દૂર રહીને પાસે રહેવાની કળા શીખવા જેવી છે

29 June, 2020 01:41 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

દૂર રહીને પાસે રહેવાની કળા શીખવા જેવી છે

દૂરથી પણ લાગણીઓને વહેતી કરી શકાય

શરીરની બીમારીનો ઇલાજ વહેલો થઈ શકે, પરંતુ મનની એકલતાના ઇલાજ માટે કોઈને કોઈ સાથ કે સહવાસની આવશ્યક્તા પડતી હોય છે. વર્તમાન સંજોગોમાં આ સાથ પાસે જઈને આપી શકાતો નથી ત્યારે કમ સે કમ દૂરથી પણ લાગણીઓને વહેતી કરી શકાય. આવા સમયની એકલતામાં દૂરથી મળતો સહવાસ પણ બહુ મોટો સધિયારો બની શકે છે.

તાજેતરમાં એક બહુ જ સરસ કિસ્સો સાંભળવા મળ્યો. એક પરિવારની એક મહિલાએ એક અનોખું અભિયાન હાથ ધર્યું. કોરોના મરીજોને મદદ કરવા જાનના જોખમે કામ કરી રહેલા ડૉક્ટર્સ, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી વગેરેને સલામી આપવા તેમણે ન ફક્ત પોતાના જ, પરંતુ કાકા, મામા, ફોઈ વગેરે સમગ્ર પરિવારજનો પાસે એક વિડિયો તૈયાર કરાવ્યો. આ માટે તેમણે એક ગીત પસંદ કર્યું અને તેની એક-એક લાઈન બધા વચ્ચે વહેંચી દીધી. પ્રત્યેક પરિવારજનોએ પોતાને મળેલી લાઈન મુજબ અભિનય કરી તેમને એ વિડિયો મોકલવાનો હતો. બધા પાસેથી આવા અઢળક વિડિયો મેળવ્યા બાદ એ મહિલાએ એ સર્વે વિડિયોને એક ફિલ્મમેકરની પેઠે એડિટ કર્યા અને આખું ગીત તૈયાર કરી કોરોના ફાઇટર્સને સમર્પિત કર્યું.
આ કામ વાંચવામાં જેટલું સહેલું લાગે છે, વાસ્તવમાં કરવામાં એટલું સરળ છે નહીં. એક જ ઘરમાં, એક જ છત નીચે રહેતા ચાર માણસોને કોઈ એક વાત માટે મનાવી તેમની પાસેથી એ મુજબનું કામ કરાવવામાં આપણા બધાનો દમ નીકળી જતો હોય છે. એવામાં માત્ર દેશમાં જ નહીં, પરંતુ પરદેશમાં પણ રહેતા પોતાના પ્રિયજનોને આવા કામ માટે મનાવી તેમને એવું કરવા રાજી કરવા અને પાછું સતત તેમની સાથે ફૉલોઅપ કરી અત્યંત પ્રેમપૂર્વક પોતાનું કામ કઢાવવું અત્યંત મુશ્કેલ છે.
આવું કામ ફક્ત એવા જ લોકો કરી શકે છે જેમનામાં દૂર રહીને પણ પાસે રહેવાની આવડત હોય છે. હા, દૂર રહીને પાસે રહેવું. આ એક અત્યંત મુશ્કેલ કામ છે. મોટાભાગના લોકો સાથે રહેતા હોવા છતાં પાસે રહી શકતા નથી. એવામાં દૂર રહીને પણ કોઈને પાસે રહેવા માટે જુદા જ પ્રકારની માનસિક અને શારીરિક તૈયારીની આવશ્યક્તા પડે છે, પોતાના સમયનો ભોગ આપવો પડે છે. લોકો સાથે સતત સંપર્કમાં રહેવું પડે છે. તેમના જીવનના પ્રત્યેક સારા-નરસા પ્રસંગે તેમની સાથે ઊભા રહેવું પડે છે અને આવશ્યક્તા પડે ત્યારે જાત અને હાથ બન્નેથી ખેંચાઈને પણ અન્યોની મદદ કરવી પડે છે.
મોટાભાગના આપણે બધા પોતપોતાના જીવનની ઘટમાળમાં જ એવા અટવાયેલા રહીએ છીએ કે બીજા કોઈનો વિચાર કરવાનો જાણે આપણી પાસે સમય પણ હોતો નથી, પરંતુ જો થોડો સમય કાઢીને એ દિશામાં વિચાર કરવામાં આવે તો ન ફક્ત પોતાના, પરંતુ અન્યોના જીવનમાં પણ મૅજિકલ મોમેન્ટ્સ ઉમેરી શકાય છે. ઉપર જણાવેલા કિસ્સાની જ વાત કરીએ તો એ મહિલા દ્વારા તૈયાર કરવામાં આવેલો વિડિયો જોઈ પરિવારના પ્રત્યેક સભ્યો એટલા ગદગદ થઈ ગયા કે ભાગ્યે જ કોઈ એવું હશે જેમની આંખોમાં આંસુ નહીં આવ્યા હોય.
આવા જ એક બીજા કિસ્સામાં તાજેતરમાં એક ભાઈને કોરોના થઈ ગયો. ડૉક્ટરે તેમને ઘરે ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીનમાં રહેવાની સલાહ આપી. આ સમાચાર મળતાં જ લાગતા-વળગતા સૌ કોઈ તેમની આસપાસથી એવી રીતે છૂ થઈ ગયા જાણે તેમને કોરોના ન થયો હોય, પરંતુ તેમની અંદર કોઈ વાઘ આવી ગયો હોય. અરે, જાણે એ ભાઈને ફોન કરવાથી પણ પોતાને કોરોના થઈ જવાનો હોય તેમ લોકોએ તેમની સાથે સંપર્ક કાપી નાખ્યા. બીમારીની પીડા કરતાં પણ વધુ આઘાત એ ભાઈને લોકોના આ વર્તનથી લાગ્યો. એવામાં એક દિવસ તેમના એક વડીલ મિત્ર એકાએક નાસ્તાની એક મોટી થેલી લઈ તેમના ઘર નીચે પહોંચી ગયા. એ વડીલે બિલ્ડિંગની નીચે ઊભા રહીને જ તેમની સાથે ફોન પર ખાસ્સી લાંબી વાત કરી અને છેલ્લે એ ભાઈએ પોતાના ઘરની બાલ્કનીમાંથી એક લાંબી દોરી નીચે નાખી, જેના પર વડીલે પોતાની સાથે લાવેલી નાસ્તાની થેલી બાંધી દઈ પેલા ભાઈ સુધી પહોંચાડી દીધી.
એક બીજા કિસ્સામાં એક યુવતીને કોરોના થઈ ગયો અને તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી. બધા જ જાણે છે કે કોરોનાના દરદીઓને જ્યાં લઈ જવામાં આવે છે તેમાંની મોટાભાગની સરકારી હૉસ્પિટલોની પરિસ્થિતિ કેટલી દયનીય હોય છે. આવી હૉસ્પિટલમાં પોતાના કોઈ જ વાંકગુના વગર આવી પડતાં પેલી યુવતી શરીરની બીમારી કરતાં મનથી વધુ ભાંગી ગઈ, પણ તેનો એક બૉયફ્રેન્ડ હતો. એ દિવસમાં અઢળકવાર તેને ફોન કરતો, તેની સાથે વાત કરતો, તેને પત્રો લખીને મોકલતો, પોતે ગીતો ગાઈ તેને રેકૉર્ડ કરીને મોકલતો. બૉયફ્રેન્ડ તરફથી મળતાં આ પત્રો, ગીતો અને ફોન-કૉલ્સે પેલી યુવતીના ૧૪ દિવસના કારાવાસને તેના જીવનના અત્યંત રોમેન્ટિક દિવસો બનાવી દીધા અને એ અત્યંત ઝડપથી રીકવર થઈ ઘરે પાછી આવી ગઈ.
કહેવાનું તાત્પર્ય એ છે કે કોરોનાને પગલે આપણા સૌના જીવનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ નામના એક અત્યંત અનોખા તત્ત્વએ પોતાનું સ્થાન જમાવી દીધું છે અને કદાચ એ તત્ત્વ હવે બહુ લાંબો સમય સુધી આપણી વચ્ચે રહેવાનું પણ છે, પરંતુ આ સોશ્યલ ડિસ્ટસિંગ આપણી અને આપણા પ્રિયજનો વચ્ચે ઇમોશનલ ડિસ્ટન્સ ઊભું ન કરે એ જોવાની જવાબદારી પણ આપણી જ છે. અલબત્ત ઘણા લોકોએ તો એ દિશામાં પ્રયત્નો શરૂ કરી પણ દીધા છે એ બાબતમાં ના નહીં. આજે અનેક લોકો પોતાના સ્વજનો સાથે ફોન પર રોજિંદા ધોરણે વિડિયો કૉન્ફરસિંગ પર વાત કરે છે, એકબીજાને વૉટ્સઅૅપ કૉલ્સ કરે છે, મિત્રો એકમેકનો બર્થ ડે ઝૂમ પર સૅલિબ્રેટ કરે છે.
પરંતુ એ બધું ફક્ત મોજમજા ખાતર કે પછી મનોરંજન ખાતર ન હોવું જોઈએ. તેમાં સાચા દિલની લાગણી અને સંવેદના હોવા જોઈએ. કોઈ બીમાર પડે ત્યારે તેમને હૉસ્પિટલમાં મળવા જવું, ઘરે મળવા જવું વગેરે હંમેશાંથી આપણી ભારતીય પરંપરા રહી છે. આ પહેલીવાર કોઈ એવી બીમારી આપણી સામે આવી છે, જેમાં લોકો ઈચ્છે તો પણ દરદીને મળવા જઈ શકતા નથી, પરિણામે આ બીમારીએ મરીજોને એકલા પાડી દીધા છે અને તે જ આ બીમારીની સૌથી મોટી કરુણતા છે, પરંતુ શું થાય? પરિસ્થિતિ જ કંઈક એવી છે કે તેનો સ્વીકાર કર્યા વગર આપણા કોઈનો છૂટકો નથી.
પરંતુ કોઈને મળી શકતા નથી તેનો અર્થ એવો પણ ન થવો જોઈએ કે તેના સંપર્કમાં પણ ન રહી શકાય. ફોન દ્વારા, ઈ-મેઇલ દ્વારા, વૉટ્સઅૅપ દ્વારા આપણે ધારીએ તો સતત કોઈ પણ વ્યક્તિને પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવી શકીએ છીએ, તેનું મનોબળ વધારવામાં મદદરૂપ બની શકીએ છીએ. ખરેખર તો આવી એકલતામાં જ માણસને ખરા સહવાસની જરૂર હોય છે. એક એવા માનસિક સધિયારાની જરૂર હોય છે કે કોઈ છે, જેને મારા માટે લાગણી છે, જેને મારી ચિંતા છે, જે દૂર રહીને પણ મારી પાસે છે. તેથી સોશ્યલ ડિસ્ટન્સિંગના આ સમયમાં આપણે જે ખરેખર શીખવાની જરૂર છે એ તો દૂર રહીને પણ પાસે રહેવાની આ કળા જ શીખવાની છે.

મોટાભાગના આપણે બધા પોતપોતાના જીવનની ઘટમાળમાં જ એવા અટવાયેલા રહીએ છીએ કે બીજા કોઈનો વિચાર કરવાનો જાણે આપણી પાસે સમય પણ હોતો નથી, પરંતુ જો થોડો સમય કાઢીને એ દિશામાં વિચાર કરવામાં આવે તો ન ફક્ત પોતાના, પરંતુ અન્યોના જીવનમાં પણ મૅજિકલ મોમેન્ટ્સ ઉમેરી શકાય છે.

falguni jadia bhatt columnists lockdown coronavirus covid19