ક્રિકેટમાં સટ્ટો રમવા પર બૅન છે તો ઍપ પર કેમ નહીં?

12 May, 2023 04:32 PM IST  |  Mumbai | Bhavini Lodaya

ક્રિકેટ એ ગેમ છે અને ગેમમાં હાર અને જીત તો રહેવાની જ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

એક તરફ વેકેશન અને બીજી તરફ ક્રિકેટની જોરશોરથી ચાલી રહેલી સીઝન છે. આપણો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ નવો નથી અને મૅચ જોવા સુધી કોઈ વાંધો નથી, પરંતુ હવે આપણને એવો લોભ બતાવવામાં આવી રહ્યો છે, જેનો આપણે ખુશીથી શિકાર બની રહ્યા છીએ. હવે રમતગમતની મોબાઇલ ઍપ્સ આપણને માત્ર એક મૅચમાં કરોડપતિ બનાવવાનું સપનું બતાવી રહી છે. હું જાણું છું એમાંથી લગભગ ૭૦ ટકા સ્માર્ટ ફોન યુઝર્સના ફોનમાં તમને આમાંથી એક યા બીજી ઍપ ચોક્કસપણે જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે ૫૦થી વધુ ફૅન્ટસી ઍપ્સ ચાલી રહી છે. તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે આ ધંધો કેટલો નફાકારક છે આપણને મૂર્ખ બનાવવા માટે...!

હવે ઇન્ટરનેટના વરદાન સ્વરૂપે મોબાઇલમાં જ ગમે ત્યાં, ગમે એ સમયે લોકો મૅચ જોતા જોવા મળે છે. પહેલેથી ક્રિકેટ પર સટ્ટો રમાતો આવ્યો છે, પણ ઑનલાઇનના ચલણને લીધે હવે ક્રિકેટનો જુગાર ઍપ પર રમવાનું પણ ખૂબ જ સરળ થઈ ગયું છે. આવી ઍપમાં તમારે એક ટીમ બનાવી કૉન્ટેસ્ટ જૉઇન્ટ કરવાની હોય છે અને એની એન્ટ્રી ફી ભરવાની હોય છે. બે-ચાર વિનર હોય એને જ વધારે પૈસા મળે, બાકીના વિનર્સને ૪૦ અથવા ૫૦ રૂપિયા જેવી પ્રાઇઝ મળતી હોય છે. નાની કૉન્ટેસ્ટની પ્રાઇઝ મની ખૂબ જ ઓછી હોય છે. એકાદ વાર નાની રકમ જીત્યા પછી વ્યક્તિને કૉન્ફિડન્સ આવી જાય અને પછી તે મોટી અમાઉન્ટ ભરવાની હોય એવી કૉન્ટેસ્ટમાં ભાગ લેવા લાગે છે. એની એન્ટ્રી ફી ખૂબ જ વધારે હોય છે અને બધા પાસે હવે પર્સનલ મોબાઇલ હોવાને કારણે આવી બધી મોબાઇલની સ્ક્રીન પર લાલચ મળતી હોવાથી આકર્ષાઈએ છીએ અને જો આવી બધી લાલચને લીધે યુવાનો આવા ટ્રૅપમાં ફસાવા માટે આકર્ષાય છે. ક્રિકેટની રમત પર સટ્ટો રમનારા અને રમાડનાર પર સરકારે કડક કાર્યવાહી પહેલાં પણ કરેલી છે. તો આવી ઍપ્સ પર પાબંધી કેમ નહીં...? 

આપણે ક્રિકેટને માત્ર મનોરંજન પૂરતી જોવી જોઈએ, આવી બધી ઍપ્સે આપેલી લાલચના ટ્રૅપમાં આવી આપણો કીમતી સમય વેડફવો ન જોઈએ. હારી જાય તો ગુસ્સો આવે, મૅચ જોતાં- જોતાં જોર-જોરથી ઊભા રહીને બરાડા પાડી આસપાસના વાતાવરણનું ભાન રાખ્યા વગર ગાળો બોલવા પર આવી જવાય એટલા બેકાબૂ થઈ જવાય એ ચિંતાજનક છે. ક્રિકેટ એ ગેમ છે અને ગેમમાં હાર અને જીત તો રહેવાની જ. ક્રિકેટ રમવાવાળાને પૈસા મળે, ઍડ બનાવવાવાળાને પૈસા મળે તેમ જ આવી ગેમ પર ઍપ્સ બનાવી લોકો પાસેથી એન્ટ્રી ફી ભરાવડાવી તે લોકો પૈસા કમાય, પણ આપણું શું? 

શબ્દાંકન : ભાવિની લોડાયા 

columnists