દીકરીના ઘરે છું અને જમાઈ પાસે પૈસાનો વહીવટ છે, માગીશ તો સ્વાર્થી લાગીશ?

10 March, 2021 12:53 PM IST  |  Mumbai | Sejal Patel

દીકરીના ઘરે છું અને જમાઈ પાસે પૈસાનો વહીવટ છે, માગીશ તો સ્વાર્થી લાગીશ?

દીકરીના ઘરે છું અને જમાઈ પાસે પૈસાનો વહીવટ છે, માગીશ તો સ્વાર્થી લાગીશ?

સવાલ : મારી ઉંમર ૬૯ વર્ષ છે. છેલ્લાં લગભગ પંદર વર્ષથી અમે પતિ-પત્ની એકલાં જ રહેતાં હતાં, પણ ગયા વર્ષની શરૂઆતમાં જ પતિનું અચાનક જ હાર્ટ-અટૅકથી અવસાન થઈ ગયું. મારે ત્રણ દીકરીઓ જ છે. બે વિદેશમાં સેટલ છે અને એક મુંબઈમાં જ છે. આમ તો અમે ખાધેપીધે સુખી હતા પણ નિવૃત્તિ પછી બચત જ વાપરી હોવાથી હવે ઘસાઈ ગઈ છું. પતિ હતા ત્યારે પણ મેં બચત અને રોકાણની બાબતોના તમામ કાગળિયાં બહુ સાચવીને રાખ્યા હતા. જોકે પતિના ગયા પછી કોરોના આવ્યો અને મને એકલીને રોજિંદી જરૂરિયાતો લાવવા-મૂકવાની તકલીફ પડતી હોવાથી દીકરી-જમાઈ મને તેમને ત્યાં લઈ આવ્યા. અત્યારે હું તેમના ઘરે રહું છું અને એ જ મારી મૂળ સમસ્યા છે. મને અહીં કેમેય ગોઠતું જ નથી. દીકરીની સાસુ ઘરે આવે એટલે તેઓ ઘરમાં ઠસ્સો જમાવવા લાગે. જાણે હું વણજોઈતી મહેમાન હોઉં એમ વર્તે. દોહિત્ર અને દોહિત્રી જો મને લાડથી બોલાવે તોય તેની સાસુના પેટમાં તેલ રેડાય. એમાં પાછું ધીમે-ધીમે કરતાં મારા હસબન્ડના બૅન્ક અકાઉન્ટનો કન્ટ્રોલ દીકરી-જમાઈએ લઈ લીધો છે. મને કહે છે કે તમારે જે જોઈએ એ કહી દો અમે લાવી આપીશું. પણ ખબર નહીં, પોતાના જ પૈસા દીકરી પાસે માગવાનું અડવું લાગે છે. નાના ઘરમાં અગવડ પડે છે એવું વારંવાર તેઓ બોલતા હોય છે અને એક વાર તો દીકરીએ કહી પણ દીધું કે આપણે પપ્પાવાળું જૂનું ઘર વેચી દઈએ તો થોડાક પૈસા આવે અને આપણે મોટું ઘર લઈ શકીએ. મારી વિદેશ રહેતી દીકરીને એ મંજૂર નથી. બીજી તરફ થાય છે કે અત્યાર સુધી બૅન્કનો અને ઘરનો બધો જ હિસાબ હું જ રાખતી હતી પણ હવે જો એવું કરીશ તો જમાઈને ખોટું લાગશે તો? તેમને લાગશે કે મને સંબંધો કરતાં વધુ પૈસો વહાલો છે. મારી દીકરી તો હજીયે સમજે છે, પણ તેની સાસુ તેના ઘરે આવે ત્યારે કાનભંભેરણી કરતી હોય છે. મારી હયાતીમાં જ મારી પીઠ પાછળ પ્રૉપર્ટી અને ઘરેણાં માટે અંદરોઅંદર હૂંસાતુંસી થઈ રહી છે એવું મને લાગે છે. મારું જ પેટ મારી પાછળ પૈસા માટે લડે એ જોઈને બહુ દુખ થાય છે. અત્યારે તો હું ઘરમાં જ માંડ હરીફરી શકું છું. જ્યાં સુધી ઘર છે ત્યાં સુધી લોકો મને રાખશે, એ વેચી દીધા પછી મને સંભાળશે કે કેમ એની શું ખાતરી?
જવાબઃ પાછલી વયે જ્યારે શરીર પણ સાથ ન આપતું હોય અને જીવનસાથીનો સાથ અચાનક છૂટી જાય અને પેટની જણી દીકરીઓ પૈસા માટે સ્વાર્થી વર્તન કરતી હોય ત્યારે તમને કેટલી અસલામતી, પીડા અને દુખ થતા હશે એ સમજી શકાય એમ છે. બહુ સારી વાત છે કે તમે આવા સંજોગોમાં પણ વિહવળ થઈને ખોટા રિઍક્શન્સ અને ટૅન્ટ્રમ્સ નથી દેખાડતાં. કદાચ તમને એવું પણ લાગતું હોઈ શકે કે હવે તમે દીકરી-જમાઈના સહારે જ છો એટલે તેમનું કહ્યું નહીં કરો તો તમે મુસીબતમાં મુકાઈ શકો છો. હા, જો તમે મક્કમ ન રહ્યા તો એવું થઈ જ શકે છે.
પરિસ્થિતિને કારણે દુખી થવાય એ સ્વાભાવિક છે, પણ દુખી થઈને રોદણાં રડવાને બદલે તમારે હવે કડક થવાનો સમય આવ્યો છે. દીકરી-જમાઈ કહે છે એમ ઘર વેચીને બધું તેમને હવાલે કરી દેવાની ભૂલ કરવા જેવી નથી. હા, આ વાત તમે કડવી રીતે ન કહેતાં ખૂબ માયાળુ રીતે પણ કરી શકો છો. ત્રણેય દીકરીઓને સમજાવો કે તમારા ગયા પછી જે છે એ બધું તમારા ત્રણેયનું જ છે. કદાચ જમાઈને ભલે પ્રૉપર્ટીમાં વધુ રસ હોય, દીકરીઓને માનું દાઝશે જરૂર. જો એમ ન હોય તો તમારા પરિવારમાં બીજા કોઈ મોભી કે સમજુ વડીલ હોય તો તેમને વચ્ચે રાખો. તેમની મદદથી વકીલ રાખીને તમારું વિલ બનાવો. ત્રણેય દીકરીને શું આપવું છે એ તમે જ નક્કી કરીને એ વિલમાં લખો અને રજિસ્ટર પણ કરાવી લો.
જો દીકરીને પૈસાની જરૂર હોય તો તમે તેમને આર્થિક મદદ જરૂર કરી શકો, પણ તમને પતિના અકાઉન્ટમાંથી શું, કોણ લઈ રહ્યું છે એની ખબર પણ ન હોય એવું ન રાખવું જોઈએ. ઊલટતપાસની રીતે નહીં, પણ જાણકારી રાખતા હો એ રીતે તમારે દરેક બાબતમાં રસ લઈને જાણકારી રાખવી જ જોઈએ. એમાં તમે કંઈ સ્વાર્થી નથી બની જતા, પરંતુ આજના સ્વાર્થી જમાનામાં તમારી સેફ્ટી સુનિશ્ચિત કરી રહ્યા છો.
તમે જે અવસ્થામાં છો ત્યાં તમને અસલામતી ફીલ થાય તો એમાં કશું જ ખોટું નથી. બસ, એક વાત યાદ રાખવાની કે કોઈ વ્યક્તિ કશું જ ગાંઠે બાંધીને લઈ જઈ શકતી નથી.

sejal patel columnists sex and relationships