બૅન્ક-અકાઉન્ટ હોય કે ઇન્વેસ્ટમેન્ટ, નૉમિની ઇઝ મસ્ટ

28 December, 2020 11:01 AM IST  |  Mumbai | Bhakti Desai

બૅન્ક-અકાઉન્ટ હોય કે ઇન્વેસ્ટમેન્ટ, નૉમિની ઇઝ મસ્ટ

પ્રતીકાત્મક તસવીર

પરિવારના ભવિષ્યની સુરક્ષા માટે બૅન્કમાં બચત કરવાની હોય; પ્રૉપર્ટી, અસેટ કે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનાં હોય ત્યારે તમારા પછી આ ચીજોનો હકદાર કોણ રહેશે એ વિશે સ્પષ્ટતા કરવાનું બહુ જ મહત્ત્વનું છે. ઘરમાં રોકાણની જવાબદારી સંભાળતા પુરુષો શું આ બાબતે જવાબદાર છે? નૉમિનીની જરૂર કેમ છે અને એમાં શું-શું કાળજી રાખવી જોઈએ એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ..

આપણું જીવન અનેક અનિશ્ચિતતાઓથી ભરેલું છે, પણ જ્યારે આપણે કોઈ સારી શરૂઆત કરીએ છીએ ત્યારે એક સકારાત્મકતા લઈને ચાલીએ છીએ કે આગળ બધું આપણી યોજના પ્રમાણે જ થવાનું છે. આ માનસિકતા પરથી અંગ્રેજીની એક કહેવત યાદ આવે છે, ‘હોપ ફૉર ધ બેસ્ટ બટ બી પ્રિપેર્ડ ફૉર ધ વર્સ્ટ.’ અહીં કોઈ ઇન્શ્યૉરન્સ પૉલિસી વે‍ચવાની વાત નથી, પણ એથી પણ મહત્ત્વનો મુદ્દો છે. કોઈ પણ રીતના રોકાણની વાત આવે ત્યારે બૅન્કમાં બચત થાય એવાં વિવિધ અકાઉન્ટ્સ ખોલી અને ફાઇનૅન્શિયલ પૉલિસીઝમાં નિવેશનાં મોટા ભાગનાં કામ પુરુષો કરતા હોય છે. આ સમયે ઘણી વાર તેઓ નૉમિનીનું નામ નાખવાની એક નાની, પણ અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત પર બૅન્કર્સના આગ્રહ કરવા પર પણ ખૂબ ધ્યાન નથી આપતા અને અંતે આ બાબત એક મોટી સમસ્યા બનીને ઊભી રહી શકે છે. આજે જાણીએ કેટલાક પુરુષો પાસેથી કે તેઓ નૉમિની વિશે કેટલી જાગૃતિ ધરાવે છે અને નિષ્ણાત પાસેથી માહિતી લઈએ કે કેમ જરૂરી છે કોઈ પણ અકાઉન્ટમાં નૉમિનીનું નામ અને શું અધિકારો હોય છે તેમના.

હું બધે બે નૉમિની બનાવું જ છું : મિતેશ આશર
કાલબાદેવીમાં રહેનાર વેપારી મિતેશ આશર કહે છે, ‘એક વેપારી તરીકે અમારે પૈસાના અને બૅન્કના મોટી રકમનાં વ્યવહાર કરવાના હોય છે. આને માટે નૉમિની રાખવા જ જોઈએ. આમ પણ મારો દૃઢ વિશ્વાસ છે કે આપણા કોઈ પણ રોકાણ અથવા પ્રૉપર્ટીમાં પત્ની અથવા બાળકોનાં નામ નાખ્યાં હોય તો ભવિષ્યમાં તેઓ સુરક્ષિત થઈ જાય છે. ઘરના અન્ય સભ્યોના અકાઉન્ટ માટે પણ હું કાયમ બે નૉમિનીઝનાં નામ નખાવું જ છું. હું માનું છું કે ઘરમાં દરેક વ્યક્તિએ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ કારણસર તેમની અનુપસ્થિતિ સર્જાય ત્યારે પરિવારને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે એનો વિચાર કરીને જ પૈસાનું રોકાણ કરવું જોઈએ. મને નૉમિનીનું મહત્ત્વ ખબર છે, કારણ કે મેં ઇન્શ્યૉરન્સની બાબતમાં મુખ્ય વ્યક્તિના નિધન પછી તેમના ઘરના લોકોને પૈસા માટે હેરાન થતા જોયા છે. આ સાથે જ નૉમિની ન હોય તો પાછળથી અકાઉન્ટમાં પૈસા માટે કે પ્રૉપર્ટી માટે ઝઘડા થવાની પણ શક્યતાઓ વધી જાય છે. તેથી હું બધે બે નૉમિની તો બનાવું જ છું.’

દરેક રોકાણ અને ખરીદીમાં ઘરના સભ્યનું નૉમિનેશન મસ્ટ છે : યોગેશ કાનાબાર
શંકરબારી લેનમાં રહેતા યોગેશ કાનાબાર નૉમિનેશન વિશે પોતાનો અનુભવ અને મત વ્યક્ત કરતાં કહે છે, ‘જીવનનો અનુભવ અને આજની તનાવવાળી જિંદગીને જોતાં હું મારા વ્યક્તિગત દરેક રોકાણમાં આગ્રહ રાખું છું કે ઘરના કોઈ સભ્યનું નૉમિનેશન તો હોવું જ જોઈએ. હું એટલું જાણું છું કે જીવનના કોઈ પણ પડાવ પર બૅન્કમાં મારા પરિવારને મારા અકાઉન્ટ પર દાવો કરવા માટે તેમનું નૉમિનેશનમાં નામ મારી હયાતીમાં લખેલું હોવું જોઈશે. જે કોઈ પણ નૉમિનેશનનાં ખાલી સ્થાનમાં નામ લખવામાં આળસ કરે છે તેઓ તેમની ગેરહાજરીમાં તેમના પરિવારજનને મહિનાઓ સુધી તેમની મૂડીથી વંચિત રહેવા મજબૂર કરી દે છે. બૅન્કમાં પણ હવે તો ગ્રાહકને નૉમિનીનું નામ લખવાની ફરજ પાડવામાં આવે છે, પણ મારે માટે આવો વારો નથી આવ્યો કે મને કોઈ આગ્રહ કરે; કારણ કે હું વાસ્તવમાં મારાં બે ભણતાં બાળકો અને પત્નીની ફિકર કરું છું અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવું એ મારી ફરજ છે.’

સિંગલ અકાઉન્ટમાં કોઈનું નામ તો નૉમિનેશન માટે આપું જ છું : દિલીપ પટેલ
ગોરેગામમાં રહેતા વેપારી દિલીપ પટેલ તેમના રોકાણમાં નૉમિનીનું નામ લખવાનું ભૂલતા નથી. તેઓ આ વિશે કહે છે, ‘હું આ બાબતમાં પહેલેથી ધ્યાન રાખું છું. જૉઇન્ટ અકાઉન્ટમાં નહીં, પણ અન્ય સિંગલ અકાઉન્ટમાં હું મારા પરિવારમાંથી કોઈ ને કોઈનું નામ તો નૉમિનેશન માટે આપું જ છું જેથી ક્યારે પણ જીવનમાં જરૂર પડે તો પરિવારને કોઈ ભાગદોડ ન થાય. સાચું કહું તો નૉમિની ન રાખવા એટલે જાણે એવી માન્યતાને સ્થાન આપવું કે આપણે અમર છીએ અથવા આપણે જીવનમાં શું થવાનું છે એનું જ્ઞાન રાખીએ છીએ. આ હું એટલે કહું છું કે મારી ઓળખાણમાં એક બહેનના પતિ વર્ષો પહેલાં ગુજરી ગયા હતા અને જ્યારે તે બહેન પોતે ગુજરી ગયાં ત્યારે તેમના બૅન્ક-અકાઉન્ટના પૈસા ક્લેમ કરવા કોઈ જઈ ન શક્યું. છેવટે એનું શું થયું એ પણ કોઈને ખબર નથી. આવી રીતે પરિવારમાં કોઈનું નૉમિની વગરનું સિંગલ બૅન્ક-અકાઉન્ટ હોય તો તેમના અવસાન પછી તેમની બચત કરેલી મૂડી તેમના કુટુંબના સભ્યોને નથી મળી શકતી તેથી હું મારા મિત્રવર્તુળમાં પણ સૌને નૉમિનીનું નામ લખવાની ફરજ પાડું છું.’

દરેક આર્થિક રોકાણમાં નૉમિનીનું નામ હોવું જ જોઈએ
તમે કોઈ એવી વ્યક્તિને નૉમિની બનાવો જે તમારા મિલકતની હકદાર હોય, ન્યાયી અથવા વફાદાર હોય
જેમને નૉમિની બનાવો છો તેમની દરેક વિગત બૅન્કને આપો જેથી બૅન્ક પણ સરળતાથી ઓળખી શકે
નૉમિનીને એક વસિયતનામું પણ આપો જેથી તેમને ખબર પડે કે તમારા પૈસાનું શું કરવું

નૉમિનેશન બાબતે ફાઇનૅન્શ્યલ પ્લાનર શું સલાહ આપે છે?
કોઈ પણ રોકાણમાં નૉમિનેશન હોવું જરૂરી કેમ છે અને એ કરવાની રીત શું છે એ સમજાવતાં ગોરેગામમાં રહેતા ફાઇનૅન્શિયલ પ્લાનર હાર્દિક ઝવેરી કહે છે, ‘મારી પાસે આવા ઘણા લોકો આવે છે જેમને પોતાના પતિ કે અન્ય કોઈ ઘરના સભ્યના ગુજરી ગયા પછી તેમના પૈસા મેળવવા માટે નૉમિનેશન કર્યું ન હોવાથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય. તેમની પાસે પૈસા હોવા છતાં તેઓ એને મેળવવા ઠેબાં ખાય છે. આમાં એવું નથી કે બૅન્કને પૈસા નથી આપવા હોતા; પણ બૅન્ક, ઇન્શ્યૉરન્સ કંપની અથવા મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીની એના અકાઉન્ટ હોલ્ડર પ્રત્યેની એક જવાબદારી હોય છે કે તે વ્યક્તિના ગુજરી ગયા પછી તેમના પૈસા યોગ્ય વ્યક્તિને સુપરત કરે. હવે અહીં પ્રશ્ન એવો આવે છે કે આ સંસ્થાને ખબર કેવી રીતે પડે કે યોગ્ય વ્યક્તિ કોણ છે? તેથી એ પૈસા લેવા જે જાય છે તેમને સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે શું તમે નૉમિની છો? હવે સમસ્યા ત્યારે ઉદ્ભવે છે જ્યારે રોકાણમાં કોઈ નૉમિનીનું નામ ન હોય. જો કોઈના અકાઉન્ટમાં નૉમિની ન હોય તો તેમણે કોર્ટમાં લાંબી લચક કાર્યપદ્ધતિ કરીને વારસા-પ્રમાણપત્ર અથવા પેઢીનામું એટલે કે સક્સેશન સર્ટિફિકેટ બનાવડાવવું પડે છે અને સાબિત કરવું પડે છે કે તેઓ તેમના જ પરિવારના સભ્ય છે. આમાં સારોએવો સમય નીકળી જાય છે.’
નૉમિનેશન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે હાર્દિકભાઈ કહે છે, ‘આજની પરિસ્થિતિમાં ફક્ત નૉમિનીની જગ્યામાં નામ લખવું જ પર્યાપ્ત નથી. એક નામના ઘણા લોકો હોય છે. કોઈ પણ રોકાણમાં નૉમિનેશન કરવામાં તમારે જેટલું બને તેટલું ચોક્કસ રહેવું જોઈએ. લોકો નૉમિનેશનમાં નામ લખીને છોડી દેતા હોય છે, પણ તમારે નૉમિનીના પૅન કાર્ડ-નંબર, આધાર કાર્ડ-નંબર, ફોન-નંબર, ઈ-મેઇલ આઇડી, ફોટો આ બધું જ વિગતસર આપવું જોઈએ જેથી તમારા નૉમિની અત્યંત સરળ રીતે દાવો કરી શકે અને બૅન્ક તેમને ઓળખી શકે. એક ચોખવટ અહીં કરવી મહત્ત્વની છે કે નૉમિનેશન કરતી વખતે નૉમિનીને પણ જાણ કરવી જોઈએ જેથી કોઈ પણ દુર્ઘટના પછી નૉમિની સામેથી બૅન્કને સંપર્ક કરી શકે. નૉમિનેશનમાં રાખેલું નામ ક્યારે પણ બદલી શકાય છે.’
તેઓ નૉમિનીની ફરજ વિશે આગળ કહે છે, ‘કાયદા પ્રમાણે બૅન્ક-અકાઉન્ટમાં નૉમિની મૂડીના ટ્રસ્ટી હોય છે. ફક્ત ઇક્વિટી શૅર્સની બાબતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ નૉમિનીને ઇક્વિટી શૅર્સમાં માલિકીનો અધિકાર હોય છે. નૉમિનીની એક ફરજ એ છે કે નૉમિની જો મિલકતની વારસદાર વ્યક્તિ ન હોય તો તેણે નૉમિની તરીકે મૂડી હાથમાં લઈ વસિયતનામા અનુસાર જે અસલી હકદાર હોય તેને એ પૈસા સુપરત કરવા જોઈએ.’

 

 

bhakti desai columnists