જ્યાંથી કોલાહલ ઊઠવો જોઈએ ત્યાં આવી ઘેરી ચુપકીદી કેમ છે?

21 July, 2020 02:13 PM IST  |  Mumbai | Taru Kajaria

જ્યાંથી કોલાહલ ઊઠવો જોઈએ ત્યાં આવી ઘેરી ચુપકીદી કેમ છે?

ગયા અઠવાડિયે એક પરિચિત વ્યક્તિનો ફોન આવ્યો. હાલચાલ પૂછતાં ખબર પડી કે તેમને તાવ આવેલો અને તેમણે ટેસ્ટ કરાવી તો રિપોર્ટ કોવિડ-પૉઝિટિવ આવ્યો હતો.  બીએમસીના માણસો ઘરે આવ્યા અને તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપી. સુધરાઈની હૉસ્પિટલમાં બે દિવસ સુધી તો તેમને જોવા કોઈ ડોક્ટર આવ્યા જ નહોતા. ‘ડૉક્ટર કબ આએંગે?’ના સવાલમાં જવાબ મળતો: ‘આએંગે, આએંગે’. આખરે બે દિવસ બાદ ડૉક્ટર આવેલા. તેમણે દરદીને જોઈને તરત કહેલું કે તમારે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી, તમે ઘરે જ ક્વૉરન્ટીન થઈ શક્યા હોત!

તેમને પહેરવા આપેલા શર્ટમાં બટન નહોતાં તો પાયજામામાં  નાડું નહોતું! ખાવાનું પણ તેલ-મરચાવાળું. તેલ-મરચાવાળું ખાવાનું તેમને માફક આવે તેમ નહોતું એટલે ઘરેથી ખાવાનું અને કપડાં લાવવાની મંજૂરી મળેલી.

આવી તદ્દન નિમ્ન ક્ક્ષાની સારવાર અને સુવિધાવાળી હૉસ્પિટલનું બિલ આવ્યું પોણાબે લાખ રૂપિયા! એમાં નર્સ કે ડૉક્ટરના પીપીઈ કિટના ચાર્જિસ પણ સામેલ હતા! મનમાં તો સવાલ ઊઠ્યો કે આ બધા ખર્ચા કંઈ દરદી પાસેથી થોડા વસુલાય? પરંતુ દરદીની રુએ તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો. સાધારણ પ્રકારનો કોરોના હતો એટલે તેઓ ચારેક દિવસમાં તો ઘરે આવી ગયા. મેડિક્લેમ હતો પણ ડૉક્ટર કે નર્સની પીપીઈ કિટના ચાલીસ હજાર જેટલા રૂપિયા મેડિક્લેમમાં મંજૂર ન થયા! આ તો પ્રમાણમાં સાધારણ કિસ્સો હતો.

બાકી સરકારી કે સુધરાઈની હૉસ્પિટલોમાં જતા દરદીઓના કેવા ભયાનક હાલ થયા છે એના કિસ્સા મીડિયામાં અગાઉ પણ જોયા અને સાંભળ્યા છે. ઈવન મૃતદેહોના હૅન્ડલિંગમાં પ્રવર્તતી બેદરકારી પણ ચોંકાવી દેનારી છે. થોડા સમય પહેલાં એક કોવિડ પેશન્ટના મૃત્યુના સમાચાર તેના સ્વજનોને આપવામાં આવ્યા. તેનો મૃતદેહ પણ પ્લાસ્ટિકમાં પૅક કરીને આપવામાં આવ્યો. ચેપી વાઇરસ પરત્વે દાખવવામાં આવતી તકેદારી અનુસાર સ્વજનોએ એમ ને એમ જ અંતિમ ક્રિયા કરી લીધી. ત્રણ-ચાર દિવસ બાદ તેમને હૉસ્પિટલમાંથી ફરી ફોન આવ્યો કે તમારા પેશન્ટને સારું થઈ ગયું છે. તેને લઈ જાઓ! એ સ્વજનોની સ્થિતિ શું થઈ હશે એ કલ્પી શકાય છે? તેમણે જેની અંતિમક્રિયા કરી એ કોઈ અજાણી વ્યક્તિનો મૃતદેહ હતો અને તે અજાણી વ્યક્તિના સ્વજનોની સ્થિતિની તો વિચાર કરો. એ લોકો તો પોતાનો દરદી હૉસ્પિટલમાં છે એમ જ માનતા હશેને! તેમને જ્યારે જાણ થઈ હશે કે પોતાની વ્યક્તિના તો કોઈ અજાણ્યાઓ અંતિમસંસ્કાર પણ કરી આવ્યા છે ત્યારે તેમને કેવો આઘાત લાગ્યો હશે!

આવા અનુભવોને કારણે જ કદાચ ભાઈંદરમાં એક કોવિડ-19ના દરદીનું  હૉસ્પિટલમાં મૃત્યુ થયું અને  નિયમ પ્રમાણે તેનો મૃતદેહ પૅક કરીને સ્વજનોને સોંપવામાં આવ્યો ત્યારે તેમણે પૅકિંગ ખોલીને પોતાના સ્વજનનો જ મૃતદેહ છે કે નહીં એની ખાતરી કરવા પૅકિંગ ખોલ્યું અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. મૃતદેહમાંથી કેટલાંક અંગો મિસિંગ હતાં! મૃતદેહ સાથે આવાં ચેડાં કરવાનું અને એ પણ આવા કપરા સમયમાં જેને સૂઝે તેને ચોક્કસ અમાનુષ જ કહી શકાય.

આવી ઘટનાઓ બને છે અને જેઓ એના શિકાર બને છે તેમણે જ તેમની લડત લડવી પડે છે, કારણ કે તેમની પીડા બીજાઓ અનુભવતા નથી. એક નાનો વર્ગ કદાચ એટલી સહાનુભૂતિ ધરાવે છે કે એ આવા સામાજિક અપરાધોનો શિકાર બનેલી વ્યક્તિઓ પરત્વે અનુકંપા ધરાવે છે, પરંતુ તેમણે પણ ભૂતકાળમાં ક્યાંક-ક્યાંક અને ક્યારેક આવા ચાબખા સહન કર્યા છે અને એવાં બિનસામાજિક તત્ત્વોની સામે પડવામાં રહેલાં જોખમ સમજે છે. એટલે એ વ્યવહારુ વ્યક્તિઓ બીજાઓની વાતોમાં પડવાથી દૂર રહે છે. પરંતુ સમાજની આ નિર્લેપતા અને  ઉદાસીનતા  સમાજને જ ભારે પડે છે. દુનિયાનો ઇતિહાસ તપાસીશું તો સમજાશે કે કોઈ સામાજિક કે રાજકીય અતિરેક કે શોષણનો જનતાએ સામનો કર્યો છે એ ત્યારે જ સફળ થયો છે જ્યારે એમાં એનો શિકાર બનેલા લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ સાથ આપ્યો હોય છે. માત્ર ભોગ બનેલા ત્રસ્ત લોકો જ નહીં, અન્યો દ્વારા પણ આવી ઘટનાઓનો વિરોધ થાય એની જરૂર છે. સાથે જ સમાજમાં પ્રવર્તતી સડેલી માનસિકતાને દૂર કરવા તેમને માટે બીજાઓએ પણ મેદાનમાં ઊતરવું જોઈએ. આજે કોઈની સાથે નાઇન્સાફી થઈ છે તો કાલે આપણી સાથે પણ થઈ શકે છે એ ન ભૂલવું જોઈએ. પરંતુ આપણે ત્યાં તો એક મોટા વર્ગને પોતાના પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી કન્વીનિયન્ટ્લી એ મુદ્દાને નજરઅંદાજ કરવાનું ફાવી ગયું છે.

સુશાંતસિંહ રાજપૂતના આકસ્મિક મૃત્યુની વાત જ લોને. આજકાલ કરતાં સુશાંતની  વિદાયને મહિનો થઈ ગયો. તેના કેટલાક નિકટના મિત્રો અને શુછેચ્છકોને તેનું મૃત્યુ આત્મહત્યા નહીં, પણ હત્યા ભાસે છે. તેમણે પોતાની માન્યતા પાછળની હકીકતો અને તથ્યો પણ દુનિયા સમક્ષ રજૂ કર્યાં છે. એ જોયા અને જાણ્યા બાદ સુશાંતની વિદાયની કળ નથી વળી એવા અનેક લોકો પણ સુશાંતના મૃત્યુની તટસ્થ તપાસ ઇચ્છવા લાગ્યા છે. સુબ્રમણ્યમ સ્વામી જેવા બૌદ્ધિક અને અનુભવી રાજકારણીએ પણ વડા પ્રધાનને સુશાંતના મૃત્યુની તપાસ સી.બી.આઇ. દ્વારા કરાવવાની માગ કરી છે. આ ઘટનામાં નવાઈ એ વાતની લાગે છે કે ફિલ્મ ઉદ્યોગના મોટા ભાગના માંધાતાઓ આ મામલે વિચિત્ર ચુપકીદી સેવી રહ્યા છે. એક હોનહાર અને તેજસ્વી અભિનેતા આટલી નાની ઉંમરે શંકાસ્પદ સંજોગોમાં દુનિયા છોડી ગયો છે છતાં તેમનામાંથી કોઈએ એ વિશે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. ઈવન આ વિશે તપાસની માગ કરાઈ ત્યાર પછી પણ તેમણે એમાં સૂર પુરાવ્યો નથી. આ કંઈક અજુગતું અને વિચિત્ર નથી લાગતું? જ્યાંથી કોલાહલ ઊઠવો જોઈએ ત્યાં આવી ઘેરી ચુપકીદી કેમ છે? આ જ કારણ છે કે દુનિયામાં અન્યાયો અને શોષણ વધતા રહે છે, કેમ કે એની સામે અવાજ ઉઠાવનારને સાથ આપવાની કે ટેકો આપવાની તસ્દી લેનારાની કમી છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

coronavirus covid19 columnists taru kajaria