30 April, 2025 07:09 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
તમે અમદાવાદમાં ડ્રાઇવિંગ કર્યું છે? સુરતમાં ટૂ-વ્હીલર ચલાવ્યાં છે? અરે ગુજરાતનાં શહેરોની વાત છોડો મુંબઈમાં પણ તમે કાર કે ટૂ-વ્હીલર ચલાવ્યાં છે? જો ચલાવ્યાં હોય તો તમને એ વાતની જાણ હશે જ કે ગુજરાતનાં શહેરો તેમ જ મુંબઈના વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો છડેચોકે ભંગ કરે છે. લાલ લાઇટ હોય તો પણ તેઓ તેમની કાર યા સ્કૂટી અટકાવ્યા સિવાય દોડાવી મૂકે છે. નો-એન્ટ્રીમાં એન્ટ્રી લે છે. સ્પીડ-લિમિટની જે મર્યાદા દર્શાવવામાં આવી હોય એનું તો કોઈ પાલન જ કરતા નથી. યુવાન છોકરાઓ એકલા જ નહીં, પણ બસ અને ટ્રકના ડ્રાઇવરો પણ રાત્રે દારૂ પીને તેમનાં વાહનો ચલાવે છે.
નિયમ ન પાળવાની આદતો થોડા ઘણા અંશે આપણા ભારતીયોમાં છે જ. તેઓ અમેરિકામાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. તેમણે કરેલા ટ્રાફિકના નિયમોના ભંગના ગુનાસર જજ પાસે ઊભા કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે અમેરિકન જજો તેમને ચેતવણી આપીને અથવા તો નજીવો એવો દંડ કરીને છોડી દે છે પણ હવેથી જે પરદેશીઓએ અમેરિકામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય છે તેમના વિઝિટર્સ, સ્ટુડન્ટ, H-1B કે અન્ય પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝા કૅન્સલ કરીને તેમને અમેરિકા છોડી જવાનું કહેવામાં આવે છે.
ટ્રાફિકના નિયમોના ભંગ એ કાયદાનો ભંગ તો કહેવાય જ પણ એની આવી આકરી સજા શું યોગ્ય છે? આવી સજા યોગ્ય છે કે નહીં એ તો અમેરિકાની કોર્ટો જ નક્કી કરશે પણ તમે જો અમેરિકામાં ભણતા વ તો નીચેની બાબતોનો ખ્યાલ રાખશો તો તમને ટ્રમ્પ સરકારનાં કડક વલણો નડશે નહીં.
અમેરિકામાં ભણવા માટેની જે ટ્યુશન ફી હોય, રહેવા-ખાવાનો ખર્ચો હોય એ સઘળો બૅન્ક-ટ્રાન્સફર મારફત જ મેળવજો. હવાલા દ્વારા મનીલૉન્ડરિંગ ઍક્ટના કાયદાનો ભંગ ન કરતા. F-1 સંજ્ઞા પર અમેરિકામાં ભણતા હો તો કૅમ્પસની બહાર નોકરી કરતા નહીં. રાજકારણમાં ભાગ લેતા નહીં. પ્રોટેસ્ટ માર્ચમાં જોડાતા નહીં. ઈ-મેઇલ દ્વારા યા સોશ્યલ મીડિયા પર અમેરિકા વિરુદ્ધ મેસેજિસ મોકલાવતા નહીં. કોઈ તમને એવા મેસેજ મોકલે તો એ ફૉર્વર્ડ કરતા નહીં. શૉપલિફ્ટિંગ કરવાની લાલચ રોકજો. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નહીં. ડ્રગ્સનું સેવન કરતા નહીં. દારૂ પીને કાર ચલાવતા નહીં. નિયત કરેલા માઇલથી વધુ ઝડપે કાર દોડાવતા નહીં. ટૂંકામાં તમે ત્યાં ભણવા જાઓ છો, નોકરી કરવા જાઓ છો તો એ જ કાર્ય કરજો; આડુંઅવળું બીજું કંઈ પણ કરતા નહીં.