છે સંભવ કે મીઠું ઝરણ નીકળે

21 September, 2025 05:03 PM IST  |  Mumbai | Hiten Anandpara

અત્યારે તો નેપાલ એવું અટવાયું છે કે ભવિષ્યમાં કેસ-સ્ટડીનો હિસ્સો બની જશે. હવેનાં યુદ્ધ સમરાંગણમાં ઓછાં અને સોશ્યલ મીડિયા પર ઝાઝાં લડાય છે. રોજ નવી ને નવી રામાયણ સર્જાતી રહે છે. કુમાર જૈમિની શાસ્ત્રી સાંપ્રત સમયને નિરૂપે છે... 

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI

જીવમાંથી જીવ જન્મે ત્યારે નવી જિંદગીની શરૂઆત થાય. જીવમાંથી જીવ નીકળે ત્યારે અનંતની યાત્રા શરૂ થાય. જિંદગીને નજર સામે ઊછરતી વિકસતી જોઈ શકાય, જ્યારે અનંતની યાત્રા રહસ્યમયી હોય છે. જિંદગી આખરે તો લેણાદેણીની વાત છે. મનીષ પરમાર એના મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે... 
 
કેટલા જનમોજૂના થર નીકળે 
એક ટીંબો ખોદતાં ઘર નીકળે
આંસુનો હિસાબ પૂરો થાય ક્યાં?
લેણું એનું જિંદગીભર નીકળે
 
આ લેણાદેણી માત્ર સરવૈયા પૂરતી સીમિત નથી હોતી. સરવૈયામાં બાકી લેણાં અને બાકી દેણાં પૈસામાં દર્શાવાતાં હોય છે. સંબંધના સરવૈયામાં અપેક્ષા અને અપેક્ષાપૂર્તિની માંડણી થાય છે. કંઈ ખરાબ બન્યું હોય તો આપણને તરત યાદ રહી જાય છે. કોઈએ સારું કર્યું  હોય તો થૅન્ક યુ કહીને વાત પર પૂર્ણવિરામ મૂકી દેતાં આપણને આવડે છે. કોને કેટલું માન આપવું અને કોની કેટલી અવગણના કરવી એ આપણી ગણતરી પર નિર્ભર હોય છે. હરીશ ઠક્કર લખે છે...
 
જિંદગી સાક્ષાત્ થાતી હોય છે
પણ પ્રસંગોપાત્ત થાતી હોય છે
એમ ક્યાંથી વાત એની નીકળે?
વાતમાંથી વાત થાતી હોય છે
 
પહેલાંના સમયમાં સર્જકો નિયમિત રીતે કોઈ જગ્યાએ મળતા. એમાં જે નવું વાંચ્યું હોય એની ચર્ચા થતી અને નવું લખ્યું હોય એનું પઠન થતું. જીવનશૈલીને કારણે આવું વ્યક્તિગત મળવાનું મુંબઈ જેવા શહેરમાં હવે આડે હાથે મુકાઈ ગયું છે. વાંક જોવા કરતાં ભૂલ સુધારવાના હકારાત્મક અભિગમ સાથે થતી આવી બેઠકોને કારણે કૃતિ વધારે સુરેખ બનતી. અર્પણ ક્રિસ્ટી કોનો વાંક કાઢે છે એ જોઈએ...
 
સાચવેલા પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે
ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે
આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં?
દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે?
 
ઋતુચક્ર એવું ફેરવાઈ ગયું છે કે દર ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે ને દર ચોમાસામાં અતિવૃષ્ટિનો સામનો કરવો પડે છે. આખું ગામ તણાઈ જાય કે તબાહ થઈ જાય એવી ઘટના હવે અનેક રાજ્યમાં બની રહી છે. પંજાબ આ વખતે વિનાશક પૂરમાં સપડાઈ ગયું. છેલ્લે ૧૯૮૮માં પંજાબમાં આવેલા પૂરને કારણે લગભગ ૨૫૦૦ ગામો ધોવાઈ ગયાં હતાં અને ૩૪ લાખ લોકોનું જીવન પ્રભાવિત થયું હતું. નયન દેસાઈ ચિતાર આપે છે... 
 
વૃક્ષો ડૂબ્યાં ને ઘર ડૂબ્યાં પાણીને કૈં કહો
કોનાં વહે છે અશ્રુઓ જાણીને કૈં કહો
નીકળે છે અર્થહીન હવે વાણીને કૈં કહો
કહેવાનો અર્થ શું છે? પ્રમાણીને કૈં કહો
 
આપણે ત્યાં વાણીનો દુરુપયોગ વધી રહ્યો છે. વાણી સ્વાતંત્ર્યને નામે કોઈ કંઈ પણ ચોપડાવી શકે છે. રાજકારણમાં તો નિમ્ન સ્તરે ઊતરીને વૈવિધ્યસભર યુક્તિઓ પ્રયોજાય છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જુઓ તો નાશવંત લાગણી ઉદ્ભવે. વાદવિવાદ એટલોબધો થાય કે દેશ માટે મહત્ત્વનાં કામકાજ કાગળમાં જ ધરબાયેલાં રહી જાય. આને કારણે થતું નુકસાન શાસકોને અપાતા ભથ્થામાંથી કપાતું નથી, આપણા ખિસ્સામાંથી જ જાય છે. લાગણી અને લોકશાહી બન્નેને સમજવી ઘણી વાર અઘરી થઈ પડે છે. ઘનશ્યામ ત્રિવેદી નિરીક્ષણ કરે છે...
 
શક્યતાઓ આટલી બસ એમ સરજાતી રહે
હું જરા કોશિશ કરું ને તુંય સમજાતી રહે
વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને
ભાવના - સંભાવનામાં જાત અટવાતી રહે
 
અત્યારે તો નેપાલ એવું અટવાયું છે કે ભવિષ્યમાં કેસ-સ્ટડીનો હિસ્સો બની જશે. હવેનાં યુદ્ધ સમરાંગણમાં ઓછાં અને સોશ્યલ મીડિયા પર ઝાઝાં લડાય છે. રોજ નવી ને નવી રામાયણ સર્જાતી રહે છે. કુમાર જૈમિની શાસ્ત્રી સાંપ્રત સમયને નિરૂપે છે... 
 
એક પડછાયો ત્વચાના આવરણથી નીકળે
કેટલા રસ્તા નદી થાવા ચરણથી નીકળે
મન-લુભાવન સ્કીમ સોનેરી હરણથી નીકળે
રોજ રામાયણ નવી, સીતાહરણથી નીકળે
 
લાસ્ટ લાઇન
 
પવન પાંસળીમાંથી રણ નીકળે
શમે ધૂળ ડમરી હરણ નીકળે
યુગોનું કવચ કોઈ તોડી જુએ
તો પીળી પ્રતીક્ષાની ક્ષણ નીકળે
ફરે સાંજનો હાથ અવકાશ પર
અને એની નીચેથી ધણ નીકળે
હતી ખૂબ કોમળતા ચ્હેરા ઉપર
અને એનું હૈયું કઠણ નીકળે
સ્મૃતિ નાશ પામ્યાનું સુખ છે ઘણું
જમાનો ભલેને કૃપણ નીકળે
કોઈ રણને ઠોકર તો મારી જુએ
છે સંભવ કે મીઠું ઝરણ નીકળે
રમત શબ્દ સાથે ન સારી સદા
અહીં તો કદી લોહી પણ નીકળે
- આદિલ મન્સૂરી
columnists hiten anandpara lifestyle news gujarati mid day sunday mid day