આ કૅટલમાં ચા નહીં, મૅગી તૈયાર થાય છે

24 February, 2021 12:08 PM IST  |  Mumbai | Rashmin Shah

આ કૅટલમાં ચા નહીં, મૅગી તૈયાર થાય છે

આ કૅટલમાં ચા નહીં, મૅગી તૈયાર થાય છે

સલમાન ખાન, સની અને બૉબી દેઓલ, મિથુન ચક્રવર્તી, પ્રીતિ ઝિન્ટા જેવા દિગ્ગજો સાથે બનેલી ફિલ્મ ‘હીરોઝ’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરીઅર શરૂ કરનારા ધ્વનિ ગૌતમે એ પછી બૉલીવુડ છોડીને ગુજરાતી ફિલ્મોની દિશા પકડી અને ‘રોમૅન્સ કૉમ્પ્લીકેટેડ’, ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’, ‘તું તો ગયો’ જેવી અનેક ફિલ્મો ડિરેક્ટ કરી તો સાથોસાથ શેમારુમી માટે ‘મિસ્ટર ડી શો’ હોસ્ટ પણ કર્યો. ધ્વનિ મિડ-ડેના રશ્મિન શાહ સાથે વાત કરતાં કહે છે, ‘થૅન્ક્સ ટુ માય મેટાબોલિઝમ, હું કોઈ પણ જાતના ડાયટ-કન્ટ્રોલ વિના પણ ફિટ રહી શકું છું અને બધું બે હાથે ખાઈ પણ શકું છું’

હું ફૂડી છું પણ હું એટલો જ ચુઝી છું એવું કહું તો ચાલે પણ મારી ચુઝીનેસ હમણાં થોડો સમય પહેલાં સાવ નીકળી ગઈ એવું કહું તો ચાલે. કેવી રીતે એ નીકળી એની વાત કરતાં પહેલાં હું તમને મારા ગમા-અણગમાની વાત કરું. મને રીંગણ કે કારેલાં બિલકુલ ન ભાવે, પણ એક વખત મેં રીંગણ ખાધાં અને કારેલાં પણ ખાધાં. તમને હસવું આવશે પણ મેં ઓછામાં ઓછા સાઠ લોકોના હાથે બનેલાં રીંગણ ખાધાં અને એટલા જ લોકોએ બનાવેલાં કારેલાં પણ ખાધાં. એ દિવસે ખરેખર મને તમ્મર આવી ગયાં હતાં. ક્યારેય પ્લેટમાં હું આ વાનગી લઉં નહીં અને એ પછી સાઠ વખત એ વાનગી લેવાની. જરા વિચારો, એક સ્પૂન પણ ટેસ્ટ કરીએ તો પણ સાઠ સ્પૂન જેટલી આ આઇટમ ખાધી. બન્યું એમાં એવું કે એક ચૅનલની ગ્રેટ ગુજરાત કુકિંગ કૉમ્પિટિશનમાં હું જજ હતો. બે સીઝન આવી એની અને એ બન્ને સીઝન મેં કરી. ફૂડી એટલે હતું એવું કે ઑફર આવી ત્યારે તો રાજી થઈ ગયો, પણ પછી જેમ-જેમ એ શો આગળ વધતો ગયો એમ-એમ ન ભાવતું પણ બધું ટેબલ પર આવવા માંડ્યું. હમસ અરેબિક વરાઇટી છે. અહીં હું ભાગ્યે જ ક્યાંય એ મગાવું. ઑથેન્ટિક ટેસ્ટ હોય નહીં એટલે મજા આવે નહીં પણ એ શોમાં અમારા સાઠ કન્ટેસ્ટન્ટને શોના કો-જજે હમસનો ટાસ્ક આપ્યો. બીજા દિવસે મેં ૬૦ લોકોના હાથે બનાવેલાં હમસ ટ્રાય કર્યાં જેમાં અડધોઅડધ ઇન્ડિયન ટેસ્ટનાં હતાં.
હંમેશાં લોકલ રેફરન્સ
મારો એક નિયમ છે, બને ત્યાં સુધી હું જે-તે શહેરની જ વરાઇટી ખાવાનું પસંદ કરું. ઘારી અમદાવાદની ખાવામાં મજા ન આવે, એ તો સુરતની જ ભાવે. સેમ, હલવો મુંબઈનો જ ખાવો જોઈએ અને પેંડા રાજકોટથી આવે તો જ ખાવાના હોય. હું ક્યાંય પણ શૂટ કરતો હોઉં તો ત્યાંની લોકલ વ્યક્તિને પૂછીશ કે મારે જમવા કે સ્ટ્રીટ ફૂડ ખાવા ક્યાં જવું? યુનિટના મેમ્બરને પૂછો તો એ તો ફાઇવસ્ટાર હોટેલ કે એ ગ્રેડ રેસ્ટોરન્ટનું નામ આપી દે, પણ જો તમારે લોકલ યુનિક ફૂડ ટ્રાય કરવું હોય તો લોકલને જ પૂછવું જોઈએ. મારી એક ખાસિયત છે. મને લોકલ લંચ પ્લેટ ખાવાનો શોખ છે. ટિપિકલ લંચની વરાઇટી ખાવાની જે મજા છે એ અદ્ભુત છે. આ વાતનું હું એટલું ધ્યાન રાખું કે અમદાવાદમાં હું બપોરે કાઠિયાવાડી શાક ખાવાનું ટાળું અને મુંબઈમાં હું સેવટમેટાંનું શાક ખાવાનું અવૉઇડ કરું. એ ખાવાની મજા રાજકોટમાં જ આવે. એવું જ પાપડીનું છે. પાપડી ખાવી હોય તો તમારે સુરતમાં જ ખાવાની.
લોકલ ફૂડ ખાશો તો ખબર પડશે કે પંજાબીઓનું રિયલ ફૂડ કેવું છે અને દિલ્હીની રિયલ ચાટનો ટેસ્ટ કેવો છે. સાઉથમાં ક્યાંય તમને એકદમ પાતળા ઢોસા જોવા નહીં મળે, એકદમ જાડા હોય એ ઢોસા. પણ આપણે પેપર જેવા પાતળા ઢોસાની જ આદત ધરાવીએ છીએ. મને લાગે છે કે આપણે દરેક ટેસ્ટને આપણા મુજબ ડેવલપ કરી નાખીએ છીએ જેને લીધે રિયલ ફૂડ ભાવતું બંધ થઈ જાય છે. મારી જ વાત કરું તમને. બધાને સુરતનો સુરતી લોચો બહુ ભાવે પણ મને જરા પણ નથી ભાવતો. પણ હા, બીજે ક્યાંય હું એ ખાઉં તો મને એ ભાવે. સુરત જઈને હું ત્યાં આ લોચો ખાવાની બિલકુલ હિંમત ન કરું. ચાઇનીઝનું પણ એવું જ છે. મને ત્યાંનું લોકલ વેજ ચાઇનીઝ જરા પણ નથી ભાવતું પણ આપણે ત્યાંનું ચાઇનીઝ ભાવે. આવું થવાનું કારણ એ છે કે ઑથેન્ટિક ફૂડ ટેસ્ટ નહોતું કર્યું એવા સમયે આ ટેસ્ટ ડેવલપ થઈ ગયો.
સ્વીટ્સ અને સ્પાઇસી
મને તીખું ફૂડ પણ ગમે અને સ્વીટ્સ પણ ભાવે છે. સ્વીટ્સ ગમે ત્યારે મને ઑફર કરવાની છૂટ. હું ક્યારેય ના પાડું જ નહીં. પણ અહીં હું એક વાતની સ્પષ્ટતા કરીશ કે શાક તીખું જ જોઈએ. શાક ક્યારેય મીઠું ન ચાલે. ખોયા કાજુ કે પનીર કોફતા જેવી વરાઇટી હું બિલકુલ ન ખાઉં. મુંબઈમાં જયહિન્દનું મિસળ મારું ફેવરિટ છે. મોઢામાંથી સુસવાટા નીકળી જાય એવી તીખાશ હોય છે એ મિસળમાં. ફ્લોરા ફાઉન્ટનની ખડા પાંઉભાજી પણ મારી ફેવરિટ અને વડાપાંઉ ભાઈદાસના. વડાપાંઉ સાથે ચારપાંચ મિર્ચી તો ખાવાની જ ખાવાની. એ ખાઈ લીધા પછી ભાઈદાસની સામે જ મળતો મોટો ગ્લાસ ફાલૂદા પીવાનો. એવું લાગે કે જાણે સ્વર્ગની અનુભૂતિ થઈ.
ગુજરાતની વાત કરું તો બરોડાની રાત્રિ બજાર મારી ફેવરિટ છે. અત્યારે પણ મને ત્યાંનો હૈદરાબાદી પુલાવ યાદ આવે છે. રાજકોટની રાત્રિ બજારમાં ઢોસા બહુ સરસ મળે છે. અમદાવાદનો માણેક ચોક અને ત્યાં મળતી અવનવી અને અદ્ભુત વરાઇટી. હમણાં તો કોઈએ ચૉકલેટ ભાજી શરૂ કરી છે. મેં ટેસ્ટ નથી કરી પણ મારે એ ટેસ્ટ કરવા જવું છે. મને ખાતરી છે કે હું ટેસ્ટ જ કરી શકીશ પણ એક વાર ટેસ્ટ ચોક્કસ કરવો છે એનો.
રૂટીન બધા કરતાં ઊંધું
મારું ફૂડ રૂટીન સિમ્પલ છે. એમાં એક જ વાત હોય; ખાઓ, ખાઓ અને ખાઓ. સવારે હેવી બ્રેકફાસ્ટ હોય. આલૂ પરાઠા, ગોબી પરાઠા કે પછી પનીર પરાઠા અને સાથે દૂધ હોય. એ પછી ઑફિસ અને ઑફિસે જઈને પણ કંઈ ને કંઈ ખાવાનું બને. કાં તો બટાટાપૌંઆ આવ્યા હોય અને કાં તો કોઈ ફ્રાઇડ આઇટમ આવી હોય. થૅન્ક્સ ટુ માય મેટાબોલિઝમ, મને કશું નડતું નથી એટલે હું ખાઈ લઉં છું. બપોરે હેવી લંચ જેમાં રોટલી, શાક, દાળ, ભાત, રાઈતું અને સાથે કમ્પલ્સરી મીઠાઈ. મીઠાઈમાં જો ઘરે બનેલી મીઠાઈ હોય તો ખાવામાં ક્વૉન્ટિટી થોડી વધી જાય. ગાજરનો હલવો કે પછી દૂધીનો હલવો બપોરે જમવામાં મળી જાય તો મજા જ મજા. સાંજે પાછી ભૂખ લાગે એટલે બર્ગર કે વડાપાંઉ કે એવી કોઈ વરાઇટી. રાતે ડિનર, એ પણ હેવી હોય. અગેઇન થૅન્ક્સ ટુ મેટાબોલિઝમ.
ફિલ્મમેકર, ફૂડમેકર
મને બનાવતાં બહુ ઓછું આવડે છે, પણ મને ખાતાં બેસ્ટ ભાવે છે. ખાવાની વાત તો લાઇફટાઇમ ચાલુ રહેશે એટલે હું તમને અત્યારે મારા હાથે બનતી બેસ્ટ વરાઇટીની વાત કહું. હું સૅન્ડવિચ સરસ બનાવું છું. મેં મૅગી-સૅન્ડવિચ બનાવી છે. તમે એક વાર એ ટ્રાય કરજો. પહેલાં મૅગીની જેમ મૅગી બનાવી લેવાની અને એ પછી એ મૅગીને બ્રેડમાં ભરીને એને ટોસ્ટ કરી નાખવાની. અદ્ભુત ટેસ્ટ છે એનો. હું મૅગીને તીખી કરવા માટે હંમેશાં ચિલી ફ્લેક્સ કે પછી પેરી પેરી મસાલો ઍડ કરું છું. મૅગીમાં મને ટમેટા, વટાણા, ગાજર, કૅપ્સિકમ અને કાંદા ઍડ કરવા જોઈએ. મૅગીમાં જો તમે શિંગદાણાનો ભૂકો ઍડ કરશો તો પણ એનો ટેસ્ટ બદલાઈ જશે અને ખાવામાં મજા આવશે.
ચા પણ હું સરસ બનાવું છું, પણ મારી ચાની બે ખાસિયત છે; એક તો મને કડક ચા જોઈએ અને બીજું કે મારી ચામાં શુગર વધારે હોય. હું ડિપ-ડિપવાળી ચાને પણ આપણી રૂટીન ચાની જેમ બનાવતો હોઉં છું. તમને એક રાઝની વાત કહું. હું ઇલેક્ટ્રિક કૅટલમાં મૅગી પણ બનાવી લઉં અને મ્યુસલી પણ કૅટલમાં જ બનાવી લઉં. હા, ક્લીન કરવામાં ધ્યાન રાખવું પડે પણ બને છે એકદમ મસ્ત. કાલે સવારે જ હજી બે મૅગી મેં કૅટલમાં બનાવી અને એ પછી એ જ કૅટલમાં મેં મારી કડક ચા બનાવી.

ચા બાદશાહ

ચાનો હું જબરદસ્ત શોખીન છું. દિવસની દસબાર કપ ચા આસાનીથી થઈ જાય. જો મારે મીટિંગ બહાર કરવાની હોય તો એનું લોકેશન બેસ્ટ ટી પર આધારિત હોય. જ્યાં સારી ચા મળે ત્યાં હું મીટિંગ ગોઠવું. ‘ચાયોઝ’ની ચા મને ભાવે એટલે મુંબઈમાં મારી મોટા ભાગની મીટિંગ મેં ત્યાં જ ગોઠવી હોય. ગુજરાતમાં તો ટપરી પર પણ મેં મીટિંગ કરી છે ને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ દસની કટિંગ ચાય સાથે નક્કી કર્યા છે. લોકો બહાર જાય તો શૉપિંગ કરે પણ હું બહાર જાઉં તો ચા ખરીદતો હોઉં છું. મને દરેક પ્રકારની ચા ચાલે. દૂધવાળી, દૂધ વગરની, ગ્રીન ટી, હર્બલ ટી, બર્મીઝ ટી, જૅપનીઝ ટી. બસ, ચા જોઈએ.
અમારી ફિલ્મના સેટ પર ચોવીસ કલાક કંઈ મળે તો એ ચા છે. ચા જેવો જ લગાવ મારો બ્રેડ સાથે. બ્રેડની બધી વાનગીઓ મને ભાવે. સૅન્ડિચ, બર્ગર, પીત્ઝા એ બધું ખાવાનું. સવારે ચાની સાથે બ્રેડ હોય તો પણ ચાલે. ચા અને બ્રેડ બે પર હું આખી લાઇફ પસાર કરી શકું. બંધ ઘરમાં ફક્ત ચા અને બ્રેડ જ હોય તો હું એ બંધ ઘરમાં એકલો રહી શકું અને મને કોઈ પ્રૉબ્લેમ ન આવે.

રાતે સૂતા પહેલાં પણ એક મસ્ત ચા જોઈએ. બીજા લોકોને ચા પીએ તો ઊંઘ ઊડી જાય પણ મારું ઊલટું છે. મને ચા ન મળે તો મને ઊંઘ નથી આવતી.

Rashmin Shah columnists