તમને ખબર છે, આયેશા ઝુલ્કાએ ગુજરાતી ફૅમિલીમાં મૅરેજ કર્યાં છે!

30 March, 2023 05:04 PM IST  |  Mumbai | JD Majethia

પલ્લવીનું કૅરૅક્ટર માત્ર અતુલની વાઇફનું જ નહોતું, એ ગ્રૅન્ડમધર પણ હતી અને એટલે અમને હતું કે કદાચ આયેશા ઝુલ્કા એ કરવાની ના પાડી દે એવું બની શકે. જોકે તેણે અમને તરત જ કહ્યું કે હું ઍક્ટર છું, સારો રોલ હોય તો મારે કરવો જ છે

તમને ખબર છે, આયેશા ઝુલ્કાએ ગુજરાતી ફૅમિલીમાં મૅરેજ કર્યાં છે!

વાસ્તુ, જ્યોતિષ અને ન્યુમરોલૉજીમાં માનનારાઓને કહેવામાં આવે તો તેઓ પોતાના નામમાં ચેન્જ કરાવે. આવું જ અમારા સંજય ધોળકિયામાં થયું છે. તેને કહેવામાં આવ્યું કે સંજય કરતાં જો તે સંજોય કરે તો તેને લાભ થશે એટલે તે સંજોય કરી નાખે છે, પણ એ બોલતાં-બોલતાં નાકે દમ આવી જાય છે. 

આપણે વાત કરીએ છીએ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ના કાસ્ટિંગની. એમાં મેં કહ્યું એમ હેમલતાના કૅરૅક્ટરમાં રત્ના પાઠક શાહ અને દીકરા રમેશના પાત્રમાં અમે અતુલ કુલકર્ણીને ફાઇનલ કર્યા પછી વાત આવી રમેશની વાઇફ પલ્લવીના રોલ માટે, જેમાં અમે કાસ્ટ કર્યાં આયેશા ઝુલ્કાને. આયેશાનું આ કમબૅક જ હતું અને તેણે સહર્ષ રોલ સ્વીકારી લીધો એટલે અમને હેમલતાની ગોરી ગુજરાતણ પુત્રવધૂ મળી ગઈ, પણ આયેશા ઝુલ્કાની બાબતની એક વાત હજી આપણી બાકી છે.

તમને એમ થાય કે આયેશા ઝુલ્કા કેવી રીતે ગુજરાતી વહુનું કૅરૅક્ટર કરી શકે તો તમને કહી દઉં કે આયેશાએ ગુજરાતી ફૅમિલીમાં મૅરેજ કર્યાં છે અને હવે તો તે થોડું-ઘણું ગુજરાતી પણ બોલે છે. હા, ગુજરાતી ખાવા-પીવાનાં શોખીન પણ એવાં જ અને ગુજરાતી કલ્ચરથી પણ પરિચિત. અમારા માટે પણ આ વાત નવી હતી એટલે અમે પણ આ સાંભળીને રોમાંચિત થઈ ગયા. આયેશા ઝુલ્કા હવે આયેશા ઝુલ્કા વશી છે એ સહેજ તમારી જાણ ખાતર. તેમના હસબન્ડનું નામ સમીર છે અને તે મુંબઈમાં જ રહે છે. લાંબો સમય કૅમેરાથી દૂર રહેનારાં આયેશા ઝુલ્કાએ ઑન્ટ્રપ્રનર તરીકે ઘણું કામ કર્યું છે. હવે કલાકારો પોતાના ફીલ્ડ સિવાયનું પણ ઘણું કામ કરે છે અને એ વાત ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવી છે. ઘણા કલાકારો એવા છે જેઓ માત્ર ઍક્ટર નથી પણ ઑન્ટ્રપ્રનર છે અને બિઝનેસથી માંડીને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે. મારે એના પર પણ એક આર્ટિકલ કરવો છે અને હું એવા જે ઍક્ટરોને ઓળખું છું તેમના વિશે વાત કરવી છે, પણ અત્યારે આપણે વાત કન્ટિન્યુ કરીએ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ની પલ્લવીની. પલ્લવીના રોલમાં આવેલાં આયેશા ઝુલ્કાનાં મૅરેજ જે ફૅમિલીમાં થયાં છે એ ફૅમિલીનું બૅકડ્રૉપ પણ બહુ સુંદર છે અને ફૅમિલી પણ એકદમ મજેદાર છે. આયેશાની વાત કરું તો એકદમ કો-ઑપરેટિવ કલાકાર. બહુ મજા આવી તેમની સાથે કામ કરવાની. સુંદર કક્ષાનાં કલાકાર અને આ તેમનું કમબૅક જ હતું. સારા કામથી તે કમબૅક કરવા માગતાં હતાં. એકાદ નાનકડું અમસ્તું કામ તેમણે કર્યું હતું, પણ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’થી તેમણે બાકાયદા કમબૅક કર્યું છે અને ખરેખર ધમાલ મચાવી દીધી છે. બધાને તેમનું કામ બહુ ગમ્યું છે. તેમને જોઈને બધાને થાય છે કે આટલી સુંદર અને આવી સુશીલ વહુ અને સાથે વાર્તા પણ એવી. વહુના હાથે અનેક પ્રકારના ધડાકાઓ પણ થયા કરે, જે તમને ખડખડાટ હસાવી જાય. કૉમેડીનો એક નિયમ છે. એ ત્યારે જ થાય જ્યારે તમે એક્સ્પેક્ટ કર્યું હોય એનાથી સાવ જુદું અને વિપરીત આવે. જો એવું થાય તો જ તમે સરપ્રાઇઝ થાઓ અને તમને હસવું આવી જાય. આયેશાએ આ કામ બખૂબી નિભાવ્યું છે. તેમની વાત પૂરી કરતાં પહેલાં એક વાત કહી દઉં.

‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’માં રમેશ અને પલ્લવીને દીકરો છે, જેનાં મૅરેજ થઈ ગયાં છે અને તેને ત્યાં પણ દીકરો છે. આયેશા ઝુલ્કાને પલ્લવીનો રોલ આમ જોવા જઈએ તો ગ્રૅન્ડમધરનો રોલ હતો એટલે અમને એમ હતું કે કદાચ તે દાદીનો રોલ કરવાની ના પાડી દેશે. કહી દેશે કે ના, મારે આટલાં મોટાં નથી દેખાવું. પણ ના, સરપ્રાઇઝિંગલી તેમણે અમને કહી દીધું કે હું ઍક્ટર છું, મારે ઍક્ટિંગ કરવી છે અને તમારાં ગ્રૅન્ડફાધર-ગ્રૅન્ડમધર આટલાં યંગ અને ગુડ-લુકિંગ છે એ તો સારી વાત છે. મારે આ રોલ કરવો છે અને આમ તે ફાઇનલી બોર્ડ પર આવ્યાં એટલે હવે વાત આવી એ બન્નેના દીકરાને શોધવાની એટલે કે સંજોયને શોધવાની.

હા, સંજય નહીં સંજોય, એટલે સંજોય બોલતાં શીખી જાઓ. આપણે ત્યાં છેને આજકાલ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અને ન્યુમરોલૉજીમાં માનનારાઓનું પ્રમાણ બહુ વધી ગયું છે. જે એ બધામાં માનતા હોય તેમને કહેવામાં આવે તો તેઓ પોતાના નામમાં ચેન્જ કરાવે. આવું જ અમારા સંજય ધોળકિયામાં થયું છે. તેને કહેવામાં આવ્યું છે કે સંજય કરતાં જો તે સંજોય કરી નાખે તો તેને લાભ થશે એટલે એ સંજોય કરી તો નાખે છે, પણ એ બોલતાં-બોલતાં નાકે દમ આવી જાય છે. કેવા-કેવા પ્રસંગો સંજોય બોલો એની જે કૉમેડી થાય એ તમે જુઓ તો જ તમને એની મજા આવશે.

આ જે સંજોય છે એ પાત્રની પોતાની એક જર્ની છે. એના માટે અમને બહુ જ સુંદર કલાકારની જરૂર હતી, જે પ્રૉપર્લી હાયર ક્લાસ ગુજરાતી દેખાતો હોય તો સાથોસાથ એ બહુ પ્રોપર્લી ભણેલો હોય એવું પણ સ્પષ્ટપણે તેના ચહેરા પર દેખાતું હોવું જોઈએ. તેનું હિન્દી શુદ્ધ હોય અને એકેએક સીનમાં તે બધી રીતે સમજદાર હોય એવું દેખાતું રહે. 

આ કૅરૅક્ટર અમને અમદાવાદથી મળ્યું - રૌનક કામદાર. રૌનકે ઘણી ગુજરાતી ફિલ્મો કરી છે તો અમદાવાદમાં તેણે નાટકો પણ કર્યાં છે. મેં આતિશને કહ્યું કે આપણે રૌનકને બોલાવીને ઑડિશન લઈએ. હું કહીશ કે એ ઑડિશન આજ સુધીનું બેસ્ટ ઑડિશન હતું. રૌનક પોતે પણ બીજી વાર નહીં કરી શકે એની ગૅરન્ટી મારી.

આ પણ વાંચો: અતુલ કુલકર્ણી હોય એટલે દિગ્દર્શકે અને લેખકે ઑન-ટોઝ જ રહેવું પડે

હાહાહા...

રૌનકની એક વાત કહું તમને. તે આર્કિટેક્ટ છે અને બહુ સારો આર્કિટેક્ટ છે. તેની જે ફૅમિલી ફર્મ છે એણે અમદાવાદમાં બહુબધા પ્રોજેક્ટ્સ કર્યા છે. રૌનકને ઍક્ટિંગમાં બહુ રસ હતો એટલે તેણે પોતાનું એજ્યુકેશન પૂરું કરીને આ ફીલ્ડ પસંદ કર્યું અને પછી તે એક પછી એક કામ કરતો ગયો. જોકે હું દાવા સાથે કહીશ કે તમે રૌનકને અત્યાર સુધી જે કોઈ ગુજરાતી ફિલ્મમાં જોયો હશે એ અને ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ના સંજોયના પાત્રનો રૌનક સાવ જ જુદો લાગશે, ગૅરન્ટી. આ સંજોયના કૅરૅક્ટર માટે અમે બહુ લોકોનાં ઑડિશન લીધાં હતાં. હિન્દીના મોટા-મોટા ઍક્ટરો રૌનક જેવું ઑડિશન આપી શક્યા નહોતા એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે અમને જોઈતો હતો એવો જ સંજોય મળ્યો છે, વી આર વેરી હૅપી.

સંજોય પછી વારો આવ્યો સંજોયની વાઇફનું કૅરૅક્ટર શોધવાનો. સંજોય ગુજરાતી છે, પણ તેણે પંજાબી છોકરી સાથે મૅરેજ કર્યાં છે એટલે અમારે એવી ઍક્ટર શોધવાની હતી જે મૂળ પંજાબી છાંટ લાવી શકે અને સાથોસાથ ગુજરાતી ફૅમિલી સાથે રહેતી હોવાને કારણે ગુજરાતી ફ્રૅગ્રન્સ પણ એમાંથી આવ્યા કરે. આ કૅરૅક્ટરની બીજા કૅરૅક્ટર સાથેની આંટીઘૂંટીઓ કહું. આપણી જે હેમલતા છે તેના માટે આ તિસ્કા વહુની વહુ છે. સાસુ-વહુને ન બને એવું બને, પણ અહીં હેમલતા અને પલ્લવીને બહુ બને છે. જોકે એ સિવાયની જે કેમિસ્ટ્રી છે એ એવી છે કે તમને હસાવ્યા જ કરે.

આ તિસ્કાના રોલમાં આવેલી મીનલ શાહુ કેવી રીતે કાસ્ટ થઈ એની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે તો સાથોસાથ રાજ બબ્બર પણ કેવી રીતે પહેલી વાર વેબસિરીઝ માટે તૈયાર થયા એની પણ બહુ મજેદાર વાતો છે, પણ સ્થળસંકોચ છે એટલે નાછૂટકે એક વીકનો ગૅપ લેવો પડશે. 

મળીએ આવતા ગુરુવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia