વૈભવી ઉપાધ્યાય માટે હું કઈ એક વિશ માગું છું?

25 May, 2023 04:57 PM IST  |  Mumbai | JD Majethia

તેનામાં સ્પેશ્યલ ટૅલન્ટ હતી, તે બહુ સરસ ઍક્ટ્રેસ હતી. હું તેને કહેતો કે તું જરા રાહ જો, તને તારું ડિઝર્વિંગ મળશે અને એ મને તરત જ જવાબમાં કહે, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ રિવાઇવ કરોને...

વૈભવી ઉપાધ્યાય

આમ તો ૨૩ તારીખનો દિવસ એટલે કે મંગળવારનો દિવસ મારા માટે બહુ સારો દિવસ હતો. આખો દિવસ બહુ સારો ગયો. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ના ત્રણસો એપિસોડ પૂરા થયા. ‘વાગલે કી દુનિયા’ના પ્રોગ્રેસમાં એક નાનકડો ટ્વિસ્ટ આવ્યો હતો, જે બહુ સારી રીતે ઍડ્રેસ થયો. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ના સેટ પર ગયો, ત્યાં કેક કાપી અને બધા સાથે બહુ મજા કરી. ઘરે પાછા આવતાં રસ્તામાં થોડો ટ્રાફિક નડ્યો પણ એની પણ માનસિક તૈયારી હતી. આઇપીએલની ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની મૅચ જોઈ, એમાં પણ બહુ મજા આવી. આ બધું પતાવતાં-પતાવતાં રાતના પોણાબાર થઈ ગયા. 

મને કોઈએ પૂછ્યું પણ ખરું કે હાઉ વૉઝ યૉર ડે. 
‘બહુ સરસ રહ્યો...’
આ જ જવાબ મેં તેને આપ્યો હતો અને હકીકત પણ એ જ હતી કે બહુ સરસ દિવસ રહ્યો, પણ સમય ક્યારે અને કેવો ટર્ન આપે એની કોઈને ખબર ન પડે. રાતે બાર વાગ્યાની આસપાસ મને અમારી ‘ભાખરવડી’માં હતી એ અને અત્યારે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં જે સોનલનું કૅરૅક્ટર કરે છે એ ભક્તિ રાઠોડનો ફોન આવ્યો. 
‘સર, તમને ખબર પડી?’ 
રાતે બાર વાગ્યે કોઈ ફોન કરીને આવું પૂછે તો તરત જ આપણને સમજાઈ જાય કે કંઈક અઘટિત બન્યું છે. 
મેં પૂછ્યું, ‘કોણ?’ 
‘વૈભવી ઉપાધ્યાય...’ 

હું સ્પીચલેસ થઈ ગયો. મારા માનવામાં જ ન આવે કે વૈભવી... 
એક યંગ ઍક્ટર, મિત્ર. હોઈ જ ન શકે.
‘કેવી રીતે થયું?’ 

ભક્તિ મને કહે કે કંઈ ખબર નથી પણ બહારગામ ગઈ હતી, હિમાચલ... ત્યાં કંઈ ઍક્સિડન્ટ નડ્યો છે. સંપર્ક નથી થતો. ભક્તિએ જ મને કહ્યું કે મને કંઈ વધારે ખબર પડશે તો કહીશ તમને.
રાતે ઘરે પહોંચ્યો હતો ત્યારે મને એમ કે આજે તો એકદમ શાંતિથી સૂઈશ પણ પછી આ સમાચાર આવ્યા અને એ સમાચારની સાથે જ ઊંઘ ઊડી ગઈ. બહુ પ્રયાસ કર્યા પણ મન ક્યાંય લાગે જ નહીં એટલે મેં ફરી ભક્તિને ફોન કર્યો. વૈભવી ભક્તિ જ્યાં પહેલાં રહેતી હતી એ બિલ્ડિંગમાં જ રહેતી. ભક્તિને મેં કહ્યું કે મને વૈભવીના ભાઈનો નંબર આપને. ભક્તિએ મને નંબર આપ્યો અને મેં તેને મેસેજ કર્યો પણ કોઈ જવાબ આવે નહીં અને મારાથી વધારે રાહ જોઈ શકાતી નહોતી એટલે મેં અંકિત, વૈભવીના ભાઈને ફોન કર્યો. ફોન કર્યો ત્યારે ખબર પડી કે તે ચંડીગઢમાં હતો.
    મેં અંકિતને ફોન પર કહ્યું કે આઇ ડોન્ટ વૉન્ટ ટુ બિલીવ... જે સાંભળ્યું છે એ મારે સાચું નથી માનવું પણ અંકિત મને કહે, સર, એ માનવા સિવાય છૂટકો પણ નથી.
અંકિત ખૂબ રડતો હતો, તેની પાછળ પણ રડવાનો અવાજ આવતો હતો. તેણે મને જે વિગતો આપી એ ત્યારે તો થોડી કાચી હતી. 

વૈભવી અને તેનો ફિયાન્સે જય બન્ને ફરવા ગયાં હતાં. વૈભવીના ગોળધાણા લેવાઈ ગયાં હતાં અને ડિસેમ્બરમાં એ બન્નેનાં મૅરેજ હતાં. ફરવા જવા માટે પણ એ લોકો હજી હમણાં જ ગયા અઠવાડિયે નીકળ્યાં હતાં. ૧૮મીએ રવાના થયાં અને હિમાચલમાં ફરતાં હતાં. હવે તમને હિમાચલના રસ્તાઓની ખબર હોય તો એ રસ્તાઓ સાંકડા હોય છે. ડ્રાઇવ કરતાં-કરતાં એક ટર્ન પર તેમણે જોયું કે સામેથી વાહન આવે છે એટલે તે લોકો ટર્નની જે ગોળાઈ હોય એના પર સાઇડમાં કાર દબાવીને ઊભાં રહી ગયાં. હવે એ ગાડીની એક તરફ ખાઈ હતી અને બીજી તરફ રસ્તો, જેના પરથી સામેનાં વાહનો પસાર થવાનાં હતાં. સામે ટ્રક હતી. વૈભવીની ગાડી પાસેથી પસાર થતી વખતે એ ટ્રકના આગળના કે પાછળના ટાયરની ઠોકર લાગી અને વૈભવીની ગાડી બાજુમાં જે ખાઈ હતી એમાં ગઈ.

એ પછી મેં અંકિતના ફ્રેન્ડ ધરવ મહેતા સાથે વાત કરી તો થોડી વધારે ખબર પડી.
ડ્રાઇવિંગ સીટ પર જય હતો. ગાડી બહુ ઊંડે નહોતી ગઈ. આવું કંઈ થાય એટલે સહેજે લોકલ લોકો અને પોલીસ આવે અને જે કોઈ સિસ્ટમ હોતી હશે એના પર કામે લાગ્યા. 
વૈભવીને બહાર કાઢવામાં આવી, ખબર પડી કે સિરિયસલી ઇન્જર્ડ. તેમને લાગ્યું કે એ ત્યાં જ ડેડ છે પણ એની એક પ્રોસેસ હોય. વૈભવીનાં મમ્મી-પપ્પા ઑસ્ટ્રેલિયા હતાં. એ મુંબઈ આવવા નીકળ્યાં. એનો ભાઈ હતો મુંબઈ, તે ચંડીગઢ જવા નીકળ્યો. 
બૉડી ચંડીગઢમાં આપવામાં આવ્યું. પોસ્ટમૉર્ટમમાં ખબર પડી કે ઇન્ટરનલ ઇન્જરી અને સાથે આવું બને ત્યારે મનમાં જે ધ્રાસકો બેસી જાય એટલે અટૅક આવે એવું થયું હતું. આ આખી ઘટનાએ આપણી વચ્ચેથી બહુ સુંદર અભિનેત્રીને, વ્યક્તિને લઈ લીધી. મેં હજી હમણાં થોડા સમય પહેલાં જ નક્કી કર્યું હતું કે હું મારા કોઈ પણ મિત્રો કે સગાંવહાલાંના આવા દેહાંતવાળા આર્ટિકલ નહીં કરું. એ બધું યાદ કરીને હું દુખી થાઉં, પછી તમે વાંચીને તમે દુખી પણ થાઓ અને એ પછી પણ આજે હું વૈભવીનો આ આર્ટિકલ કરું છું; કારણ કે હું વૈભવી માટે આ આર્ટિકલ કરીને એક વિશ, એક ઇચ્છા રાખવા માગું છું. તમને થશે કે જેડીભાઈ કેમ આવી લવારી કહેવાય એવી વાત કરે છે, પણ એવું નથી. હું મારા સેન્સિસમાં જ વાત કરું છું. 

મેં મારી કરીઅરમાં દરમ્યાન અમારા શોઝમાં કામ કર્યું હોય અને કરતી કે ઇન્ડસ્ટ્રીમાં બીજા સાથે કામ કરતી હોય એવી અનેક ટૅલન્ટડ વ્યક્તિઓને ઓળખું છું પણ એ બધામાં વૈભવી સ્પેશ્યલ હતી. (આ ‘હતી’ લખતી વખતે મને રીતસર ધ્રુજારી આવે છે પણ તમે વિધિના લેખ જુઓ, હજી થોડા સમય પહેલાં આપણે જેના માટે ‘છે’ લખતા હોઈએ તેના માટે હવે ‘હતી’ લખવું પડે છે.) વૈભવી ગુજરી ગઈ છે એટલે હું નથી કહેતો કે એ સ્પેશ્યલ હતી. ના, જરા પણ નહીં. તે હતી ત્યારે હું તેને પણ કહેતો હતો કે તું થોડી રાહ જોને, તને તારું ડિઝર્વિંગ મળશે. એ મને હંમેશાં કહેતી કે ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની ત્રીજી સીઝન કરોને, બધું સરભર થઈ જશે.
‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની સેકન્ડ સીઝનમાં વૈભવી જાસ્મિન બની હતી. એ સીઝન જેણે જોઈ છે એ બધાને ખબર છે કે જાસ્મિન કેટલી પૉપ્યુલર થઈ હતી. હું તેને કહેતો કે થોડી ધીરજ રાખ, તને તારું બેસ્ટ મળશે અને એ મને સામે એવું કહે કે સારાભાઈ ચાલુ કરોને.

સારાભાઈના ડાયલૉગ્સના રીલ બને તો વૈભવી મને મોકલે. કંઈ પણ બન્યું હોય તો તેનો મેસેજ આવી જાય. અમે સંપર્કમાં હતાં. હમણાં ‘હૅપ્પી ફૅમિલી’ના પ્રીમિયરમાં તે આવી હતી. તેણે એટલો સરસ મેસેજ એ સમયે લખ્યો હતો. એ બધું અત્યારે બાજુ પર રાખું અને ફરીથી એ જ કહું કે વૈભવી સુંદર અભિનેત્રી હતી. એક સ્પેશ્યલ ટૅલન્ટ હતી. તેને તેનો ડ્યુ મળવાનો બાકી હતો. હમણાં જ તેણે ગુજરાતી નાટક ‘સફરજન’માં અમી ત્રિવેદીને રિપ્લેસ કરી. નાટકમાં પણ તેણે બહુ જ સરસ ઍક્ટિંગ કરી હતી. એ ગુજરાતીઓનું ગૌરવ હતી. જો તે હજી વધુ રહી હોત અને તેને પ્રૉપર કામ મળ્યું હોત તો તેણે ખરેખર ગુજરાતીઓને બહુ ગૌરવ અપાવ્યું હોત એટલી જબદરસ્ત કલાકાર. તો હું એક ઇચ્છા રાખવા માગું છું, વૈભવી રીબર્થ લે, ઍક્ટ્રેસ બને, તેને તેનું ડિઝર્વિંગ મળે. હા, આ જ મારી ઇચ્છા છે.
ખોટ નથી કહેતો.

આટલું ધ્યાન રાખશો?

અહીં તો કોઈનો વાંક હોય એવું દેખાતું નથી પણ મારે એક પર્સનલ ઍડ્વાઇઝ આપવી છે, માઉન્ટન પર જાઓ અને સેલ્ફ-ડ્રાઇવ કરવાના હો તો એ કરતાં પહેલાં બધું જાણો, સમજો. એકબીજાને પાસ કરવા માટેની જે સાઇન હોય એ આમ બહુ નાની વાત લાગે, પણ માઉન્ટન પર એ બહુ મહત્ત્વની બનતી હોય છે. સીટ-બેલ્ટ પહેરવા જેવા નાના અને સામાન્ય નિયમો પાળશો તો એ તમારા હિતમાં રહેશે.

(વૈભવી સાથેના અમારા અનુભવો અને બીજી વાતો હવે આપણે કરીશું આવતા ગુરુવારે)

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia