પ્રીતમ પરણી ગયો બની ગયું પ્રીત, પિયુ ને પાનેતર

24 September, 2019 02:31 PM IST  |  મુંબઈ | જે જીવ્યું એ લખ્યું - સંજય ગોરડિયા

પ્રીતમ પરણી ગયો બની ગયું પ્રીત, પિયુ ને પાનેતર

ઇતિહાસનું સર્જનઃ ‘પ્રીત, પિયુ ને પાનેતર’ નાટકનું નામ પહેલાં ‘પ્રીતમ પ્રેમમાં પડ્યો’ હતું, પણ સ્કૂલનાં ગ્રુપ-બુકિંગ નહીં મળે એવા ડરે એનું નામ બદલવામાં આવ્યું. નાટકમાં પ્રીતમનું કૅરૅક્ટર અમિત દિવેટિયા કરતા હતા.

ગયા વીકમાં આપણે વાત કરી કિશોરકુમારની. કિશોરકુમારને ત્યાં ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી જેને લીધે તેમણે બે લાખ રૂપિયા જેવી એ સમયની તોતિંગ રકમ ભરવાની આવી. આ સમયે તેમના પડખે આવ્યા શાંતિભાઈ દવે. દેવ આનંદ અને વી. શાંતારામને આ શાંતિભાઈ દવે ફાઇનૅન્સ કરતા. અડધી રાતે જો દેવ આનંદ ૧૦ લાખ રૂપિયા માગે તો શાંતિભાઈ તેમના ઘરમાંથી કાઢી આપે એવા તેઓ ખમતીધર. શાંતિભાઈએ કિશોરકુમારને કહ્યું કે જો તું મારા માટે લાઇવ શો કરે તો હું તને ઇન્કમ-ટૅક્સમાં ભરવાના બે લાખ રૂપિયા અત્યારે જ આપી દઉં.

કિશોરકુમાર પાસે હા પાડ્યા સિવાય કોઈ છૂટકો નહોતો. આ તેમના સંઘર્ષના દિવસો હતા, જો ના પાડે તો કાયમ માટે ખતમ થઈ જાય અને એવું કિશોરકુમારને પસંદ નહોતું એટલે તેમણે શોદીઠ ૩૦૦૦ રૂપિયામાં શાંતિભાઈ દવે માટે સ્ટેજ-શો કરવાનું નક્કી કર્યું અને એમ કિશોરકુમારના સ્ટેજ-શો શરૂ થયા.

આ જ અરસામાં ‘આરાધના’ રિલીઝ થઈ અને કિશોરકુમાર રાતોરાત સુપરસ્ટાર બની ગયા અને પછી તો તેમણે મોહમ્મદ રફીને પણ રિપ્લેસ કરી દીધા. શરૂઆત કિશોરકુમારને શોદીઠ ૩૦૦૦ રૂપિયા મળતા હતા. આ પેમેન્ટ પર કિશોરકુમારે ૬ મહિના ગાયું પણ ખરું પણ પછી ધીરે-ધીરે તેમના પેમેન્ટમાં વધારો થયો. ૩૦૦૦ના ૬ અને ૬ હજારથી સીધા ૧૫,૦૦૦ અને એમ કરતાં-કરતાં એક લાખ રૂપિયા શોદીઠ સુધી કિશોરકુમારનું પેમેન્ટ પહોંચી ગયું.

કિશોરકુમારને સ્ટેજ પર લાવનારા શાંતિભાઈ દવે તો ફાઇનૅન્સર હતા, તેઓ થોડા કંઈ શો ઑર્ગેનાઇઝ કરવાની જફામાં પડે એટલે તેમણે કિશોરકુમારના શો હૅન્ડલ કરવાનું કામ અભય શાહ અને રાજુ શાહને સોંપ્યું. અહીંથી હવે આપણી વાત જોડાય છે. અભય શાહ, રાજુ શાહ પાસે મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો પણ કૉન્ટ્રૅક્ટ હતો અને એ બન્ને ‘પ્રીત, પિયુ ને પાનેતર’ના શો પણ ઑર્ગેનાઇઝ કરતા હતા. ‘પ્રીત, પિયુ ને પાનેતર’ની વાત ચાલે છે ત્યારે એ વાતમાં એક ઉમેરો કરવાનો છે. જાણીતા નાટ્યકાર નિરંજન મહેતાએ મને કહ્યું કે ‘પ્રીત, પિયુ ને પાનેતર’ રંગરાગ બૅનર હેઠળ પ્રોડ્યુસ થયું હતું, જેના માલિકો અભય શાહ અને રાજુ શાહ એમ બે નહીં, ત્રણ હતા; જેમાં અભય શાહ અને રાજુ શાહ તો ખરા જ પણ તેમની સાથે રમેશ શાહ નામના એક ભાઈ પણ હતા. મહેશકુમાર ઍન્ડ પાર્ટી સાથે મુંબઈમાં રંગરાગે કૉન્ટ્રૅક્ટ કર્યો એ પહેલાં મહેશ કનોડિયાની આ મ્યુઝિકલ પાર્ટી હતી જ, પણ મુંબઈમાં એ રંગરાગ સાથે કૉન્ટ્રૅક્ટ કરીને આવ્યા. રંગરાગે મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો પહેલો શાે બિરલા માતુશ્રીમાં કર્યો હતો, જેમાં કાન્તિ મડિયા અને નિરંજન મહેતાને ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા.

આમ રંગરાગ એ સમયે ‘પ્રીત, પિયુ ને પાનેતર’ની અને મહેશકુમાર ઍન્ડ પાર્ટી પણ કરતા. થોડો સમય બધું બરાબર ચાલ્યું, પણ એક પૉઇન્ટ પછી પ્રીત, પિયુ ને પાનેતર’માં બે ટીમ પડી ગઈ. એક બાજુએ વિનોદ જાની અને અમિત દિવેટિયા આવી ગયા તો બીજા પક્ષે ત્રણેય શાહ પ્રોડ્યુસર આવી ગયા. એક ટીમ અમદાવાદમાં શો કરે અને બીજી ટીમ મુંબઈમાં શો કરે. અમિત દિવેટિયા બહુ સરસ રોલ કરતા હતા, અમદાવાદના બીજા ઍક્ટરો પણ પોતાની ભૂમિકા સરસ રીતે નિભાવતા હતા, પણ મુંબઈની ટીમ ઊણી ઊતરી એટલે મુંબઈની ટીમ સાથે નાટક બહુ ચાલ્યું નહીં. વિખવાદ વધ્યો એટલે અભય શાહે નાટકના લેખક વિનોદ જાની પર કેસ ઠોકી દીધો, પણ જજમેન્ટ જાનીની તરફેણમાં આવ્યું અને જજે કહ્યું કે લેખકને તમે તેનું નાટક કરતાં રોકી ન શકો.

ત્યાર બાદ કોઈક ડાહ્યા માણસની મધ્યસ્થીથી શાહ અને વિનોદ જાની વચ્ચે સમાધાન થયું અને ફરી પાછું નાટક મારમાર ચાલવા લાગ્યું. આપણે જે નાટકની આટલા લાંબા સમયથી વાતો કરીએ છીએ એ નાટક બન્યું કેવી રીતે એની તમને વાત કહું.

૧૯૬૪માં અમદાવાદમાં નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં ત્યારે નાટકનું ટાઇટલ હતું ‘પ્રીતમ પ્રેમમાં પડ્યો’. એલિસ બ્રિજની નીચે અત્યારે એક આશ્રમ જેવું છે પણ એ સમયે ત્યાં રિવેરા ક્લબ હતી. અમિત દિવેટિયા અને વિનોદ જાની સાઇકલ પર જ્યારે ત્યાંથી પસાર થાય ત્યારે એકબીજાને કહે કે આ રિવેરા ક્લબની લોન મળી જાય તો રિહર્સલ્સ કરવાની મજા પડે. વિનોદ જાની એક વખત રાજુ શાહ, રમેશ શાહ અને અભય શાહને મળ્યા. ત્રણેય શાહબંધુઓ અમદાવાદમાં કુમકુમ ક્લબ અને મેટ્રો ક્લબ ચલાવતા. એ ક્લબમાં પત્તાંઓનો જુગાર રમાતો. વિનોદભાઈએ તેમના મનની વાત કહી એટલે એ લોકોએ કહ્યું કે રિવેરા ક્લબ તો આપણા ફ્રેન્ડની છે, ત્યાં રિહર્સલ્સનું થઈ જશે અને આમ ‘પ્રીતમ પ્રેમમાં પડ્યો’ની શરૂઆત થઈ. આ પ્રીતમ એટલે અમિત દિવેટિયા પોતે.

રમેશ શાહ અને અભય શાહ ગ્રુપ-બુકિંગ લાવવાનું કામ કરતા. એ સમયે સ્કૂલનાં બ્લૉક-બુકિંગ ખૂબ મળતાં પણ હવે પ્રશ્ન એ આવ્યો કે કઈ સ્કૂલ ‘પ્રીતમ પ્રેમમાં પડ્યો’ નામનું નાટક તેમના સ્ટુડન્ટ્સને દેખાડે? આ પિરિયડમાં બાબુભાઈ પરમાર નામના એક ફિલ્મ-પ્રોડ્યુસર હતા. તેમની એક ફિલ્મનું નામ હતું ‘પ્રીત, પિયુ ને પાનેતર’ એટલે નક્કી થયું કે નાટકનું નામ બદલીને ‘પ્રીત, પિયુ ને પાનેતર’ કરવું અને સ્કૂલોના શો લાવવા. આ તો હજી પાયાની વાત થઈ, નાટક કઈ રીતે મુંબઈ પહોંચ્યું અને કેવી રીતે મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો કૉન્ટ્રૅક્ટ શાહ ત્રિપુટીએ ફાડી નાખ્યો એની રસપ્રદ વાતો તો હજી બાકી છે, પણ સ્થળસંકોચને કારણે એ વાતો આવતા અઠવાડિયે.

 જોકસમ્રાટ

પતિ બિચારો જમવા બેસે ને રોજ પત્ની છૂટું વેલણ ફેંકે.

એક દિવસ મારા જેવા એક મિત્રએ સલાહ આપી : ‘તું તેની રસોઈનાં વખાણ કર તો નહીં મારે.’

બીજા જ દિવસે પતિએ વાતને અમલમાં મૂકી અને જેવું જમવાનું આવ્યું કે તરત જ કહેવાનું શરૂ કર્યું ઃ ‘શું દાળ છે, વાહ. શું અફલાતૂન શાક છે. કહેવું પડે...’

હજી તો વધારે કંઈ બોલે એ પહેલાં તો રસોડામાંથી મઘમઘતું વેલણ આવ્યું અને વેલણની પાછળ લાલચોળ પત્ની પણ આવી ઃ ‘રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરો છો અને આજે પાડોશણ આપી ગઈ ત્યારે બેમોઢે વખાણ કરો છો?!

મિત્રો, આને કહેવાય અભાગિયાને ઊંટ પર બેસાડો તોયે કૂતરું કરડી જાય. 

રાણીના રાજમાં વડાપાંઉ : મુંબઈના બે મહારાષ્ટ્રિયન છોકરાઓએ કેવી રીતે બ્રિટનમાં ઑથેન્ટિક વડાપાંઉ અને બીજી ઇન્ડિયન આઇટમ શરૂ કરી એની સ્ટોરી તો આ વડાપાંઉ કરતાં પણ વધારે સ્વાદિષ્ટ છે.

ફૂડ ટિપ્સ

મિત્રો, આજે આપણે ફૂડ-ટિપમાં વાત કરીશું લંડનના શ્રીકૃષ્ણ વડાપાંઉની. લંડનમાં આવું નામ અઘરું પડી જાય એટલે તેમણે શૉર્ટ-ફૉર્મ બનાવ્યું છે SKVP. ખૂબ જ સરસ વડાપાંઉ બને છે અહીં. માત્ર વડાપાંઉ જ નહીં; પણ દાબેલી, ઉસળ, મિસળ અને બીજી ઘણી આપણી વરાઇટીઓ પણ ત્યાં મળે છે. જો તમે લંડન આવો તો અહીંના કોઈ પણ ગુજરાતી કે મરાઠીને પૂછશો કે SKVP શું છે એટલે તે તરત જ તમને ઍડ્રેસ આપી દેશે.

મારી હોટેલથી અડધો કલાક દૂર જ આ શ્રીકૃષ્ણ વડાપાંઉની બ્રાન્ચ હતી. હું ત્યાં ખાવા માટે ગયો. ખાધા પછી ખરેખર એવું થયું કે હું મુંબઈમાં બેસીને આપણાં ટિપિકલ વડાપાંઉ ખાઉં છું. ડિટ્ટો એવો જ ટેસ્ટ. મેં અહીં દાબેલી પણ ટેસ્ટ કરી, એનો પણ એકદમ ઓરિજિનલ ટેસ્ટ આવ્યો. મુંબઈથી હજારો માઇલ દૂર પણ આ ઓરિજિનલ ટેસ્ટ અકબંધ રહેવાનું કારણ છે SKVPના માલિકો સુજૉય અને સુબોધ.

આ બન્ને યુવાનોએ મુંબઈની રિઝવી કૉલેજમાંથી હોટેલ-મૅનેજમેન્ટ કર્યું છે અને હવે બ્રિટનમાં આ બિઝનેસ ચલાવે છે. તેમની સ્ટ્રગલ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. રિઝવી કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી બન્ને ફ્રેન્ડ્સ હાયર એજ્યુકેશન માટે યુકે આવ્યા અને અહીં આવ્યા પછી બન્નેએ અલગ-અલગ હોટેલમાં નોકરી કરી. નોકરી કરતાં તેમને વિચાર આવ્યો કે આપણે પણ આપણું નાનકડું વેન્ચર કરીએ અને ત્યાંથી આઇડિયા આવ્યો કે આપણે વડાપાંઉની રેંકડી કે પછી વડાપાંઉ બનાવવાનો ધંધો શરૂ કરવો જોઈએ. બન્નેમાંથી કોઈ પાસે મૂડી હતી નહીં એટલે તેમણે બધાને મળવાનું શરૂ કર્યું. દુકાનદારને મળે અને તેમને રિક્વેસ્ટ કરે કે તમારી દુકાનમાં અમને થોડી જગ્યા આપો, અમે ત્યાં વડાપાંઉ બનાવીશું. અઢકળ લોકોને મળ્યા પછી તેમને એક આઇસક્રીમવાળો મળ્યો, જેનો ધંધો બહુ સારો ચાલતો નહોતો એટલે બન્નેને એક ખૂણામાં નાનકડી જગ્યા ભાડા પર આપી અને આમ SKVPની શરૂઆત થઈ.

શરૂઆતમાં ત્રણ જ આઇટમ હતી; વડાપાંઉ, દાબેલી અને ચા. SKVP હતી એ લાઇનમાં બીજી ૨૦૦ દુકાનો હતી અને એમાં પણ ઇન્ડિયનની સંખ્યા વધારે. સુજૉય અને સુબોધ બન્ને છોકરાઓ હાથમાં ચાની કીટલી લઈને સવારમાં નીકળી પડે અને લોકોને ચા પહોંચાડે. ‘ચાઇવાલા-ચાઇવાલા’નો સાદ આપતા જાય અને લોકોને ચા પિવડાવતા જાય. ચા સાથે કંઈ ખાવાનું પણ જોઈએ એટલે વડાપાંઉ અને દાબેલીનો પણ ઉપાડ વધ્યો. ટેસ્ટ તો સરસ હતો એટલે પબ્લિસિટી વિના જ ક્વૉલિટીના આધારે ધંધો ચાલવા માંડ્યો, પણ પછી નવી તકલીફ આવી.

આ પણ વાંચો : મોદી, અમેરિકા અને ટ્રમ્પ, ઇમરાન : હજી કાંઈ કહેવાનું બાકી રહે છે કે...

મૂળ દુકાનદારે દુકાન વેચી નાખી એટલે તેમણે જગ્યા ખાલી કરવાનો વારો આવ્યો પણ એ પછી એક પાકિસ્તાની દુકાનવાળાએ તેમને મદદ કરી, કિચન વાપરવા આપ્યું અને બાજુમાં જ નાનકડી દુકાન કરી નાખી. એ દિવસ અને આજની ઘડી, બન્ને છોકરાઓએ પાછું વળીને જોયું નથી. અત્યારે યુકેમાં SKVPની ચાર બ્રાન્ચ છે. ક્યારેક લંડન જવાનું થાય તો ગૂગલમાં SKVP શોધજો, તમને નજીકની બ્રાન્ચનું લોકેશન મળી જશે. SKVPનાં દાબેલી અને વડાપાંઉ ખાસ ટેસ્ટ કરજો. જોકે હવે તો ભેળપૂરી, પાણીપૂરી, બૉમ્બે ચાટ જેવી ઘણી આઇટમો મળે છે, પણ આ બન્ને વરાઇટી અદ્ભુત છ અને સાથોસાથ આપણી મસાલાવાળી ચા, એ પણ બહુ સરસ બનાવે છે. તમને આપણા દેશની યાદ આવી જશે એ નક્કી.

Sanjay Goradia columnists