અરે હમણાં નહીં, હું ઇશારો કરું પછી...

08 July, 2021 04:57 PM IST  |  Mumbai | JD Majethia

મેં તો સ્ટેજ પર જઈને જરાક તૈયારી કરી, પણ ત્યાં તો મને ગિટારિસ્ટ શૈલેશે રોક્યો અને આ શબ્દો કહ્યા

અરે હમણાં નહીં, હું ઇશારો કરું પછી...

ચકાચક ભરેલા ભાઈદાસ ઑડિટોરિયમમાં મારો વારો આવે એ પહેલાં તો ધુરંધરો આવીને પોતાનો પર્ફોર્મન્સ રજૂ કરી ગયા અને એ પર્ફોર્મન્સ પણ એક-એકથી ચડિયાતા. એ બધા વચ્ચે મારો વારો આવ્યો. મેં તો સ્ટેજ પર જઈને જરાક તૈયારી કરી, પણ ત્યાં તો મને ગિટારિસ્ટ શૈલેશે રોક્યો અને આ શબ્દો કહ્યા

આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘શાન’ના ‘યમ્મા યમ્મા...’ ગીતની અને આપણા ભાઈદાસ હૉલની.
નરસી મોનજી કૉલેજનું ફંક્શન અને ટૅલન્ટ હન્ટ ટાઇપનો કાર્યક્રમ. આપણે પણ એ બધામાં એક. સોળ વર્ષનો હું પહેલી વાર ભાઈદાસ હૉલમાં પર્ફોર્મ કરવાનો હતો. અગાઉ તો આપણે સ્કૂલની ઍસેમ્બ્લીમાં કે પછી ક્લાસમાં જ પર્ફોર્મ કર્યું હોય, આવું સ્ટેજ તો જોયું પણ ન હોય એટલે નૅચરલી એક્સાઇટમેન્ટનું લેવલ જુદું થઈ જાય. જોકે એક્સાઇટમેન્ટ વધે એવી વાત કહું તમને. 
મેં અત્યાર સુધી તો એવું જ પર્ફોર્મ કર્યું હતું જેમાં કંઈ આ ઑર્કેસ્ટ્રા જેવું હોય નહીં. જોકે અહીં આખી ઑર્કેસ્ટ્રા હોય. એની રિધમ સાથે તમારે બરાબર ગાવું પડે અને એના માટે તમારે મ્યુઝિક, તાલ એ બધું સમજવું પડે. આપણે તો સંગીત શીખ્યા જ નહોતા અને હું તો એ વાતને પણ ખાસ જુદી રીતે લેતો હતો. એમ જ કે જાણે કે આપણને તો ગૉડ ગિફ્ટ છે કે આપણે સંગીત શીખ્યા વિના પણ આમ ગાઈ શકીએ છીએ. બે અવાજમાં પણ ગાઈ લઈએ અને સાથે ડાન્સ પણ કરી લઈએ. જોકે અહીં તો કોઈ એવી વાત સીધી માને નહીં એટલે જે ઑર્કેસ્ટ્રા હતું તેમણે મને બે-ત્રણ વાર રિહર્સલ્સમાં બોલાવ્યો અને હું તો કૉન્ફિડન્સથી ગયો પણ ખરો. જોકે એ લોકોને સમજાઈ ગયું હતું કે આને કંઈ રિધમની સેન્સ નથી, આને સમજાતું નથી કે ક્યાંથી ઉપાડવું અને ક્યાં મૂકવું, આ તો પોતાની રીતે ગાય છે, કાચું ગીત એકલો-એકલો ગાય છે, મજા કરે છે, નાચે છે અને જલસા કરે છે. એ લોકોએ બહુ પ્રયત્ન કર્યો મને સમજાવવાનો કે જો અહીંથી બિગિનિંગની ધૂન વાગશે, એ પછી તારે અહીંથી ગાવાનું શરૂ કરવાનું, થોડું ગાઈશ એટલે આ જગ્યાએ વચ્ચે મ્યુઝિકનો પીસ આવશે એને વાગવા દેવાનો અને પછી તારે ફરીથી તારું સિન્ગિંગ શરૂ કરવાનું. ઘણું સમજાવ્યું, ઘણું કહ્યું અને એ પણ બે-ત્રણ દિવસ સુધી. રોજ અડધો-અડધો કલાક મારી પાછળ ગાળે અને મને વિગતવાર કહે. કહે પણ ખરા અને પૂછે પણ ખરા કે બધું સમજાય છેને તને? હું હા પાડું એટલે એ લોકો બિચારા આગળ વધે. મને આજે પણ યાદ છે કે એ ઑર્કેસ્ટ્રામાં ઍકોર્ડિયન પર શૈલેષ હતો અને ડ્રમ પર બિપિન, ગિટાર પર દીપક. બધાએ બહુ મહેનત કરી અને મદદ પણ બહુ કરી. સાચું કહું તો મને કંઈ બહુ સમજાયું નહોતું એ સમયે, પણ આપણો કૉન્ફિડન્સ એટલે કૉન્ફિડન્સ. પાછા પડીએ જ નહીં. 
તૈયારી થઈ ગઈ બધી અને આવ્યો કૉન્ટેસ્ટનો દિવસ.
પહોંચી ગયા આપણે તો ભાઈદાસ હૉલ. એ દિવસે હૉલ મને જરા જુદો લાગ્યો હતો. મારી ચાલમાં પણ મજાની કહેવાય એવી ઝડપ હતી. અગાઉ ભાઈદાસમાં ક્યારેય આપણે કંઈ પર્ફોર્મ કર્યું નહોતું અને એવામાં આપણને પહેલી વાર આ મોકો મળ્યો હતો. 
થોડી વાર પછી મારો વારો આવ્યો. મારા પહેલાં સાત-આઠ જણ આવીને ગાઈ ચૂક્યા હતા. બધા ક્લાસિકલ જ ગાય. બધાને ઇનામ જોઈતું હોય. આશિત દેસાઈ જેવા સુગમ સંગીતના બાદશાહ અને સંગીતના વિશારદ કહેવાય એવા બીજા બે મહારથી જજ.
‘લાગા ચુનરી મેં દાગ...’ ને ક્યાં-ક્યાંથી શોધી કાઢેલાં ગીતો, ક્યારેય સાંભળ્યાં ન હોય એવાં અઘરાં કહીએ એવાં ક્લાસિકલ ગીતોને બધા બહુ સરસ ગાય. સિંગર પણ કેવા હતા ત્યારે. મિલિંદ ઇંગ્લે, શિવાંગી જોષી, વિકાસ ભાટવડેકર. આજે તો આ બધાં મોટાં નામો થઈ ગયાં છે, પરંતુ એ સમયે પણ તેમની ગાયકી એ જ સ્તરની હતી. બધા આવતા જાય, ગાતા જાય અને પછીનાનો ટર્ન આવતો જાય. આવ્યો હવે આપણો વારો અને ભાઈદાસ આખું ચકાચક ભરેલું. ૧૧૦૦ની કૅપેસિટીમાં લગભગ એમ સમજો કે ૧પ૦૦-૧૬૦૦ છોકરાઓ-છોકરીઓ બેઠાં હતાં. એકદમ ભરેલું, છલોછલ. દાદરા પર ને નીચે ને જ્યાં જગ્યા મળે ત્યાં. કોઈને કોઈ ના પાડે નહીં અને કોઈને કોઈ અટકાવે નહીં. બસ, શરત એટલી કે પાછળવાળાને નડવાનું નહીં. 
આજે પણ મને એ સમયે થયેલું મારા નામનું અનાઉન્સમેન્ટ યાદ છે. જે ભાઈદાસના થિયેટરમાં જીવન ગાળ્યું, જે મારું ઑલટાઇમ ફેવરિટ થિયેટર છે, જેમાં મને બહુ મજા આવતી એ ભાઈદાસ, એનો ગ્રીનરૂમ, બૅકસ્ટેજ, એનું સ્ટેજ. આજે પણ મને એ બધું યાદ આવે તો હું રીતસર ચાર્જ થઈ જઉં. ભાઈદાસ જ નહીં, ભાઈદાસની બહાર બધાનું ભેગું થવું, બધા સાથે વાતો કરવી, એ મજા, એ સ્ટ્રગલના દિવસો અને એ લડી લેવાની તૈયારી. આ ભાઈદાસની મારી પહેલી મેમરી એટલે આ ગીત.
યમ્મા યમ્મા...
યે ખૂબસૂરત શમા...
સાચે જ મજાની વાત અને બહુ મજા આવે એ વાતોને યાદ કરીને આજે પણ. 
ફરી આવીએ આપણે ભાઈદાસમાં થયેલી અમારી નરસી મોનજી કૉલેજની ઇવેન્ટ પર. મારા અગાઉ બધા ક્લાસિકલ સિંગર્સ આવ્યા હતા અને તમને તો ખબર છે કે કૉલેજવાળાઓને શું જોઈતું હોય. ધમાલ જોઈતી હોય, મસ્તી જોઈતી હોય, આનંદ અને જલસા જોઈતા હોય. મને અત્યારે પણ યાદ છે કે એ દિવસે મેં કૉન્ટેસ્ટમાં પહેરાય એવાં કપડાં પણ પહેર્યાં નહોતાં અને શૂઝ પણ બરાબર નહોતાં; પણ એમાં શું છે, ચાલે બધું. આમ પણ આપણે તો બિન્દાસ હતા અને એની જ મજા હતી.
‘જમનાદાસ મજીઠિયા...’
મારું નામ બોલાયું અને આપણે તો ગયા સ્ટેજ પર. સ્ટેજ પર જઈને મેં જરા સ્ટાન્સ લીધો. પેલો બૅટ્સમૅન ક્રીઝ પર આવીને સ્ટાન્સ લે એ રીતે. એટલે ડિટ્ટો એવી રીતે નહીં કે આગળ જઈને સ્ટેજ ચકાસ્યું હોય, પણ જરાક વચ્ચે ઊભા રહીને ગળું ખંખેર્યું અને માઇક મેં મોઢા પાસે લીધું, પણ હજી ગાવાનું શરૂ નહોતું કર્યું. કરવાનો હતો, પણ ત્યાં શૈલેષે મને કહ્યું કે હું ઇશારો કરું પછી તારે ગાવાનું છે; પહેલાં હું એક મ્યુઝિકનો પીસ વગાડીશ, એ પછી તારે ચાલુ કરવાનું.
જો તમને યાદ હોય તો ‘શાન’ના આ ગીતની શરૂઆતમાં એક ધૂન હતી. એ ધૂન પછી ગીત શરૂ થાય છે. તમારે આ આખી વાતને જો પૂરી મજા સાથે માણવી હોય તો હું તો કહીશ કે એક વાર ગીત સાથે ચાલુ કરી દો. એ સાંભળતા જશો તો તમને ગીત પણ બરાબર સમજાશે અને હું જે કહું છું એ બધું પણ બરાબર સમજાશે. પણ હા, આ ગીતને તમારે મારા પૉઇન્ટ ઑફ વ્યુથી સાંભળવાનું છે. જો એમ સાંભળશો તો તમને મારી એકેએક વાત બરાબર સમજાશે અને તમે પણ એટલી જ મજા લેશો જેટલી મેં એ દિવસે લીધી હતી.
એ દિવસની મજા અને એ દિવસની બીજી વાતો સ્થળસંકોચને કારણે હવે આપણે કરીશું આવતા ગુરુવારે.

એ ભાઈદાસ, એનો ગ્રીનરૂમ, બૅકસ્ટેજ, એનું એ જાજરમાન સ્ટેજ. આજે પણ મને એ બધું યાદ આવે તો હું રીતસર ચાર્જ થઈ જઉં. ભાઈદાસ જ નહીં, ભાઈદાસની બહાર બધાનું ભેગું થવું, બધા સાથે વાતો કરવી અને વાતોની એ જે મજા હતી એ મજા માણવી, એ સ્ટ્રગલના દિવસો અને એ લડી લેવાની તૈયારી. આ ભાઈદાસની મારી પહેલી મેમરી એટલે આ ગીત.

columnists JD Majethia