મને કંઈ ન આવડે પણ ઉપરવાળાને બધું આવડે

09 July, 2020 08:42 PM IST  |  Mumbai Desk | Latesh Shah

મને કંઈ ન આવડે પણ ઉપરવાળાને બધું આવડે

...ને પછી હું નીકળી પડ્યો ગિરનાર ભણી. એવું સમજીને કે મને અહીં મ‍ળશે મારા સવાલોના જવાબ.

ગયાના ગયા ગુરુવારે મેં મારા ટેન્શનની વાત કરી. ગનીખાનને ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાના હતા. કોઈ રસ્તો જડતો નહોતો. અલીના અબ્બા ત્રણ દિવસ બાદ આવવાના હતા. ફાઇનલી હું અમારા સમાજના લીડર બાબુભાઈ મેઘજી પાસે ગયો. એ આશાએ કે તેમની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા મળશે. તેમણે મને સમાજના પહેલા કલાકાર તરીકે માનસન્માન આપ્યું. મારી હિમ્મત જ ન ચાલી તેમની પાસેથી રૂપિયા માગવાની. અંદરથી ડર લાગ્યો કે ક્યાંક તેમના મિત્ર, મારા પપ્પાને ભૂલથી તે કહી દે તો કે તમારો નાટકવાળો દીકરો લતેશ મારી પાસેથી પૈસા લઈ ગયો છે તો હું બારના ભાવે લાગી જાઉં. તેમની સાથે આડીઅવળી, સીધી-આડી-ટેડી-ઊંધી-ચત્તી વાતો કરી, પણ રૂપિયા માગવાની હિમ્મત ન ચાલી. છેવટે તે ઊભા થયા સ્માઇલ આપીને અને હું ઊભો થયો ઍક્ટિંગવાળી સ્માઇલ આપીને. તેમણે બે વાર પૂછ્યું કે કંઈ કામ છે? પણ આપણે ફિશિયારીમાં કહ્યું, ના, હું જસ્ટ તમને મળવા આવ્યો હતો. બન્નેએ હાથ મેળવ્યા. મારી હથેળીમાં પસીનો થઈ ગયો હતો. ગાડી આવી અને તે ગયા. જતી ગાડીને જોઈ રહ્યો, ખોવાઈ ગયો કે ત્યાંનો ત્યાં જ ખોડાઈ ગયો એ જ ન સમજાયું.
ભરબપોરે દીવાસ્વપ્ન જોયું. કૉલેજમાં વીલા ચહેરે દાખલ થાઉં છું અને સટ સટાસટ સટ લાફાઓથી મારા ગાલ લાલચોળ થઈ ગયા તોય ગનીખાન માર્યે જ જાય છે.
હથેળીનો પસીનો ચહેરા પર આવી ગયો. બાબુભાઈની દુકાનની બહાર જ ઊભો હતો. દુકાનના એક માણસે મને પાણીનો ગ્લાસ આપવા પીઠ પર ટપલી મારી ત્યારે ચોંકીને મેં જોયું. બે ઘડી તેને જોતો રહ્યો, પછી હોશમાં આવ્યો અને ગ્લાસ લીધો અને એકસાથે સડસડાટ એકી શ્વાસે પી ગયો. ગ્લાસ લઈને ચાલતો થયો. દુકાનના માણસે બૂમ મારી, 'એ ભાઈ, ગ્લાસ તો આપો’ ત્યારે મને ભાન આવ્યું. ગ્લાસ પરત કર્યો. થૅન્ક યુ કહ્યું અને ઢસડાતે પગે ચાલતો થયો. 
ક્યાં જાઉં, ઘરે કે કૉલેજમાં? સમજ જ નહોતી પડતી. બીજા કોને પકડું અને યાચના કરું? બે ચાર જણનાં નામ આવ્યાં મનમાં. હેમરાજ શાહ, એ મારા કઝિન કાકા થાય. પોતે લેખક અને સામાજિક કાર્યકર્તા હતા એટલે કદાચ સપોર્ટ મળવાની શક્યતા હતી. ભૂરાભાઈ પટેલ, એ પણ શ્રીમંત અને વારે-તહેવારે મને ચર્ની રોડ  સ્ટેશન પાસે આવેલા મફતલાલ બાથમાં મળે. તેમનો મારી સાથે સરસ મેળ હતો. ધનજી નાથા ઝાલાની, સમાજના ગણ્યાગાંઠ્યા રિચ વાગડિયાઓમાં તેમનું નામ પણ ગણાતું. તે પણ જ્યારે મળે ત્યારે મારાં વખાણ કરે જ કરે. કહે, તું જ એક મર્દનો  બચ્ચો છે જેણે અલગ લાઇનમાં ઝંપલાવ્યું. નાટકની લાઇનમાં. વાહ, નાટક બનાવવામાં કેટલા રૂપિયા લાગે? હું લગાડીશ. મને આશા હતી કે આમાંથી કોઈક તો મારો હાથ ઝાલશે. પણ આ બધા પપ્પાનાં સગાં અને દોસ્તો એટલે તેમની પાસે પૈસા માગવા જવા માટે તેમની તરફ પગ જ ન ઊપડ્યો. 
કૉલેજમાં જઈને શું કરું? ‍માર ખાઉં? ન જાઉં તો કૉલેજ છોડવાનો વારો આવે. ગનીખાન મારું જીવવું હરામ કરી દે. મારાં નાટકો કરવાનાં સપનાઓ સમાપ્ત થતાં હોય એવો ધ્રાસ્કો પડ્યો. જે થાય તે, હું કૉલેજ તો જઈશ જ. એમ વિચારી કે. સી. કૉલેજ તરફ પગ વળ્યા.
કોઈ આશરો ન દેખાય ત્યારે ભગવાન ભરોસે બધું છોડી દેવું.
 ચાલતાં-ચાલતાં મનમાં ભગવાનને ભજતો ને ભાંડતો હું પસીનાથી પલળતો, મનમાં વિચારોના ભારથી હાંફી ગયો હતો. માણસ ડરથી મરે છે એટલો માર ખાવાથી નથી મરતો. ડરનો માર્યો દુર્બળ, અશક્ત અને અસમર્થ થયેલો હું કે. સી.ની કૅન્ટીનના રણાંગણમાં શરણાગતિ સ્વીકારી ખંડિયો રાજા થવા પહોંચ્યો. મને ગનીખાન ક્યાંય દેખાયો નહીં. મને અબદુલ્લા બેગ અને પાન્ડે મળ્યા. પાન્ડેની જબાન પર સરસ્વતીદેવી હાજરાહજૂર હતાં. તેના દરેક વાક્યમાં માબેન યાદ કરે જ. પોતાનાં નહીં, સામેવાળાનાં. પાન્ડેએ કહ્યું, ‘ક્યોં બે રદ્દીપુત્ર તેરા ચેહરા ... ક્યોં હો ગયા હૈ? ક્યા હુઆ? તેરા નાટક હુટ હુઆ ક્યા? થોબડા થકેલા ક્યોં લગ રહા હૈ? જા મુંહ પર મિટ્ટી લગાકર આ. તેરે સે બાત કરના હૈ. હું મોઢું ધોઈને આવ્યો. થોડું ટેન્શન હળવું થયું. અબદુલ્લાએ મને ચા પીતાં પૂછ્યું, ક્યા હુઆ? ક્યોં તનાવ મેં દિખ રહા હૈ? હું જવાબ આપું એ પહેલાં પાન્ડેજી ઉવાચ, 'ઇસકી .... નાટક કા કીડા કાટ રહા હૈ, ગનીખાન કી ચુંગલમેં ફસ ગયા. સોશ્યલ કે નામ પર યેડા બનકે પેડા ખાને ગયા ઉસમેં ...... લેને કે દેને પડ ગએ. તૂ ક્યા સમજતા હૈ, હમ બેવકૂફ હૈ ક્યા? કલ તુમકો ગનીખાન ક્યા બોલ રહા થા જો અભી ભી તૂ કાંપ રહા હૈ. ચલ ચા પી, ટેન્શન છોડ. ગનીખાન કો સુબહ મેં પુલીસને  પકડ લિયા હૈ ઔર વો હવાલાત કી હવા ખા રહા હોગા. છ મહિને સે પહલે છૂટના મુશ્કિલ હૈ. ઉસકી સારી ગૅન્ગ અન્ડરગ્રાઉન્ડ ચલી ગઈ હૈ. તૂ બિન્દાસ સોશ્યલ કર. માલ કમા ઔર નાટક કર. તૂ બનિયા હોકર બનિયા નહીં બન પાયા. અબે, નાટક કરના હૈ તો રિયલ લાઇફ મેં નાટક કરના સીખ.’
પાન્ડે બોલતો રહ્યો, મને કંઈ સંભળાતું નહોતું. મારું મન હલકુંફુલકું થઈ ગયું હતું. ગનીખાનને સમય પૂરતો ઉપરવાળાએ હટાવી દીધો. ચા પીવડાવીને પાન્ડેએ અમૃતસભર સમાચાર આપ્યા. હું ઊભો થવા સાથે પાન્ડેને ભેટી પડ્યો. અબદુલ્લા મને જોતો રહ્યો. હું કેટલો રિલૅક્સ થઈ ગયો હતો એ હું જ જાણતો હતો. સોશ્યલ થયું, હાઉસફુલ ગયું. સરસ નફો થયો. અલીએ કૉલેજ બદલી નાખી હતી. 
બધો નફો મને પ્રાપ્ત થયો. અબદુલ્લા અને પાન્ડેને મેં પાર્ટી  આપી. ઉપરવાળો વહારે આવ્યો. મને ફરીથી આંગળી ઝાલીને હાઇવે પર ચડાવ્યો.  
ત્યારથી મનમાં ઉપરવાળો કોણ છે? છે ખરો? છે તો ક્યાં છે? તેને ક્યાં શોધવો? શું મારી મૂંઝવણ તેને સંભળાઈ? કેવી રીતે? મારી જિજ્ઞાસા વધતી જતી હતી. 
કેવા ખતરનાક ખેલમાંથી હું બહાર આવ્યો એ હું જ જાણતો હતો. જય શિવશંકર. અઠવાડિયામાં લેવડદેવડનો બધો હિસાબ-કિતાબ પતાવી ઘરવાળાઓને અષ્ટમ-પષ્ટમ ઊંઠાં ભણાવીને હું એકલો ઊપડી ગયો ગિરનાર. ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે. પહેલી વાર ગિરનાર ગયો એ પણ એકલો. બહુ બધી વાતો સાંભળી હતી. ત્યાં બહુ બધા બાવાઓ રહે છે. સાધુસંતો રહે છે. એ લોકો મારા સવાલોના જવાબ આપશે. હું રિઝર્વેશન વગર ટે઼્નમાં અમદાવાદ પહોંચ્યા બાદ ત્યાંથી પૂછતો-પૂછતો રાત્રે ગિરનાર પહોંચ્યો. રહેવું ક્યાં? જવું ક્યાં? જાણીએ આવતા ગુરુવારે.

latesh shah columnists