય એટલે આપણે ચકરી બનાવીએ એવી રીતે એને ચકરીની જેમ પણ પાડી શકો અને લાંબી સ્ટિક પણ કરી શકો. એ પાડી લીધા પછી એને તેલમાં તળી નાખવાની અને એ તૈયાર થઈ જાય એટલે એના પર દળેલી સાકર ભભરાવી દેવાની. આ ચૂરોઝ લિક્વિડ ચૉકલેટ સાથે પણ ખાઈ શકો અને ચા સાથે પણ ખાઈ શકો.
અદ્ભુત આઇટમ છે. ઘરે પણ બનાવી શકો છો, પણ યુરોપ ફરવા જાઓ ત્યારે અહીં પણ એ એક વાર ટેસ્ટ અચૂક કરજો.

Sanjay Goradia columnists