મારા ફ્રેન્ડ-સર્કલમાં જામશે કે નહીં એના પર નિર્ભર છે જીવનસાથીની પસંદગી

22 May, 2023 05:33 PM IST  |  Mumbai | Varsha Chitaliya

લગ્નોત્સુક ઉમેદવારોની વધતી અપેક્ષાઓ તથા બદલાયેલા પારિવારિક દૃષ્ટિકોણને કારણે યોગ્ય વર-વધૂની શોધે સામાજિક સમસ્યાનું રૂપ લઈ લીધું છે. આ વિષય પર છણાવટ કરવાની સાથે યુવકની પસંદ-નાપસંદ જાણવાનો પ્રયાસ કરીએ

પ્રતીકાત્મક તસવીર

લગ્ન એ પુરુષ અને સ્ત્રીના સામાજિક સંબંધોની ચરમસીમા છે. અગાઉ લગ્નસંબંધ નક્કી કરતી વખતે મુખ્યત્વે કુટુંબની પ્રતિષ્ઠા, યુવકની કમાણી અને યુવતીના સંસ્કારોને મહત્ત્વ આપવામાં આવતું હતું. એક સમયે યુવકનો પરિવાર કન્યાપક્ષ સામે વિવિધ પ્રકારની શરતો મૂકતો હતો. આજે યુવતીના પેરન્ટ્સ પણ જુદી-જુદી ડિમાન્ડ કરતા થયા છે. કન્યાનાં માતા-પિતા તો યોગ્ય જમાઈની શોધમાં ચંપલ ઘસતાં જ આવ્યાં છે. શિક્ષિત યુવતીઓની વિચારશક્તિ પરિપકવ બનતાં હવે યુવકનાં માતા-પિતાની પણ ઊંઘ ઊડી ગઈ છે. લગ્નોત્સુક યુવક-યુવતીની વધતી અપેક્ષાઓ તથા બદલાયેલા પારિવારિક દૃષ્ટિકોણને કારણે યોગ્ય વર-વધૂની શોધે સામાજિક સમસ્યાનું રૂપ લઈ લીધું છે. જીવનસાથીની પસંદગીના બદલાયેલા માપદંડ વિશે આપણે બે જુદા આર્ટિકલના માધ્યમથી વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. આજે વાત કરીએ વર્તમાન પરિસ્થિતિ અને પરણવાલાયક યુવકની પસંદ-નાપસંદની. 

મીડિયેટર બદલાયા

જૈન સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે ‘સગપણ સેતુ’ નામનું પ્લૅટફૉર્મ ઊભું કરનારી આઠ મહિલાઓની ટીમ યોગ્ય જીવનસાથી શોધી આપવામાં મદદ કરી રહી છે. હાલમાં અમારી પાસે આઠ હજાર જેટલા બાયોડેટાનું લિસ્ટ છે એવી માહિતી આપતાં ટીમ-મેમ્બર નયના દોશી કહે છે, ‘અગાઉ સગાંસંબંધીઓ મુરતિયો અથવા કન્યા બતાવતાં હતાં. હવે તેઓ મીડિયેટર બનતાં નથી. વડીલો એકબીજાને પારિવારિક સંબંધો થકી ઓળખતા હોય, પરંતુ યુવા પેઢીની ગૅરન્ટી લેવા કોઈ તૈયાર નથી. પરસ્પર આંગળી ચીંધવાનું કાર્ય બંધ થવાથી જીવનસાથીની શોધખોળ મુશ્કેલ બની છે. સગપણ સેતુના માધ્યમથી આ કામને સરળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી પાસે આખી દુનિયામાં વસતાં જૈન સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓનું લિસ્ટ છે. એમાં મુંબઈ અને ગુજરાતનાં યુવક-યુવતીઓની સંખ્યા સૌથી વધુ છે. મીડિયેટર બદલાયા એમ બન્ને પક્ષની પસંદગી અને અપેક્ષાઓમાં પણ અગાઉની સરખામણીએ ધરખમ પરિવર્તન જોવા મળે છે.’

સગાંસંબંધીઓ અને મિત્રવર્તુળની ભલામણથી સંબંધ પાકો થઈ જાય એ જૂની વાત થઈ ગઈ. વર્તમાન સમયમાં ઈ-પ્લૅટફૉર્મની ભૂમિકા વધી ગઈ છે. વૉટ્સઍપના માધ્યમથી યોગ્ય જીવનસાથી શોધવામાં મદદરૂપ થતા આશીર્વાદ મૅરેજ બ્યુરોનાં ફાઉન્ડર કાશ્મીરા ગાંધી કહે છે, ‘પહેલાંના સમયમાં ઘરમાં પરણવાલાયક 
દીકરા-દીકરીને વડીલો સામાજિક મેળાવડા અને લગ્નપ્રસંગોમાં હાજરી આપવાની ભલામણ કરતા જેથી તેઓ નજરમાં રહે. આજે ફ્રેન્ડસકર્લનો મહિમા વધી ગયો છે. યુવા પેઢી પ્રસંગોમાં જતી નથી તેથી જીવનસાથીની શોધખોળે સામાજિક સમસ્યાનું રૂપ લઈ લીધું છે. મીડિયેટરની ભૂમિકા બદલાતાં લગભગ દરેક મૅટ્રિમોનિયલ પ્લૅટફૉર્મ પર હજારોની સંખ્યામાં ડેટા કલેક્ટ થઈ ગયા છે. અમારી પાસે પણ વૈષ્ણવ, જૈન, બ્રાહ્મણ એમ બધી જ ગુજરાતી જ્ઞાતિનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓના પેરન્ટ્સ આવે છે. યુવક-યુવતીની ઉંમર અનુસાર તેમના પેરન્ટ્સને જુદા-જુદા ગ્રુપમાં વિભાજિત કરીને યોગ્ય જીવનસાથી શોધવામાં અમે મદદ કરીએ છીએ.’

વાત કેમ નથી બનતી?

રૂપાળી પત્ની જોઈએ આ ડેફિનિશન હવે બ્રૉડ થઈ ગઈ છે એવી વાત કરતાં નયનાબહેન કહે છે, ‘આમ જુઓ તો યુવકોના પરિવારજનોના વિચારોમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. આજે પણ તેઓ સુંદર, સુશીલ, વડીલોની સેવા કરે એવી કન્યાને જ પસંદ કરે છે. યુવકને શિ​િક્ષત, જૉબ કરતી, પાર્ટી-કલ્ચરમાં ઍડ્જસ્ટ થઈ જાય એવી જીવનસંગિની જોઈએ છે. યુવકના પેરન્ટ્સ ઇચ્છે છે કે આવનારી વહુ નોકરી છોડી દે અને કરવી હોય તો ઘર સાચવીને કરે. આમ પરિવારની અંદર વિચારો જુદા છે. થોડા સમય પહેલાં અમારી ટીમ દ્વારા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં એક શ્રીમંત પરિવારે વહુ પસંદ કરતી વખતે શરત મૂકી કે લગ્ન પછી નોકરી છોડી દેવી પડશે. યુવતી તૈયાર થઈ ગઈ, પણ સામે ડિમાન્ડ કરી કે તમારા બિઝનેસમાં ઇન્વૉલ્વ થવા દો તો નોકરી છોડી દઉં. યુવકના પરિવારે કહ્યું કે કિટી પાર્ટીમાં જલસા કરો, બિઝનેસમાં નો એન્ટ્રી. બધું સારું હતું તોય વાત પડી ભાંગી. આવાં અનેક કારણોસર વાત લંબાતી જાય છે. બાંધછોડ નથી કરતાં એમાં યુવકની ઉંમર ૩૫ વર્ષ પાર કરી જાય છે.’ 

ચાર દાયકાથી હસ્તમેળાપ મૅરેજ બ્યુરોનું સંચાલન કરતાં પ્રવીણા મહેતા એક દાખલો આપતાં કહે છે, ‘થોડા સમય પહેલાં યુવક-યુવતીનું સરસ મજાનું ગોઠવાઈ ગયું હતું. લગ્નની વાડી પણ લખાઈ ગઈ. એવામાં છોકરાની મમ્મીએ થનારી પુત્રવધૂનું ફેસબુક અકાઉન્ટ જોયું. યુવતીએ દમણમાં કોઈ પાર્ટીમાં હાથમાં ગ્લાસ લઈને ફોટો અપલોડ કર્યો હતો. ડ્રિન્ક પીતી વહુ ન જોઈએ કહીને તેમણે સગાઈ તોડી નાખી. વાસ્તવમાં છોકરા-છોકરી બહાર જઈને બધું કરતાં હોય છે, ઘરમાં કહેતાં નથી. કદાચ તેમનો દીકરો પણ ડ્રિન્ક કરતો હશે. સાઠ ટકા સંતાનો હુક્કાપાર્લરમાં જાય છે એની પેરન્ટ્સને જાણ હોતી નથી અને સોશ્યલ મીડિયાને કારણે સંબંધો તૂટી જાય છે. એક સમયે ત્રણથી ચાર મીટિંગમાં લગ્ન નક્કી થઈ જતાં. હવે અમે સામેથી કહીએ છીએ કે દસ વાર મળો, વિચારો, ઉતાવળ ન કરો. હમણાં એક યુવકના પેરન્ટ્સે યુવતીનો બે કલાક ઇન્ટરવ્યુ લીધો. ઘણી ઊલટતપાસ કરી. અમારા ઘરની રીતભાત ફાવશે એવો સવાલ પણ પૂછ્યો. આવી તો ઘણી વાતો સામે આવે છે. જોકે આજની તારીખમાં યુવકો કરતાં યુવતીઓનાં નખરાં વધુ છે.’ 

પોતાના અનુભવો શૅર કરતાં કાશ્મીરાબહેન કહે છે, ‘અટ્રૅક્ટિવ, એજ્યુકેટેડ અને ફૅમિલીને સાચવે એવી જીવનસંગિનીની અપેક્ષા રાખવી ખોટું નથી. સામાન્ય રીતે યુવકો કૉમ્પ્રોમાઇઝ કરે છે. હા, દ​િક્ષણ મુંબઈથી વિલે પાર્લેની વચ્ચે રહેતા યુવકોને મકાબો એટલે કે મલાડ, કાંદિવલી અને બોરીવલીની યુવતી સાથે નથી પરણવું, કારણ કે આ વિસ્તારની યુવતીઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરે છે. વિલે પાર્લેથી મુંબઈ તરફના યુવકોમાં અંગ્રેજી બોલવાનું ચલણ વધારે છે. તેમને બોરીવલીની યુવતીઓનું ડ્રેસિંગ પણ પસંદ નથી પડતું. પોતાના સર્કલમાં સારું લાગવું જોઈએ એવી અપેક્ષા બન્ને તરફ સરખી છે. આ બાબત યુવતીઓના કેસમાં પણ એટલી જ લાગુ પડે છે. ​સરવાળે યુવકો ડાહ્યા છે, યુવતીઓનાં નખરાં વધી ગયાં છે. જોકે વિદેશમાં રહેતા યુવક માટે યોગ્ય પાત્ર શોધવું દિવસે-દિવસે ચૅલેન્જિંગ બનતું જાય છે.’ યુવતીઓની ઈચ્છઓ અને અપેક્ષાઓ વિશે જાણીશું આવતીકાલે.

ટ્રાન્સફૉર્મેશન લાવો

અમે એવી છેલ્લી પેઢી છીએ જેમણે પોતાનાં સાસુ-સસરાનું સાંભળ્યું અને દીકરા-વહુનું પણ સાંભળીએ છીએ. આજકાલ સોશ્યલ મીડિયા પર આ મેસેજ વાઇરલ છે. સૅન્ડવિચ બની ગયા એવું કેમ માનો છો? પેરન્ટ્સને સલાહ આપતાં ‘સગપણ સેતુ’નાં નયના દોશી કહે છે, ‘લગ્નોત્સુક યુવક-યુવતીનાં માતા-પિતા એકમાત્ર એવી પેઢી છે જે ધારે તો સોશ્યલ ટ્રાન્સફૉર્મેશન લાવી શકે છે. બન્ને પેઢી માટે તમે જે કર્યું છે અને કરો છો એ નવા યુગની શરૂઆત છે. અમારા દ્વારા સમાજમાં બદલાવ આવ્યો એવું વિચારવાથી અનેક સમસ્યાઓ ઉકેલાઈ જશે.’

વિચિત્ર ડિમાન્ડ

યુવકો અને તેમના પેરન્ટ્સની વાહિયાત વાતો વિશે જણાવતાં ‘હસ્તમેળાપ’ મૅરેજ બ્યુરોનાં સંચાલક પ્રવીણા મહેતા કહે છે, ‘વાત જરાક આગળ વધે એટલે યુવકનો પરિવાર કહેશે કે અમારે તેને હીલ્સમાં જોવી છે. તો કોઈક વળી હીલ્સ વગર જોવાની ડિમાન્ડ કરે છે. સાદા ડ્રેસમાં કેવી દેખાય છે અને વેસ્ટર્નમાં કેવી લાગે છે એની ચકાસણી કરવી છે. મેકઅપ કેવો લાગે છે અને મેકઅપ વિના રૂપાળી છે કે નહીં એ પણ તેમને જોવું છે. આવી વિચિત્ર અપેક્ષાઓને કારણે ક્યારેક યુવતીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે.’

 દ​િક્ષણ મુંબઈથી વિલે પાર્લેની વચ્ચે રહેતા યુવકોને મલાડ-બોરીવલી સાઇડની યુવતી સાથે નથી પરણવું, કારણ કે આ વિસ્તારની યુવતીઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરે છે. યુવતીઓની ડ્રેસિંગ-સેન્સ પણ તેમને પસંદ નથી પડતી. કાશ્મીરા ગાંધી, આશીર્વાદ મૅરેજ બ્યુરો 

columnists Varsha Chitaliya