માત્ર કેમ છો? પૂછશો તો મજામાં જ જવાબ મળશે

18 August, 2020 03:37 PM IST  |  Mumbai | Bhakti D Desai

માત્ર કેમ છો? પૂછશો તો મજામાં જ જવાબ મળશે

પ્રતીકાત્મક તસવીર

આપણે જીવનમાં ઘણી વાર અમુક વાતોના નિશ્ચિત જવાબ આપવાથી ટેવાયેલા હોઈએ છીએ, જેનું મોટામાં મોટું ઉદાહરણ એટલે જ્યારે આપણે કોઈ મિત્ર કે સંબંધીને ‘કેમ છો’ પૂછીએ છીએ ત્યારે એક ક્ષણના પણ વિલંબ વગર તે વ્યક્તિ આપણને પ્રત્યુત્તરમાં ‘મજામાં’ એમ કહી દે છે. આપણે પણ એમાં અપવાદ નથી. જો કોઈની સાથે મેસેજ, ફોન અને રૂબરૂમાં થતી વાતો પર વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે આ સંવાદનો આ હિસ્સો આપણી આદત બની ગઈ છે. આ ‘મજામાં’માં વાસ્તવમાં કોઈ મજા હોતી નથી. આપણે એવી રીત અપનાવવી જોઈએ જેથી આપણા મિત્રો  કે સ્નેહીજનો પોતાના અંતરમનને પૂછીને આનો જવાબ આપે.

આપણું જીવન એટલું યંત્રવત્ બની ગયું છે કે આપણે ક્યારેય આપણી કે અન્યની ભાવનાઓ તરફ ધ્યાન નથી આપતા. આપણી નજીકની વ્યક્તિ ખુશી, નારાજગી, બેચેની, હતાશા જેવા દરેક ભાવોને મન ખોલીને આપણી પાસે વ્યક્ત કરી શકે એ માટે આપણે આપણાં સંબોધનો અને સંવાદમાં ફેરફાર આણવા વિશે જરૂર વિચારવું જોઈએ.

ફીલિંગ લેવલ પર તાદાત્મ્ય

સંબંધોમાં આત્મીયતાભર્યા સંવાદની ઉત્તમ રજૂઆત કેવી રીતે કરવી જોઈએ એ વિશે માટુંગાનાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ વિશાખા પૂંજાણી કહે છે, ‘સબંધોમાં ઘણી વાર નિકટતા હોવા છતાં જો વાતની રજૂઆત એક લાઇનથી થાય અને એ પણ ઔપચારિકતાવાળી હોય તો સંવાદ આગળ ન વધે અને લાંબા ગાળે સંબંધોમાં એક પ્રકારની દૂરી આવી જાય. આપણે ઘણી વાર વાતોમાં પણ એક રૂઢિઓથી ચાલતી આવતી પરંપરાનું અનુસરણ કરીએ છીએ અને એથી જ ભાષા કોઈ પણ હોય વૉટ્સઍપ પર, ફોન પર કે પછી કોઈને મળીએ ત્યારે આપણે ‘કેમ છો?’ અથવા ‘શું ચાલે છે?’ જેવા જનરલ સવાલોથી જ શરૂઆત કરીએ છીએ. ઘણી વાર તો સામેથી આવનાર જવાબની આપણે નોંધ લેતા પણ નથી, કારણ કે ખબર છે કે એ જ જૂનો અને જાણીતો જવાબ મળવાનો છે, ‘મજામાં.’ વાતચીતની શરૂઆત ‘તમને કેવું લાગી રહ્યું છે?’થી થાય તો સામેવાળી વ્યક્તિને પોતાની અંદરની લાગણીને સમજીને વ્યક્ત કરવાનો મોકો મળે છે. આનાથી સામેથી જવાબ આવે એ પહેલાં એ વ્યક્તિ એક વિરામ લે છે, વિચાર કરે છે અને પછી એની પ્રતિક્રિયા આપે છે.  ઘણી વાર આનાથી લોકોને વિચાર પણ આવે છે કે આવો પ્રશ્ન કેમ પૂછ્યો અને એ  વ્યક્તિની જવાબ આપવાની છટામાં અને મુદ્રામાં એક ફરક જણાય છે આનાથી એક વાત સમજી શકાય છે કે આ સવાલનો જવાબ વ્યક્તિ વિચાર કરીને જ આપે છે. વર્ષોથી એક માન્યતા છે કે માનસિક તાણ-તણાવની ચર્ચા કરવી ખરાબ છે અને શારીરિક બીમારીની જાહેરમાં વાતચીત થઈ શકે છે એને લોકોએ હવે બદલવી જોઈએ. માનસિક આરોગ્યની વાત છૂટથી કહેવા અને સાંભળવાની આદત હવેની જીવનશૈલીમાં જરૂરી બની ગઈ છે. વર્ષોથી ચાલતી આવતી વાતચીતની ઔપચારિકતાને કાઢીને ભાવનાઓને એની સાથે જોડો. વાતચીત શરૂ કરવામાં ફેરફાર લાવો.’

રિલેશનશિપ કાઉન્સેલિંગનો અનુભવ ધરાવતાં વિશાખા પોતાનો દરદીઓ સાથેનો અનુભવ જણાવતાં કહે છે, ‘થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં કામ કરતી વખતે હું દરદીને પૂછું કે ‘તમે કેમ છો’ ત્યારે તેઓ મને તેમની સાચી પરિસ્થિતિ જણાવે અને એ જ દરદી સારા થઈને ઘરે જાય પછી ‘કેમ છો’ના જવાબમાં વિચાર કર્યા વગર ‘મજામાં’ કહીને વાત પૂરી કરી દેતા હોય એવું મેં જોયું છે. ‘હાઉ આર યુ?’ સામે ‘હાવ આર યુ ફીલિંગ?’ પર મેં  મારા આવા અવલોકનથી એક ક્વૉલિટેટિવ ઍનૅલિસિસ શરૂ કરી અને પછી લોકો પર એની અસર જાણવા સોશ્યલ મીડિયા પર એક સર્વે પણ કર્યો. જેમાં લોકોને પૂછેલું કે ‘તમે આમાંથી સાચો જવાબ શેનો આપશો, ‘હાવ આર યુ?’ કે ‘હાવ આર યુ ફીલિંગ?’ તો ૮૭ ટકા લોકોએ બીજો પર્યાય પસંદ કર્યો હતો.’ 

લાગણીઓનો શબ્દભંડોળ વધવો જરૂરી

દિલ ખોલીને વાત કરવામાં સમસ્યા ન આવે એ માટે સંવાદને હળવો અને સહજ રાખવો જોઈએ એવું માનતાં ભાંડુપનાં સાઇકોલૉજિસ્ટ હેતા શાહ કહે છે, ‘આપણે નાનાં હતાં ત્યારથી જ જોયું છે કે શરીરમાં ઠીક ન લાગતું હોય તો આપણે તરત કહીએ છીએ કે આજે મને સારું નથી લાગતું, પણ માનસિક રીતે જો સારું ન લાગતું હોય તો એ કહેવાની આદત આપણે પાડી જ નથી એથી હજી સુધી લોકો પોતાની માનસિક અવસ્થા અન્ય સામે સહજતાથી વ્યક્ત કરતાં ડરે છે. હું નર્સરીથી દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના સંપર્કમાં છું એથી તેમને કેવું લાગે છે કે તેઓ શું મહેસૂસ કરે છે એના વિશે તેઓ ચર્ચા કરતા થાય એની તકેદારી લઉં છું, જે ઘરે પણ માતા-પિતાઓએ કરવું જોઈએ. આપણે લાગણીઓના શબ્દભંડોળને વધારવો જોઈએ. ખોટું લાગવું, હતાશા, ખુશી, આનંદ, ઉત્સાહ એ બધા ભાવને વાચા મળવી જોઈએ. વાતચીતમાં જ્યારે કોઈ આપણી પાસે તેઓ કઈ લાગણી મહેસૂસ કરે છે એની વાત કરે તો તેના વ્યક્તિત્વ વિશે કોઈ મત નક્કી ન કરવો જોઈએ. વાતને એટલી સહજ રીતે કરવી કે તેને ખાતરી થાય કે મનુષ્યનું દરેક ભાવનાઓને મહેસૂસ કરવું સહજ છે એમાં કોઈ અપરાધભાવ શું કામ અનુભવવાનો? જરૂર છે એક એવા સહજતાભર્યા સંવાદની, જેમાં નિકટની વ્યક્તિ લાગણીઓ વ્યક્ત કરે અને આપણે કરાવી શકીએ. માનસિક ભાવની અભિવ્યક્તિ નિષિદ્ધ નથી એટલું યાદ રાખો અને પોતાના મિત્રો અને સંબંધીઓનાં મન હળવાં કરવા મૈત્રીભરી ભાષા બોલો.’

સંબંધોની નિકટતા સમજીને સંવાદ શરૂ કરો

અજાણ્યા અથવા સાદી ઓળખાણ ધરાવતા લોકો સાથેની વાતચીત અને નિકટના મિત્રો, સંબંધીઓ કે સ્વજનો સાથેની વાતચીતમાં બહુ મોટો ફરક હોય છે. નિકટના સંબંધોના સંવાદમાં હૂંફની જેટલી જરૂર છે એટલી જ જરૂર મોકળાશની પણ છે. નિકટના સંબંધોમાં થતા સંવાદમાં રાખવા જેવી કાળજી વિશે ઘાટકોપરના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મલય દવે કહે છે, ‘સૌથી પહેલાં તો સંવાદ ક્યારેય એક લીટીનો ન હોઈ શકે અને આપણે એ વ્યક્તિ સાથે કેટલી નિકટતા રાખીએ છીએ એના પર પણ નક્કી કરવું કે વાતચીત કેવી રીતે શરૂ કરવી જોઈએ. સામેવાળી વ્યક્તિને રાહત અનુભવાય એવી રીતે વાત કરવી, નહીં કે ઔપચારિકતાથી. બીજી મહત્ત્વની વાત એ છે કે ગમે એટલી નિકટતા હોય, પણ એમાં સીધું વ્યક્તિગત પ્રશ્નો પર આવવું પણ યોગ્ય નથી હોતું. આ બે વચ્ચેનો રસ્તો એ છે કે જ્યારે તમે કોઈ મિત્ર કે પોતાના પ્રિયજન સાથે વાતચીત શરૂ કરો તો એક શિષ્ટાચાર સાથે જરૂર કરો, પણ ‘કેમ છે’નો જવાબ આવે ત્યાં જ ‘શું ચાલી રહ્યું છે આજકાલ?’, ‘કામકાજ બરાબર ચાલે છે કે નહીં?’, ‘નવીનતા શું છે?’, ‘ઘરમાં બધા કેમ છે?’ જેવા અનેક પ્રશ્નોથી વાતચીતને આગળ લઈ જાઓ. ત્રીજો મુદ્દો છે પૂરતો સમય. પોતાની પાસે પૂરતો સમય રાખો, જેથી વ્યક્તિ પોતાની કોઈ વાત કરે તો તમારે તેમને અટકાવવાની જરૂર ન પડે, જરૂરી નથી કે બીજી વાર વાત શરૂ કરીએ ત્યારે તે વ્યક્તિ ખૂલીને વાત કરશે જ. અન્ય મહત્ત્વની વાત એ છે કે તમને એ વ્યક્તિની ખરાબ પરિસ્થિતિનો અંદાજ હોય તો પણ ક્યારેય શરૂઆત એવી રીતે ન કરવી કે ‘મેં આવું સાંભળ્યું કે તારી સાથે આમ થયું’. આ વાતથી  કોઈક વાર દુખતી રગ પર હાથ મુકાઈ જવા જેવું લાગે છે અને છલ્લે ખાસ વાત એ છે કે પોતાનો અભિપ્રાય ન આપીને સામેવાળાને શાંતિથી સાંભળો.’

લૉકડાઉને લોકોને ઘણી એકલતામાં મૂકી દીધા છે ત્યારે દરેક વ્યક્તિ વાતચીતમાં અને સંવાદમાં એક હૂંફ અનુભવે એની વાસ્તવમાં જરૂર છે. નાના ફેરફારથી ઘણો મોટો ફરક પડી શકે છે.

થાણેની મેન્ટલ હૉસ્પિટલમાં કામ કરતી વખતે હું દરદીને પૂછું કે ‘તમે કેમ છો’ ત્યારે તેઓ મને તેમની સાચી પરિસ્થિતિ જણાવે અને એ જ દરદી સારા થઈને ઘરે જાય પછી ‘કેમ છો’ના જવાબમાં વિચાર કર્યા વગર જ ‘મજામાં’ કહીને વાત પૂરી કરી દેતા હોય એવું મેં જોયું છે.: વિશાખા પૂંજાણી, ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ

વાતચીતમાં જ્યારે કોઈ આપણી પાસે તેઓ કઈ લાગણી મહેસૂસ કરે છે એની વાત કરે તો તેના વ્યક્તિત્વ વિશે કોઈ મત નક્કી ન કરવો જોઈએ. વાતને એટલી સહજ રીતે કરવી કે તેને ખાતરી થાય કે મનુષ્યનું દરેક ભાવનાઓને મહેસૂસ કરવું સહજ છે એમાં કોઈ અપરાધભાવ શું કામ અનુભવવાનો?: હેતા શાહ, સાઇકોલૉજિસ્ટ

સંવાદ ક્યારેય એક લીટીનો ન હોઈ શકે અને આપણે એ વ્યક્તિ સાથે કેટલી નિકટતા રાખીએ છીએ એના પર પણ નક્કી કરવું કે વાતચીત કેવી રીતે શરૂ કરવી જોઈએ. બીજું, ગમે એટલી નિકટતા હોય, પણ એમાં સીધું વ્યક્તિગત પ્રશ્નો પર આવવું પણ યોગ્ય નથી હોતું.: ડૉ. મલય દવે, સાઇકિયાટ્રિસ્ટ

coronavirus covid19 lockdown columnists bhakti desai