તોડફોડ, મારફાડ, ધિંગામસ્તીનો મારો સ્વભાવ અને સાથ નાટકનો

26 November, 2020 05:02 PM IST  |  Mumbai | Latesh Shah

તોડફોડ, મારફાડ, ધિંગામસ્તીનો મારો સ્વભાવ અને સાથ નાટકનો

હું મારી મમ્મી અને ભાઇ-બહેનો સાથે.

૧૯૭૨-’૭૩નું વર્ષ એટલે મારે માટે મારું કૉલેજમાં બીજું વર્ષ. એ પણ કે. સી. કૉલેજમાં બીજું વર્ષ. ભાઈલોગોની ભાઈગીરીથી ગાજતી કૉલેજમાં નાટકો કરવાં અને નામ ગજાવવું એટલે ગજને કીડી બની નાથવા જેટલું ગજબનું કઠણ કામ. બેચાર દમદાટીઓ અને સૂકી હુલોનો સામનો કરીએ ત્યારે ગુજરાતી નાટકો કરવાનો મોકો મળે. એમાંય ભાઈલોગોને ખવડાવો, પીવડાવો અને ભાઈબાપા કરી અમૂલ બટરનાં પૅકેટ ખાલી કરો ત્યારે તેઓ તમને તમારાં રિહર્સલ કરવા દે. કૉલેજના ઓડી પ્યુન લલનને ચાપાણી પીવડાવો નહીં પણ તેના રોકડા ટેબલ નીચેથી હાથમાં પકડાવો ત્યારે રિહર્સલની જગ્યા મળે.
આ વર્ષે નાટકો કરવા માટે દોસ્તો, ડોનેટરો, સ્પૉન્સરો મળી ગયા હતા. એમાં રમેશને માર ખાતા બચાવેલો એટલે કૅન્ટીનનું અને રિહર્સલમાં થનારા રિફ્રેશમેન્ટનું બિલ રમેશભાઈ ઝિંદાબાદ થઈ ગયું હતું.
નાટકોના માંધાતા અરવિંદ ઠક્કર, પ્રબોધ જોશી, પ્રવીણ સોલંકી, દિનકર જાની, અજિત શાહ, લક્ષ્મીકાંત કર્પે, શંભુ દામનીવાળા, શફી ઇનામદાર અવેલેબલ નહોતા. છેવટે નક્કી કર્યું કે કોઈ નહીં મળે તો હું લખીશ અને હું જ ડાયરેક્ટ કરીશ. જ્યાં જગ્યા મળે ત્યાં નાટક લખવા બેસી જતો હતો. કૅન્ટીનમાં, લાઇબ્રેરીમાં, ન વપરાતા દાદરાઓ પર એટલે સ્ટેરકેસ પર, ક્લાસમાં અને ચાલુ પિરિયડમાં. વિચાર સ્ફુરે એટલે બંદો પેન અને પેપર લઈને જે મનમાં આવે એ ઘસડી નાખતો. પણ મેળ જામતો નહોતો. કોરાં પેપરો, નોટબુકો, લેજરબુક, નોટપૅડ જે હાથમાં આવ્યું એના પર હાથ જમાવતો હતો પણ જામતું નહોતું. કોઈ રીતે મેળ ખાતો નહોતો.
એક દિવસ રાત્રે ઘરે પહોંચ્યા બાદ એક આઇડિયા પર નાટક લખવા બેઠો હતો અને મારો નાનો ભાઈ હસમુખ મને બોલાવવા આવ્યો. મને કહે, આપુજી બોલાવે છે. મેં કહ્યું, ભલે, આવું છું. તે બાપુજીને આપુજી કહેતો. હું નાટક લખવાની ધૂનકીમાં બેઠો હતો. પેનથી પેપરો લખતો-ફાડતો બેઠો હતો. કોઈ વિષય છેલ્લા અઠવાડિયાથી પલ્લે પડતો નહોતો. થોડું લખું, ન જામે એટલે પાના સરરર અવાજ કરતાં ફાટે સાથે મગજ મારું ફાટે. એમાં હું ભૂલી જ ગયો કે પપ્પા મને બોલાવે છે. એમાં હસમુખ ફરીથી બોલાવવા આવ્યો એટલે હું ભડક્યો, વાગડની કચ્છી ભાષામાં તાડૂકી ઊઠ્યો, ‘હક્ડીયાર ચ્યો ને અચાઉં, ભેજો કોલા ખાઈએતો. વન નકા ખાઈનો હકડીઊંધે હાથવારી (એક વખત કહ્યુંને આવું છું, દિમાગ શું કામ ચાટે છે? જા, નહીં તો ખાઈશ એક ઊંધા હાથની થપ્પડ)’. હસુ મને જોતો રહ્યો. હું તો પાછો લખવા અને ભૂંસવામાં પરોવાઈ ગયો. અચાનક હસુએ ભેંકડો તાણ્યો. રાગડા તાણીને રડવા લાગ્યો. હું ચોંક્યો. તરત ઊભો થયો અને તેના મોઢા પર હાથ દાબી દીધો. તેની રડારોળ જો પપ્પા સાંભળશે તો મારું આવી બનશે. મેં તેને  કહ્યું, ચૂપ થે વન (ચૂપ થઈ જા). એમ તેનો ઉપરનો સૂર આરોહ-અવરોહ વગર બેસૂરા તાલે તણાવા લાગ્યો. તે નવ-દસ વર્ષનો હતો. હું તેને ઝાલીને ચૉકલેટની લાલચ આપું એ પહેલાં તે તો મારા હાથ છોડાવી પહોંચી ગયો પપ્પા પાસે તાનસેન બનીને, રાગરાગડા છેડતો. હું મૂંઝાયો. મને સમજાયું નહીં કે શું કરું, હસુનો પીછો કરું, બીજે માળેથી કૂદકો મારું કે દાદરા ટપીને અમારી અગાસીમાં કોઈ કૂંડાની પાછળ છુપાઈ જાઉં કે ધડ-ધડ દાદરા ઊતરી જાઉં. હસુ પપ્પાનો લાડકો હતો. પપ્પાથી તેનું  રડવું (વગર આંસુનું) સહન નહીં થાય. મને કડક મીઠી બાદશાહી ચા જેવી થપ્પડ ચોડતાં પપ્પાને વાર નહીં લાગે. હું સોળનો થયો એના પછી પપ્પાએ ક્યારેય મારા પર હાથપ્રયોગ  કર્યો નહોતો. નાનપણમાં મારી ધુલાઈ એટલી મસ્ત કરી હતી કે હું પપ્પાની સામે જતાં અને જોતાં ગભરાતો. તે જે કહે એનો જવાબ હામાં આપતો અથવા માથું ધુણાવતો અથવા મૌન રાખી હળવેકથી સરકી જતો. તે સામે આવતા એટલે મારી ધડકનો તેજ થઈ જતી અને ધબકારાઓ ધબધબ થતા બોતેરમાંથી  બ્યાસી પર પહોંચી જતા. એમ લાગતું કે ધડધડતું હૈયું હમણાં બહાર આવી જશે. સંકોચાતું અને પહોળું થતું હૃદય અને ૯૦૦ કરોડ ન્યુરોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન સેલ્સ ભરેલું મગજ ભયભીત થઈ બધી ઍક્ટિવિટીઝ, બધાં કામકાજ ભૂલી જશે.
શું કરું? શું કરું? વિચારતો હતો ત્યાં જ પપ્પા મારી સામે આવીને ઊભા રહી ગયા. હું કંપી ઊઠ્યો. પછી શું થયું? શું થયું કે મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં.
હસુનો ભેંકડો મારા અને પપ્પા વચ્ચે મારાં લગ્નની વાત ભણી કઈ રીતે દોરી ગયો? એ બધી વાત વિગતે ફરી ક્યારેક. અત્યારે તો નાટક મારા માટે મહત્ત્વનું હતું.
પપ્પા સાથે દિલધડક ઘટના ઘટી અને હું આખી રાત ઘરની અગાસી પર બેસીને લખતો રહ્યો. કોઈ નાટકનો પ્લૉટ બનતો નહોતો. સવારે સાત વાગ્યાં સુધીમાં આઠ એકાંકીઓના પ્લૉટ લખ્યા પણ માળખું બેસતું જ નહોતું. છેવટે થાકીપાકીને ક્યારે ઘોરી ગયો એની ખબર જ પડી. આંખ જેમતેમ કરતાં ખૂલી તો ખબર પડી કે બાર વાગી ચૂક્યા હતાં. હું નાહીધોઈને વગર ખાધેપીધે ચૂપચાપ દાદરા ઊતરી ગયો. નાકા પર પહોંચી પાંચ નંબરની ડબલડેકર બસ પકડી કે. સી. કૉલેજના બસ- સ્ટૉપ પર ઊતર્યો. ઉતાવળમાં પર્સ લેવાનું ભૂલી ગયો હતો. કન્ડક્ટરે ઘંટી મારી બસ ઊભી રાખી. મેં કન્ડક્ટરને બહુ વિનંતી કરી પણ તે ટસનો મસ ન થાય. મને કહે, ચાલો ઊતરો. ત્યાં જ આગળ બેઠેલી એક છોકરીએ મારી ટિકિટના પૈસા કન્ડક્ટરને આપ્યા. હું આશ્ચર્યચકિત થઈ ગયો. ખબર પડી કે જે છોકરીએ ટિકિટના પૈસા ભર્યા તેનું નામ નયના હતું અને તે મારા જ ક્લાસમાં ભણતી હતી. મેં તેને થૅન્ક યુ કહ્યું. અમે બન્ને કે. સી. કૉલેજના બસ-સ્ટૉપ પર ઊતરીને કે. સી. કૉલેજ તરફ આગળ વધ્યાં. હું લાઇબ્રેરી તરફ આગળ વધ્યો અને નયના ક્લાસ તરફ આગળ વધી.
હું લાઇબ્રેરીમાં જઈને ત્યાં દિવસ-રાત અડ્ડો જમાવીને બેઠેલા મહેન્દ્ર રાવલને મળ્યો. રાવલને વાંચવું હતું પણ હું તેને ફોસલાવી, પટાવી, પંપાળી લાઇબ્રેરીમાંથી બહાર ઘસડી લાવ્યો. તેને લઈને બૅન્ક ઑફ ઇન્ડિયા, ફાઉન્ટન, હેડ ઑફિસ પહોંચી ગયો. પ્રવીણ સોલંકીને બહુ સમજાવ્યા. તેમની પાસે સ્પર્ધામાં સાત નાટકો લખવાનાં અને ડાયરેક્ટ કરવાનાં હતાં. તેઓ કોઈ રીતે કે. સી. કૉલેજનું નાટક ડાયરેક્ટ કરી શકે એવી સંભાવના નહોતી.
છેવટે નાછુટકે તેમણે તેમના અસિસ્ટન્ટનું નામ દીધું. નામ તેનું પ્રફુલ આભાણી. હું પ્રફુલ આભાણીને ઓળખતો નહોતો. ક્યારેય તેને જોયો નહોતો. મને લાગ્યું કે પ્રવીણ સોલંકી લાકડે માંકડું વળગાડી રહ્યા છે. પ્રવીણભાઈએ તેનાં વખાણ કર્યાં એટલે પ્રફુલ આભાણીને લાવ્યે જ છૂટકો. પ્રવીણભાઈએ આપેલા નંબર પર મેં ફોન લગાડ્યો. તેમના અસિસ્ટન્ટે ફોન ઉપાડ્યો. તે રુઇયા અથવા વીજેટીઆઇ કૉલેજમાં ‘ઘોડો અને ગાડી’ નામનું નાટક ડાયરેક્ટ કરતા હતા. મને ફાળ પડી કે પ્રફુલ આભાણી પણ બિઝી છે એટલે તે પણ હાથમાંથી જશે. આ વર્ષે પ્રોડ્યુસર્સ ગીલ્ડની સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકાય. દિલમાં, દિમાગમાં દમ લગાવી હઈશા કરવામાં આવે અને સંકલ્પ મજબૂત બનાવવામાં આવે તો અશક્ય શક્ય થઈ જાય. અઘરું સહેલામાં બદલાઈ જાય. એવું જ થયું. થોડી વારમાં પ્રફુલ આભાણી ‍ફોન પર આવ્યા અને હું તેમને સમજાવવા કાલાવેલા કરું એ પહેલાં તેમણે જ કહ્યું કે તેમને પ્રવીણભાઈનો ફોન આવી ગયેલો. તેઓ કાલે કે.સી.માં આવશે સાંજે ચાર વાગ્યે. જો નહીં આવે તો સમજી જવાનું કે તે નાટક નહીં કરે અને જો તે આવી જશે તો ટ્રૉફી વિનિંગ એકાંકી કરાવશે. ‍પણ તે આવશે ખરા? નાટક ડાયરેક્ટ કરશે ખરા? મનમાં તાણ અને ટેન્શન અનુભવતો હતો. એ દિવસે ખાસ મેં પીકેટ રોડના હનુમાન મંદિરે જઈ સિંદૂર, તેલ અને હાર ચડાવ્યાં. બજરંગબલી મારી નૈયા પાર પાડજે તો આવતા શનિવારે ઉપવાસ કરીશ. કાલ આજ બની ગઈ. સવારથી સાંજના ચાર વાગ્યાની રાહ જોતો દસેક ચા ઠપકારી ગયો. બધા વિદ્યાર્થી આર્ટિસ્ટોને બોલાવ્યા ઑડિશન આપવા. બધા સાડાત્રણથી આવી ગયા હતા. દરેક મિનિટ કલાકની જેમ પસાર થઈ રહી હતી. ચાર વાગી ગયા. દૂર સુધી પ્રફુલ આભાણીનાં દર્શન દુર્લભ હતાં. એમાં આજે મારી ડાબી આંખ ફફડતી હતી. શું થશે? પ્ર. આ. આવશે કે નહીં? હું અને બધા અધીરાઈથી રાહ જોતા હતા. તમે પણ ફક્ત આવતા ગુરુવાર સુધી રાહ જુઓ દોસ્તો.

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો


કોરોનાકાળમાં ડિસ્ટન્સ સાથે લગ્નપ્રસંગ ઊજવવાનો અને એ પણ લિમિટેડ લોકો સાથે એ કેવું ઑક્વર્ડ લાગે. કોરોનાએ શીખવાડી દીધું. બેપાંચ હજાર લોકોની જગ્યાએ સોમાં પણ એટલી જ મજા આવે છે. મજા મનમાં હોય છે. મારા સૌથી નાના ભાઈ રમતારામે કહ્યું, ‘તમે કહો મજા આવી તો મજા આવે. તમે કહો નથી આવતી તો ન આવે... તમે નક્કી કરો કે મજા જોઈએ છે કે નથી જોઈતી. મજા જોઈતી હોય તો કહો મજા આવી. મજા લાવવાનો સાદો અને સીધો નિઃશુલ્ક ઇલાજ. કહેવું, માનવું અને મજા માણવી મનની મરજી છે. જલસા કરો.’

latesh shah columnists