રાજેશ ખન્નાના ગુરુ પ્રબોધ જોષી જો મારો હાથ ઝાલી લે તો બાત બન જાએ

22 October, 2020 10:14 PM IST  |  Mumbai | Latesh Shah

રાજેશ ખન્નાના ગુરુ પ્રબોધ જોષી જો મારો હાથ ઝાલી લે તો બાત બન જાએ

પ્રબોધ જોશી

ગયા ગુરુવારનું રીકૅપ - અરવિંદ ઠક્કર, શ્રેષ્ઠ દિગ્ગજ દિગ્દર્શક સમય પહેલાં જ ઉપર નાટકો ડાયરેક્ટ કરવા ઊપડી ગયા. અને પ્રવીણ સોલંકી સર્વશ્રેષ્ઠ નાટ્યલેખક, જે એંસીની ઉંમર વટાવ્યા પછી આજે પણ એટલા જ ઍક્ટિવ છે. આ ઉંમરે પણ ‘મિડ-ડે’માં પાનું ભરીને આર્ટિકલ લખે છે. નાટ્યસ્પર્ધાઓ યોજે છે. નવી ટૅલન્ટ્સને આહ્વાન આપે છે. ભારતીય વિદ્યા ભવનની સાંસ્કૃતિક વિન્ગ તરફથી લલિત શાહ સાથે સેવા આપે છે. સામાન્ય જણાતો અસામાન્ય માનવી માનવ અને કલાસાધનાની સેવામાં સતત સંકળાયેલો છે. ગુજરાતી રંગભૂમિ ટકવાનું કારણ રંગભૂમિ પર રહેલા અમુક લોકોનું સાતત્ય.
ચાલો ફરીથી એ મસ્ત મજાના કૉલેજકાળમાં.
૧૯૭૨-૭૩ના એ દિવસો હજી યાદ છે. કોઈ ડિરેક્ટર ન મળે. બધા ડિરેક્ટરો બિઝી હતા અથવા કે. સી. કૉલેજના નામે પધારવા નહોતા માગતા. મને લાગ્યું કે આ વર્ષ કોરુંકટ જશે.
મેં મારી રીતે નાટક લખવાનો પ્રયાસ આદર્યો. સો-બસો પાનાંની ચારપાંચ નોટબુક્સ બગાડી, મારી બાળકબુદ્ધિને આમતેમ ભગાડી, પસ્તીની દુકાનમાં ચોપડીઓ ઉપરનીચે ઊથલાવી, કૉલેજના ભણેશરી વિદ્યાર્થીઓને કૅન્ટીનમાં ચા-કૉફી-નાસ્તો કરાવીને નાટક લખવા માટે ઉશ્કેર્યા. બધું બહુ જ ભયંકર રીતે ફેલ ગયું. મને ૧૯૭૨-૭૩માં કોરોના પૉઝિટિવનાં લક્ષણો દેખાયાં હતાં. મને તાવ આવવા લાગ્યો, સૂકી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મા મને લઈને કોલભાટ લેનના અમારા ફૅમિલી ડૉક્ટર શિરીષ વકીલ પાસે દોડી. ડૉ. વકીલ બોલવામાં મીઠા એટલે તેમની દવાઓ અસર ઝટપટ કરે. એ સમય પ્રમાણે તેમની ફી સસ્તી. ડૉ. વકીલ પપ્પાના મિત્ર અને તેમને ત્યાં ભેગી થયેલી રદ્દી પસ્તી મારી દુકાને આવતી. એટલે વકીલ ડૉક્ટર અમારા પરિવારના કોઈ પણ સભ્ય પાસે દવાના પૈસા ન લેતો.
મને એક વાત નહોતી સમજાતી કે શિરીષ ડૉક્ટર હતો કે વકીલ? નામ પાછળ વકીલ અને નામની આગળ ડૉક્ટર. થોડું ઑક્વર્ડ અને ફની નામ લાગતું. ઘણી વાર મને થતું, સવારે દવાખાનામાં દવા આપીને તેઓ બપોરે કોર્ટમાં વકીલાત કરવા જતા હશે. ઘણી વાર પૂછવાનું મન થતું પણ હિમ્મત ન થતી. એ જમાનામાં સિગારેટનાં પૅકેટની આગળપાછળ સ્ટૅચ્યુટરી વૉર્નિંગ છપાતી નહોતી એટલે વકીલ-કમ-ડૉક્ટર સાહેબ સફેદ અને પીળા ફિલ્ટરવાળી સિગારેટનું મૉડલિંગ કરતા હોય એવું લાગે. હી વૉઝ ચેઇન સ્મોકર. મને હંમેશાં થતું કે ડૉક્ટર થઈને બિન્દાસ સિગારેટનો ધૂપ સતત જલાવે છે તો મારા પપ્પા કેમ સિગારેટ પીતા નથી? ઘણી વાર આતુરતા, ઉત્સુકતાથી પ્રબળ ઇચ્છા જાગૃત થાય કે ડૉક્ટર અને વકીલ પીએ છે તો મારે તેમને ફૉલો કરવા જોઈએ. વકીલ ડૉક્ટર હોશિયાર, બુદ્ધિશાળી અને ચતુર હતા. પ્રવીણ સોલંકીએ અવાજ સુધારવા પાન ખાતા કર્યા. વકીલ ડૉક્ટરને જોઈને અક્કલ વધારવા સિગારેટ પીવાની તલપ લાગવા લાગી. વકીલ ડૉક્ટરે મારી માને કહ્યું કે મારી બીમારી સાયકોસમૅટિક છે. માને કંઈ સમજાયું નહીં. માએ કહ્યું, ‘હાય મા! મારો દિકરો સાયકો છે?’ વકીલ ડૉક્ટર ખાંસતા-ખાંસતા હસ્યા. તેમણે માને પૂછ્યું, ‘તમને ખબર પડી તમારા દીકરાને શું થયું છે?’ માએ કહ્યું, ‘એને સાયકો થિયો સે. આ બીમારીનું નામ પહેલી વાર સાંભળ્યું. રાતના નીંદરમાં બબડતો હોય સે બહુ ટેમ. વકીલસાહેબ, એને એવું એક ઝોરદાર ઈનજીકસન વાંહે ઠોકી દ્યો ને કે સાયકો હાલતીનો થાય.’ એ દિવસે પહેલીવહેલી વાર વકીલ ડૉક્ટરને પેટ ભરીને હસતા જોયા. ડિસ્પેન્સરીમાં બેઠેલાં બધા દરદીઓ વગર સાંભળ્યે, જાણ્યે, સમજ્યે હસવા લાગ્યા. માને મેં પહેલી વાર મુક્ત મને નિર્દોષ ભાવે હસતા જોઈ. તેને હસતી જોઈને હુંય હસી પડ્યો અને હલકો ફૂલકો થયો. આશ્ચર્ય એ વાતનું થયું કે મારી ખાંસી અને તાવ ગાયબ થઈ ગયાં હતાં.
વકીલ ડૉક્ટરસાહેબે સમજાવ્યું કે મોટા ભાગના રોગો માનસિક પરેશાનીમાંથી પેદા થાય છે. તું હસ્યો તો તારો રોગ ખસ્યો. તને શું ટેન્શન છે? મેં અચકાતાં-ખચકાતાં કહ્યું કે સાહેબ, પપ્પાને નહીં કહેતા. મારે નાટ્યસ્પર્ધામાં ભજવવા નાટક જોઈએ છે. મને નાટક મળતું નથી અને મારી કૉલેજમાં નાટક ડાયરેક્ટ કરવા કોઈ ડિરેક્ટર તૈયાર થતો નથી. આ વર્ષે મને નાટક કરવા નહીં મળે એનું ટેન્શન મને કોરી ખાય છે.
ડૉક્ટર વકીલ સિગારેટનો લાંબો કશ મારતાં બોલ્યા, એમાં ટેન્શન શું લેવાનું? પ્રબોધ જોષીને મળ. મેં પ્રબોધ જોષી નામ સાંભળ્યું હતું. ગયા વર્ષે નાટ્યસ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે અમારા નાટક, ‘...ને રણછોડે રણ છોડ્યું’ એ નાટકની અનાઉન્સમેન્ટ તેમણે કરી હતી. તેમનો બૅસવાળો ઘેરો અવાજ, કાનથી પણ આગળ વધતી કલીકટ. તે બોલવાની શરૂઆત કરે, ‘અને હવે’ આટલું પ્રબોધભાઈ બોલે અને બિરલા માતુશ્રી સભાગૃહમાં જાણે વીજળીનો ઝબકારો થયો હોય એમ હાસ્ય પ્રસરી જાય તાળીઓના ગડગડાટ સાથે.
તે મોટા ગજાના લેખક હતા.
એ વખતના સુપરસ્ટાર રાજેશ ખન્નાની કારકિર્દીમાં સૌથી મોટો ફાળો તેમનો હતો. તેમના નાટક ‘શિવાલા’ના મૉનોલૉગથી જતીન ખન્ના, રાજેશ ખન્ના બન્યો. રાજેશ ખન્ના જેટલો મોટો સુપરસ્ટાર ન ભૂતો ન ભવિષ્યતિ. કોઈ થયો કે થશે. એ રાજેશ ખન્ના સુપરસ્ટારને નામે જ મેં કે. સી. કૉલેજમાં ઍડ્મિશન લીધું હતું. રાજેશ ખન્નાના ગુરુ પ્રબોધ જોષી જો મારો હાથ ઝાલી લે તો બાત બન જાએ. ડૉક્ટર વકીલ પાસે મેં ત્રણ-ચાર દિવસ લાગલગાટ દવા લીધી. એ બહાને વકીલ ડૉક્ટરસાહેબ સાથે દોસ્તી વધી. મેં એક દિવસ હિમ્મત એકઠી કરીને પૂછી લીધું, ‘ડૉક્ટરસાહેબ, પ્રબોધ જોષી સાહેબ પર એક પત્ર લખી આપશો?’ દમ લગાવતાં વકીલસાહેબે કહ્યું, મારો મિત્ર છે. આ પત્ર તેને આપજે. હું રાત્રે તેને ફોન કરી દઈશ. કાલે તું આ લેટર સાથે તેને મળી લેજે. તને ચોક્કસ નાટક આપશે અને ડિરેક્ટર પણ ગોઠવી આપશે. કૉન્ફિડન્સથી પ્રબોધ જોડે વાત કરજે. કાલથી દવા લેવા ન આવતો. બિરલા સભાગૃહમાં જજે.
કા... લે... ચો...વી...સ...ક...લા...ક... પ્રબોધ જોષીને મળવાની ઉત્કંઠા એટલી વધી ગઈ કે એક- એક મિનિટ કલાકથીય મોટી ભાસવા લાગી. શું થયું? પ્રબોધ જોષી મળ્યા કે... વાત આગળની આવતા ગુરુવારે.... પણ એક વાત તો પાકી થઈ ગઈ કે ઉપરવાળા જેવુ કંઈક છે ખરું!

latesh shah columnists