કિશોરકુમાર, મહેશકુમાર અને અમિતકુમાર

17 September, 2019 02:59 PM IST  |  મુંબઈ | જે જીવ્યું એ લખ્યું - સંજય ગોરડિયા

કિશોરકુમાર, મહેશકુમાર અને અમિતકુમાર

મનોરંજનનો મહાસાગરઃ મહેશકુમાર ઍન્ડ પાર્ટીના મહેશ-નરેશે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષનું સુખદાયી ફળ પણ તેમને મળ્યું છે.

આપણે વાત કરીએ છીએ ‘પ્રીત, પિયુ ને પાનેતર’ની. એક આખી બુક લખી શકાય એવા અનેક કિસ્સા આ નાટક સાથે જોડાયેલા છે. જોકે ‘પ્રીત, પિયુ ને પાનેતર’ પર એક બુક ઑલરેડી વિનોદ જાની દ્વારા લખાઈ છે. જૂજ નાટકો એવાં હોય છે જેના એક દિવસમાં ચાર પબ્લિક શો થયા હોય. મને લાગે છે ત્યાં સુધી સુપરહિટ નાટકના દિવસમાં ત્રણ શો થયા હોય એવું બને. મારાં જ નાટકો સાથે થયું છે, પણ એ ત્રણમાંથી એક કે બે સંસ્થા માટેના શો હોય. ‘પ્રીત, પિયુ ને પાનેતર’ જ્યારે ઓપન થયું ત્યારે તો સામાજિક સંસ્થા માટે શો કરવામાં આવે એવું કોઈ ચલણ જ નહોતું અને છતાં આ નાટકે એક જ દિવસમાં અમદાવાદમાં એક નહીં, બે નહીં, ચાર-ચાર શો કર્યા છે. અલગ-અલગ ઑડિટોરિયમ હોય પણ દિવસ એક જ હોય. કલાકારો પણ એ જ હોય અને ચાર શો થયા હોય. ‘પ્રીત, પિયુ ને પાનેતર’ની બીજી એક વાત કહું.

નાટક ફૉરેન જતું હતું ત્યારે એક વખત કલાકારોએ સ્ટીમરમાં જર્ની કરવાની આવી. એ જર્નીમાં બધાને ખબર પડી કે ‘પ્રીત, પિયુ ને પાનેતર’ના કલાકાર-કસબીઓ સાથે છે એટલે સાથેના પ્રવાસીઓએ આગ્રહ કર્યો, જેને વશ થઈને સ્ટીમરમાં સેટ લગાવીને નાટક ભજવવામાં આવ્યું. આ નાટકની સફળતાની ચરમસીમા દર્શાવે છે. ગયા વીકમાં આપણે વાત કરતા હતા ‘પ્રીત, પિયુ ને પાનેતર’ અને મહેશકુમાર ઍન્ડ પાર્ટીની. કહ્યું હતું એમ, એક શનિવારે ‘પ્રીત, પિયુ ને પાનેતર’નો શો બિરલા માતુશ્રી સભાગૃહમાં હતો, પણ ફ્લાઇટ ડિલે થવાને કારણે દિવેટિયા સમયસર પહોંચી શક્યા નહીં, જેને લીધે આઠ વાગ્યાનો શો રાતે સાડાનવ વાગ્યે શરૂ થયો. જબરી ધમાલ મચી ગઈ હતી. પબ્લિકને કાબૂમાં રાખવાનું કામ અઘરું થઈ ગયું હતું. લોકો ઑડિટોરિયમના કાચ તોડી નાખે, સીટો તોડી નાખે એવો ઘાટ ઘડાઈ ગયો હતો. એ વખતે મહેશકુમાર ઍન્ડ પાર્ટીવાળા મહેશ કનોડિયા ત્યાં હાજર હતા એટલે ક્યાંકથી હાર્મોનિયમની વ્યવસ્થા કરાઈ અને એક બીજા ભાઈએ ખુરસી પર તબલાં વગાડવાની જવાબદારી લીધી અને મહેશકુમારે માઇક સંભાળી લીધું. મહેશભાઈ છોકરીના અવાજમાં ગીતો ગાતા સાંભળીને લોકો અવાક્ થઈ ગયા. સાડાનવ વાગ્યા સુધી તેમણે ગીતો ગાયાં. બીજી બાજુ, અમિતભાઈએ ટૅક્સીમાં ઍરપોર્ટથી આવતાં-આવતાં રસ્તામાં જ કપડાં બદલી લીધાં અને ઑડિટોરિયમ પર રેડી થઈને પહોંચ્યા. મહેશભાઈએ ગીતો ગાઈને ઑડિયન્સને સાચવી લીધું અને અમિતભાઈ આવ્યા એટલે તરત જ નાટકનો શો શરૂ થઈ કરવામાં આવ્યો. ત્યાર બાદ નક્કી થયું કે જ્યારે પણ ‘પ્રીત, પિયુ ને પાનેતર’નો શો હોય ત્યારે મહેશકુમારને સ્ટૅન્ડ-બાય તરીકે સાથે રાખવા.

આવા દિવસો અને આવી જાહોજલાલી હતી ‘પ્રીત, પિયુ ને પાનેતર’ની. એ દિવસોમાં મહેશકુમાર ઍન્ડ પાર્ટી હજી શરૂ થવામાં હતી, પણ ધીમે-ધીમે એ પણ જામવા લાગી. અભય શાહ અને રાજુ શાહ એ સમયે ‘પ્રીત, પિયુ ને પાનેતર’ના શો કરતા. અભય શાહ પ્રોડ્યુસર તો ન કહેવાય, પણ આયોજન બધું તેમના હસ્તક રહેતું. બન્ને નાટકના શો કરે અને ખૂબ પૈસા કમાય. મહેશકુમાર ઍન્ડ પાર્ટીના મહેશ કનોડિયાએ કહ્યું કે તમે અમારા પણ શો કરો. રાજુ શાહ-અભય શાહે શો કરતાં પહેલાં બાકાયદા ઍગ્રીમેન્ટ કર્યું અને એ પછી શો શરૂ થયા. મહેશકુમાર ઍન્ડ પાર્ટીના શો પણ ધૂમ ચાલવા લાગ્યા.

આ પણ વાંચો : ફ્લાઇટ મોડી પડે તો મહેશકુમાર ઍન્ડ પાર્ટીવાળા મહેશકુમારને રાખીએ સ્ટૅન્ડબાયમાં

જો તમને યાદ હોય તો સાઠના દસકાના ઉત્તરાર્ધમાં સિંગર કિશોરકુમારના ઘરે ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી હતી. એમાં બન્યું એવું કે કિશોરકુમારે સંજય ગાંધી માટે ગાવાની ના પાડી દીધી. એ સમયે ઇન્દિરા ગાંધીનો ભારે દબદબો અને સંજય ગાંધી ઇન્દિરા ગાંધીના પૉલિટિકલ વારસદાર એટલે તેઓ પણ સુપરપીએમની ભૂમિકામાં જ હતા. સંજય ગાંધી માટે ગાવાની ના પાડી એટલે કેન્દ્રીય મંત્રાલયની કમાન છટકી અને ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટને આદેશ આપતાં તેમણે કિશોરકુમારને સાણસામાં લેવાના હેતુથી રેઇડ પાડી. એ સમયે કિશોરકુમારને બે લાખ રૂપિયા ટૅક્સ ભરવાનો આવ્યો. એ વખતે જો તમે ઈમાનદારીથી રહો તો તમારે ૯૭ ટકા ટૅક્સ ભરવો પડતો એટલે મોટા ભાગના લોકો બ્લૅકમાં જ કામ કરતા અને રોકડ રકમ લેવાનું વધારે પસંદ કરતા.

એ વખતના બે લાખ રૂપિયા એટલે આજના બે કરોડ રૂપિયાથી પણ વધારે મોટી રકમ કહેવાય. જો કિશોરકુમાર આ રકમ ન ભરે તો કદાચ એનો બંગલો જપ્ત કરી લેવામાં આવે એવી સ્થિતિ હતી. એ સમયે શાંતિભાઈ દવે નામના ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટર આગળ આવ્યા. આ શાંતિભાઈ દવે પાસે પુષ્કળ પૈસો. દેવ આનંદ અને વી. શાંતારામને તેઓ ફાઇનૅન્સ કરતા. અડધી રાતે દેવ આનંદ ૧૦ લાખ રૂપિયા માગે તો શાંતિભાઈ એના ઘરમાંથી કાઢી આપે એવા ખમતીધર. આ શાંતિભાઈ દવે કિશોરકુમારની વહારે આવ્યા. તેમણે કિશોરકુમારને કહ્યું કે જો તું મારા માટે સ્ટેજ-શો કરે તો હું તને ઇન્કમ-ટૅક્સમાં ભરવાના બે લાખ રૂપિયા અત્યારે જ આપી દઉં. કિશોરકુમાર પાસે હા પાડ્યા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો. આ તેમના સંઘર્ષના દિવસો હતા. જો ના પાડે તો કાયમ માટે ખતમ થઈ જાય. એવું કિશોરકુમારને પસંદ નહોતું એટલે તેમણે શોદીઠ ૩૦૦૦ રૂપિયામાં શાંતિભાઈ દવે માટે ગાવાનું નક્કી કર્યું. સમય જતાં કિશોરકુમારની આ ફીમાં વધારો કેવી રીતે થયો અને એ વધારો ક્યાં સુધી પહોંચ્યો એની વાતો આવતા મંગળવારે અને કિશોરકુમાર તથા મહેશકુમાર ઍન્ડ પાર્ટી લઈને મુંબઈ આવેલા અભય શાહ, રાજુ શાહ વચ્ચે શું બન્યું એની વાતો પણ આવતા અઠવાડિયે.

જોકસમ્રાટ

આજ સવારે થોડો આધ્યાત્મિક થઈ ગયો અને આંખો બંધ કરીને વિચારવા લાગ્યો:

‘કોણ છું હું? ક્યાંથી આવ્યો છું? શા માટે આવ્યો છું?’

ત્યાં જ રસોડામાંથી અવાજ આવ્યો,

‘એક નંબરના આળસુ છો તમે, ખબર નહીં ક્યાંથી મારો સમય ખરાબ કરવા આવ્યા છો. હવે ઊભા થાઓ અને નાહી લો...’

સાલું, બધા સવાલના સંતોષકારક જવાબ એક જ વારમાં મળી ગયા!

આલુ બાદશાહઃ લંડનમાં મળતા જૅકેટ પટેટોનો સ્વાદ જો એક વાર દાઢે વળગી ગયો તો આપણાં ગુજરાતી બૈરાંઓ ઘરે બનાવતાં થઈ જાય એની ગૅરન્ટી મારી.

ફૂડ ટિપ્સ

મિત્રો, ‘સુંદર બે બાયડીવાળો’ નાટકના શો માટે અમે અત્યારે લંડનમાં છીએ. લંડનમાં શુક્ર, શનિ અને રવિવારે જ શો થાય, ગુરુવારે ભાગ્યે જ શો હોય, જેને કારણે સોમથી ગુરુ સુધી અમે ફ્રી હોઈએ. આવીને તરત જ અમે ત્રણ દિવસમાં પાંચ શો કર્યા અને પછી સોમવાર આવતાં અમને થોડી નવરાશ મળી અને એ પછી અમે ફરવા નીકળ્યા, જેની શરૂઆત સેન્ટ્રલ લંડનથી કરી. ટ્રફાલ્ગર સ્ક્વેર, પિકાડેલી સર્કસ જોતાં-જોતાં અમે લેસ્ટર સ્ક્વેર પાસેના સોહો નામના વિસ્તારમાં આવ્યા. આ સોહોમાં દુનિયાભરની રેસ્ટોરાં છે. જેમાંની ઘણી રેસ્ટોરાંમાં મેં એક નામ કૉમન જોયું, જૅકેટ પટેટો. આ જૅકેટ પટેટોને ઇંગ્લૅન્ડમાં બેક્ડ પટેટો પણ કહે છે.

જેમ આપણે ત્યાં વડાપાંઉ કે અમદાવાદમાં દાળવડાં કે રાજકોટમાં ગાંઠિયા બહુ ખવાય છે એવી જ રીતે અહીં જૅકેટ પટેટો ખૂબ ખવાય છે. આપણો જે પંજો છે એ સાઇઝના એટલે કે ૬ ઇંચ જેવડા બટાટા ઉગાડવામાં આવે. આવા તોતિંગ બટાટા કેવી રીતે આવ્યા એની અલગ હિસ્ટરી છે જેની વાતો આપણે ફરી ક્યારેક કરીશું, પણ અત્યારે તમને એટલું કહી દઉં કે આ બટાટાને કિંગ એડવર્ડ પટેટો પણ કહેવામાં આવે છે.

કિંગ એડવર્ડને અવનમાં ૯થી ૧૨ મિનિટ બેક કરવામાં આવે અને પછી એની છાલને એમ જ રહેવા દઈ, એના બે ટુકડા કરી નાખવામાં આવે. આ ટુકડામાંથી બટાટાનું થોડુંક પૂરણ કાઢી એમાં તમને જે ગમે એ ટોપિંગ નાખીને સર્વ કરવાનું. તમે ટમેટો પ્યુરીમાં બનેલાં બેક્ડ બીન્સ નાખી શકો. તમે એની અંદર કોલસ્લો, આ કોલસ્લો એટલે કોબી અને ગાજરને છીણી એમાં મેયોનીઝ મિક્સ કરીને આપી શકો. મેક્રોની બાફીને એમાં મેયોનીઝ સાથે મીઠું અને મરી નાખીને પણ સર્વ કરી શકો. અલગ-અલગ રેસ્ટોરાંની સ્ટાઇલ અલગ-અલગ હોય. મેં અહીં બેક્ડ બીન્સ સાથેના જૅકેટ પટેટોનો ટેસ્ટ કર્યો. ઘણા મિત્રો, લંડન આવીને ફરિ યાદ કરતા હોય છે કે વેજિટેરિયન ફૂડ મળતું નથી, પણ એવું નથી, આ જૅકેટ પટેટો તો છે જ. જૅકેટ પટેટો અમેરિકામાં પણ ખૂબ મળે છે અને ફ્રાન્સમાં પણ એનું ચલણ છે એટલે જો તમે એ શોધી લો તો તમારી વેજિટેરિયનવાળી ફરિયાદ નીકળી જાય. પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને કિફાયતી પણ ખરું. માત્ર સાડાત્રણ પાઉન્ડમાં જૅકેટ પટેટો મળી જાય.

Sanjay Goradia columnists