કોઈ-કોઈ નુકતેચીનીઓ દેખાય છે એટલી નિર્દોષ નથી હોતી

08 September, 2020 03:32 PM IST  |  Mumbai | Taru Kajaria

કોઈ-કોઈ નુકતેચીનીઓ દેખાય છે એટલી નિર્દોષ નથી હોતી

પ્રતીકાત્મક તસવીર

હમણાં ટીવી પર એક મોબાઇલ ઍપની કમર્શિયલ જોઈ. સંયુક્ત કુટુંબ વસે છે એવું એક સરેરાશ મધ્યમ વર્ગનું ઘર છે. ઘણા બધા સભ્યોનું ભીડભાડવાળું ઘર છે. કોઈ લુંગી પહેરીને ફરી રહ્યું છે તો કોઈ ગંજી ને પાયજામો પહેરીને ટીવી સામે ગોઠવાયું છે. ખાંસતા વડીલ અને મોઢામાંથી કોગળાની ગરગરાટી કરતી વૃદ્ધ દાદીમાના ક્લોઝ-અપ ધ્યાન ખેંચાય એટલી વાર સુધી સ્ક્રીન પર દેખાડાય છે. ટૂંકમાં એક મિડલક્લાસ ફૅમિલીની અનસૉફિસ્ટિકેટેડ અને અનહાઇજિનિક લાઇફસ્ટાઇલ. ટીવીમાં મૅચ જોઈ રહેલા એક ટીનેજર કિશોરના ચહેરા પર ઘરના સભ્યોના દીદાર અણગમાના ભાવ લાવે છે. મૅચની ઉત્તેજનાની પળોમાં ગંજી પહેરીને બેઠેલો માણસ ઉત્સાહમાં આવીને બાજુમાં બેઠેલા પેલા છોકરાના ખભા પર હાથ મૂકી દે છે. છોકરો જાણે તંગ આવી ગયો હોય એવા ભાવ લાવતાં બોલે છે, ‘બહોત હો ગયા પરિવાર, અબ મોબાઇલ પર .... ડાઉનલોડ કરકે આરામ સે મૅચ દેખતે હૈં’ (આ વાક્યના પાછલા ભાગના શબ્દો બરાબર યાદ નથી, પણ ફૅમિલી વિશેની કમેન્ટ બરાબર યાદ રહી ગઈ છે). અને પછીના દૃશ્યમાં એ છોકરાને ખુશખુશાલ ચહેરે પોતાના મોબાઇલમાં ઍપ પર મૅચ જોતો દેખાડ્યો છે.
ઘરના સભ્યોનું અને વૃદ્ધોનું ટિપિકલ બિહેવિયર રમૂજ ઉપજાવે એ રીતે રજૂ કરાયું છે. અને એ જોઈને યંગસ્ટર્સના ચહેરા પર આવતા અણગમાના ભાવ પણ ખાસ્સા કૉમન છે. આ બાબતને આમ હળવાશથી લઈએ તો આમાં કશું વાંધાજનક ન લાગે, પરંતુ વડીલોની વર્તણૂકથી ચિડાયેલા છોકરાના મોઢામાં જે કમેન્ટ મૂકવામાં આવી છે એ ભલે ગમે એટલી નિર્દોષ લાગે, મને ખૂંચી. અને જ્યારે એ જાહેરખબર ધ્યાનથી જોવા માટે નેટ પર ખાંખાંખોળા કર્યા ત્યારે ખબર પડી કે આ લાગણી અનુભવનાર હું એકલી નથી, હજારો લોકોએ સોશ્યલ મીડિયા પર ભારતીય મિડલક્લાસ ફૅમિલીના આવા ચિત્રણ સામે અને ખાસ તો એ છોકરાની કમેન્ટ પ્રત્યે નારાજગી દર્શાવી છે. ક્રિકેટપ્રેમી એવા આપણા દેશમાં વરસોથી ઘરના સૌ સભ્યો સાથે બેસીને ક્રિકેટ માણતા આવ્યા છે. એમાંય મિડલક્લાસ પરિવારોમાં તો ખાસ. અને ક્રિકેટની અપ્રતિમ લોકપ્રિયતામાં કદાચ આ વર્ગનો સિંહફાળો છે, કેમ કે પૂરા પરિવારને એકસાથે હસાવનાર, રડાવનાર કે એકસૂત્રે બાંધનાર અત્યંત પ્રિય રમતનું સ્થાન ક્રિકેટને આપનાર આ વર્ગ છે અને એનું આવું કૉમિકલ ચિત્રણ કરી પરિવાર સાથે બેસીને મૅચ જોવાની બાબતને એ કંઈક ગંદી કે હલકી બાબત હોય એવો સંદેશ આ જાહેરખબર દ્વારા અજાણતાં જ અપાયો છે એવું ઘણા લોકોનું માનવું છે.
અલબત્ત, ઍપ બનાવનાર કંપનીએ તો પોતાની ઍપ વધુ ને વધુ ડાઉનલોડ થાય એ માટે જાહેરખબર બનાવી છે અને એ માટે સ્વાભાવિક જ યુવાઓને લક્ષ્યમાં રાખ્યા છે. તેમનું તો આ જાહેરખબર દ્વારા વધુ ને વધુ યંગસ્ટર્સને પોતાની ઍપ ડાઉનલોડ કરવા માટે આકર્ષવાનો ટાર્ગેટ છે. પરંતુ એમ કરવા જતાં આપણી પારિવારિક વૅલ્યુ સિસ્ટમની ક્યાંક ખિલ્લી ઉડાડવાનો પ્રયાસ થયો છે. અલબત્ત, વડીલોની ચિત્રવિચિત્ર આદતો અને મોટે ભાગે પરિવારના યુવા સદસ્યોનો એ વિશેનો અણગમો. એમાંય બહારની કોઈ વ્યક્તિ કે પોતાના મિત્રો સામે ઘરના વડીલોની આવી વર્તણૂક વખતે અનુભવાતો તેમનો સંકોચ આમ તો કૉમન બાબત છે, પરંતુ યુવાઓની આવી નારાજગીને જસ્ટિફાય કરતી કન્ટેન્ટનું જાહેર પ્રદર્શન એ વડીલોની ઠેકડી ઉડાડવા જેવું નથી લાગતું?
અવો જ અનુભવ આમિર ખાનની બહુ જ સફળ અને લોકપ્રિય ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ જોઈ ત્યારે થયેલો. એક દૃશ્યમાં ત્રણેય મિત્રો તેમનામાંના મિડલક્લાસ પરિવારમાંથી આવતા દોસ્તને ઘરે જમતા દેખાડાયા છે. તેના ઘરના માહોલને, તેનાં ઘરડાં બાપને અને તેની કરકસરિયણ માને પણ આવી જ રીતે (ડિરોગેટરી લાગે એ પ્રકારે) ચીતરવામાં આવ્યા હતા. એક દૃશ્યમાં પેલા છોકરાની મા પ્રેમથી રસોઈ કરીને દીકરાને અને તેના દોસ્તોને જમાડતી હોય છે. તેની ટિપિકલ મધ્યમવર્ગી શૈલીમાં તે મોંઘાદાટ થઈ ગયેલા શાકભાજીની વાત કરે છે. ત્યારે પણ એ યંગ છોકરાઓ જે રીતે પોતાની સ્ટાઇલમાં તેની ઠેકડી ઉડાડે છે એ જોઈને મને દુ:ખ થયેલું. એવા સંજોગોમાં પણ પ્રેમથી રાંધીને તેમને જમાડનાર એ સ્ત્રી પ્રત્યે આભારવશ બનવાને બદલે તેની હાંસી ઉડાવવાનું એ યુવા મિત્રોનું જેસ્ચર ફિલ્મમાં કૉમિકલ ક્ષણો જરૂર સર્જી ગયું હતું પણ મારા જેવી વ્યક્તિઓને એ કદાચ ખૂંચ્યું હતું.
હાસ્ય ઉપજાવવા માટે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિનું ફની ચિત્રણ ભલે કરો, પરંતુ એમ કરવા જતાં કોઈ પાયાની વૅલ્યુઝને આપણે જડમૂળથી ઉખેડી નથી બેસતાને એ જરૂર વિચારવું જોઈએ એમ મને લાગે છે. ના દોસ્તો, અહીં આળા થવાની બિલકુલ વાત નથી. ન તો અસહિષ્ણુ બનવાની વાત છે. એક બીજી વાત કરું. એક વાર એક રેસ્ટોરાંનું બોર્ડ વાંચ્યું : ‘કૃષ્ણ બાર’! એ વાંચતાં વિચાર આવેલો કે આપણા કરોડો ભારતીયોના અને ઈવન અનેક પરદેશીઓના પણ આરાધ્ય દેવ છે કૃષ્ણ. ધારો કે એના સ્થાને કોઈ અન્ય ધર્મના આરાધ્ય દેવનું નામ આ રીતે કોઈ દારૂના પીઠા સાથે કે નાઇટક્લબ સાથે જોડાયું હોત તો? કોણ જાણે કેટલોય હોબાળો મચ્યો હોત!
અલબત્ત, મને તો આ ઉદારતા ગમે છે જે માણસને સંકુચિત અને કુંઠિત બનતા બચાવે છે. પરંતુ ક્યારેક કોઈ-કોઈ નુકતેચીનીઓ રુચતી નથી. લાગે છે કે ચોક્કસ, એ દેખાય છે એટલી નિર્દોષ નથી. પણ હા, આ સો ટકા એક વ્યક્તિગત લાગણી છે, અભિપ્રાય છે જે તમારા જેવા મિત્રો સાથે શૅર કર્યો છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

ઍપ બનાવનાર કંપનીએ જાહેરખબર દ્વારા વધુ ને વધુ યંગસ્ટર્સને પોતાની ઍપ ડાઉનલોડ કરવા માટે આકર્ષવાનો ટાર્ગેટ છે, પરંતુ એમ કરવા જતાં આપણી પારિવારિક વૅલ્યુ સિસ્ટમની ક્યાંક ખિલ્લી ઉડાડવાનો પ્રયાસ થયો છે

taru kajaria columnists