એક લટાર પદ્મારાણી, શૈલેશ દવે, કાન્તિ મડિયા અને રાશુની દુનિયામાં

22 October, 2019 01:40 PM IST  |  | જે જીવ્યું એ લખ્યું - સંજય ગોરડિયા

એક લટાર પદ્મારાણી, શૈલેશ દવે, કાન્તિ મડિયા અને રાશુની દુનિયામાં

રાણી તારાં રૂપ અનેક : પદ્‍મારાણી સાથે મારે હંમેશાં ઘરોબો રહ્યો છે. મારા જીવનની સ્ટ્રગલ ચાલતી હતી ત્યારે તેમણે ગુજરાતી ફિલ્મો છોડીને નાટકો તરફ પુનઃ આગમન કરી લીધું હતું.

‘ચિત્કાર’ છોડ્યા પછી મને બે નાટકની ઑફર આવી, જેમાંથી ‘હિમકવચ’ નાટક મેં સ્વીકારી લીધું. નાટકના લેખક રાજેન્દ્ર શુક્લ, દિગ્દર્શક અમિત દિવેટિયા અને પ્રોડ્યુસર જે. અબ્બાસ. એ સમયે રાજેન્દ્ર શુક્લનો જમાનો હતો. અમે બધા તેને રાશુ કહેતા. રાશુ સાથે ‘હિમકવચ’ સિવાય બીજાં બે નાટકો પણ કર્યાં, એક હતું ‘સંગાથ’ અને બીજું હતું ‘સટોડિયો હર્ષદ’. આ નાટકોમાં પણ તેણે જ મારું નામ સજેસ્ટ કર્યું હતું. નાટકો વિના હું ક્યારેય બેસી નથી રહ્યો. બેસી રહેવાનો કોઈ અર્થ પણ નથી, જે મેં તમને ગયા વીકમાં કહ્યું. અત્યારે વાત કરીએ ‘હિમકવચ’ની.

‘હિમકવચ’માં મારો એક જ સીન હતો. જૂની રંગભૂમિમાં મુખ્ય વાર્તા પ્રભાવિત ન થાય એટલે કર્ટન આવે અને એમાં અલગ જ કૉમેડી ચાલે, એને મૂળ વાર્તા સાથે કોઈ સંબંધ ન હોય, આને કર્ટન-કૉમિક કહેવાય. જોકે સમય જતાં લેખકો સ્માર્ટ થઈ ગયા અને તેમણે નાટકમાં જ કૉમિક સીન વણી લેવાનું શરૂ કરી દીધું જે વાર્તાનો જ એક ભાગ લાગે. આવું જ એક પાત્ર મારે ‘હિમકવચ’માં કરવાનું હતું. વાત આગળ વધે એ પહેલાં કહી દઉં કે મને શોદીઠ ૧૫૦ રૂપિયા આપવામાં આવતા.

‘હિમકવચ’ બહુ સરસ નાટક બન્યું હતું. નાટકનાં મુખ્ય કલાકારોમાં સનત વ્યાસ, ભૈરવી વૈદ્ય, બિનિતા મહેતા (દેસાઈ), દીપક દવે, અમિત દિવેટિયા અને વિજય રાવલ હતાં. આ સિવાય પણ બીજાં અનેક પાત્રો હતાં, જેમાંનું એક પાત્ર ભૂપેન્દ્ર પંડ્યા કરવાના હતા. ભૂપેન્દ્ર પંડ્યા એટલે બીજું કોઈ નહીં, પણ અત્યારના વિખ્યાત કથાકાર જે મુંબઈનાં મોટા ભાગનાં ગુજરાતી ઘરોમાં જાણીતા છે. ભૂપેન્દ્ર પંડ્યા એ સમયે નાટકો કરતા. એ સમયે તેઓ સત્યનારાયણની કથા પણ કરાવતા. સત્યનારાયણની કથામાં બેસવાનું કામ સૌથી બોરિંગ હતું. એક તો વિધિ લાંબી-લાંબી ચાલે અને એ પછી મહારાજ કથા સંભળાવે. આપણા જેવા પ્રસાદિયા ભગતને આ બધાનો બહુ કંટાળો આવે, પણ ભૂપેન્દ્ર પંડ્યાની વાત સાવ જુદી હતી. તેઓ કથા એટલી સરસ રીતે સમજાવે કે મારા જેવાને પણ એમાં રસ પડે. એનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ પોતે બહુ સારા ઍક્ટર એટલે માત્ર કથા કહે નહીં, ભાવ સાથે વર્ણવે. વર્ણવે પણ ખરા અને શાસ્ત્રોક્ત રીતે સમજાવે પણ ખરા. ભૂપેન્દ્ર પંડ્યાએ ‘હિમકવચ’માં બિનિતા મહેતાના બૉયફ્રેન્ડનો રોલ કરવાનો હતો, જે પછી રિપ્લેસમેન્ટમાં સમીર રાજડાએ કર્યો. નાટકમાં એક બાળકલાકાર પણ હતી, નામ તેનું બેબી હિમજા. મારો રોલ દીપક દવેના બૉસનો હતો.

‘ચિત્કાર’ના મારા મહારાજવાળા રોલમાં મેં જે મારી ટિપિકલ સ્ટાઇલ ઍડ કરી હતી એ જ રીતે મેં મારા આ રોલમાં પણ મારી ખાસ સ્ટાઇલ ઉમેરી હતી. આ પાત્રની સૌથી મોટી ખામી એ હતી કે એની આગળ-પાછળ કોઈ ભૂમિકા બંધાઈ નહોતી, દસ જ મિનિટનું કૅરૅક્ટર અને એમાં બધાને હસાવીને જતા રહેવાનું. બહુ મુશ્કેલ કામ હતું, પણ મેં રોલમાં અમુક એડિશન કરવા ઉપરાંત મારું પ્રચલિત હાસ્ય ઉમેર્યું અને સ્ક્રિપ્ટમાં ન હોય એવા બેત્રણ જોક પણ એમાં વણી લીધા, જેને લીધે એ પાત્ર લોકોને ખૂબ ગમ્યું.

‘ચિત્કાર’ના બે વર્ષના સમયગાળામાં મેં ઘણાં નાટક જોયાં હતાં. એ નાટકોમાં એક નાટક હતું ‘સર્પનાદ’, જેના લેખક પ્રવીણ સોલંકી અને દિગ્દર્શક અરવિંદ ઠક્કર હતા. એક નાટક હતું ‘એક સપનું બડું શૈતાની’, નીલ સાયમનનો એક અંગ્રેજી પ્લે છે ‘પ્રિઝનર ઑફ ફોર્ટી સેકન્ડ ઍવન્યુ’. ‘એક સપનું બડું શૈતાની’ જેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો સીતાંશુ યશશ્ચન્દ્રએ. આ નાટકમાં ડેઇઝી ઈરાની અને અરવિંદ રાઠોડ હતાં તો આ જ નાટકના હિન્દી વર્ઝનમાં કલાકાર હતાં ડેઇઝી ઈરાની અને શફી ઇનામદાર. બન્ને નાટકના દિગ્દર્શક હતા શફી ઇનામદાર. એ પછી ગુજરાતી રંગભૂમિ પર પદ્‍મારાણીનું પુનઃ આગમન થયું.

પદ્‍માબહેન વર્ષોથી ગુજરાતી ફિલ્મો તરફ વળી ગયાં હતાં. અગાઉ તેમણે અઢળક નાટકો કર્યાં હતાં, પણ થોડાં વર્ષોથી તેઓ માત્ર ગુજરાતી ફિલ્મો જ કરતાં હતાં. શૂટિંગ અને નાટકના શોની ડેટ્સ ક્લૅશ થાય એટલે તેમણે નાટકો છોડી દીધાં હતાં. કમબૅક પછી પદ્‍માબહેને પોતાનું કલાકેન્દ્ર નામનું બૅનર શરૂ કર્યું, જેમાં પાર્ટનર હતા પૉપ્યુલર કેટરર્સવાળા હરીશ શાહ અને અજિત શાહ. એ નાટકનું નામ હતું ‘અકસ્માત’, લેખક-દિગ્દર્શક શૈલેશ દવે, મને પાક્કું યાદ છે કે આ નાટક મેં પાટકર હૉલમાં જોયું હતું અને એ દિવસ હતો શનિવારનો. શો હાઉસફુલ હતો.

એ પછી એક નાટક આવ્યું હતું ‘ચાન્નસ’. ‘વન ફલુ ઓવર ધ કકુસ નેસ્ટ’ નામની એક અંગ્રેજી ફિલ્મ હતી, જે ફિલ્મ પરથી કેતન મેહતાએ આઇએનટી માટે નાટક ડિરેક્ટ કર્યું હતું, એ નાટક એટલે ‘ચાન્નસ’. શૈલેશ દવેનો જમાનો હતો એ. નાટકનું કામ ચાલુ થાય ત્યાં જ બધે તેમની વાતો થવા માંડી હોય. શૈલેશભાઈ લિખિત-દિગ્દર્શિત ‘ત્રેવીસ કલાક બાવન મિનિટ’ નાટક પણ મેં જોયું હતું. એ તબક્કે કાંતિ મડિયાના એક પછી એક એમ ૭ નાટકો ફ્લૉપ ગયાં હતાં અને એ પછી તેમણે સુપરહિટ નાટક આપ્યું, ‘કોઈ ભીંતેથી આઇના ઉતારો’. કાંતિ મડિયાએ એ સમયે ઘણાને એવું કહ્યું હતું કે જો હવે આ નાટક ફ્લૉપ ગયુંને તો મારી કમર તૂટી જશે, પણ એવું થયું નહીં અને નાટક હિટ થયું. આ નાટકના લેખક હતા પ્રવીણ સોલંકી. ત્યાર બાદ નાટક આવ્યું ‘એક હતી રૂપલી’ જે સુપર ફ્લૉપ થયું. ‘એક હતી રૂપલી’ અજિત વાચ્છાનીએ ડિરેક્ટ કર્યું હતું અને નાટકનાં પ્રોડ્યુસર હતાં સરિતા જોષી. સરિતાબહેન અને અજિત વાચ્છાની મુખ્ય ભૂમિકા કરતાં હતાં. લોકો તેમને જોવા આતુર રહેતાં પણ એમ છતાં આ નાટક ફ્લૉપ ગયું. એ પછી નાટક આવ્યું ‘કિસમિસ’. જે અંગ્રેજી નાટક ‘નૉઇઝિસ ઑૅફ’નું ગુજરાતી રૂપાંતર હતું.

આ બધાં નાટકો ‘ચિત્કાર’ પછીનાં અને ૧૯૮૩-’૮૪ના અરસાનાં હતાં. નાટકોની આવી જ વાતો આગળ પણ ચાલુ રાખીશું પણ આવતા મંગળવારે...

ગોરડિયા ગ્રુપ ઑફ બિસ્કૂટ્સઃ હૈદરાબાદના ચારમિનાર સામે આવેલી નિમરાહ કૅફે ઍન્ડ બેકરીની આઇટમ ખાધા પછી સાતે કોઠે દીવા થાય અને સ્વર્ગ ધરતી પર છે એની અનુભૂતિ પણ થાય.

ફૂડ ટિપ્સ

મિત્રો, ગયા રવિવારે અમારા નાટક ‘સુંદર બે બાયડીવાળો’નો શો હૈદરાબાદમાં હતો. રવિવારે સવારે ૧૦ વાગ્યે હૈદરાબાદમાં શો અને એ જ રાતે ૯ વાગ્યે અમારા નાટક ‘બૈરાઓનો બાહુબલી’નો શો મુંબઈના પ્રબોધન ઠાકરેમાં, બન્ને નાટકમાં મારા સહિત કુલ ચાર કલાકારો કૉમન એટલે ભાગદોડ ભરપૂર હતી. સવારનો શો પતાવીને અમારે તાત્કાલિક ઍરપોર્ટ જવા નીકળવાનું હતું અને ફ્લાઇટમાં ફરી મુંબઈ પહોંચવાનું હતું, પણ એમ છતાં એક વાત ક્લિયર હતી કે હૈદરાબાદ ગયો હોઉં અને તમારા માટે ફૂડ-ટિપ્સ ન લાવું એ કેમ બની શકે? ફૂડ-ટિપ્સ માટે મેં નક્કી કર્યું કે આગલા દિવસે જ હૈદરાબાદ પહોંચી જવું.

મિત્રો, હૈદરાબાદની કરાચી બેકરી અને એની આઇટમ તથા એનાં વર્લ્ડફેમસ ફ્રૂટ બિસ્કિટ વિશે તો બધાને ખબર જ છે અને મોટા ભાગનાએ એનો ક્યારેક ને ક્યારેક ટેસ્ટ પણ કર્યો હશે એટલે મેં વિચાર્યું કે કંઈક નવું શોધીએ. મને અમારા પ્રમોટર પાસેથી ખબર પડી કે ચારમિનાર પાસે આવેલી નિમરાહ કૅફે ઍન્ડ બેકરીમાં જવું જોઈએ. રાતના સમયે હું તો પહોંચ્યો ચારમિનાર. રાતે ચારમિનારની રોનક જ જુદી હોય છે. ચારમિનારની સામે જ આ કૅફે આવ્યું છે.

નિમરાહમાં જઈને મેં ત્યાંનાં વિખ્યાત ઓસમાનિયા બિસ્કૂટ મગાવ્યાં. આ ઓસમાિનયા બિસ્કૂટ આમ તો આપણી નાનખટાઈ જેવા શેપના, પણ નાનખટાઈ નહીં. સ્વાદમાં સહેજઅમસ્તી ખારાશ સાથેના અને સૉફ્ટનેસ એવી કે મોઢામાં મૂકો એટલે ઓગળી જાય. ઓસમાનિયા બિસ્કૂટ સાથે અમને ચા આપે. મજો પડી ગયો. અમે સાથે ખારી પણ મગાવી હતી. મિત્રો, તમને ખબર હશે કે સુરતની ખારી ખૂબ વખણાય છે, પણ આ ખારી અને સુરતની ખારી વચ્ચે ફરક હતો. સુરતની ખારી કરતાં નિમરાહની ખારી કલરમાં વધારેપડતી બ્રાઉન અને સૉફ્ટનેસ પણ એની વધારે. કહો કે જીભથી ભાંગવી હોય તો પણ ભાંગી જાય. મજા આવી ગઈ નિમરાહની ખારીમાં પણ. બીજી પણ અઢળક આઇટમો હતી અને ભાવ પણ એકદમ રિઝનેબલ.

આ પણ વાંચો : માર્ક્સ અને પર્સન્ટેજની દુનિયા : ચલ જમૂરે, અબ અંકલ કો ડાન્સ દિખાઓ

મિત્રો, ક્યારેય હૈદરાબાદ જાઓ તો તમે ચારમિનાર પર લટાર મારવા જશો જ. જો ચારમિનાર જાઓ તો ભૂલ્યા વિના નિમરાહ કૅફે ઍન્ડ બેકરીની મુલાકાત અચૂક લેજો. મજા પડી જશે એની ગૅરન્ટી.

Sanjay Goradia columnists