ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના સમૃદ્ધ પદ સાહિત્યની સંક્ષ‌િપ્ત ઝાંખી

13 October, 2019 04:32 PM IST  |  મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના સમૃદ્ધ પદ સાહિત્યની સંક્ષ‌િપ્ત ઝાંખી

આજથી ત્રણસો વર્ષ પહેલાં થયેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એક સમર્થ જૈન સર્જક હતા. સાહિત્યનું કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જેનું ખંડાણ તેમણે કર્યું ન હોય. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. આ ત્રણેય ભાષામાં તેમણે ૧૨૫થી વધારે ગ્રંથોની રચના કરીને આ વિશ્વ પર મોટો ઉપકાર કર્યો છે. તેમનું સ્તવન સાહિત્ય જેટલું સમૃદ્ધ છે એટલું જ સમૃદ્ધ તેમનું પદ સાહિત્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એ સમયે વિશેષ વ્યાપક અને વિશેષ લોકગમ્ય પ્રકાર પદોનો હતો. બીજા પ્રકારોમાં લોકો મોટા ભાગે શ્રોતાનું કામ કરતા, પરંતુ આ પ્રકાર જ એવો હતો જે આમજનતા મુખપાઠ કરીને હોંશે-હોંશે દિનપ્રતિદિન ગાઈને આનંદ માણી શકતી. એ સમયે પદોની લોકપ્રિયતા એટલીબધી હતી કે પ્રબંધલેખકો પ્રબંધમાં, આખ્યાનકારો આખ્યાનમાં, રાસ-લેખકો રાસામાં અને વાર્તાકારો વાર્તાઓમાં એનો છૂટથી ઉપયોગ કરતા. ઉપાધ્યાયજીનું પદસાહિત્ય અધ્યાત્મ જ્ઞાન સંબંધી હોવાથી સર્વ જીવોને માટે કલ્યાણકારી છે. સકલ વિશ્વમાં અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત થયા વિના વિષય-કષાયોને જીતી શકાતા નથી. અધ્યાત્મ જ્ઞાનથી મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ થાય છે. એની યથાર્થતા ઉપાધ્યાયજી મહારાજે પોતાના પદ સાહિત્ય દ્વારા સિદ્ધ કરી છે. ઉપાધ્યાયજી મહારાજના પદ સાહિત્યમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેમનાં પદોમાં ભાવલાલિત્ય, અર્થગાંભીર્ય, ભાષાની સચોટતા અને રસપરિપૂર્ણતા એક સિદ્ધહસ્ત કવિનો સાનંદ પરિચય કરાવે છે. સહજ ઉર્મિઓથી રચાયેલું તેમનું પદ સાહિત્ય આજે પણ એટલું જ લોકપ્રિય અને લોકભોગ્ય રહ્યું છે.

આત્માને મોહના સંગથી દૂર કરી હૃદયમાં જ્ઞાનરૂપી અમૃતને ધારણ કરવા માટે ઉપાધ્યાયજી મહારાજ કહે છે ઃ

મોહ મહાતમ મલ દૂરે રે, ઘર સુમતિ પરકાશ,

મુક્તિપંથ પરગટ કરે રે, દીપક જ્ઞાન વિલાસ;

જ્ઞાની જ્ઞાન મગન રહે રે, રાગાદિક મલ ખોય,

ચિત્ત ઉદાસ કરની કરે રે, કર્મબંધ નહીં હોય

સાચો જૈન કેવો હોવો જોઈએ એનું સરસ દર્શન કરાવતા ઉપાધ્યાયજી મહારાજની નિર્મળ વાણી પ્રગટ થાય છે ઃ

કહત કૃપાનિધિ સમ જલ ઝીલે, કર્મ મયલ જો ધોવે,

બહુ પાપમલ જો ધોવે, શુદ્ધ રૂપ નિજ જોવે;

સ્યાદ્વાદ પૂરન જો જાને, નષગર્ભિત જસ વાચા,

ગુન પર્યાય દ્રવ્ય જો બુઝે, સોઈ જૈન હૈ સાચા

પારકી આશા નહીં રાખવાની સ્પષ્ટ વાત કરતાં ઉપાધ્યાયજી મહારાજ તેમની લાક્ષણિક શૈલીમાં કહે છે :

પરવશ બસત લહત પરતક્ષ, દુ:ખ સબહિ બાસે સનુરા,

નિજધર આપ સંભાર સંપદા, મત મન હોય સનુરા;

પરસંગ ત્યાગ લાગ નિજ અંગે, આનંદ વેલી સાંકુરા,

નિજે અનુભવ રસ લાગે મીઠાં, જ્યૂં ઘેવર મેં ઘૂરા!’

જીવનમાં સમતા ગુમાવનારને શું ગુમાવવું પડે છે એનું સચોટ ઉદાહરણ આપતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે :

બાહ્ય ક્રિયા કરે, કપટ કેલવે, ફિરકે મહંત કહાવે,

પક્ષપાત કબહુ નહીં છોડે, ઉનકો કુમતિ બોલાવે,

જિન જોગી ક્રોધ કિહાંતે, ઉનકું સુગરુ બતાવે,

નામધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ પિનુ દુ:ખ પાવે, જબ લગે સમતા શણું ન આવે

સાચા મુનિ, સાચા સાધુ અને સાચા ગુરુ કેવા હોવા જોઈએ એની માર્મિક વાત કરતાં ઉપાધ્યાયજી મહારાજ પોતાની મસ્તીમાં કહે છે :

પવનકો કરે તોલ, ગગનકો કરે મોલ,

રવિકો કરે હિંડોલ, એસો કોઉ નર રે?

પત્થરકો કાંતે સૂત, વંધ્યાકો પડોળે પૂત,

ઘરમેં બોલત ભૂત, વાકે કિન વર રે?

બ‌િજલી સે કરે બ્યાહ, ધ્રુકુ ચલાવે રાહ,

ઉદધિમેં ઉડાવે દાહ, કરત ભરાભર રે;

બડો દિન, બડી રાત, વાકી કૌન માત તાત,

ઇતની બનાવે બાત, જસ કહે મેરા ગુરુ રે

‘જ્ઞાન: ક્રિયાભ્યાસ મોક્ષ:’ની ગુરુગમ્ય વાત જે જીવ પોતાના જીવનમાં ઉતારતો નથી તેના માટે અનોખા કવિત્વથી ઉપાધ્યાયજી મહારાજ કહે છે:

જૈસે ગજ અપના શિર ઉપર, ધૂર અપની ડારે,

જ્ઞાન ગ્રહન ક્રિયા તિઉં છારત, અલ્પ બુદ્ધિ ફલ હારે,

જ્ઞાન, ક્રિયા હોઉ શુદ્ધ ધરે જો, શુદ્ધ કહે, નિરધારી;

જસ પ્રતાપ ગુન નિધિકી જાઉ, ઉનકી મેં બલિહારી

મનની સ્થિરતા જીવને શું લાભ કરાવે છે એની તેજાબી વાણીમાં વાત કરતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે:

જબલગ આવે નહીં મન કામ, તબલગ કસ્ટ ક્રિયા સવિ નિષ્ફળ

જયોં ગગન ચિત્રામ, એને પર નહીં યોગ કી રચના

જો નહીં મન પિક્ષામ, ચિત્ત અંતર પરકે છલ ચિંતવી,

કહાં જપત મુખ રામ!

આમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનાં પદોમાં સહજ, સ્વયંભૂ અધ્યાત્મ રસના અને એના પરમ પરિપાક સાથે આત્માનુભવના ચમત્કાર દૃષ્ટિ ગોચર થાય છે. એમાં પદે-પદે ઉત્તમ કવિત્વમય પ્રાસાદ અને માધુર્યગુણની નિષ્પત્તિ થાય છે. ઉપાધ્યાયજી મહારાજની ભાષાશૈલી સરળ, સાદી છતાં લાલિત્યમય, પરમ સંસ્કારી, પરમાર્થ સભર અને આશય ગંભીર છે. તેમનાં પદોમાં ઉત્તમ તાત્ત્વિક ભક્તિની પ્રધાનતા છે, તેમની શૈલી પ્રથમ દર્શને કંઈ કઠ‌િન, અર્થધન અને પ્રૌઢ જણાય છે. તેમાં ઓજસ ગુણની પ્રધાનતા છે. છતાં જેમ-જેમ એનું અવગાહન કરીએ, એમાં ઊંડા ઊતરીએ એમ-તેમ એ ઉચ્ચ કવિત્વના ચમત્કારયુક્ત, ઊંડા ભક્તિરસ પ્રવાહવા‍ળી પ્રતીત થાય છે. તેમનાં પદોની વિશેષતા એ છે કે સૌકોઈ એનું યથેચ્છ મધુર અમૃતપાન સુગમતાથી કરી શકે છે. આપણે સૌ પણ ઉપાધ્યાયજી મહારાજનાં આવાં સુંદર પદોનું સતત રસપાન કરી જીવનને કૃતાર્થ બનાવીએ.

weekend guide columnists