ગૌમાતાને મળતી VIP ટ્રીટમેન્ટ જોવી હોય તો મળવું પડે આ નોખી માટીના માણસને

30 August, 2020 07:20 PM IST  |  Mumbai | Shailesh Nayak

ગૌમાતાને મળતી VIP ટ્રીટમેન્ટ જોવી હોય તો મળવું પડે આ નોખી માટીના માણસને

વાછરડીનો જન્મ થયો હતો એ પ્રસંગેની ઉજવણી.

અમદાવાદ નજીક મણિપુર ગામમાં એક ફાર્મ હાઉસમાં ગૌસેવા અને ગૌસંવર્ધનની અનોખી લગની ધરાવતા વિજય પરસાણાએ ૧૧ ગાયોને પોતાની દીકરી કરતાંય વધુ વહાલથી રાખી છે. વિજયભાઈ પોતે ગૌમૂત્ર પીએ, ગોબરથી સ્નાન કરે છે. ગાયોને ત્રણ વાર નવડાવીને ચોખ્ખીચણક રાખે, ક્યારેક કપડાં અને શણગાર કરીને પોતાની સાથે ગાડીમાં બેસાડીને ફરવા પણ લઈ જાય. તેમને ગાયો માટેનો આવો અનોખો પ્રેમ કેમ અને ક્યારથી જન્મ્યો એની મજાની વાતો જાણવા જેવી છે

‘શિવ, અંદર આવી જાઓ. રિદ્ધિ–સિદ્ધિ, ચાલો, ચાલો, હાલા કરવા.’
આવું સાંભળીને લાગે કે ઘરમાં છોકરાઓને સુવડાવવાની તૈયારી ચાલી રહી હશે, પણ ના, એવું નથી. આ શિવ, રિદ્ધિ–સિદ્ધિ એ વાછરડીઓ છે અને તેમને સુવડાવવા માટે તેમના બેડરૂમમાં બોલાવવામાં આવી રહી છે.
હવે તમને એમ પણ થશે કે વાછરડીઓનો બેડરૂમ?
તો હા, અમદાવાદ નજીક આવેલા મણિપુર ગામની પાછળ ગાયો માટે બંગલો ખાલી કરીને એ બંગલાની અંદર ૧૧ ગાય અને વાછરડાંને પ્રેમથી રાખવામાં આવી રહ્યાં છે અને એમનું જતન કરવામાં આવી રહ્યું છે. તેમના માટે બેડરૂમ પણ છે, જેમાં ચાર વાછરડાં મોજથી રહે છે. ગાયોને તકલીફ ન પડે એ માટે અમદાવાદના નોખી માટીના ગૌપ્રેમી વિજય પરસાણા ૫૦૦૦ વારના પ્લૉટમાં બનાવેલા બંગલામાં ગાયોને રાખી રહ્યા છે. વિશાળ ફાર્મહાઉસમાં આવેલા બંગલામાં ગાયો અને વાછરડાં આરામથી વિહરે છે અને મોજથી રહે છે.

બંગલા પાસે ગાયો અને વિજય પરસાણા.

ગૌમાતાની સેવા અને સંવર્ધનની જેમને લગની લાગી છે તે વિજય પરસાણાની ગાય પ્રત્યેની મમતા કંઈક જુદી જ વર્તાય આવે છે. ૯ વર્ષ પહેલાં તેઓ રાધા નામની ગાય લાવ્યા હતા. આજે તેમની પાસે ૪ વાછરડાં સહિત ૧૧ ગાયો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચાર વર્ષ પહેલાં તેમણે પૂનમ નામની ગાયનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતાં. આ પૂનમ ગાયને જ્યારે વાછરડીનો જન્મ થયો ત્યારે એને વહાલથી વધાવવા માટે સંતોની હાજરીમાં જન્મપ્રસંગની ઉજવણી કરી હતી અને લાડવા ખવડાવ્યા હતા. ગાયને નાગરિકો સમજે, ગાયના સંદર્ભમાં અવેરનેસ ફેલાય એ માટે તેઓ ગાય અને વાછરડીને શણગાર કરાવીને ઘણી સોસાયટીઓ, ફ્લૅટ, સંસ્થાઓમાં લઈ ગયા છે. નાગરિકોને ગાયની નજીક લાવવા માટે ગાય સાથે સેલ્ફી લેવા સહિતના ઘણા કાર્યક્રમો કર્યા છે અને ગૌમાતાનો સંદેશ આપી રહ્યા છે.
ગાયને ગમાણમાં નહીં, બંગલામાં કેમ રાખી રહ્યા છે એની માંડીને વાત કરતાં અમદાવાદ શહેરમાં આવેલા પરસાણા જિમના માલિક વિજય પરસાણા ‘મિડ-ડે’ને કહે છે, ‘હું છેલ્લાં ૩૨ વર્ષથી ફિટનેસ-ઇન્ડસ્ટ્રીમાં છું. શરીર અને મન કેવી રીતે ચાલે છે? બીમારી આવે તો શું કરવાનું? નાની–નાની બીમારીઓ ન આવે એને માટે શું? એના વિશે વિચારીએ તો સરવાળે એવી ખબર પડી કે ગાયમાતા તો જોઈએ જ. આ પૃથ્વી પર ત્રણ માતા છે; એક, જન્મ આપનારી માતા, બીજી ધરતીમાતા અને ત્રીજી ગૌમાતા. ગૌમાતા સાથે હું ૯ વર્ષથી રહું છું. ગૌમૂત્ર ગ્રહણ કરું છું, ગોબરથી સ્નાન કરું છું, બંગલામાં ગાય–વાછરડાં સાથે હું સૂઈ જાઉં છું. મણિપુર ગામ પાછળ ૫૦૦૦ વારના પ્લૉટમાં ફાર્મહાઉસ બનાવ્યું છે, જેમાં ગૌશાળામાં આ ગાયો રહે છે. ગાયો માટે અહીં બધી સુવિધા રાખી છે, પણ ચોમાસા દરમ્યાન ગાયો અને વાછરડાંઓને મચ્છર–માખી હેરાન કરતાં હતાં, જીવાતો હેરાન કરતી હતી એટલે ગાય અને વાછરડાં હેરાન ન થાય અને શાંતિથી રહી શકે એ માટે બંગલામાં બેડરૂમ સહિત મુખ્ય રૂમ હતી એમાં જ એમને લાવી દીધાં. બંગલો તેમના રહેવા માટે જ કરી દીધો અને હવે વાછરડાં અને ગાયો બંગલામાં રહે છે. અમારા માટે એ બંગલામાં રહેવા માટે નો-એન્ટ્રી. ગાયમાતાજી આ બંગલામાં આવ્યા પછી અમે ઘરવાળાઓએ એનો ઉપયોગ કર્યો નથી. ડ્રૉઇંગરૂમમાં ગાયો લપસી ન પડે એ માટે ટાઇલ્સ કાઢી નાખવામાં આવી છે. મચ્છર ન કરડે એ માટે મચ્છરનું મશીન અને રૅકેટ પણ રાખવામાં આવ્યું છે.’

બેડરૂમમાં વાછરડીઓને સુવડાવી રહેલા વિજય પરસાણા.

બંગલાના બેડરૂમમાં વાછરડાંઓને લાડ લડાવતાં-લડાવતાં અને કેળાં, સફરજન, તરબૂચ જેવાં ફ્રૂટ્સ ખવડાવતાં-ખવડાવતાં વાત કરતાં વિજય પરસાણા કહે છે ‘છોકરાઓને સાથે સુવડાવવામાં મહેનત કરવી પડે, પણ મારી ગાયોને સુવડાવવામાં મહેનત નથી કરવી પડતી. ચાલો મા, હાલા-હાલા કરવાનું છે આમ કહેતાં ૧૧ ગાય આવી જાય. તેમને બંગલામાં લઈ જાઉં. ચાર વાછરડીઓ બેડરૂમમાં જાય અને સાત ગાય મોટા હૉલમાં એટલે કે ડ્રૉઇંરૂમમાં જાય. તેમની સાથે હું ગીતો ગાઉં, હાથ ફેરવું અને લાડ લડાવતાં-લડાવતાં તેમને સુવડાવું. મોટા ભાગે હું ગાયો સાથે સૂઈ જાઉં છું અને સવારે અમદાવાદના મારા ઘરે આવી જાઉં છું. કદાચ કોઈક કારણસર ઘરે જવું પડે તો રાતે ૯ વાગ્યે ગાયોને સુવડાવીને પછી ઘરે આવું છું. મારી ફૅમિલીમાં મમ્મી–પપ્પા, વાઇફ અને એક દીકરો, એક દીકરી છે, પણ ગાયોની સેવા કરવામાં કે બંગલાની અંદર ગાયો–વાછરડાંને રાખવા માટે ક્યારેય પરિવારે વાંધો લીધો નથી. તેઓ બધાં ખુશ છે.’
આ ગાયો અને વાછરડાંઓને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે છે. બેડરૂમ સાથેનો બંગલો રહેવા મળી ગયો. બંગલાની બહાર નીકળો એટલે મોટું ફાર્મહાઉસ. ગાયોની દેખરેખ માટે વિજય પરસાણા ઉપરાંત રખેવાળ પણ છે. ગાયો માટે ગૌભોજનશાળા બનાવી છે. પાણી પીવા માટેનો અલગથી હવાડો, ગાયોને મચ્છર હેરાન ન કરે એ માટે ધૂપ કરવાનો, બેડરૂમ અને ડ્રૉઇંગરૂમમાં પંખા, હવાની અવરજવર રહે અને સફોકેશન ન થાય એ માટે બારીઓને ઝીણી જાળી કરાવી દીધી છે. બંગલાના દરવાજા પાસે ગાય કે વાછરડાં લપસી ન પડે એ માટે મૅટ મુકાઈ છે. વિજય પરસાણા ત્રણ વાર ગાયોને નવડાવે છે. તેમનાં ગોબર ઉપાડી લે છે અને છાણાં થાપે છે. ગાયોને પાણી પીવા લઈ જાય, જમવા માટે ભોજનશાળામાં લઈ જાય, ફાર્મહાઉસની બહાર ચરાવવા લઈ જાય. ઘણી વાર પજેરો કારમાં વાછરડાંઓને બેસાડીને આજુબાજુના ગામમાં ફરવા લઈ જાય. ફરવા લઈ જતી વખતે વાછરડીઓને શણગાર કરવાનો. બેડરૂમમાં વાછરડીઓનું કબાટ છે જેમાં વાછરડીઓનાં કપડાં, બુટ્ટી, દોરો, પગનાં ઝાંઝર, પૂંછડાના દુપટ્ટા સહિત શણગારની વસ્તુઓ મૂકવામાં આવી છે.

વાછરડીઓ સાથે બંગલાના ડ્રૉઇંગરૂમમાં વિજય પરસાણા.

ગૌમાતામાં જ ભગવાનને જોતા વિજય પરસાણા કહે છે કે ‘આ ગાયો મારા માટે જીવતાજાગતા ભગવાન છે, માતાજી છે. આપણે કહીએ છીએ કે ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એટલે હું ગાયની પૂજા કરું છું. ગાય માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે યજ્ઞ પણ કર્યો છે જેથી ગાય માટે નાગરિકોમાં ભાવ બદલાય, વિચારો બદલાય. ગાયોને લોકો સમજે એ માટે પહેલાં યજ્ઞ અને એ પછી ગાયનાં લગ્ન પણ કરાવ્યાં હતાં. હું ગાયને–વાછરડીને શણગાર સજાવીને જિમમાં ચોથે માળે લઈ ગયો છું, ઘરે લઈ ગયો છું, ફ્લૅટમાં પાંચમા માળે લિફ્ટમાં બેસાડીને લઈ ગયો છું, સોસાયટીઓમાં લઈ ગયો છું, સ્કૂલોમાં લઈ ગયો છું. ફંક્શનો, લગ્નો, વાસ્તુ તેમ જ ઉદ્ઘાટન પ્રસંગમાં પણ લઈ ગયો છું. આવું કરવાથી ફરક એ પડ્યો કે પબ્લિકમાં ગાય માટે એક જાગૃતિ ફેલાઈ. હું ગાય લઈને જાઉં છું તો બધા ગાયની નજીક આવતા થયા છે, ગાય સાથે સેલ્ફી પણ લે છે. બાળકો મારે ત્યાં ગાય સાથે રમવા આવે છે. કેટલાક મિત્રોએ પણ હવે ગાય રાખવાનું શરૂ કર્યું છે.’
ગૌમૂત્રથી ઝાડ-પાનને સૅનિટાઇઝ કરતાં આ ગૌપ્રેમી કહે છે કે ‘કોરોનાના આ સમયમાં માણસનું અને ફર્નિચરનું સૅનિટાઇઝેશન થાય છે ત્યારે હું ઝાડને ગૌમૂત્રથી સૅનિટાઇઝ કરું છું. આ ઉપરાંત જે લોકો ગૌમૂત્રનું સેવન કરતા હોય તેમને ગાયનું તાજું ગૌમૂત્ર ફ્રી આપું છું, છાણાં પણ હું ફ્રી આપું છું. ગાયનું દૂધ ઘર પૂરતું વાપરીએ છીએ અને એમાંથી ઘી બનાવીએ છીએ, જે યજ્ઞમાં વાપરીએ છીએ. ગાયની કોઈ વસ્તુનું વેચાણ નથી કરતો, પણ ગાયોની સેવા કરું છું. આ મારું અહોભાગ્ય છે કે આ કળિયુગમાં ગૌમાતાની સેવા કરવાનો મોકો મને મળ્યો છે. ગૌમાતા સાથે રહું છું એટલે જીવનની સમસ્યા સરળ રીતે ઉકેલાતી જાય છે.’
ગાયની તાકાતની વાત કરતાં વિજય પરસાણા કહે છે કે ‘આ બ્રહ્માંડની અંદરથી ડાયરેક્ટ જો કોઈ ઊર્જા ખેંચી શકતું હોય તો એ ગૌમાતા છે. ગાયના ઘીમાં, ગોબર એટલે કે છાણમાં અને ગૌમૂત્રમાં એટલી શક્તિ રહેલી છે કે એનો વેદો–ઉપનિષદોમાં પણ ઉલ્લેખ છે. પહેલાંના રાજાઓના જમાનામાં યુદ્ધમાં કોઈ ઘાયલ થઈને આવ્યું હોય તો ગૌમૂત્ર અને ગાયના ઘીનો મલમ તરીકે ઉપયોગ કરતા. યોગ પર હું અભ્યાસ કરતો હતો કે મન કેવી રીતે શાંત રહે એ માટે મારા ગુરુજી જય જય બાબાએ રસ્તો બતાવ્યો કે ગાયમાતા હોય તો આ બધું ન કરવું પડે. ગૌમાતાની સેવા આ યુગમાં કરે તો તમારા બધા પ્રૉબ્લેમ્સ સૉલ્વ થઈ જાય એટલે હું ગૌમાતાને ઘરે લઈ આવ્યો, આજે એ વાતને ૯ વર્ષ થઈ ગયાં.’

ગૌથાળ તૈયાર કરતા વિજય પરસાણા.

૯ વર્ષથી ગૌમાતા સાથે રહેતા અને ઘણી વાર વાછરડીને પોતાના બેડ પર સુવડાવનાર વિજય પરસાણા તેમના જીવનમાં ગાયના થયેલા અનુભવો પરથી કહે છે કે ‘જન્મ દેનારી મા આપણને સાચવે એમ ગૌમાતા આપણને સાચવે છે. આ અહેસાસ હું રોજ કરી રહ્યો છું. ગાયનાં ઘી, ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી શરદી, માથાનો દુખાવો, ગળામાં પ્રૉબ્લેમ સહિતની નાની-નાની બીમારીઓમાં તરત રિઝલ્ટ મળે છે. મન શાંત થઈ જાય છે. હું તો નાગરિકોને એટલું કહીશ કે જેમ આપણે આપણું શરીર સાચવીએ છીએ, સોનું સાચવીએ છીએ, પ્રૉપર્ટી સાચવીએ છીએ એ રીતે ગૌમાતાને સાચવવી પડશે.’

આ ગાયનું નામ પૂનમ છે જેનાં લગ્ન લેવાયાં હતાં એ વખતે તેને નવોઢાની જેમ તૈયાર કરાઈ હતી.

ગાયોનું ભોજન

ગાયો અને વાછરડીઓનાં ભોજન માટે જાતે જ બનાવવામાં આવતા ગૌથાળની વાત કરતાં વિજય પરસાણાએ કહ્યું કે ‘મગફળીનો ખોળ, ટોપરાનો ખોળ, કપાસિયાનો ખોળ, દિવેલ, તલનું તેલ, ટોપરાની છીણ, ગોળની રસી, મકાઈનો ભૈડો, ઘઉંનો ભૈડો, લીંબુનો રસ અને સરગવાના પાઉડરને મિક્સ કરીને લાડવા બનાવીને આ ગૌથાળ ગાયોને ખવડાવું છું. આ ઉપરાંત કેળાં, ચીકુ, સફરજન, તડબૂચ પણ ખવડાવું છું. અઠવાડિયામાં એક વાર કાળી જીરી અને એક દિવસ લીમડો પણ ખવડાવું છું. આ ઉપરાંત છાસ તો ખરી.’

દૂધ, ઘી, ગૌમૂત્ર અને ગોબરની ઉપયોગિતા

ગાયના ઘીથી આકાશતત્ત્વ એટલે કે માથાના ભાગને ડાયરેક્ટ હેલ્પ થાય છે. બધી બીમારીઓ સૉલ્વ થાય છે. ચરતી હોય એવી ગાયના ગૌમૂત્રના સેવનથી આંતરડાં સાફ થાય છે. તદુપરાંત કફ, પિત્ત, વાયુને બૅલૅન્સ કરે છે. મૂળાધાર ચક્રને ઍક્ટિવ કરે છે. ગાયના ગોબરની ઉપયોગિતા અનેક છે. ગાયનું છાણ ખાતર તરીકે બેસ્ટ છે. દરેક વનસ્પતિ– જીવાતોને ડાયરેક્ટ પોષણ આપે છે.
આ ફાયદા તો જ જાય જો ગાય ગાય જે-તે વિસ્તારની દેશી ગાય અને ચરતી ગાય હોય.

national news columnists shailesh nayak gujarat