24 October, 2024 03:23 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: એ-આઈ
૨૨-૨૩ ઑક્ટોબરે ભારતનાં રાષ્ટ્રવ્યાપી મહિલા સંગઠનો રાજધાની દિલ્હીમાં નારીજીવનને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવા ભેગા થયા હતા. આપણા દેશમાંથી સરકારી અને સ્વયંસેવી સંસ્થાઓના લગભગ ૧૦૦૦ પ્રતિનિધિઓ સંમેલનમાં હાજર હતા. છેલ્લાં ૩૦ વર્ષમાં આટલા મોટા પાયા પર આખા વિશ્વમાં થયું નથી. ૨૦૨૫માં સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય એવા ૨૦૦ દેશોના પ્રતિનિધિઓનું સંમેલન થવાની વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે પણ પોતાનો મુસદ્દો તૈયાર કર્યો છે. મહત્ત્વના પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
(૧) મહિલાઓનું અર્થતંત્રમાં સ્થાન.
(૨) મહિલાઓ માટે રક્ષણાત્મક કાયદાઓ.
(૩) લિંગઆધારિત હિંસા - સ્ત્રી, બાળકો, લૈંગિક લઘુમતીઓ, દિવ્યાંગજનો, વૃદ્ધો પર વધતી જતી હિંસા.
(૪) નિર્ણયાત્મક સ્થાનો અને નેતૃત્વશીલ નારીશક્તિ.
(૫) બૃહદ નીતિઓ અને સક્ષમીકરણ
૧૯૯૫માં ચીનમાં જ્યારે સંમેલન મળ્યું ત્યારે ૨૦૦ દેશોના પ્રતિનિધિઓએ નારીના મોભા, સ્થિતિ વિશે જમા-ઉધારનો હિસાબ આંક્યો ત્યારે સમજાયું કે ઘણા નવા પ્રશ્નો ઊભા થયા છે. મહિલાઓનો રાજકીય નેતૃત્વનો સહભાગ, આર્થિક સહભાગ સંતોષકારક નથી. તદુપરાંત વૈશ્વીકરણને લઈને પ્રવાસી શ્રમિકોમાં મહિલાઓની સ્થિતિ વણસી છે. સ્ત્રીઓને વેચવાનો ધંધો કરતા ગુનેગારો વધી ગયા છે. વિજ્ઞાનનો દુરુપયોગ કરી માના પેટમાં જ દીકરીઓની હત્યા કરવામાં આવે છે. કામની પરિસ્થિતિમાં ધરખમ ફેરફારો આવ્યા છે. સૌથી મહત્ત્વનું મહિલાવિરોધી હિંસાનાં સ્વરૂપો ખૂબ બદલાયાં છે. નાની-નાની છોકરીઓ પર બળાત્કાર, માનવતસ્કરી, માહિતી તંત્રજ્ઞાન અને સામાજિક માધ્યમો થકી બ્લૅકમેઇલ કરી જાતીય શોષણ કરવું, કામના સ્થળે જાતીય છળ-ત્રાસના મોટા પ્રમાણમાં બનાવો ૨૧મી સદીમાં બહાર આવવા લાગ્યા. જલવાયુ પરિસ્થિતિની માઠી અસર મહિલા ખેડૂતો પર થઈ. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને લઈને પાકના વિનાશને લઈ કિસાનો આત્મહત્યા કરવા લાગ્યા અને તેમની વિધવાઓએ સંસારનો કારભાર નિભાવવાની કષ્ટદાયી જવાબદારી લીધી. પંચાયતી રાજની સંસ્થાઓમાં બહેનોને ૫૦ ટકા અનામત જગ્યા મળી એ માટે નેતૃત્વશક્તિ ખીલવવા તાલીમ લેવી પડી. સાથે-સાથે સરકારી અંદાજપત્રમાં સ્ત્રી-પુરુષના સ્થાન વિશે પાંચ ક્ષેત્રોની ખાઈ પૂરવા માટે ઝઝૂમવાની આવશ્યક્તા જણાઈ. શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય-તંત્રજ્ઞાન, રોજગાર અને રાજકીય નેતૃત્વના ક્ષેત્રે દરેક તબક્કાની બહેનોએ આગળ આવવું જ પડશે એ સમજ આવતાં દલિત, આદિવાસી, શ્રમિક, દિવ્યાંગ, લઘુમતી કોમની બહેનો એક મંચ પર આવી આજે ભવિષ્યની રણનીતિઓ અને વ્યૂહરચના તૈયાર કરવા કટિબદ્ધ થઈ છે એ એક આશાની જ્યોત જગાડે છે. - ડૉ. વિભૂતિ પટેલ