બહુચર્ચિત ફેબિફ્લુ ખરેખર કોરોનાનો રામબાણ ઇલાજ છે?

25 June, 2020 10:12 PM IST  |  Mumbai | Bhakti Desai

બહુચર્ચિત ફેબિફ્લુ ખરેખર કોરોનાનો રામબાણ ઇલાજ છે?

પ્રતીકાત્મક તસવીર

હાલમાં ઍન્ટિ-વાઇરલ ડ્રગ ફેવિપિરાવિર કે જે ગ્લેનમાર્ક કંપની દ્વારા ફેબિફ્લુના નામે વેચાય છે એ દવાને કોરોનાના દરદીઓ પર વાપરવાની પરવાનગી મળી છે. એ પછી ઘણા લોકો જાણે કોરોનાને માત કરવાની ચાવી હાથ લાગી ગઈ હોય એટલા ખુશ છે. આ દવા ખરેખર કોરોનાનો ખાતમો કરી દેશે કે કેમ એ તો હજી સમય જ બતાવશે, પણ આજે નિષ્ણાતો પાસેથી જાણીએ આ દવા કયા સ્ટેજમાં ઉપયોગી છે અને એની શું સાઇડ-ઇફેક્ટ્સ છે

જેટલી ઝડપે કોરોના વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે એટલી જ ઝડપે વિશ્વભરના તબીબી ક્ષેત્રના નિષ્ણાતો એની દવા અને વૅક્સિન શોધવા માટે લાગી પડ્યા છે. અનેક સંશોધનો ચાલી રહ્યાં છે, પણ હજી કોઈ પણ એવી દવા નથી આવી જેનાથી કોવિડ-19 પૉઝિટિવ દરદીની દરેક સ્ટેજમાં સારવાર સહજ શક્ય થઈ શકે. એવામાં તાજેતરમાં મુંબઈની ગ્લેનમાર્ક કંપનીની ફેબિફ્લુ દવાને કોરોના માટે વાપરવાની પરવાનગી મળતાં આશાનાં કિરણો પેદા થયાં છે.
લોકો હવે આ રોગચાળાથી છૂટવા માટે કોવિડ-19થી જીવ બચાવી શકે એવી દવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે શું આ દવા રામબાણ છે એવો હાશકારો થઈ શકે એમ છે ખરો? આજે જાણીએ ફેબિફ્લુ નામક દવામાં રહેલું જેનરિક ડ્રગ કઈ છે અને કોવિડ-19 પૉઝિટિવ દરદી પર એ કઈ રીતે કામ કરે છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે.
હજી સંશોધન ચાલુ છે
બહુચર્ચિત ફેબિફ્લુ વિશે અંધેરીના ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. શિશિર શાહ કહે છે, ‘હાલમાં આ દવા ખૂબ ચર્ચામાં છે. અલબત્ત આ દવા કોવિડ-19ના પૉઝિટિવ દરદીઓમાંથી માત્ર અમુક જ દરદીઓને આપવામાં આવી અને તેમને ફાયદો થતો જણાયો. હાલની કટોકટી જેવી પરિસ્થિતિને જોતાં આને ઝડપથી બહાર પાડવામાં આવી છે અન્યથા આ દવા પર પૂર્ણપણે અભ્યાસ થયો નથી. એક ડૉક્ટર તરીકે હું લોકોને એક વાતની ચોખવટ કરી દઉં કે આમ તો આવી કોઈ પણ દવાને સામાન્ય પરિસ્થિતિમાં ટેસ્ટ કરવા માટે એક-બે વર્ષ નીકળી જાય, પણ હાલમાં કોવિડ-19 એક દેશવ્યાપી જ નહીં પણ વિશ્વવ્યાપી રોગચાળો બની ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં તબીબી ક્ષેત્રે કોઈ એક દવાનું માત્ર થોડા જ દરદીઓ પર પણ જો સારું પરિણામ જોવા મળે તો એનું સશોધન ચાલુ રાખીને પણ દવા ઉપલબ્ધ કરી દેવામાં આવે છે જેથી રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. હજી આ દવા એકંદરે કોવિડ-19ના દરદીઓને પૂર્ણપણે કઈ રીતે બહાર લાવી શકશે એ ઊંડાણમાં અને કોઈ પણ પ્રકારની ખાતરી સાથે કહેવા માટે વાર લાગશે, કારણ કે કોવિડ-19 માટે આ એક નવી દવા છે.’
આપણામાંથી અનેક ઉચ્ચ શિક્ષિત વર્ગ અને જેઓ તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા નથી તેઓ પણ સોશ્યલ મીડિયા પર આ દવાના ફોટોગ્રાફ મૂકી પોતાની પાસે જે થોડી માહિતી હોય એ લખે છે. આને કારણે વાસ્તવિકતા એક બાજુએ રહી જાય છે અને માત્ર મહામારી સામે એકમાત્ર લાઇફ્સેવિંગ ડ્રગ તરીકે આનો પ્રચાર થવાથી લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે.
મૂળ શાની દવા છે?
દવાની જેનરિક ડ્રગ અને એની પ્રથમ શોધ ક્યા થઇ તે વિષે ડૉ. શિશિર કહે છે, ‘આની અંદર જે સર્વસામાન્ય દવા એટલે કે જેનેરિક ડ્રગ છે એનું નામ છે ‘ફેવિપિરાવિર’ (Favipiravir). આ મૂળ જપાનની ડ્રગ છે. ફેવિપિરાવિર ડ્રગ (દવા)ની શોધ ત્રણ વર્ષ પહેલાં જપાનમાં થઈ અને ત્યાં આ દવા ફ્લુ પર અપાતી દવાઓમાંથી એક છે. એક નોંધપાત્ર વાત એ છે કે સામાન્ય જે ફ્લુ હોય એની પર નહીં, પણ જે અસામાન્ય અને અલગ પ્રકારના ફ્લુના દરદી હોય તેને આ દવા અપાતી હતી. જપાનના કોવિડ-19ના અમુક જ દરદીઓ પર દવા અજમાવવામાં આવી છે. ભારતમાં પણ ખૂબ ઓછા દરદીઓને આ દવા અપાઈ છે અને આનાથી દરદીને લાભ થયો હોવાનું જણાયું છે.’
કેવા દરદીને અપાય?
ભારતમાં ડૉકટર ફેવિપિરાવિર એટલે કે ફેબિફ્લુ નામક દવા ક્યારે સૂચવે છે એ વિશે ડૉ. શિશિર જાણકારી આપતાં કહે છે, ‘જ્યારે પણ કોઈ દરદી કોરોના પૉઝિટિવ છે એની ખાતરી થાય છે અને માઇલ્ડ ટુ મોડરેટ સ્ટેજમાં હોય છે ત્યાર પછી જ ડૉક્ટર ફેવિપિરાવિર દરદીને આપવા તરફ આગળ વધે છે. કોરોના વાઇરસ સિવાય અન્ય કોઈ ફ્લુનાં લક્ષણ દેખાય તો આ દવા આપવામાં નથી આવતી. આમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધારે છે. અહીં એક વાત સમજવા જેવી એ છે કે ડૉક્ટર પણ દરદીને આ દવા આપતાં પહેલાં તેમની સાથે ચર્ચા કરે છે અને પૂછે છે કે દરદી આ દવા લેવા તૈયાર છે કે નહીં. આનું મુખ્ય કારણ એ છે કે આની ઘણી ગોળીઓ લેવી પડે છે, દવાના કોર્સનો સમયગાળો લાંબો છે અને આનો ખર્ચો પણ વધારે છે. આ બધા પછી પણ દરદીને એનાથી કેટલો લાભ થાય એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. તેથી જો દરદીની મરજી હોય તો જ આ દવા ડૉક્ટર સૂચવે છે, જેને માટે દરદીએ એક ફૉર્મ ભરવાનું રહે છે. ગર્ભવતી સ્ત્રીઓને અને કિશોર વયનાં બાળકોને આપવામાં નથી આવતી. આની આડઅસરમાં કિડની પર તકલીફ થવી તથા જેમને કોઈ પણ કારણસર દવા ન સદે તેમને શરીર પર લાલ ચાઠાં અથવા રૅશ આવે કે પછી ઊલટી થવાની શક્યતા હોય છે. પણ આમ જોવા જઈએ તો હજી આવા કોઈ કિસ્સા સામે આવ્યા નથી. આના વધુ ફાયદા અને ગેરફાયદાઓ સમય જતાં સમજાશે.’
કયા સ્ટેજ પર કામ કરે છે?
જેટલા કોવિડ-19 પૉઝિટિવ દરદીઓને આ દવાથી રાહત મળી તેમની પર આ દવાએ કઈ રીતે અસર કરી અને એ કોવિડ-19ના કયા સ્ટેજના દરદીને આપવામાં આવે છે એ વિશે ડૉ. શિશિર કહે છે, ‘આ એક ઍન્ટિવાઇરલ ડ્રગ છે જેનાથી નૉવેલ કોરોના વાઇરસથી સંક્રમિત દરદી જ્યારે શરૂઆતથી લઈને મધ્યમ સ્ટેજ પર હોય છે ત્યારે તેને સૂચવવામાં આવે છે. આનાથી કોરોના વાઇરસની દરદી પર અસર ઓછી થઈ જાય છે. દવા વાઇરસને મારે છે અને દરદીને ગંભીર સ્ટેજ પર જવાની શક્યતા ઓછી કરે છે. થોડા દરદી પર મળેલા પરિણામ પરથી કાઢેલો આ એક તાર્કિક નિષ્કર્ષ છે, પણ આ દવા આમ જ કામ કરે છે એ પુરવાર નથી થયું. માર્કેટમાં આ દવા આવી ગઈ છે તેથી ડૉક્ટર એ દરદીને આપે પછી દરદીના અનુભવ પરથી ઊંડાણમાં આનો અભ્યાસ થઈ શકશે. ભારતમાં અને કદાચ અન્ય દેશોમાં પણ મોટા પાયે વૈજ્ઞાનિક રીતે અને આંકડાકીય રીતે આ દવા કેવી રીતે અને કેટલા કેસ પર કામ કરે છે એનું સંશોધન ચાલી રહ્યું છે.’
ગંભીર તબક્કામાં રેમડેસિવિર દવા
ડૉ. શિશિર કોવિડ-19 પૉઝિટિવ દરદીના ક્રૉનિક અને સિવિયર સ્ટેજ વિશે જણાવતાં કહે છે, ‘જ્યારે દરદી હૉસ્પિટલમાં હોય, ઑક્સિજનનું પ્રમાણ ઓછું અનુભવાય ત્યારે શ્વસનતંત્રની સમસ્યા પર Remdesivir નામની ડ્રગ ભારતમાં આવી છે એ આપવામાં આવે છે. આ પણ એક ઍન્ટિવાઇરલ ડ્રગ છે. એક વાત લોકોએ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે કોરોના વાઇરસ અથવા કોઈ પણ અન્ય બીમારીમાં ડૉક્ટરના સૂચન વગર કોઈ પણ દવા લેવી નહીં. દવા વિશે જાણકારી મેળવવી આજના માહિતી યુગમાં જરૂરી છે, પણ પોતાની મેળે દવા લેવાનો આગ્રહ ક્યારેય ન રાખવો.’
હાલમાં આવેલી આવી એકાદ-બે ડ્રગ અને એની પર ચાલેલા સંશોધન અને અભ્યાસ પછી કદાચ આ મહામારી પર થોડા અંશે પણ જો આપણે નિયંત્રણ મેળવી શકીએ તો વાસ્તવમાં યુદ્ધ જીતી ગયા હોવાની લાગણી અનુભવાશે.

આ દવાના કોર્સનો સમયગાળો લાંબો છે અને આનો ખર્ચો પણ વધારે છે. આ બધા પછી પણ દરદીને એનાથી કેટલો લાભ થાય એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી તેથી જો દરદીની મરજી હોય તો જ આ દવા ડૉક્ટર સૂચવે છે, જેને માટે દરદીએ એક ફૉર્મ ભરવાનું રહે છે. ગર્ભવતી સ્ત્રીઓને અને કિશોર વયનાં બાળકોને આ આપવામાં નથી આવતી
- ડૉ. શિશિર શાહ, ચેસ્ટ ફિઝિશ્યન

bhakti desai columnists health tips