વેબ-સિરીઝનો જમાનો : હવે કળા કાટ નહીં ખાય, કલાકારમાં દમ હશે તો પોંખાશે

22 March, 2020 05:57 PM IST  |  Mumbai Desk | Parth Dave

વેબ-સિરીઝનો જમાનો : હવે કળા કાટ નહીં ખાય, કલાકારમાં દમ હશે તો પોંખાશે

ભારતીય વેબ સીરિઝ

કોરોના વેકેશનને કારણે આજકાલ વેબસિરીઝના વ્યુઅર્સની સંખ્યામાં જબરજસ્ત વધારો થઈ ગયો છે. ટીવી કરતાંય વધુ લોકપ્રિય થઈ ગયેલા આ માધ્યમે ન્યુ કમર્સ અને સ્ટ્રગલર્સથી લઈને ટીવી-સિરિયલોમાં રાજ કરીને ખોવાઈ ગયેલા અવ્વલ કલાકારોને પણ રિવાઇવ કરવાનું કામ કર્યું છે ત્યારે જાણીએ નવા-જૂના કલાકારોને કેવા બખ્ખા થઈ ગયા છે

૨૦૧૪માં ‘ધ વાઇરલ ફિવર’ની ‘પર્મનન્ટ રૂમમેટ્સ’ સિરીઝ કોઈ ઑનલાઇન જોતું નજરે ચડતું તો નવાઈ લાગતી!
ધીમે-ધીમે એ નવાઈ નૉર્મલ થવા લાગી અને આજે આજુબાજુ બધા જ વેબ-શોઝ અને સિરીઝ જોઈ રહ્યા છે. ‘પર્મનન્ટ રૂમમેટ્સ’ના એક વર્ષ પછી ‘યશરાજ’એ ઑનલાઇન ‘બૅન્ડ બાજા બારાત’ બનાવી અને ઓપન પ્લૅટફૉર્મ યુ-ટ્યુબ પર રિલીઝ કર્યું. આજે નેટફ્લિક્સથી કરીને ઉલ્લુ સુધીનાં તમામ પ્લૅટફૉર્મ એક રીતે ઓપન જ છે, પણ તે ‘ઓવર ધ ટૉપ’ કહેવાય, એટલે કે જે-તે વિડિયો જોવા માટે જોનારે ચાર્જ ચૂકવવો પડે. જોકે હજી પણ અમુક સિરીઝ અને ફિલ્મો સીધી યુ-ટ્યુબ પર રિલીઝ થાય જ છે.
થોડા દિવસો પહેલાં જ યુ-ટ્યુબ પર રિલીઝ થયેલી સિરીઝ ‘સ્ટાર્ટિંગ ટ્રબલ્સ’ ડૉ. જગદીશ ચતુર્વેદીના પુસ્તક પર આધારિત છે. એમાં ‘હમ આપકે હૈં કૌન’ ફેમ અભિનેત્રી રેણુકા શહાણે છે. રેણુકા આ ઉપરાંત નેટફ્લિક્સ માટેની ફિલ્મ ‘ત્રિભંગા’ ડિરેક્ટ પણ કરી રહી છે જેનો પ્રોડ્યુસર અજય દેવગન છે અને કલાકારોમાં તન્વી આઝમી, મિથિલા પાલકર અને કાજોલ છે.
અઢળક ટીવી અને ફિલ્મમાં કામ કરી ચૂકેલી રેણુકા શહાણે મિડ-ડે સાથે વાત કરતાં કહે છે, ‘વેબ-પ્લૅટફૉર્મ એ ક્રીએટિવ લોકો માટે મોટી તક સમાન છે. હવે આપણી ઇન્ડસ્ટ્રી ટીવી અને ફિલ્મ સુધી સીમિત નથી રહી. આજે ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન અને એક્ઝિબિશન (બનાવવી અને દર્શાવવી) મોંઘું થઈ ગયું છે, એવામાં વેબ-પ્લૅટફૉર્મ કામ આવે છે. અમુક સર્જકોની વાર્તાઓનો ટીવીમાં સ્કોપ નથી હોતો એ ઑનલાઇન દર્શાવી શકાય છે.’
હાલ વેબ-સિરીઝમાં ડિરેક્ટર અને ઍક્ટર તરીકે ઍક્ટિવ રેણુકા માને છે કે આજે ઘણા લોકોને પ્રસ્થાપિત મીડિયમમાં કામ નથી મળતું અથવા પહેલાં નહોતું મળતું તેમને માટે ડિજિટલ માધ્યમ ગોલ્ડન ઑપોર્ચ્યુનિટી છે.
રેણુકા શહાણેએ ઠેઠ ૧૯૯૨માં ‘હાચ સુનબાઈચા બહુ’ નામની મરાઠી ફિલ્મથી પોતાના કરીઅરની શરૂઆત કરી હતી તો ૨૦૧૨માં એક બંગાળી-કૉમેડી શોથી શરૂઆત કરનાર અભિનેત્રી પલ્લવી મુખરજી તાજેતરમાં શરૂ થયેલી સિરિયલ ‘બૅરિસ્ટર બાબુ’માં મહત્ત્વનો રોલ ભજવી રહી છે, પણ તેને કરીયરનો બ્રેક મળ્યો, લોકો ઓળખતા થયા ‘ગંદી બાત’ અને ‘ક્લાસ ઑફ ૨૦૨૦’થી. આ બેઉ ઑનલાઇન સિરીઝ છે. પલ્લવી કહે છે, ‘મેં બગાળી શો અને સિરિયલો કરી, હિન્દી સિરિયલ ‘ઝાંસી કી રાની’માં પણ કામ કર્યું, પરંતુ મને એક્સપોઝર ‘ગંદી બાત 3’ થકી જ મળ્યું છે. મારા હિસાબે વેબ-સિરીઝ (ડિજિટલ) ડેબ્યુ માટે બેસ્ટ પ્લૅટફૉર્મ છે, કેમ કે તે એક ને એક વાર્તા અને પાત્રો ખેંચતું નથી, જેમ ટીવીમાં ચાલ્યા કરે છે. ઑનલાઇન પ્લૅટફૉર્મનો પ્લસ પૉઈન્ટ એ છે કે એમાં બધાને ચાન્સ મળે છે. સિરિયલોમાં એક ચહેરો ચાલતો હોય તો એ જ ચાલે, પણ અહીં એવું નથી.’
વેબ-સિરીઝોમાં પણ ફિલ્મો અને ટેલિવિઝનની જેમ ગુજરાતી કલાકારો આવી રહ્યા છે. દેવદાસ, કાઈ પો છે, એક્સક્યુઝ મી સહિતની ફિલ્મો કરી ચૂકેલા મુનિ ઝા નેટફ્લિક્સની પહેલી ભારતીય સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં દેખાયેલા અને અલ્ટ બાલાજીની ‘બારિશ 2’માં દેખાવાના છે. તેમણે કહ્યું, ‘વેબ-શોના બેશક ફાયદા છે. કલાકારોને કામ મળે છે, પરંતુ દરેક સિક્કાની બે બાજુ છે. આ માધ્યમનો ખાસો એવો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. ઘણા યુવાનો મુંબઈ આવીને, ઍડલ્ટના નામે અશ્લીલ વેબ-સિરીઝ કરીને અટવાઈ ગયા છે એ મેં જોયું છે. જોકે તે વ્યક્તિગત પસંદગીની બાબત છે. બાકી તમારામાં આવડત હશે તો અહીં તમે ઝળકશો જ એ ડિજિટલ માધ્યમની તાકાત છે.’
માર્ક કરીએ તો હમણાં સત્યઘટના કે કોઈ વ્યક્તિ પર આધારિત સિરીઝનો દોર ચાલી રહ્યો છે; જેમ કે ધ ફરગોટન આર્મી, બૉસ ઃ ડેડ ઓર અલાઇવ, ધ ચાર્જશીટ, ધ વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી વગેરે. આમાં વધુ એક ઉમેરો થવાનો છે, જે ‘શાહિદ’ અને ‘અલીગઢ’ના ડિરેક્ટર હંસલ મહેતા કરવાના છે. તેઓ કૌભાંડી હર્ષદ મહેતાએ આચરેલા સ્કૅમ પર ‘સ્કૅમ 1992’ નામની સિરીઝ બનાવી રહ્યા છે જેમાં મુખ્ય પાત્ર ગુજરાતી થિયેટર અને ફિલ્મ-અભિનેતા પ્રતીક ગાંધી ભજવી રહ્યા છે. પ્રતીક કહે છે, ‘આ પ્લૅટફૉર્મ પર વધારે વાત ઍક્ટર્સની થાય છે નહીં કે સ્ટાર કે હીરોની. બીજું, અહીં મિનિટ કે એપિસોડની મર્યાદા નથી એટલે વાર્તાને પૂરેપૂરો ન્યાય પણ મળે છે. પાછું આ કન્ટેન્ટ આખી દુનિયા સુધી પહોચેં છે માટે અમે કલાકારો ખૂબ ખુશ છીએ કે અમને ઑલમોસ્ટ ગ્લોબલી પર્ફોર્મ કરવાનો મોકો મળે છે!’
‘ડિજિટલ દુનિયામાં કલાકારો તો ખૂબ મળે છે.’ પ્રતીક ગાંધી ઉમેરે છે, ‘હવે અહીં કૅરૅક્ટર ક્રીએટર્સની જરૂર છે. આ ફીલ્ડમાં ઉંમરનો બાધ નથી એટલે કોઈ પણ કલાકાર, જેનામાં કસબ હોય તેનો સ્વીકાર છે.’
જે ક્રીએટિવ મેકર્સ અને પ્રોડક્શન-હાઉસ પોતાની પ્રોડક્ટ ટીવી પર નથી રજૂ કરી શકતાં તેઓ વેબ-પ્લૅટફૉર્મની મદદ લે છે. એકતા કપૂર ખુદ જેણે ચિક્કાર સંખ્યામાં સિરિયલો બનાવી તે ઓટીટી પ્લૅટફૉર્મ ‘અલ્ટ બાલાજી’ લઈ આવી, જેથી નવા નવા જોનર અને વિષયો તે અજમાવી શકે, જે ટીવી (અને ફિલ્મ) માધ્યમમાં શક્ય નથી.
એકતા કપૂરની જ ૨૦૦૫-’૦૬ દરમ્યાન આવેલી શૉપ ઑપેરા ‘કૈસા યે પ્યાર હૈ’માં રૉકસ્ટાર અંગદ ખન્નાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર જાણીતો થયેલો ઇકબાલ ખાન અત્યારે ઓટીટી પ્લૅટફૉર્મ ઉલ્લુની વેબ-સિરીઝ ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’માં દેખાઈ રહ્યો છે. ઇકબાલે ‘કૈસા યે પ્યાર હૈ’ પછી અઢળક સિરિયલો કરી. તે કહે છે, ‘હવે જમાનો વેબ-સિરીઝનો જ છે. ટીવી પર જે દર્શાવવામાં આવે છે એવાં પાત્રો, તએવી વાતો હવે કોઈ નથી કરતું, કોઈ નથી હોતું. એ લોકો જાણે દર્શકોને મૂર્ખ સમજે છે. એને કારણે સિરિયલોની ટીઆરપી પણ ઘટી રહી છે અને લોકો વેબ-સિરીઝ તરફ ડાઇવર્ટ થઈ રહ્યા છે. આજે બિલ્ડિંગના પૉશ ફ્લૅટમાં રહેતો માણસ પણ વેબ-સિરીઝ જુએ છે અને એ જ બિલ્ડિંગમાં નીચે નોકરી કરતા વૉચમૅનના મોબાઇલમાં પણ એ જ વેબ-સિરીઝ છે. માટે નવોદિતો માટે ભરપૂર તક છે આ મધ્યમમાં.’
‘ડિજિટલ પ્લૅટફૉર્મની સારી વાત એ છે કે એમાં મોઢું નહીં, ઍક્ટિંગ મહત્ત્વની છે.’ ઇકબાલ ઉમેરે છે, ‘ઍક્ટિંગ નહીં આવડતી હોય તો જોનાર પોતાના મોબાઇલ કે લૅપટૉપ બંધ કરી દેશે. હવે એવું નથી રહ્યું કે ગુડલુકિંગ ચહેરાને કામ મળી જ જશે. હવે જિમ જવું જરૂરી નથી, ઍક્ટિંગ આવડશે તેને કામ મળશે. ઍક્ટિંગ આવડતી હશે તેની બૉડી પછી બની શકશે. પણ બૉડીવાળાને સીધા લોકો નહીં સ્વીકારે.’
ઇકબાલે એમ પણ કહ્યું કે ઉલ્લુ અત્યાર સુધી જે બનાવતું (ઍડલ્ટ કન્ટેન્ટ) હતું એનાથી તેની સિરીઝ ‘ધ બુલ ઑફ દલાલ સ્ટ્રીટ’ એકદમ અલગ છે. ઉલ્લુના સી.ઈ.ઓ. વિભુ અગ્રવાલ કહે છે, ‘મને એવું પ્લૅટફૉર્મ ઊભું કરવું હતું જે દરેક સામાન્ય માણસ વાપરી શકે, ત્યારે જે ચાલી રહ્યા હતા એ હાઈક્લાસ લોકો માટેના હતા, મારું બધા માટે છે.’
નવા કલાકારોને મળતાં કામ વિશે વિભુ અગ્રવાલે કહ્યું કે ‘એક વેબ-શો બને એની પાછળ મુખ્ય કલાકારો સહિત ૭૦થી ૧૨૫ લોકો સંકળાયેલા હોય છે. એ બધાને રોજી મળે છે. ઘણા પ્રોજેક્ટ કોઈ મોટી ચૅનલ સુધી નથી પહોંચી શક્તા અને એમ ને એમ પડ્યા રહે છે; ડિજિટલ માધ્યમ તેમને તક પૂરી પાડે છે.’
વિભુ અગ્રવાલે જૂના આર્ટિસ્ટ વિશે વાત નીકળતાં તરત કહ્યું કે ‘થોડા દિવસો પહેલાં જ મારી સિંગર સપના મુખરજી સાથે વાત થઈ. તેમણે સાડાચારસોથી ઉપર ગીતો ગાયાં છે, પણ તેમણે જ કહ્યું કે ‘મારી કળા છૂટી ગઈ છે’. ઉલ્લુની આવનારી સિરીઝમાં હવે તેમનો અવાજ સંભળાશે. ઈન શૉર્ટ, કલાકારોની કળા આ વેબ-શોઝ દ્વારા જળવાય છે.’
આજે ‘નેટફ્લિક્સ’ અને ‘ઍમેઝૉન પ્રાઇમ’ જે ક્વૉલિટી કન્ટેન્ટ માટે જાણીતા પ્લૅટફૉર્મ છે, તેઓ ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા છે? બ્રિધ, મેડ ઈન હેવન, ફૉર મોર શૉટ્સ પ્લીઝ, ધ ફૅમિલી મૅન, મિર્ઝાપુર સહિતની સિરીઝો આપી ચૂકેલું અને ભારતમાં અત્યંત લોકપ્રિય ડિજિટલ પ્લૅટફૉર્મ ‘ઍમેઝૉન પ્રાઇમ’ના ડિરેક્ટર અને કન્ટેન્ટ હેડ વિજય સુભ્રમણ્યમ કહે છે, ‘અમે હજી નવા ઝોનર, નવા ફૉર્મેટ અને વધુ ભાષામાં કન્ટેન્ટ લાવવાનું વિચારી રહ્યા છીએ. અમે નૅશનલ અને ઇન્ટરનૅશનલ ઓરિજિનલ સિરીઝ, યુએસ ટીવી, હૉલીવુડ અને બૉલીવુડની ફિલ્મો ઉપરાંત તામિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, ગુજરાતી વગેરે તમામ ભાષાઓ અને કન્ટેન્ટ તરફ નજર દોડાવી રહ્યા છીએ. અમે વધુમાં વધુ કન્ટેન્ટ-ડ્રિવન શો બને એવા પ્રયાસમાં છીએ.’
૪૦૦૦ જેટલાં નાનાં-મોટાં શહેરોમાં ઍમેઝૉન પ્રાઇમના મેમ્બર્સ છે એટલે કે આટલાં શહેરના લોકો પ્રાઇમ પર ઑફિશ્યલી લોગ-ઇન થઈને ફિલ્મો અને સિરીઝો જુએ છે. વિજય સુભ્રમણ્યમ કહે છે, ‘આ સંખ્યા અને કન્ટેન્ટની સામગ્રી દિવસે-દિવસે વધવાની છે. ભારતમાં ફ્રેશ કન્ટેન્ટની માગ છે અને અમે એવું માનીએ છીએ કે સ્ટ્રીમિંગ અને વિડિયો-ઑન-ડિમાન્ડ મનોરંજનનું એક એવું માધ્યમ છે જે આવનારા સમયમાં નોંધપાત્ર રીતે વધશે.’

ડિજિટલ માધ્યમનો દૂરુપયોગ પણ થઈ રહ્યો છે. ઘણા યુવાનો મુંબઈ આવીને ઍડલ્ટના નામે અશ્લીલ વેબ-સિરીઝ કરીને અટવાઈ ગયા છે એ મેં જોયું છે - મુનિ ઝા, ઍક્ટર

આજે બિલ્ડિંગના પૉશ ફ્લૅટમાં રહેતો માણસ પણ વેબ-સિરીઝ જુએ છે અને એ જ બિલ્ડિંગના વૉચમૅનના
મોબાઇલમાં પણ એ જ વેબ-સિરીઝ છે - ઇકબાલ ખાન, ઍક્ટર

આજે ઘણા લોકોને પ્રસ્થાપિત મીડિયમમાં કામ નથી મળતું અથવા પહેલાં નહોતું મળતું તેમના માટે ડિજિટલ માધ્યમ ગોલ્ડન ઑપોર્ચ્યુનિટી છે - રેણુકા શહાણે, ઍક્ટ્રેસ અને ડિરેક્ટર

parth dave columnists weekend guide