અગણિત ગુણ ગોળના

04 December, 2020 01:44 PM IST  |  Mumbai | Bhakti Desai

અગણિત ગુણ ગોળના

સાકર કરતાં ગોળ વધુ સારો

દરેક ઋતુ બદલાય એમ આપણી રોજિંદી આહારશૈલીમાં પણ બદલાવ આવે છે. હવે તો બધું જ બારેમાસ મળતું હોવાથી આવી આહારશૈલી જળવાતી નથી. શિયાળા માટે વડીલો એક કહેવત બોલતા કે ‘શિયાળાનું ખાણું અને જુવાનીનું નાણું’. શિયાળાને સેહત બનાવવાની ઋતુ કહેવાય છે. આ સીઝનમાં ગોળનો વપરાશ વધુ થાય છે. ગોળ માટે આપણે ત્યાં કહેવત છે ‘જે ખાય ગોળનો ગાળિયો એ થાય બહુ બળિયો’. એમ કહેવાય છે કે જે શિયાળાના ચાર મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના શરીરને સાચવી લે છે તેમને પછીના આઠ મહિના પાછું વળીને જોઉં નથી પડતું. શિયાળામાં ગોળનું જ ગળપણ વાપરવાનું કહેવાયું છે
શિયાળો શરૂ થતાં જ દરેકના ઘરમાંથી વસાણાં નાખીને બનાવાતા અડદિયા પાક, ગોળપાપડી, ખજૂર પાક, વિવિધ પ્રકારની રાબ આ બધું બનવાની સુગંધ આવવા લાગે છે. આ બધામાં એક જે બહુ જરૂરી સાહિત્ય છે એ છે ગોળ. શિયાળાની ઋતુમાં તથા આમ પણ સ્વાસ્થ્યને બળ પ્રદાન કરવામાં ગોળની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આજે મેળવીએ નિષ્ણાત પાસેથી ગોળ વિશે સવિસ્તર માહિતી.
સાકર કરતાં ગોળ વધુ સારો
આપણા રસોડામાં ગળપણ માટે ખાંડ અને ગોળ આ બન્ને વસ્તુઓ વપરાય છે. અલબત્ત, હવે હેલ્થ-કૉન્શ્યસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે એવું જણાવતાં ડૉ. મંગેશ કહે છે, ‘આપણે જે ખાંડ નિયમિત રીતે વાપરીએ છીએ એને આમ પણ વાઇટ પૉઇઝન કહેવાય છે. આની પર અનેક કેમિકલ પ્રક્રિયાઓ થાય છે ત્યારે એ સફેદ રંગની સાકર બને છે. જેટલો વધારે આનો રંગ સફેદ હોય છે એટલી વધુ એ કેમિકલયુક્ત અને શરીર માટે હાનિકારક હોય છે. આપણે વિચાર કરીએ તો આપણા વડીલો શીરામાં, ચિક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, એ સમયે ખાંડ નહીંવત વપરાતી. તેઓ નીરોગી હતા અને હીમોગ્લોબિનની કમી ભાગ્યે જ કોઈમાં જોવા મળતી. પણ હવે સફેદ સાકર ઘર-ઘરમાં વપરાય છે. સાકરના વધુ સેવનથી ચરબી ખૂબ વધે છે અને વજન વધવાથી અનેક બીમારીઓ શરીરમાં ઘર કરે એ સ્વાભાવિક છે. સાકર ઉષ્ણતા પણ વધારે છે, જ્યારે ગોળ ઉષ્ણ નથી. ઑર્ગેનિક ગોળમાં જે ગળપણ છે એ નુકસાનકારક નથી. મહારાષ્ટ્રના ગામેગામમાં એક પ્રથા છે કે વ્યક્તિ જ્યારે ઉનાળામાં તડકામાંથી ઘરે આવે છે ત્યારે તેને ગોળનો ગાંગડો ચૂસવા અપાય છે અને પછી થોડું પાણી આપવામાં આવે છે. આનાથી ઉનાળાનો ત્રાસ થતો નથી અને તડકામાંથી આવીને સીધું પાણી ન પીવું જોઈએ, પણ ગળું સુકાતું હોવાથી એને ભીનું કરવાની જરૂર ગોળ સારે છે. ગોળ ગળાને ભીનાશ પણ અર્પે છે સાથે જ તડકામાં પરસેવો થઈ વ્યક્તિના શરીરમાંથી જે ઇલેક્ટ્રોલાઇટ્સની કમી સર્જાય છે એનું સંતુલન કરે છે. આના પછી પાણી ઓછું પીવાય છે. આનાથી વ્યક્તિનો થાક તો ઊતરી જાય છે અને તે તરત જ તાજગી પણ અનુભવે છે. આમ સાકરની જગ્યાએ ગોળનું સેવન દરેક ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક છે.’
શિયાળામાં ગોળનો ઉપયોગ
શિયાળામાં ગોળનો ઉપયોગ વધુ થાય છે અને ગોળનો ઉકાળો અથવા વિવિધ પાક અને મીઠાઈઓમાં પણ ગોળ વપરાય છે. શિયાળાના દૃષ્ટિકોણથી ગોળનું મહત્ત્વ વર્ણવતાં ડૉ. મંગેશ કહે છે, ‘આપણે ત્યાં એમ કહેવાય છે કે શિયાળો શક્તિ જમા કરવા માટેની ઉત્તમ ઋતુ છે. કોઈ પણ મીઠાઈ અથવા ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે, પણ જો એ ગોળ નાખીને બનાવવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે; કારણ કે ગોળ પાચન માટે ઉત્તમ છે. આનું બીજું મુખ્ય કારણ એ છે કે અડદિયા પાક, ગુંદરપાક, સૂકા મેવાના લાડવા, ચિક્કી આમાં વસાણાંનો અને તેજાનાનો ઉપયોગ થાય છે. રસોઈના દૃષ્ટિકોણથી ગોળનું કામ લાડવા વાળવા અથવા ચિક્કીનાં ચોસલાં પાડવા માટે હોય છે પણ સ્વાસ્થ્ય માટે સૂકા મેવા, વસાણાં અને તેજાનાની ઉષ્ણતાને સંતુલિત કરવા અને એમાં વપરાતા સ્નિગ્ધ પદાર્થ જેમ કે ઘી અથવા સૂકા મેવામાં રહેલું તેલ શરીરમાં શોષાઈ શકે એ માટે ગોળ ઉત્તમ છે. ગોળ બળ અર્પે છે અને ભૂખ ખીલવામાં મદદ કરે છે. સૂકા મેવા, તલ આ બધા સાથે ગોળનું કૉમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને શિયાળામાં જ આ તહેવાર આવે છે જેમાં ચિક્કીના માધ્યમથી તલ અને ગોળનું આ ઋતુમાં સેવન વધારે થઈ શકે છે, જે શક્તિ અને આયર્ન અર્પે છે અને તેલમાં જે તેલ છે એની પણ જરૂર શિયાળામાં શરીરને હોય છે. આ મિશ્રણ અત્યંત ઉત્તમ, બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે. આ સિવાય દર શુક્રવારે ઘણા લોકો સંતોષી માતાને ગોળ અને ચણાનો ભોગ ધરાવે છે અને પ્રસાદ લે છે જે હીમોગ્લોબિન વધારવા માટે રામબાણ ઇલાજ છે. ચણા સૂકા અને મીઠાવાળા હોય છે જ્યારે ગોળમાં ગળપણ અને ભીનાશ હોય છે તેથી સ્વાદમાં પણ આ ખૂબ સરસ લાગે છે અને અઠવાડિયામાં એક વાર જો નિયમિત રીતે આનું સેવન થાય તો હીમોગ્લોબિન જળવાઈ રહે છે.’
જમતાં પહેલાં ગોળની કાંકરી લેવી
ગોળના ઉપયોગને લઈને અમુક ગેરસમજણો દૂર કરતાં તેઓ કહે છે, ‘ઘણા લોકો એમ માને છે કે ગોળ જમવાનું પચાવવા માટે ઉત્તમ છે તેથી એને જમ્યા પછી ખાવો જોઈએ, પણ આયુર્વેદ મુજબ જમવાને અંતે ગળ્યું વર્જ્ય છે તેથી જો ગોળ ખાવો જ હોય તો શરૂઆત મીઠાથી એટલે કે ગોળથી કરી શકાય. બીજું કે ડાયાબિટીઝના દરદીઓને ગોળનું ગળપણ નુકસાન નથી કરતું એ પણ એક ગેરસમજણ જ છે. છેલ્લે તો એ ગળ્યો જ છે તેથી બ્લડ શુગર વધારે જ છે. હા, જો તમે ડાયાબિટીઝ દરદી તરીકે ચામાં અથવા શેમાં પણ થોડી મીઠાશ લેવાની ઇચ્છા ધરાવતા હો તો સાકરની જગ્યાએ ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ઓછી હાનિ પહોંચશે, પણ આનો અર્થ એવો નથી કે ગોળ ખાશો તો ચાલી જશે. નિયંત્રણ તો જરૂરી જ છે.’

એક વર્ષ જૂનો ગોળ ઉત્તમ
જ્યારે પણ ખાવો હોય ત્યારે એક વર્ષ જૂનો ગોળ વાપરવો. જૂનો ગોળ પચવામાં હલકો, અગ્નિદીપક, પુષ્ટિવર્ધક, વીર્યવર્ધક, ત્રિદોષનાશક અને થાક ઉતારનાર છે. હરિતસંહિતામાં ગોળને ક્ષય, ખાંસી, ક્ષત, ક્ષીણતા, પાંડુરોગ અને લોહીની ઓછપમાં પથ્યતમ કહ્યો છે. આચાર્ય ચરકે ગોળને રક્ત, માંસ અને શુક્ર ધાતુની વૃદ્ધિ કરનારો કહ્યો છે. ગોળ જેમ-જેમ વધુ જૂનો થતો જાય એમ એનો ત્રિદોષશામક ગુણ વધતો જાય છે, જ્યારે નવો ગોળ કફકારક હોવાથી શરદી, ખાંસી, શ્વાસ, ઉધરસ, પ્રમેહ અને મેદ વધારે છે તેમ જ ચામડીના રોગો પેદા કરે છે. એક વર્ષ જૂનો ગોળ વાયુશામક છે અને થોડાક પ્રમાણમાં પિત્તશામક પણ છે. કફના રોગોમાં ગોળ અને આદું સાથે આપવા. વાતના રોગોમાં ગોળ સાથે ઘી અને સૂંઠ આપવાં. પિત્તના રોગોમાં હરડેની સાથે ગોળ લેવો.

કેવો ગોળ ખરીદવો જોઈએ?
શિયાળામાં ગોળ મહત્ત્વનો તો છે, પણ એ કેવો હોવો જોઈએ એ વધુ મહત્ત્વનું છે. આયુર્વેદની ઊંડી સમજ ધરાવતા ૧૮ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા મુલુંડના વૈદ્ય ડૉ. મંગેશ પાટીલ કેવો ગોળ વાપરવો જોઈએ એ સમજાવતાં કહે છે, ‘ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નૉન-ઑર્ગેનિક છે. સ્વાભાવિક છે કે શેરડીમાંથી બનતો પ્રાકૃતિક ગોળ ઘેરા રંગનો જ હોય, પણ લોકો એનો રંગ જોઈને એને અશુદ્ધ માને છે. બલકે નૅચરલી ગોળનો રંગ ઘેરો હોય એ વધુ સારું છે. પીળા રંગનો ગોળ બનાવવા માટે ઘેરા રંગના ગોળમાં કેટલાંય કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. એમાં ઉપરથી સ્વીટનર, ફૉસ્ફરસ તથા અમુક કેમિકલ્સ ઉમેરવામાં આવે છે જે એના રંગને બ્લીચ કરીને પીળો અને આકર્ષક બનાવી દે છે. પ્રાકૃતિક ગોળના મૂળ ગુણો એમાંથી નીકળી જાય છે અને આપણા શરીર માટે હાનિકારક આ ગોળનું આપણે શુદ્ધ ગોળ સમજીને સેવન કરીએ છીએ. અલબત્ત, હવે લોકો ઘણા જાગૃત થઈ ગયા છે અને ઑર્ગેનિક ગોળ ખરીદવાનું વધુ પસંદ કરે છે, જે અત્યંત લાભદાયી છે.’

bhakti desai columnists