સંપૂર્ણ સ્વીકાર - લાઇફ કા ફન્ડા

16 September, 2020 06:19 PM IST  |  Mumbai | Heta Bhushan

સંપૂર્ણ સ્વીકાર - લાઇફ કા ફન્ડા

પ્રિયજનની ખામીઓને સમજીને તેને કઈ રીતે ઢાંકવી, કઈ રીતે ઓછી કરવી અને કઈ રીતે દૂર કરવી તેનો માર્ગ શોધી લેવો

એક સરસ વાત છે. શાહુડી (જેના આખા શરીર પર કાંટા)નું બચ્ચું મોટું થયું અને શાળામાં ભણવા ગયું. તે જ્યાં જાય ત્યાં તેના નાના શરીર પરના મોટા કાંટા સાથે જ જાય. કોઈને તે કાંટા ગમે નહીં અને કોઈને તે કાંટાનો ડર લાગે અને કોઈને તે કાંટા વાગે. એટલે કોઈ પણ કારણ હોય, બધા તે શાહુડીના બચ્ચાંથી દૂર ભાગે.
શાળામાં કોઈ તેની બાજુમાં બેસવા તૈયાર ન થાય, કારણ કે જે બાજુમાં બેસે તેને કાંટા વાગે. બસમાં કોઈ તેની જગ્યા ન રાખે, કારણ કે તે જે સીટ પર બેસે તે સીટ પણ ફાટી જાય અને બાજુવાળાને વાગે. કોઈ તેની સાથે રમે નહીં, કારણ કે જો બૉલ તેના કાંટામાં ફસાય તો ફાટી જાય. આવાં ઘણાં નાનાં-મોટાં કારણોસર બધા તેનાથી દૂર ભાગે અને એટલે શાહુડીનું બચ્ચું સાવ એકલું પડી જાય.
થોડા દિવસ પછી શાહુડીના બચ્ચાંનો જન્મદિવસ હતો. મમ્મીએ શાળાના બધા વિદ્યાર્થીઓને પાર્ટી માટે બોલાવ્યા હતા, પણ બચ્ચું ઉદાસ હતું કારણ કે તેને ખબર હતી કે કોઈ પાર્ટીમાં આવવાનું જ નથી. સાંજ પડી, પાર્ટીનો સમય થયો. એકસાથે બેન્ડ વાગવાનો અવાજ આવ્યો. બચ્ચું પોતાની રૂમમાં એકલું ઉદાસ બેઠું હતું. તે શું થયું તે જોવા બહાર આવ્યું અને તેના આશ્ચર્ય વચ્ચે તેના શાળાના બધા મિત્રો અને ટીચરો હતા. તેમના હાથમાં એક મોટો તકિયો હતો. ટીચરે ઈશારો કરતા બધાએ તે તકિયો ફાડ્યો અને તેમાંથી નીકળેલા રૂના નાના નાના ગોટા વાળી શાહુડીના બચ્ચાના શરીર પર રહેલા એક એક કાંટાની ટોચ પર લગાવી દીધા. હવે તેના શરીર પરના કાંટા કોઈને વાગે તેમ નહોતા. બધા તેની નજીક જઈને તેને જન્મદિનની શુભેચ્છાઓ આપવા લાગ્યા અને તેની સાથે નાચવા લાગ્યા. બચ્ચું ખુશ થઈ ગયું. શાહુડીના બચ્ચાંની મમ્મીએ ટીચરનો આ રસ્તો કાઢવા બદલ આભાર માન્યો.
આ સુંદર કાલ્પનિક વાત એક સરસ સમજ આપે છે કે સાચો પ્રેમ અને સાચો સંબંધ એટલે સંપૂર્ણ સ્વીકાર. કોઈ પણ વ્યક્તિનો તેની ખામીઓ અને ખૂબીઓની સાથે પૂર્ણપણે સ્વીકાર કરવો. સાચો પ્રેમ એટલે બીજાની અપૂર્ણતાને જાણી, સમજીને તેનો સ્વીકાર કરવો. કોઈ પણ સંબંધમાં જ્યારે સંપૂર્ણ સ્વીકાર કરવામાં આવે ત્યારે વ્યક્તિના ગુણ અને અવગુણ બન્નેને સ્વીકારવામાં આવે છે. વ્યક્તિમાં રહેલ ખામીઓ કદાચ આપણને કાંટાની જેમ વાગી શકે છે, પણ સાચા સંબંધ અને પ્રેમની સફળતા અને સાર્થકતા એમાં છે કે પ્રિયજનની ખામીઓને સમજીને તેને કઈ રીતે ઢાંકવી, કઈ રીતે ઓછી કરવી અને કઈ રીતે દૂર કરવી તેનો માર્ગ શોધી લેવો...અને અપૂર્ણતાને સ્વીકારી પૂર્ણ પ્રેમ કરવો.

heta bhushan columnists