બૉલીવુડમાં પેસેલા ડ્રગના દાનવને હાંકી કાઢવાની વાત બૉલીવુડ વિરુદ્ધની વાત

22 September, 2020 02:16 PM IST  |  Mumbai | Taru Kajaria

બૉલીવુડમાં પેસેલા ડ્રગના દાનવને હાંકી કાઢવાની વાત બૉલીવુડ વિરુદ્ધની વાત

પ્રતીકાત્મક તસવીર

આજની વાત અમુક અંશે ગયા અઠવાડિયાની સાથે જોડાયેલી છે. આપણે જાણીએ છીએ એમ મુંબઈમાં એક યુવાન અભિનેતાના શંકાસ્પદ મૃત્યુના પગલે તેની સાથે લિવ-ઇન રિલેશનમાં હતી એ હિરોઇનાં ડ્રગ-કનેક્શન પકડાવાને પગલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એન.સી.બી.) તપાસમાં લાગેલી છે. જોગાનુજોગ બૉલીવુડની મોટા ભાગની પાર્ટીઓ આ ડ્રગ્સના દૂષણનો મુખ્ય અડ્ડો બનેલી છે. અત્યાર સુધી ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સની લેવેચ કે ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા અનેક પેડલર્સ અને છોટા-મોટા ગુનેગારોને એન.સી.બી.એ ઝડપ્યા છે અને એમાંથી મોટા ભાગનાના છેડા બૉલીવુડના ગંજેરી-નશેડીઓને પણ અડે જ છે. માત્ર મુંબઈમાં જ નહીં બૅન્ગલોર, ચેન્નઈ, પઠાણકોટ જેવાં દેશનાં અનેક શહેરોમાં એન.સી.બી.ના દરોડા પડી રહ્યા છે અને અનેક ધરપકડો થઈ છે જેમાં ફિલ્મઉદ્યોગ, રાજકારણ, સ્થાનિક પોલીસ તંત્ર અને ઈવન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સખેલાડીઓ અને માફિયાઓ સંડોવાયેલા જોવા મળી રહ્યા છે. 

હવે આ સંજોગોમાં લોકસભામાં એક સંસદસભ્ય (જે અભિનેતા પણ છે) બૉલીવુડમાં ઘૂસી ગયેલા ડ્રગ્સના સડાને દૂર કરવા માટે વિનંતી કરે છે. ત્યાં તો રાજ્યસભાનાં એક મહિલા સભ્ય અને જાણીતાં અભિનેત્રી જયા બચ્ચન સદનને નોટિસ આપીને પોતાની વાત રજૂ કરવા ઊભાં થાય છે. તેઓ પેલા અભિનેતાની વિનંતીથી તમતમી ઊઠ્યાં છે. અત્યંત તીખા અને તુમાખીભર્યા તોર સાથે તેઓ કહે છે કે સોશ્યલ મીડિયા મનોરંજન ઉદ્યોગના લોકોની પાછળ પડી ગયું છે. હું લાજી મરું છું કે સદનના એક સભ્ય જેઓ પણ ફિલ્મઉદ્યોગમાંથી જ આવે છે તેઓ પણ ગઈ કાલે આ ઉદ્યોગની વિરુદ્ધ બોલ્યા છે. આ શરમજનક છે! અરે! પેલા અભિનેતાએ તો બૉલીવુડમાં પેસેલા ડ્રગના દાનવને હાંકી કાઢવાની વાત કરી છે, એ બૉલીવુડ વિરુદ્ધની વાત કેવી રીતે થઈ? ‘બૉલીવુડના ડ્રગમાફિયા વિરુદ્ધ’ની વાત ‘બૉલીવુડ વિરુદ્ધ’ની વાત’ કઈ રીતે થઈ ગઈ? આનો મતલબ તો એ થયો કે જયા બચ્ચન પોતે જ ‘બૉલીવુડ ડ્રગ્સમાફિયા = બૉલીવુડ’ એવું ઇક્વેશન કરે છે! તમારા ઘરમાં ઊધઈ થઈ ગઈ હોય તો તમે પેસ્ટ કન્ટ્રોલ સર્વિસિસને બોલાવી એને દૂર કરવા માટેની કવાયત કરો કે નહીં? કે તમે એમ કહો કે ના...ના, એમાં તો આપણા ઘરની બેઇજ્જતી થશે! તમારા દાંતમાં સડો થયો હોય અને એ માટે તમને કોઈ ડેન્ટિસ્ટ પાસે જવાની સલાહ આપે તો શું તમે તેના પર તાડુકશો? તમે શું એમ કહેશો કે તે તમારી બદનામી કરાવવા માગે છે?
અરે, આ જ તો પેલી ગયા અઠવાડિયે આપણે વાત કરેલીને એ પેટ્રિઆર્કિયલ માનસિકતા છે. તમારા ક્ષેત્રમાં એક ખુવાર કરી દેનારું દૂષણ વ્યાપ્યું છે. એને નાબૂદ કરવાનું કે એનાથી તમારા ઉદ્યોગને મુક્ત કરાવવાનું તો દૂર, એ બદી તમારા ક્ષેત્રમાં વ્યાપી છે એનો સ્વીકાર કરવા પણ તમે તૈયાર નથી? કારણ? કારણ કે એમ કરવાથી તમારી બદનામી થાય એવું તમે માનો છો! આ કોના જેવો અભિગમ છે જાણો છો? જુનવાણી માનસ ધરાવતા કોઈ રૂઢિચુસ્ત પરિવારની દીકરી જો પરનાતના છોકરા સાથે પરણે તો તેનાં મા-બાપ પણ તેને મારી નાખતાં અચકાતાં નથી અને આજે એકવીસમી સદીમાં પણ ઓનરકિલિંગના અનેક કિસ્સાઓ બની જ રહ્યા છે.
પરિવારમાં કોઈ વ્યક્તિ દુરાચારી હોય અને તેના દુરાચરણનો ભોગ બીજાઓને બનવું પડતું હોય તો પણ એ વિશે ક્યાંય ફરિયાદ કરાય નહીં, બહાર વાત કરાય નહીં. આ માનસિકતા પિતૃસત્તાક સમાજની ઓળખ છે. અને આપણાં આ રાજ્ય સભાનાં સભ્ય બહેન પણ અદ્દલ એ જ રીતે વર્તી રહ્યાં છેને? પોતાની ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો ડ્રગ્સને રવાડે ચડ્યા છે અને વારે-તહેવારે ડ્રગપાર્ટીઓ કરે છે એની વાતો બહાર આવે એની શરમ લાગે છે, પરંતુ એ ડ્રગ્સની લત કેટલાય યંગસ્ટર્સની જિંદગી ધુમાડો કરી નાખે છે એનું તેમને દુ:ખ નથી! હકીકતમાં બૉલીવુડનું અપમાન પેલા અભિનેતાએ નથી કર્યું, આ મહિલા સભ્યે કર્યું છે. વળી એ અભિનેત્રીના ઘમંડી શબ્દો તો જુઓ: ‘જિસ થાલીમેં ખાતે હો ઉસમેં હી છેદ કરતે હો’! હંમ્મ... તો બૉલીવુડમાંથી ડ્રગ્સની બદીને હાંકી કાઢવાની વાત બૉલીવુડની થાળીમાં કાણું કરવા જેવી વાત છે? આને વિકૃત માનસિકતા નહીં તો બીજું શું કહેવાય? પોતાની ઇન્ડસ્ટ્રીના એક યુવાન અભેનેતાને માત્ર ચોત્રીસ વર્ષની વયે આ દુનિયામાંથી હટાવી દેવામાં આવે છે કે આ ઇન્ડસ્ટ્રીની પ્રતિભાઓ માટે કામ કરતી એક યુવતીને પણ એ જ રીતે ખતમ કરી દેવામાં આવે છે ત્યારે આ મહિલા સભ્યનું રુવાંડુંય નથી ફરકતું? કેમ, ક્યાં ગઈ ‘અમારી ઇન્ડસ્ટ્રી’વાળી બિરાદરીની ભાવના? જાતમહેનતે આગળ આવેલી એક પ્રતિભાશાળી અભિનેત્રીની ઑફિસ પર બુલડોઝર ચલાવી દેવાયું ત્યારે તેમની બિરાદરીગીરી સૂઈ ગઈ હતી?
ઇંગ્લૅન્ડની એક વિદુષી તબીબ અને વિજ્ઞાની મહિલા ડૉ. મીનાએ આ મહિલા સંસદસભ્ય અને તેમની ચમચાગીરી કરવા આગળ આવેલી બીજી સંસદસભ્ય અભિનેત્રીનાં જોરદાર છોતરાં ઉડાડ્યાં છે. શબ્દો ચોર્યા વગર તેમણે કહ્યું છે કે ‘પોતાને બહુ બુદ્ધિશાળી માનતી આ બન્ને ઘમંડી બાઈઓનો ઉપલો માળ ખાલી છે. તેમને ભાન છે તે શું બોલે છે?’ એ સાંભળીને ઘણા નાગરિકોને લાગ્યું હશે કે ‘સહી ફરમાયા હૈ.’
ખેર, આજે દેશની પ્રીમિયમ તપાસ એજન્સીએ દેશના યુવાઓને ખુવાર કરી રહેલા ડ્રગ્સના દાનવને ખતમ કરવાની જે પહેલ કરી છે એને એના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડવી કંઈ આસાન નથી. વચમાં કેટકેટલા અવરોધો, અડચણો, રાજકારણના દાવપેચ, મોટાં માથાંરૂપી રોડ-બ્લૉક્સ અને ન્યાયપદ્ધતિનાં નિયંત્રણો પણ આવશે. એ બધાને પાર કરીને દેશને ડ્રગમુક્ત કરવાનું લક્ષ્ય સાધી શકાશે? એ તો સમય જ કહેશે. અત્યાર સુધીનો આપણો અનુભવ આ વિશે આપણને બહુ આશાવાદી બનવા પ્રેરતો નથી. આમ છતાં કોણ જાણે કેમ આ વખતે કોઈક ચોક્કસ પરિણામ આવશે એવી અપેક્ષા રહે છે. કમ સે કમ અત્યાર સુધી તો રહી છે. એવી જ રીતે આત્મહત્યા ઠરાવી દેવાયેલા બન્ને કિસ્સાઓની સચ્ચાઈ પણ બહાર આવે એવી અંતરની પ્રાર્થના છે. આશા રાખીએ કે એ સ્વીકારવાની સભ્યતા અને ક્ષમતા સૌ પક્ષો દાખવે અને ગુનેગારોને આકરામાં આકરી સજા થાય. તો જ આ સાડાત્રણ મહિના સુધી ધરી રાખેલી ધીરજ લેખે લાગશે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

taru kajaria columnists