આતંકવાદીને મારવાનું કૃત્ય પાપ હોય તો ભગવાન રામ અને કૃષ્ણ પર પણ પગલાં લો

17 July, 2020 11:06 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

આતંકવાદીને મારવાનું કૃત્ય પાપ હોય તો ભગવાન રામ અને કૃષ્ણ પર પણ પગલાં લો

પ્રતીકાત્મક તસવીર

આતંકવાદીઓ પાપી છે, દુરાચારી છે અને દુરાચારીને હણવામાં ક્યારેય કોઈ પાપ હોતું નથી અને ક્યારેય હોઈ પણ ન શકે. જો આતંકવાદને હણવામાં કે આતંકવાદીને મારવો એ પાપ હોય તો ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પર પણ પગલાં લેવાં જોઈએ. તેમણે પણ રાવણ અને કંસ જેવા પ્રજા પર આતંક મચાવનારાઓનો વધ કર્યો હતો. જો આજનો વધ પાપ તો એ વધને પણ પાપની દૃષ્ટિએ જોવો પડે, પણ ના, એવું કોઈ પગલું લેવામાં આવતું નથી અને એનું કારણ પણ છે. પાપીઓને હણવાની સૂચના તો ધર્મ પણ આપે છે અને આ ધર્મ નિભાવવાનું કામ જ દેશની સેના કરે છે. આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. સેના પણ એ જ પગલે છે જે પગલે ઇતિહાસ ચાલ્યો હતો અને ઇતિહાસમાં જે પગલાં નોંધાયાં હતાં.
રાવણ ક્યાં કોઈ ડાઈમાનો દીકરો હતો. સીતાહરણ એટલે કે નારીચરિત્ર પર હાથ મૂકીને સમગ્ર નારીજગતનું તેણે અપમાન કર્યું હતું. આ અપમાનના બદલા ઉપરાંત પણ રાવણના રાજમાં ક્યાં કોઈ સુખી હતું. રાવણના ત્રાસથી ભલભલા લોકો થાકી ગયા હતા. રાવણનો નાનો ભાઈ વિભીષણ પણ રાવણના ત્રાસથી થાક્યો હતો અને એટલે જ તો તે રામને સહકાર આપવા માટે તૈયાર થયો હતો. રાવણને વારંવાર ચેતવણી આપ્યા પછી અને સંદેશવાહક તરીકે હનુમાનજીને મોકલવામાં આવ્યા પછી પણ રાવણ માન્યો નહીં એટલે રામે તેનું એન્કાઉન્ટર કર્યું. વેરી સિમ્પલ. જો રાવણને મારીને રામે પાપ કર્યું હોય તો આપણે તેમને પૂજવાનું બંધ કરીને રામની સામે પણ કેસ ચલાવવો જોઈએ. સગા મામા એવા કંસને કૃષ્ણએ મારી નાખ્યા હતા. કૃષ્ણએ તો બીજા પણ અનેક પાપી આતંકવાદીઓને માર્યા, જેમાં ઇશરત જહાં જેવી મહિલા પણ સામેલ હતી. રાક્ષસના રૂપમાં આવેલી એ મહિલાને મારવામાં પણ કૃષ્ણને ક્યાં નારીદાક્ષિણ્ય સૂઝ્‍યુ નહોતું.
શું કામ?
માત્ર એક જ કારણે કે તે પાપાચારના હેતુથી આવેલી વ્યક્તિ હતી, લોકોને દુખી કરવાની ઇચ્છા સાથે આવી હતી અને નિર્દોષને જો કોઈ દુખી કરે તો તેને સજા મળવી જોઈએ. ચેતવણી પણ મળવી જોઈએ અને ચેતવણી પછી પણ બળદ જેવા લોકોને ખબર ન પડે તો પછી તેના પર હુમલો પણ કરવો પડે. કંસથી માંડીને કૃષ્ણકાળ દરમ્યાન જેકોઈ વચ્ચે આવ્યા એ સૌકોઈની સાથે કૃષ્ણએ આ જ નીતિ રાખી અને તેમનો વધ કર્યો. આજની ભાષામાં કહીએ તો તે સૌનાં કૃષ્ણએ મર્ડર કર્યાં. આતંકવાદીઓને મારવા એ પાપ હોય તો કૃષ્ણ પર પણ કેસ થવો જોઈએ, તપાસપંચ નિમાવું જોઈએ અને તેમને પણ સજા થવી જોઈએ. માન્યું કે કૃષ્ણ અત્યારે હયાત નથી એટલે તેમને સજા કેવી રીતે આપી શકાય. તેમનાં મંદિરોમાં દર્શન કરવા પર પ્રતિબંધ મૂકીને પણ તેમને સજા કરી શકાય છે, પણ આ સજા તો અને તો જ કરી શકાશે જો તમે કહી શકો કે રાવણ અને કંસ જેવા દુરાચારીને મારવામાં પાપ હતું કે નહીં? જો તમારો જવાબ ‘હા’ હોય તો પછી આજના રાવણ અને કંસનો નાશ પોલીસ, લશ્કર કે બીજી કોઈ પણ સુરક્ષા-એજન્સી કરે ત્યારે કેમ તમારા મનમાં પેલો સેક્યુલર આત્મા જાગી જાય છે? જવાબ આપો.

national news columnists manoj joshi