અનેક સૈકાઓથી જેમની ગાથા ગવાતી રહી છે તેવા અનંતલબ્ધિના સ્વામી ગૌતમસ્વામી

15 September, 2019 03:37 PM IST  |  મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

અનેક સૈકાઓથી જેમની ગાથા ગવાતી રહી છે તેવા અનંતલબ્ધિના સ્વામી ગૌતમસ્વામી

શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય શ્રી ગૌતમસ્વામીના નિર્વાણને આજે ૨૬૦૦ વર્ષથી અધિક સમય વીતી ગયો છે, પરંતુ તેમની યશોગાથા આજે પણ ચારે દિશામાં સતત ગવાતી રહી છે. અનંત ઋદ્ધિઓ, અનંત સિદ્ધિઓ અને અનંત લબ્ધિઓના સ્વામી, સર્વનાં વિઘ્નો હરનારા, સર્વનાં વાંછિત પૂરનારા એવા ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય ગણધર શ્રી ગૌતમસ્વામી એક મહાન આત્મસાધક સંત, ધર્મપુરુષ અને સંઘનાયક હતા. તેમના દિવ્ય સંપર્કથી અસંખ્ય પામર અને પાપી જીવોનો ઉદ્ધાર થયો હતો. પ્રભુ મહાવીર ઉપર તેમની શ્રદ્ધા અને ભક્તિનો આ જગતમાં જોટો જડવો મુશ્કેલ છે. તેમની નમ્રતા, સરળતા અને ગુણાનુરાગ‌િતા ઉદાહરણરૂપ છે. તેઓ મહાજ્ઞાની હોવા છતાં એનું તેમને જરાપણ અભિમાન નહોતું. પ્રભુના પ્રથમ ગણધર હોવા છતાં ક્યારેય તેમને મોટાઈનો ઘમંડ સ્પર્શી શક્યો નહોતો. અનંત લબ્ધિના સ્વામી હોવા છતાં એનો લેશમાત્ર અહંકાર તેમનામાં નહોતો. તેમના નામે સર્વ સંકટો દૂર થતાં, સૌનું મંગળ થતું, કંઈક ચમત્કારો સર્જાતા, તેમની ખ્યાતિ દિગંતોમાં પ્રસરેલી હોવા છતાં તેઓ નામના અને કામનાથી સદા અલિપ્ત રહ્યા હતા.

ગણધરશ્રી ગૌતમસ્વામીનો જન્મ મગધ દેશના ગોબર નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુભૂતિ હતું. માતાનું નામ પૃથ્વીદેવી હતું. પોતાનું નામ ઇન્દ્રભૂતિ હતું. તેમને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે ભાઈઓ હતા. તેઓ વૈશ્વિક બ્રાહ્મણ હતા. વેદ-વેદાંતમાં, યજ્ઞ-યાગાદિમાં અને વિદ્યાદાનમાં તેઓ પારંગત હતા. એ સમય ભગવાન મહાવીરના પ્રભાવ અને પ્રતાપનો સમય હતો. વૈશાખ સુદ-૧૦ના પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. પ્રભુની સાડાબાર વર્ષની દીર્ઘ તપસાધના એ દિવસે પૂર્ણ થઈ હતી. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા હતા. એ જ કાળમાં, એ જ સમયે અપાપા નગરીમાં સોમિલ નામના એક બ્રાહ્મણે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. એ માટે તેમણે મોટા-મોટા કર્મકાંડી બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું હતું. એમાં ઇન્દ્રભૂતિ અને તેમના બે ભાઈઓ અગ્નિભૂ‌ત‌િ અને વાયુભૂતિનો પણ સમાવેશ થતો હતો. એ જ સમયે ભગવાન મહાવીરની પણ અપાપા નગરીના મહાસેન વનમાં ધર્મ પરિષદ યોજાઈ હતી. એમાં અસંખ્ય લોકો હાજરી આપવા જઈ રહ્યા હતા. એ સમયે ભગવાન મહાવીરનો કેવળ જ્ઞાન મહોત્સવ ઊજવવા અને તેમની ધર્મ પરિષદમાં હાજરી આપવા સ્વર્ગલોકનાં અસંખ્ય દેવ-દેવીઓએ ત્યાં પહોંચવા પ્રયાણ કર્યું હતું. સમગ્ર અપાપા નગરીનું આકાશ એ સમયે દેવ વિમાનોથી છવાઈ ગયું હતું. ઇન્દ્રભૂતિ વગેરે પંડિતોનું માનવું હતું કે વિપ્રદેવ સોમ‌િલના મહાયજ્ઞમાં હાજરી આપવા જ આ દેવ-દેવીઓ ત્યાં જઈ રહ્યાં છે, પરંતુ તેમની એ માન્યતા સાચી પડી નહીં. દેવ-દેવીઓ તો સોમ‌િલ  બ્રાહ્મણના યજ્ઞસ્થળને બદલે અન્ય દિશા તરફ ‍વળી ગયાં.

બધા પંડિતોને આશ્ચર્ય થયું. કેટલાક જાણકારોએ ખુલાસો કર્યો કે અહીં મહાસેન વનમાં નિર્ગ્રંથ ભગવાન મહાવીર પધાર્યા છે. તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી અને ત્રણે કાળના જાણકાર શ્રમણશ્રેષ્ઠ છે. મહાસેન વનમાં અત્યારે તેમની ધર્મસભા થવાની છે અને બધાં દેવ-દેવીઓ ત્યાં જઈ રહ્યાં છે. આ સાંભ‍ળીને ઇન્દ્રભૂતિ અને તેમના બંધુઓ વિચલિત થઈ ગયા. તેમને ઘણો મોટો આઘાત લાગ્યો. ઇન્દ્રભૂતિએ કહ્યું કે મારા જેવા સર્વશાસ્ત્રવિશારદ, સર્વવિદ્યાવિશારદ મહાપંડિત બેઠા હોવા છતાં સર્વજ્ઞ હોવાનો દાવો કરનાર આ માણસ કોણ છે? ઇન્દ્રભૂતિને આ વિચારથી બેચેની અને અધીરતા આવી ગઈ. તેમને થયું કે હું મહાવીરની ધર્મસભામાં પહોંચીને તેમની સાથે વાદ કરી તેમને જરૂર પરાજિત કરી શકું તેમ છું.

ઇન્દ્રભૂતિ, તેમના ભાઈઓ અને અન્ય પંડિતો ભગવાન મહાવીરની ધર્મસભામાં પહોંચ્યા. પ્રભુ મહાવીરે ઇન્દ્રભૂતિ તરફ જોઈને આવકાર આપતાં કહ્યું કે આવો, પધારો ઇન્દ્રભૂતિ ગૌતમ! તમારું સ્વાગત હો! મહાવીરના મુખે ઉચ્ચારાયેલા પોતાના નામથી ગૌતમ વિસ્મય પામ્યા, પણ બીજી ક્ષણે તેમણે વિચાર્યું કે મારા જેવો વિખ્યાત પંડિત આ દુનિયામાં કોઈથી અજાણ હોઈ શકે ખરો? મારા નામથી તેમણે મને બોલાવ્યો એમાં કોઈ નવાઈ નથી. તેમને ખરા જ્ઞાની તો ત્યારે જ માનું કે તેઓ મારા મનની શંકાનું સમાધાન તેમના જ્ઞાનબ‍ળે જરૂર કરી આપે. ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા. તેમણે ગૌતમ સ્વામીના વિચારો વાંચી લીધા. તેમણે કહ્યું કે ‘હે ઇન્દ્રભૂતિ ગૌતમ, ‘જીવ છે કે નહીં?’ એ જ શંકા તમારા મનને સતાવી રહી છેને? કેમ ખરુંને?’ ભગવાનના આ કથનથી ઇન્દ્રભૂતિના અહમને શીઘ્ર ઠેસ પહોંચી. તેમણે વિચાર્યું કે તેઓ મારા મનના પ્રશ્નને પામી ગયા લાગે છે. પોતે મહાપંડિત હોવા છતાં, ધર્મ-શાસ્ત્રોનો વિશાળ અભ્યાસ હોવા છતાં તેમને આ શંકા વર્ષોથી સતાવી રહી હતી અને તે આ માણસને ખ્યાલ આવી ગયો. હવે તેઓ આ પ્રશ્ને મને શું સમાધાન આપે છે એ જાણવું જરૂરી છે એમ ઇન્દ્રભૂતિને લાગ્યું.

આ પણ વાંચો : અષાઢ અને ભાદરવો – બે છેડાની એક વાત

ઇન્દ્રભૂતિ ગૌતમ મહા વિદ્વાન વિભૂતિ હતા, પરંતુ સ્વભાવે તદ્દન સરળ અને સત્ય માર્ગના પ્રવાસી હતા. ભગવાન મહાવીરે તેમની શંકાનું સમાધાન કરી આપ્યું એની વિસ્તૃત વાત અમે આવતા અંકે અહીં કરીશું. છેલ્લે જેમના માત્ર નામસ્મરણથી પણ અનેક ભાવોનાં સંચિત કર્મો ખરી પડે છે એવા પ્રભુ મહાવીરના અનન્ય શિષ્ય શ્રી ગૌતમસ્વામી વિશે શ્રી દર્શનવિજયજીએ મહારાજે (ત્ર‌િપુટી) રચેલા સ્તવનમાં તેમનો મહિમા વર્ણવતાં કહેવાયું છે કે :

ગૌતમ નામે ભવ ભીડ હરીયે

આત્મભાવ સંવરિયે

કર્મ જંજીરીયે બાંધ્યા છૂટે

ઉત્તમ કુલ અવતરિયે

weekend guide columnists