કપરા સંજોગોમાં મન મક્કમ રાખીને જે માથે પડે એને જીવી જવામાં સાર છે

10 August, 2020 07:36 PM IST  |  Mumbai | Pravin Solanki

કપરા સંજોગોમાં મન મક્કમ રાખીને જે માથે પડે એને જીવી જવામાં સાર છે

પ્રતીકાત્મક તસવીર

પહેલાં મને વહેલી સવાર સુધી ઊંઘ નહોતી આવતી, આજે વહેલી સવાર પછી પણ નથી આવતી. પહેલાં આંખ મીંચીને પડ્યા રહેવાનું સુખ હતું, આજે ઉઘાડી આંખે બસ સપનાં જ સપનાં આવે છે. સપનાં સોહામણાં આવે તો કદાચ સવારે ઊંઘ પણ આવે, પરંતુ સપનાં એવાં બિહામણાં આવે છે કે દિવસની ઊંઘ પણ વેરણ બની ગઈ છે.
એક સપનું આવ્યું. આમ તો હકીકત હતી, હકીકત સપનું બનીને આવ્યું. જીવનમાં પણ ઘણાં સત્યો સપનાં બની જતાં હોય છે અને ઘણાં સપનાં હકીકત બની જતાં હોય છે.
‘સુખો’ નામનો એક માણસ હતો. તે સુખી હતો એવું બીજા લોકો માનતા હતા અને બીજા લોકો આપણને સુખી માને એના જેવું મોટું સુખ બીજું કોઈ નથી. સુખો પાઉંવડાંની લારી ચલાવતો. સુખાનાં પાઉંવડાં આજુબાજુના લતામાં ફેમસ-પ્રખ્યાત હતાં. આસપાસના કોઈ પણ દુકાનદાર કરતાં સુખાની દિવસની કમાણી વધારે હતી.
સુખાનુ સપનું દુકાન કરવાનું હતું, પણ ‘લારી’ તેનો જીવ હતી. શુકનિયાળ લારીને કેમ છોડાય? લારીને કારણે તો સુખો સુખરામ બન્યો હતો, જેમ ‘નાણki વગરનો નાથિયો, નાણે નાથાલાલ.’ સુખાએ સપનાની દિશા બદલી. રહેવા માટે ફ્લૅટ લેવાનું નક્કી કર્યું. છેલ્લાં ૨૦ વર્ષથી ચાર માણસોનું કુટુંબ ચાલીની ૨૦X૨૦ની રૂમમાં રહેતું હતું.
એકાદ વર્ષ પહેલાં દોઢ કરોડની બૅન્કની લોન લઈને સુખાએ બે બેડરૂમનો ફ્લૅટ લીધો. ફ્લૅટ શુકનિયાળ નીકળ્યો. છોકરીની સગાઈ સારે ઠેકાણે થઈ. દીકરાને સારી કૉલેજમાં ઍડ્મિશન મળ્યું. જોકે સગવડ વધી એમ ખર્ચા વધ્યા, પણ એ તરફ સુખાનું ધ્યાન ગયું નહીં.
દીકરીનાં લગ્નની તારીખ નક્કી થઈને કોરોનાકાળ આવ્યો. લગ્ન મુલતવી રહ્યાં. ધંધો બંધ થઈ ગયો. રોજની કમાણી બંધ થઈ ગઈ. બચત ફ્લૅટમાં ગઈ, બૅન્ક-લોનના હપ્તા તો ચાલુ જ હતા.
કહેવાય છેને કે મુસીબત આવે છે ત્યારે ચારેય બાજુથી આવે છે. સુખાના કુટુંબના ચારેય સભ્યો કોરોનામાં સપડાયા. ચારેય હૉસ્પિટલમાં. ફ્લૅટ બંધ. સુખાની કમનસીબી ચાલુ જ. બંધ ફ્લૅટ તોડીને કોઈ લાખો રૂપિયાની માલમતા ચોરી ગયું. પડતાને પાટુ માત્ર માણસ જ નહીં, કુદરત પણ મારે છે. કોરોનામાં દીકરો ભરખાઈ ગયો.
કેટલીક વાર હકીકત કલ્પનાઓ જેવી લાગે, કલ્પનાઓ હકીકત જેવી. સુખાના જીવનની હકીકત અકલ્પ્ય હતી. તે મૂઢ બની ગયો. રઘવાયો બની ગયો. શું કરવું, ક્યાં જવું, કોને કહેવું, કેમ જીવવું એની ગતાગમ ન રહી. ડૂબતો માણસ તરણું શોધે, પણ સુખાને તો તેનું તરણું જ ડૂબ્યાનો ભાસ થવા લાગ્યો. ભવિષ્યના વિચારે તે ચકરાવે ચડી ગયો અને કંઈ ન સૂઝતાં એક અભાગી પળે તેણે આપઘાત કરી લીધો. પોતે તો જવાબદારીમાંથી છૂટી ગયો, પણ પાછળના લોકોની મુશ્કેલીઓ વધારતો ગયો.
એક આપઘાત કરે ને હજારો એની ચર્ચા કરે. આપણી આ વારસાગત આદત. કોઈએ કહ્યું કે આવું કરાય? આ તો કાયરતા છે, પલાયનવૃત્તિ છે. અરે ભીખ માગી શક્યો હોત, મજૂરી કરી શક્યો હોત, કોઈની મદદ માગી શક્યો હોત. તેને બૈરી-છોકરાંનો પણ વિચાર ન આવ્યો? પૈસાની તાણ તો બધાને હોય છે. કેટલાય માણસના એકના એક દીકરા ભરખાય ગયા છે, એટલે શું આપઘાત કરવાનો? અરે, મેં તો કરોડોનું દેવું માથે લઈને ઠાઠથી જીવતા માણસોને જોયા છે. ગામનું કરીને પોતાનું નામ કરનારા માણસોનો તોટો નથી, કહેવાય છેને કે જીવો ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને પણ ઘી પીઓ.
આર્થિક સંકટમાં સપડાયેલી વ્યક્તિ આપઘાત કરી છૂટી શકે છે, પણ દેશ આર્થિક રીતે સપડાયેલો હોય તો શું કરે? વ્યક્તિને તો આઠ-દસ કુટુંબીજનોનો બોજ હોય છે, દેશને માથે તો કરોડો પ્રજાજનની જવાબદારી હોય છે. આપણા દેશને માથે તો ૧૩૦ કરોડ પ્રજાજનોની જવાબદારી છે.
તિજોરી ખાલી છે, ઉદ્યોગો ઠપ છે, ધંધા બેસી ગયા છે, કેટલાક ઊઠી ગયા છે. આ બધું તો ઠીક, પણ દેશના નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા ઉદ્યોગપતિઓ પોતપોતાના ક્ષેત્ર માટે આર્થિક સહાય માગી રહ્યા છે. કોઈ આર્થિક પૅકેજ માગે છે, કોઈ ટૅક્સમાં માફી, કોઈ સબસિડી માગે છે, કોઈ લોન-માફી. ચારે બાજુથી માગણી-મદદના પોકાર થઈ રહ્યા છે.
સરકાર ઘાંઘી થઈ ગઈ છે, અંધારામાં ઘણાં તીર માર્યાં, પણ કોઈ નિશાન પર લાગ્યું નહીં. એક સાંધે છે ને તેર તૂટે છે. પ્રજાનો રોષ-આક્રોશ શાંત કરવા ‘રીંગણાં લઉં બેચાર, લેને ભાઈ દસબાર’ની જેમ કરોડો રૂપિયાનાં એક પછી એક પૅકેજ જાહેર કરી રહી છે. વચનેશુ કિંમ દરિદ્રતા?
હકીકતમાં દેશની ઝોળી ખાલી નથી, તળિયે મોટાં-મોટાં કાણાં પડી ગયાં છે. લાખ પ્રયત્નોથી થોડું ઘણું ભરવાની કોશિશ થાય છે, પણ કાણામાંથી બધું સરકી જાય છે. બોલો, અબ જાએ તો જાએ કહાં? કૌન સુનેગા દિલ કી ઝુબાં? સરકાર કા ભી ગમ હૈ, પ્રજા કા ભી ગમ હૈ, અબ બચને કી ઉમ્મીદ કમ હૈ, એક કશ્તી સૌ તુફાં, જાએ તો જાએ કહાં? દેશ દેવાદાર છે, લાચાર છે. એ વ્યક્તિની જેમ હાથ ઊંચા નથી કરી શકતો, ન નાદાર જાહેર થઈ શકતો કે નથી આપઘાત કરી શકતો. વિદેશો પાસે ભીખ પણ નથી માગી શકતો. વિદેશોની હાલત પણ આપણા જેવી જ છે. બધા એક જ નાવના પ્રવાસી બની ગયા છે અને કોરોના મહાસાગરનું તોફાન બધાને નડી રહ્યું છે. બધા એકસરખું જ કોરસ ગાઈ રહ્યા છે, ‘જાએ તો જાએ કહાં?’ 

સરકાર દિશાહીન છે, પણ આર્થિક મોરચે ઝઝૂમવા દસે દિશામાંથી પ્રયત્ન કરી રહી છે, ગીતાનું સૂત્ર ધ્યાનમાં રાખીને, ‘કર્મ કર્યે જા, ફળની આશ ન રાખ.’ કોઈ બુદ્ધિજીવી ઉપાય સૂચવે છે કે સરકાર દરેક ક્ષેત્રે કરકસર કરે! પણ ક્યાં કરે કરકસર!! બધે જ કસર છે, ક્યાંય સભર નથી. અડધો ગ્લાસ ભરેલો હોય તો એ ન ખૂટે એટલા માટે પીવામાં કરકસર કરી શકાય, પણ ગ્લાસ ખાલી જ હોય તો શું થાય? આપણી તરસમાં જ કરકસર કરવી પડે.
હમણાં જ એક સમાચાર વાંચ્યા કે આર્થિક સંકટના એક ઉપાય તરીકે સોનામાં કાળાં નાણાંનું રોકાણ કરનારાઓને સ્વેચ્છાએ એની જાહેરાત કરવા દેવાની ઍમ્નેસ્ટી સ્કીમ સરકાર વિચારી રહી છે.
૨૦૧૫માં આવી સ્કીમ જાહેર થયેલી, પણ આવકવેરા ખાતું દંડ ફટકારશે એવા ભયે બહુ ઓછો પ્રતિસાદ મળેલો. વળી સુપ્રીમ કોર્ટ આવી કોઈ યોજનાનો વિરોધ એટલા માટે કરે છે કે એથી પ્રામાણિક રીતે કર ભરતા લોકોને અન્યાય થાય છે.
મારો વિષય અર્થશાસ્ત્રનો નથી; પરંતુ ચાણક્ય, કાલ માર્ક્સ, ઍડમ સ્મિથ, ડેવિડ રિચર્ડ કે આલ્ફ્રેડ માર્શલ વગેરે અર્થશાત્રીઓને મેં વાંચ્યા છે, તેમને સમજ્યો છું ઓછું, પણ જાણ્યું છે ઘણું બધું. એમાંની એક વાત મને સ્પષ્ટ જણાઈ છે કે અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતો બહુ ઓછા ઉપયોગમાં આવે છે. અર્થશાસ્ત્ર રાજકારણલક્ષી નહીં, સમાજલક્ષી હોવું જોઈએ. દેશનો શાસક પક્ષ ગમે તે હોય, દેશની અર્થનીતિ પ્રજાલક્ષી, પ્રગતિલક્ષી અને સ્થિર હોવી જોઈએ.
આચાર્ય વિનોબા ભાવેએ બહુ જ માર્મિક અને સૂચક રીતે કહ્યું હતું કે એ જ દેશ ઉન્નત બની શકે જ્યાં ગરીબોને પૈસાની જરૂર ઓછામાં ઓછી પડે અને અમીરોનો પૈસો નકામો થઈ પડે. વળી એક ટકોર બહુ જ મહત્ત્વની કરી હતી કે કુરબાની વગર દેશની સમૃદ્ધિ શક્ય જ નથી.
સુપ્રીમ કોર્ટનું મંતવ્ય સોએસો ટકા સાચું છે. પ્રામાણિક કરદાતાઓને અન્યાય ન થવો જોઈએ, પરંતુ સિદ્ધાંત કે સત્યને આ પદધર્મ સમયે કોરાણે મૂકી દેવાની પરંપરા પુરાણી છે. આ પદધર્મ સમયે યુધિષ્ઠિરે પણ ‘નરો વા કુંજરો વા’ કરી દીધું હતું. ક્યારેક પાપ કરવામાં પણ સદાચાર લાગે, તો ક્યારેક પુણ્ય કરવામાં અનાચાર લાગે. આજે દેશને નાણાંની તાતી જરૂર છે. કાળું નાણું આજે પણ ધનિકોની તિજોરીમાં, ગાદલાના પડમાં, બાથરૂમની દીવાલોમાં, ગુપ્ત ભોંયરામાં અઢળક પ્રમાણમાં પૂરાયેલું છે. એને મુક્તિ આપવા માટે આ આપદકાળ તક સમાન છે.’ ‘રાષ્ટ્ર નવનિર્માણ’ યોજના બનાવીને પ્રામાણિક કરદાતાઓને વિશ્વાસમાં લઈને તેમને થોડી કુરબાની આપવાની અપીલ કરીને રાષ્ટ્રની આપદ સ્થિતિને ધ્યાનમાં રાખીને જો તેઓ ભામાશાની ભૂમિકા ભજવે તો દેશનું અર્થતંત્ર ફરી પાછું ધમધમી ઊઠે. પણ એ આજની પરિસ્થિતિમાં વ્યવહારુ બનાવવી જોઈએ. ગરજે ગધેડાને બાપ બનાવવો પડે તો બનાવી લેવો જોઈએ. ૭૦:૩૦ કે ૬૦:૪૦નો રેશિયો ક્યારેય કામ આવ્યો નથી એટલે કે જાહેર થયેલી રકમના ૭૦ કે ૬૦ ટકા સરકાર લઈ જાય અને ૩૦-૪૦ ટકા કાળાં નાણાં એ જાહેર કરનાર પાસે રહે. વળી કેટલાક કીમિયાગર વેપારીઓ બજારમાં ૩-૪ ટકાના વ્યાજે કાળું નાણું ધોળું કરવાની કળા કરી જ લેતા હોય છે.
આ યોજના સફળ બનાવવા માટે લોભાવનારી-લલચાવનારી દરખાસ્તો આવી હોવી જોઈએ...
૧. જાહેર થયેલું નાણું ક્યાંથી, ક્યારે, કેમ આવ્યું એ પૂછવામાં નહીં જ આવે એવી વિશ્વાસપૂર્વકની દરખાસ્ત હોય.
૨. કાળાં નાણાંની જેટલી રકમ જાહેર થાય એ કોઈ પણ કપાત વગર, પૂરેપૂરી સરકારી ખાતામાં ત્રણ કે પાંચ વર્ષ માટે જમા થાય.
૩. આ રકમ પર કોઈ વ્યાજ નહીં મળે એની ચોખવટ થાય.
૪. મુદત પાકતી વખતે પૂરેપૂરી રકમ અધિકૃત ગણાશે એની ખાતરી.
કાળું નાણું ધરાવનાર જાણે જ છે કે વર્ષોથી એ નાણું વગર વ્યાજે તિજોરીમાં બંધ છે અને વર્ષો સુધી એમ જ પડ્યું રહેશે. એને બદલે ત્રણ કે પાંચ વર્ષે એ કાયદેસર બનીને આવે તો ફાયદા હી ફાયદા હૈ.
અખતરો કરવા જેવો છે. કરવાની તક કહો કે બહાનું અનાયાસ મળી ગયું છે અને દેશ માટે એ લાભદાયી છે. આ તો માત્ર એક વિચાર છે. એમાં થોડા ઘણા ફેરફાર પણ કરી શકાય, પરંતુ ઉપર મુજબ ફાયદાકારક લાલચ હોવી જોઈએ.
ભૂતકાળમાં ઉપયુક્ત યોજનાને બદલે એક બીજા પ્રકારની યોજના ઘણી વાર ચર્ચાના એરણે ચડી છે. કાળાં નાણાં ધારક જો કોઈ નવી સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ્સ કે ગરીબો માટે આવાસ બાંધવા કાળું નાણું વાપરે તો તેની કોઈ પૂછપરછ ન થાય અને એમાંથી થતી આવક કાયદેસર ગણાય.
ખતરો મોલવા જેવો છે, કેમ કે ક્યારેક ખતરો સફળ અખતરો બન્યાના દાખલા ઇતિહાસમાં ઘણા છે.
અને છેલ્લે!
આજકાલ એક જુદા પ્રકારની માગણીનો વાયરો વાયો છે. લોકો મદદ માગે, લોન માગે, કપડાં, દરદાગીના માગે, દવા માગે, દુવા માગે, માન માગે, અહેસાન માગે એ સમજી શકાય; પણ સામે ચાલીને કોઈ મોત માગે? હા માગે! માગી રહ્યા છે. ભક્તો ધર્મસ્થાન ખોલવાની પરવાનગી માગી રહ્યા છે, વ્યાપારીઓ દુકાનો, કલાકારો થિયેટર, ખાવા-પીવાના શોખીનો હોટેલ, સંચાલકો શાળા-કૉલેજ એ રીતે ખોલવાની પરમિશન માગી રહ્યા છે જાણે સરકારે તેમને જાણીજોઈને સજારૂપે બંદીવાન બનાવ્યા હોય!!
કહે છેને કે ગરજવાનને કોઈ અક્કલ ન હોય, લોભિયાને માથે કોઈ છત્ર ન હોય ને લાલચુને કોઈ ગોત્ર ન હોય. જાએ તો જાએ કહાં?

સમાપન
એક બાળકે પિતાને પ્રશ્ન કર્યો, ‘પપ્પા, સરકાર દરરોજ નવાં-નવાં પગલાં ભરે છે તો આટલાં બધાં પગલાં એ મૂકે છે ક્યાં?’ પપ્પાએ જવાબ આપ્યો, ‘મધ્યમ વર્ગની છાતી પર.’ મધ્યમ વર્ગ એવો છે જેને સરકાર જીવવા નથી દેતી અને સમાજ એને મરવા નથી દેતો. તો સામે પક્ષે શ્રીમંતોની સમસ્યા એ હોય છે કે શું કરીએ તો ભૂખ લાગે અને ગરીબોનો પ્રશ્ન એ હોય છે કે ભૂખ લાગે તો શું કરીએ?
માયૂસીઓં કા સદ્‍મા હૈ જી મેં,
ક્યા રહ ગયા હૈ ઇસ ઝિંદગી મેં
રૂહોં મેં ગમ, દિલ મેં હૈ ધુંઆ,

Pravin Solanki columnists