આ કંઈ જીવવાની રીત છે?

20 December, 2020 03:01 PM IST  |  Mumbai | Dinkar Joshi

આ કંઈ જીવવાની રીત છે?

આ કંઈ જીવવાની રીત છે?

ઈશાવાસ્ય ઉપનિષદમાં સો વર્ષ જીવવાની વાત મહર્ષિએ કહી છે. આ સો વર્ષ જીવવાની શરત એ છે કે કામ કરતાં-કરતાં જીવવું, પથારીમાં દવાની બાટલીઓથી ઘેરાઈને નહીં! જીવવું કે જન્મવું આપણા હાથની વાત નથી. આદિકાળથી આપણે આ જોઈએ છીએ અને છતાં જાણે આ વાત આપણી મુઠ્ઠીમાં હોય એમ આપણે ફેંકાફેંક કરતા હોઈએ છીએ

તમારે કેટલાં વર્ષ જીવવું છે? ૬૦, ૭૦, ૮૦ કે પૂરાં ૧૦૦? સોમા વર્ષે જો તમને કોઈ લેવા આવશે તો તમે શું કહેશો? ઠીક ચાલ, હવે તૈયાર છું? પણ આવું નહીં બને. ૫૦ વરસે ના પાડશો અને ૧૦૦ વરસે પણ ના પાડશો. આમ છતાં ૮૦થી ૮૫ વરસે કોઈ દાદા કે દાદી ગુજરી જાય ત્યારે આપણે ખરખરો કરીએ છીએ, ‘બહુ ખોટું થયું. દાદા કે દાદી પાંચ વરસ બેઠાં હોત તો પૂછવા ઠેકાણું હતાં.’ હવે જો પાંચ વર્ષ પછી એટલે કે ૯૦-૯૫નાં દાદા કે દાદી જાય તો શું એમ કહેશો કે બરાબર, આ ઉંમરે જ જવું જોઈએ. ૭૦-૭૫ વરસનાને તેમની વરસગાંઠે જો એમ કહેશો કે દાદા સો વર્ષના થાઓ તો આ દાદા પણ એમ કહેશે, ‘ના રે ભાઈ, હવે આટલાં વરસ બહુ થયાં, મારે અહીં હવે શું કરવું છે?’ અને જવાબમાં આપણે કહીએ, ‘પેલી ગાડી ઊભી છે એ સ્વર્ગલોકમાં જાય છે. બેસી જાઓ! હમણાં જ લઈ જશે.’ તો આ દાદા દોડીને ગાડી પકડશે નહીં, જતી કરશે.
કેટલાં વરસ જીવવું છે?
વાત-વાતમાં આપણે એમ તો કહીએ છીએ કે દીકરાના ઘરે દીકરો છે, લીલી વાડી છે. હવે રહીને શું કરવું છે? પણ તરત જવા કોઈ તૈયાર થતું નથી. અવતાર ડુક્કરનો હોય કે બિલ ગેટ્સનો હોય, જવાની વાત કોઈ સ્વીકારશે નહીં. રહેવાને ઘર ન હોય, ઓટલો ન હોય, કોઈ વાટ જોવાવાળું પણ ન હોય તો પણ રહેવું છે!
ઈશાવાસ્ય ઉપનિષદમાં સો વર્ષ જીવવાની વાત મહર્ષિએ કહી છે. આ સો વર્ષ જીવવાની શરત એ છે કે કામ કરતાં-કરતાં જીવવું, પથારીમાં દવાની બાટલીઓથી ઘેરાઈને નહીં! જીવવું કે જન્મવું આપણા હાથની વાત નથી. આદિકાળથી આપણે આ જોઈએ છીએ અને છતાં જાણે આ વાત આપણી મુઠ્ઠીમાં હોય એમ આપણે ફેંકાફેંક કરતા હોઈએ છીએ. જન્મવું કે મરવું એને આપણી સાથે શું લેવાદેવા છે? એ બાલોચિત પ્રશ્ન હજી સુધી આપણને સમજાયો નથી.
કોરોનાએ આ સમજાવ્યું
કોરોના મહામારી આખું વર્ષ તાંડવ નૃત્ય કરતી રહી છે. લાસ્ય કોઈને આવડતું નથી. લાસ્ય એટલે કે વૅક્સિનની શોધ ચાલુ છે. દુનિયાભરના દેશેદેશમાં વૅક્સિન-વૅક્સિન એમ મહાજપ થઈ રહ્યા છે. વૅક્સિન હવે આજકાલમાં જ આવશે અને વૅક્સિન આવશે કે તરત જ કોરોના અદૃશ્ય! ચિકન પૉક્સ ગયા એમ કોરોના જશે! આપણે કેટલા બધા આશાવાદી છીએ! મરવું ન હોય તો કંઈ નહીં, જીવતા રહો - મરતાં-મરતાં જીવો.
જીવતાં-જીવતાં મરવું એ ઉત્તમ કામ છે, પણ એ કામ તમને નહીં આવડે. તમારી સાત પેઢી મરતાં-મરતાં જ જીવી છે. કોઈ અપવાદ હોય તો માફ કરજો! હવે કોરોનાની રસી આવશે એટલે આપણે એના પર તૂટી પડીશું. દુનિયાના બધા દેશો આ રસી આવે કે તરત જ એની વહેંચણી કેવી રીતે કરવી એની પળોજણમાં પડ્યા છે.
આ પળોજણ સમજવા જેવી છે
વૅક્સિન એટલે ટીકડી હશે, ઇન્જેક્શન હશે કે ઘૂંટડો એક દવા હશે - કોણ જાણે શું હશે? પણ આ વૅક્સિન સામે આપણે કોઈ ફરિયાદ નહીં કરીએ. નાની હોય, મોટી હોય, કડવી હોય, ખાટી હોય, ધારદાર સોય હોય,ગમે તે હોય પણ એને લેવા માટે દુનિયાના સાત અબજ માણસો તરફડી રહ્યા છે. અહીં એક મજાની વાત છે. સાત અબજ રસી તો કંઈ રાતોરાત મળશે નહીં. વૈજ્ઞાનિકો બનાવે છે, સુરક્ષાકર્મીઓ એની વ્યવસ્થા ગોઠવે છે, સરકાર એને આદેશ આપે છે. આ વૅક્સિન વ્યવસ્થા કેમ ગોઠવાય એ જુદા-જુદા દેશની સરકારો જુદી-જુદી રીતે જુએ છે. આ સમજણ રસપ્રદ છે. કઈ સરકાર અને કઈ પ્રજા કેવી સંસ્કૃતિ અને કેવા સંસ્કાર ધરાવે છે એ વાતમાં ડોકું કરી શકાય એમ છે.
અમેરિકાએ કહ્યું છે કે આ વૅક્સિન સૌથી પહેલાં વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટિઝનને આપવામાં આવશે. ૮૦+ પહેલો પ્રેફરન્સ, પછી ૭૫ અને આમ ૫૦ સુધી. કારણ સમજાયું? ન સમજાયું? સમજી લો ૮૦+ અને ૭૦-૭૫ હવે કેટલું રહેવાના? એ તો જતાં-જતાં એક પગ ઉંબરા બહાર ઊભા છે. ૫૦+ના તો પોતાના પગના જોરે જ હજી ઘણું જીવવાના છે. ૮૦વાળાને થોડાક દિવસ રહ્યા હોય તો તેમને રાખવા એ શું તેમની પ્રજા તરીકે આપણી ફરજ નથી?
ભારતીય સંસ્કૃતિ શું કહે છે?
મૂંઝાશો નહીં. વૅક્સિનની વહેંચણી થઈ નથી ગઈ. ધક્કામુક્કી અત્યારથી કરશો નહીં. દોડીને દરવાજા પાસે પહેલા નંબરે ઊભા રહેશો નહીં. તમે પહેલા નંબરે છો અને તમને એક વૅક્સિન આપી દેવામાં આવે છે. હવે એકેય વૅક્સિન નથી અને બધા માણસો રખડી પડ્યા છે. બધા ગયા અને તમે રહી ગયા - આવું રહેવું ગમશે?
ભારત સરકારે સત્તાવાર નીતિ જાહેર કરી નથી. બધાં અનુમાનો તારવે છે. એક તારવણી પ્રમાણે સરકાર ડૉક્ટરો, નર્સો અને હૉસ્પિટલ સ્ટાફને પહેલો પ્રેફરન્સ આપશે. આ બધા જીવતા હશે તો આપણે જીવીશું. આ બધાને જિવાડવા માટે એકલી વૅક્સિન નહીં ચાલે એટલે સુરક્ષાકર્મીઓ, પોલીસ દળ અને સફાઈકર્મીઓને જીવતા રાખવા પડશે. આ બધામાં આરક્ષણ ક્યાંક કોઈને યાદ ન આવી જાય તો સારું. અનામતમાં જનજાતિ, વિચરતી જાતિ, એસ. સી., એસ. ટી., ઓબીસી કોને કરશો અને કોને નહીં? આ બધાને જો અગ્રતાક્રમ આપશો તો પછી વસ્તી જ નહીં રહે! હરિ ઓમ!
હરિ ઓમ
સાચું કહેજો, થોડો વિચાર કરી કહેજો, કોઈ ને કાનમાં જઈને કહી ન શકો તો એકલા-એકલા ખાનગીમાં કહેજો. ઘરમાં એક વૅક્સિન અપાઈ છે અથવા ઘરમાં જેટલા માણસો છે એનાથી એક વૅક્સિન ઓછી આવી છે. હવે વહેંચણી કેમ કરશો? અને આ વહેંચણી પછીનું જીવન જીવવું ગમશે?

દુનિયાભરના દેશેદેશમાં વૅક્સિન-વૅક્સિન એમ મહાજપ થઈ રહ્યા છે. વૅક્સિન હવે આજકાલમાં જ આવશે અને વૅક્સિન આવશે કે તરત જ કોરોના અદૃશ્ય! ચિકન પૉક્સ ગયા એમ કોરોના જશે! આપણે કેટલા બધા આશાવાદી છીએ! મરવું ન હોય તો કંઈ નહીં, જીવતા રહો - મરતાં-મરતાં જીવો. સાત પેઢી મરતાં-મરતાં જ જીવી છે. કોઈ અપવાદ હોય તો માફ કરજો!

weekend guide columnists dinkar joshi