જૈન સાહિત્યના પ્રખર અભ્યાસી સાધુચરિત પુણ્યાત્મા શ્રી જોહરીમલજી પારખ

11 August, 2019 04:27 PM IST  |  મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

જૈન સાહિત્યના પ્રખર અભ્યાસી સાધુચરિત પુણ્યાત્મા શ્રી જોહરીમલજી પારખ

એમનું નામ જોહરીમલ પારખ. તેઓ રાજસ્થાનના જોધપુરના વતની હતા. મુંબઈમાં તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. તેમની પ્રેક્ટિસ ઘણી સારી ચાલતી. તેઓ શ્રીમંત હતા. સાધનસંપન્ન હતા. ધીકતી કમાણીના સ્વામી હતા. પત્ની, સંતાનો સાથે શાંતિથી જીવન જીવતા હતા. મુંબઈમાં વાલકેશ્વરમાં મોટો ફલૅટ, ઑફિસ, કાર વગેરે બધું હતું, પરંતુ જોહરીમલજી અલગારી જીવ હતા. ખરા અર્થમાં વૈરાગી જીવ હતા. જોહરીમલજીએ જ્યારે પોતાના જીવનનાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં ત્યારે પરિવારના બધા જ સભ્યોને તેમણે બોલાવ્યા. તેમણે કહ્યું કે મેં અગાઉથી સંકલ્પ કર્યો છે કે ૫૦ વર્ષની ઉંમર પછી હું તદન વૈરાગી જીવન જીવવા ઇચ્છું છું. સાંસારિક કાર્યોથી સ‍ર્વથા નિવૃત્ત થવાના મારા મનોરથ છે. તમારા બધાની મારે રજા જોઈએ છે. તમે બધા મને રાજીખુશીથી રજા આપો. પત્ની, સંતાનો તેમની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેઓએ કહ્યું કે ‘પપ્પાજી, આમ કંઈ આ સંસાર થોડો છોડી દેવાય? અમને બધાને કેટલું દુ:ખ પહોંચે તેનો આપે વિચાર કર્યો છે ખરો. જોહરીમલજીએ પોતાના પરિવારજનોને સમજાવ્યું કે તમારી વાત સાચી છે, પરંતુ મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. મારી પ્રતિજ્ઞા છે કે ૫૦ વર્ષની ઉંમર પછી હું સઘળી સાંસારિક પ્રવૃત્તિઓથી વધુને વધુ અળગો થતો જઈશ. તેમ છતાં તમારા બધાના સંપર્કમાં રહીશ. મને હવે અટકાવશો નહીં. આખરે બધા જ પરિવારજનોએ તેમને રજા આપી.

જોહરીમલજી પારખ સ્થાનકવાસી સંપ્રદાયના હતા, પરંતુ અધ્યાત્મમાં ઊંડા ઊતર્યા પછી તેઓ બધા જ સંપ્રદાયથી પર થઈ ગયા હતા. તેમણે જૈન સાધુની જેમ સ્નાનનો પણ ત્યાગ કર્યો હતો. જાડી ખાદીનું પોતડી જેવું માત્ર એક જ વસ્ત્ર તેઓએ પરિધાન માટે સ્વીકાર્યું હતું. એ વસ્ત્ર ફાટે નહીં ત્યાં સુધી બીજાં વસ્ત્રનો પરિગ્રહ ન કરવા તેઓ સંકલ્પબદ્ધ હતા. ધર્મકાર્ય માટે, જ્ઞાનપ્રચાર અર્થે, વિદ્વદ સંક્ષેપન માટે તેઓએ વાહનની છૂટ રાખી હતી. તેઓ જોધપુરની ટેકરી વિસ્તારમાં એક મકાનમાં રહેવા લાગ્યા હતા. ત્યાં તેમણે જૈન સાહિત્યના અધ્યયન, સંશોધનનું કાર્ય શરૂ કર્યું હતું. જૈન સાહિત્ય માટે જે કંઈ થઈ શકે તે કાર્ય હવે તેમની આ ઉત્તરાવસ્થામાં તેઓ કરવા કટિબદ્ધ હતા.

જોહરીમલજી હવે ખરા અર્થમાં વૈરાગી બન્યા હતા. તેઓ એક વસ્ત્રના ઉપયોગ સિવાય દિગમ્બર સાધુ જેવું જીવન જીવતા હતા. તેઓ ગૃહસ્થ હતા અને જીવનના અંત સુધી ગૃહસ્થ જ રહ્યા હતા. પરંતુ તેઓ ખરેખર સાધુ જેવું જીવન જીવતા હતા. ઉપસર્ગો, પરિષહ સહન કરવાની તેમનામાં અસાધારણ આત્મીક શક્તિ હતી. તેઓએ પગમાં ચંપલ પહેરવાનો ત્યાગ કર્યો હતો. મેલી ઘેલી ટૂંકી પોતડી જ તેઓ હંમેશાં પહેરતા. સાથે એક પ્લાસ્ટિકનું ટમ્બલર કે ડબા જેવું વાસણ રાખતા. તેઓ એક ટાઈમ ભોજન લેતા હતા. ડાઇનિંગ ટેબલ પર બેસીને થાળી-વાટકામાં ભોજન લેવાનું તેમણે ત્યાગ્યું હતું. તેમના ટમ્બલરમાં તેઓ એકી સાથે દાળ-રોટલી-શાક-ભાત લેતાં અને તેને ભેગું કરીને વાપરી લઈ પાણી પીને ઠામ ચોવિહાર કરવાનો તેમણે નિયમ રાખ્યો હતો.

મારે જોહરીમલજી પારખનો પરિચય પાલિતાણામાં યોજાયેલ જૈન સાહિત્ય પરિષદમાં થયો હતો. આ સાહિત્ય પરિષદના સંયોજક જૈન સાહિત્યના મહા વિદ્વાન ડૉ. રમણભાઈ શાહ હતા. તેમ‌ણે મને આ સાહિત્ય પરિષદની કેટલીક જવાબદારી સોંપી હતી. ડૉ. રમણભાઈના નિમંત્રણથી જોહરીમલજી પાલિતાણા આવી પહોંચ્યા હતા. તેઓને અમારી રૂમમાં જ ઉતારો અપાયો હતો. સાહિત્ય પરિષદની પ્રથમ બેઠક પૂર્ણ થઈ ત્યારે ડૉ. રમણભાઈએ મને બોલાવીને કહ્યું કે ચીમનભાઈ, તમે જોહરીમલજીને જમવા લઈ જાવ. કોઈ કહેશે નહીં તો તેઓ આહાર લેશે પણ નહીં. હું જોહરીમલજીને લઈ રસોડામાં પહોંચ્યો. જોહરીમલજીએ પોતાનું ટમ્બલર બે હાથોમાં લીધું અને તેમણે રોટલી-શાક-દાળ-ભાત એમ બે ત્રણ વસ્તુ તેમાં મૂકવા મને કહ્યું. તેઓ રસોડામાં એક ખૂણે ઊભા હતા અને મેં તેમના ટમ્બલરમાં તેમના કહેવા પ્રમાણે ખાવાની સામગ્રી મૂકી આપી. તેઓએ એ બધી જ સામગ્રીનું મિશ્રણ કરી આહાર લીધો અને છેલ્લે પાણી પીને ઠામ ચોવિહાર કરી લીધો.

પાલિતાણાની જૈન સાહિત્ય પરિષદ પછી જોહરીમલજી સાથે મારો પરિચય વધતો જ ચાલ્યો. તેઓ સાથે પત્રવ્યવહાર પણ થયો. તેઓ માત્ર પોસ્ટકાર્ડ જ લખતા. તેમના જવાબો ટૂંકા, સચોટ અને માર્મિક રહેતા. જોહરીમલજી પોતાની પાસે એક થેલી રાખતા. તેમાં બે ચાર પુસ્તકો સિવાય કશું જ ન હોય. તેઓ બૅગ-બિસ્તર રાખતા નહીં. તેઓ જ્યાં જાય ત્યાં જમીન પર સૂઈ જતા. તેઓ ઓઢવાનું પણ કશું રાખતા નહીં. ઠંડી-ગરમીમાં પણ તેઓ સ્થિતપ્રજ્ઞ રહી શકતા. કેટલીકવાર મચ્છરો તેમને ત્રાસ આપતા. તેઓ કહેતા કે મચ્છર કરડે તેને હું સમતાપૂર્વક સહી લઉં છું. મારે તો માત્ર બે ત્રણ કલાકની જ ઊંઘ જોઈએ. બાકી તો મારો સમય ધ્યાન-સાધનામાં જ ગાળવાનો મારો નિયમ છે. કાયમ જમીન પર સૂવું, કશું જ ઓઢવું-પાથરવું નહીં એવું ત્યાગમય જીવન જોહરીમલજીએ સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું.

આ પણ વાંચો : ચાતુર્માસ એટલે ધર્મ આરાધના વડે આત્મકલ્યાણ સાધવાની મહામોસમ

આ લેખ એક જ અંકમાં પૂર્ણ કરવાની ભાવના હતી, પરંતુ ત્યાગમાર્ગના પથિક એવા જોહરીમલજી વિશે પ્રેરક વિશેષ વાતો રહી જતી હોવાથી આવતા અંકે આ લેખની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

weekend guide columnists