સાદગીથી ગામમાં જીવન જીવવાની ઇચ્છા છે, પણ પરિવાર તૈયાર નથી

08 May, 2020 10:56 PM IST  |  Mumbai | Sejal Patel

સાદગીથી ગામમાં જીવન જીવવાની ઇચ્છા છે, પણ પરિવાર તૈયાર નથી

પ્રતીકાત્મક તસવીર

સવાલઃ અત્યારે જગત આખું પોતપોતાના ઘરમાં છે અને જાણે ભગવાને આપણને અંતરનો અવાજ સાંભળવાની તક આપી છે એવું કહેવાય છે. મારી મૂંઝવણ એને લઈને જ છે. જ્યારે આપણને અંદરથી કંઈક જુદો અવાજ આવતો હોય અને આપણી જવાબદારીઓ આપણને બીજે ઢસડી જતી હોય ત્યારે શું કરવું? હું નોકરી કરું છું અને અત્યારે ઘરેથી કામ કરું છું. કંપનીએ ૨૫ ટકા પગારકાપ મૂક્યો છે અને કામની અપેક્ષા બમણી છે. સ્વાભાવિક છે, પૈસાની દૃષ્ટિએ બધાનો હાથ અત્યારે ખેંચમાં હશે જ.
મારી અંગત મનઃસ્થિતિની વાત કરું તો શરૂઆતમાં મને સ્થિતિની ગંભીરતા નહોતી સમજાઈ. દસ-બાર દિવસ પછી જ્યારે આની અસર વધવા લાગી ત્યારે પૅનિક થવા લાગ્યો. કંપની રામભરોસે છોડી દેશે તો એની ચિંતા રહેતી. એક-બે સોશ્યલ હેલ્પલાઇન પર ફોન કરીને ગાઇડન્સ લીધું તો મને મેડિટેશન કરીને મન શાંત કરવાનું કહેવામાં આવ્યું. આ સમયગાળા દરમ્યાન મારા વિચારોમાં જબરું ટ્રાન્સફોર્મેશન આવ્યું. મને એવું લાગવા લાગ્યું છે કે મારે આ હાયવોય કરવી જ ન જોઈએ. સાદું અને સિમ્પલ જીવન જીવું તો વધુ ગમશે. વિચાર તો આવે છે કે અમારા ગામના ઘરે જ શિફ્ટ થઈ જવું. મુંબઈમાં આમેય મોંઘવારી વધુ અને કમાણી ઓછી થશે જ્યારે ગામમાં રહીશું તો જરૂરિયાત પણ ઓછી થઈ જશે. જોકે આડકતરી રીતે મેં ઘરમાં વાત કરી જોઈ તો વાઇફ ભડકી ઊઠી. ગામમાં બન્ને છોકરીઓના ભણતરનું શું? જો મુંબઈ શહેરમાં જ રહીએ તો અત્યારનું શિક્ષણ કેટલું મોંઘું છે ? ભવિષ્યમાં એ વધતા ખર્ચાને પહોંચી ન વળીએ તો શું એ સવાલ પણ મોં ફાડીને બેઠો છે. સાદગીની જિંદગી જીવવી જોઈએ એવું મને લાગે છે જ્યારે પરિવાર એ માટે તૈયાર નથી. આવા સંજોગોમાં શું કરવું?
જવાબઃ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે સાદગીપૂર્વક જીવવું એટલે શું? સસ્તું જીવન જીવવું? ના. સાદગીપૂર્વક જીવવું એટલે ગામ જતા રહેવું એવું પણ જરાય ન હોઈ શકે.
સાદગીનો મતલબ છે જીવનની જરૂરિયાતોને સરળ અને કુદરતી રાખવી. બ્રૅન્ડેડ જૂતાં પહેરવાથી જ સારું લાગે એવું નથી, પગને પ્રોટેક્શન મળે અને ચાલવામાં કમ્ફર્ટ રહે એવાં જૂતાંની પસંદગી એટલે સાદગી.
તમારી સમસ્યા એ છે કે તમે પોતે સાદગી તરફ આકર્ષાયા નથી, પરંતુ ભવિષ્યમાં પૈસા નહી હોય તો? એની ચિંતાએ તમે ઓછા ખર્ચવાળી જીવનશૈલી પસંદ કરી લેવી એવું વિચારી રહ્યા છો. બીજું, તમારો પરિવાર તમારી આ આંતરિક કશ્મકશથી સાવ જ અજાણ છે. પૈસાની ચિંતા થતી હોવાને કારણે તમે આવું વિચારી રહ્યા હો તો પરિવાર સાથે એની પેટછૂટી વાતો કરવી જ જોઈએ. હાલની ઘરની આર્થિક સ્થિતિથી પરિવારની દરેક વ્યક્તિ અવગત હોવી જોઈએ. બહારથી બધું બરાબર છે એવો દેખાડો કરીને જો તમે રિયલ સમસ્યા પર ધૂળ નાખ્યા કરશો તો એનું સ્પષ્ટીકરણ કદી થશે જ નહીં. પત્ની સાથે તમારે ગામ જવા વિશે ચર્ચા કરવાને બદલે હાલની તમારી આર્થિક સ્થિતિ શું છે એ વિશે મનછૂટી વાત કરવી જોઈએ. જાતે પૅનિક થવાની કે બીજાને પૅનિક કરવાની જરૂર નથી, પરંતુ વાસ્તવિકતાનો અંદાજ ઘરની દરેક પુખ્ત વ્યક્તિને હોવી જોઈએ. સંતાનો પણ જો કિશોર વયનાં હોય તો તેમને પણ કરકસરના પાઠ ભણાવવા માટે તેઓ સમજી શકે એ રીતે રિયાલિટી જણાવવી જરૂરી છે. જો પત્ની સાથે તમે અત્યારની આર્થિક અસમંજસની વાતો શૅર કરશો તો મને પૂરો વિશ્વાસ છે કે પત્ની પણ એ વાત સમજશે. આવા સમયમાં આખા પરિવાર માટે ઉત્તમ શું નિર્ણય હોઈ શકે એનું ચિંતન તમે બન્ને સાથે મળીને કરો એ જરૂરી છે.

sejal patel columnists