તીખું ખાતો નથી એટલે તવા ઊંધિયાની રેસિપી મારી જાતે તૈયાર કરી છે

03 March, 2021 10:52 AM IST  |  Mumbai | Rashmin Shah

તીખું ખાતો નથી એટલે તવા ઊંધિયાની રેસિપી મારી જાતે તૈયાર કરી છે

નવી જનરેશનનું ઊંધિયું : તવા ઊંધિયું, જેમાં હું ક્રીમ પણ નાખું અને ચીઝ પણ આવે.

‘હૉલિડે’માં અક્ષયકુમાર સામે મેઇન વિલન બનીને દેકારો મચાવી દેનારા ગુજ્જુ મૉડલ-કમ- ઍક્ટર ફ્રેડી દારૂવાલાએ ત્યાર પછી તો સલમાન ખાન સાથે ‘રેસ 3’ અને વિદ્યુત જામવાલ સાથે ‘કમાન્ડો 2’ જેવી ફિલ્મો પણ કરી તો ‘સૂર્યાંશ’ નામની ગુજરાતી ફિલ્મ પણ કરી. ફ્રેડી અત્યારે રણદીપ હુડા સાથે ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ વેબ સિરીઝ અને ‘ધી ઇન્કમ્પ્લીટ મૅન’ ફિલ્મ કરી રહ્યો છે. સિક્સ-પૅક ઍબ્સ ધરાવતો ફ્રેડી મીઠાઈઓનો ગજબનાક શોખીન છે. ફ્રેડી મિડ-ડેના રશ્મિન શાહને કહે છે, ‘શું ખાઓ છો એ નહીં પણ ખાધેલું કેવી રીતે બૉડીમાં ડાઇજેસ્ટ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે’

સ્વીટ્સ, સ્વીટ્સ, સ્વીટ્સ.
હા, મને ત્રણ ટાઇમ સ્વીટ્સ જોઈએ અને ધારો કે દિવસમાં ચોથી વખત કોઈ આપી પણ દે તો હું ના ન પાડું. મીઠાઈનું અપમાન કહેવાય. લઈ જ લેવાની સ્વીટ્સ. મોહનથાળ, મગજના લાડુ, બુંદીના લાડુ, સુખડી, શિંગની ચિક્કી, ખીર, બાસુંદી, રસગુલ્લા, ગુલાબજાંબુ, ગાજરનો હલવો. તમે નામ લો, મીઠાઈ નામે મને બધું ભાવે. દિવસ દરમ્યાન મારાં જેટલાં પણ મીલ છે એ બધાંમાં મીઠાઈ હોય જ હોય. બપોરે જમવામાં, સાંજે અને રાતે પણ. એવું પણ નથી કે હું કોઈ પર્ટિક્યુલર ડાયટ ફૉલો નથી કરતો. તમને ખબર જ છે મારે સિક્સ-પૅક ઍબ્સ છે.
ફિલ્મોમાં મને જે રોલ મળે છે એની પાછળ ક્યાંક ને ક્યાંક મારી ફિટનેસ જવાબદાર છે એટલે નૅચરલી કામને ધ્યાનમાં રાખીને બૉડીને શેપમાં રાખવા મારે જે કરવું પડતું હોય એ બધું જ હું કરું, પણ એ વાતની સાથે એ પણ એટલું જ સારું છે કે મારું મેટાબોલિઝમ પણ મને સાથ આપે છે. કોઈ ફૂડથી મારું વેઇટ વધતું નથી. કૉલેજ ટાઇમથી મને એક વાતની ખબર છે, તમે શું ખાઓ છો એ મહત્ત્વનું નથી પણ તમે ખાધેલું કઈ રીતે ડાઇજેસ્ટ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે.
ગુજરાતી ફૂડ મારું ફેવરિટ છે. ઘરની બનાવેલી ગુજરાતી ખાટી-મીઠી દાળ, ટીંડોળાનું શાક અને રોટલી કે ભાખરી. આ બધાં વધારે ફેવરિટ. મમ્મી ગુજરાતી અને પપ્પા પારસી એટલે નાનપણથી મને ઘરમાં જ ગુજરાતી અને પારસી એમ બન્ને પ્રકારનું ફૂડ ખાવા મળ્યું છે. હું મૂળ સુરતનો, તમે સમજી જ શકો સુરતીઓ ખાવાપીવાની બાબતમાં કેવા લહેરી લાલા છે. મને ગુજરાતીઓની ગમતી વાતોમાંથી બેસ્ટ વાત જો કોઈ હોય તો એ કે ખાવાપીવાની બાબતમાં તેમને કોઈ પંચાત ન હોય. તે બધું ખાય અને તેમને બધું ભાવે. મને લાગે છે કે મારો જે મીઠાઈનો શોખ છે એ મને કદાચ મારા ગુજરાતી જીન્સમાંથી આવ્યો છે, કારણ કે ગુજરાતી હોય અને ગળપણ ન લેતા હોય એવું કોઈ દિવસ બને નહીં.
તીખાશથી દૂર
તીખું હું એટલું નથી ખાતો. કહો કે હું એનાથી દૂર જ રહું. ખાસ કરીને શૂટ ચાલુ હોય એવા સમયે. શૂટ શરૂ થવાનું હોય એના દસેક દિવસથી હું તેલ અને તીખાશ ઓછાં કરી નાખું અને શૂટ શરૂ થાય એ પિરિયડમાં સાવ બંધ કરી દઉં. તેલ અને તીખાશથી તબિયત બગડે કે પછી ગળું ખરાબ થાય તો મારે લીધે યુનિટને હેરાન થવું પડે અને બધાનો સમય બગડે. એવું ન થાય એ માટે હું તીખાશ અવૉઇડ કરું છું, પણ સ્વીટ્સ ચાલુ રાખું. બપોરે ખીર ઘરેથી આવી હોય, સાંજે બેઠા હોઈએ તો બધા માટે પેંડા મંગાવીએ, આઉટડોર શૂટ હોય તો
રાતે એ જગ્યાની કોઈ સ્પેશ્યલ સ્વીટ
હોય તો એ મંગાવી લીધી હોય. રાજસ્થાનમાં શૂટિંગ હતું એની વાત કહું તમને. હું સંજય દત્ત સાથે શૂટ કરતો હતો. બધા દરરોજ રાતે દાલ-બાટી મંગાવે અને હું ચૂરમું મંગાવું. એકદમ કૉન્ટ્રાસ્ટ ફૂડ ટેબલ પર જોવા મળે.
બધા તીખી તમતમતી દાલ-બાટી ખાતા હોય અને હું ઘી અને સાકરથી લથબથ ચૂરમું ખાતો હોઉં. એ લોકોને તીખું
લાગે એટલે મારી પાસે ચૂરમું માગે પણ મારે એ લોકો પાસે દાલ-બાટી માગવા જવું ન પડે.
રૂટીન છે આ
ડાયટિશ્યને મારું ફૂડ ટાઇમટેબલ અને વરાઇટીનું આખું મેનુ શૅર કરીને રાખ્યું છે જે મુજબ બધું સેટ થયેલું હોય. બ્રેકફાસ્ટમાં બટર ટોસ્ટ. બ્રેડ બ્રાઉન અને બટરમાં પીનટ બટર કે આમન્ડ બટર સાથે ડ્રાયફ્રૂટ્સ, દૂધ, મ્યુઝલી, ઓટ્સ. લંચમાં બ્રાઉન રાઇસ, બૉઇલ્ડ વેજિટેબલ્સ, દાળ અને દહીં હોય. જો તુવેરની દાળ હોય તો દહીં ન આવ્યું હોય પણ બીજી કોઈ દાળ આવી હોય તો દહીં હોય. મારા ફૂડમાં સી-સૉલ્ટ એટલે કે નિમક ન હોય પણ એને બદલે રૉક સૉલ્ટ હોય છે. મિર્ચી પાઉડર પણ હું નથી વાપરતો, એને બદલે બ્લૅક પેપરનો ઉપયોગ કરું છું.
અગાઉ કહ્યું એમ લંચમાં એકાદ સ્વીટ આવી જ હોય. છેલ્લે કંઈ ન આવ્યું હોય તો ડ્રાયફ્રૂટ ખીર આવી હોય એટલે એ બહાને ડ્રાયફ્રૂટનો ઇનટેક પણ અકબંધ રહે. ધારો કે એ ન આવી હોય તો બપોરે લંચના એકાદ કલાક પછી આઇસક્રીમ કે મિલ્કશેક પી લીધો હોય. સાંજના સમયે ડ્રાયફ્રૂટ્સ સાથે મખાના અને મ્યુઝલી હોય. ઉપમા કે પૌંઆ હોય અને સાથે એકાદ સ્વીટ હોય. મને સૌરાષ્ટ્રની થાબડી બહુ ભાવે, રાજકોટના પેંડા પણ મારા ફેવરિટ. પેંડા ખાવાની એક સ્ટાઇલ કહું તમને. રાજકોટમાં ચૉકલેટ પેંડા મળે છે. એ પેંડાને માઇક્રોવેવમાં મૂકીને અડધી મિનિટ સુધી ગરમ કરી લેવાનો અને પછી ખાવાનો. પેંડો એકદમ તાજો લાગે, જાણે કે હમણાં જ બન્યો. શું ખાવાની મજા આવે દોસ્ત, અનબિલીવેબલ. ઍનીવે, ડિનરની વાત કરી દઉં તમને.
ડિનરમાં સૂપ હોય, બ્રાઉન રાઇસ અને બૉઇલ્ડ વેજિટેબલ્સ હોય. જમી લીધા પછી મન થાય તો બે જ આઇટમ ખાવાની. એક તો મારી ફેવરિટ સ્વીટ્સ અને કાં તો ફ્રૂટ્સ. હા, હું ઘઉં અને મેંદાની આઇટમ નથી ખાતો એટલે કેક કે બિસ્કિટ્સ પણ નહીં ખાવાનાં. અમુક બ્રૅન્ડની કુકીઝ ખાઉં છું પણ એ બ્રૅન્ડ અહીં ઇન્ડિયામાં પણ રૅરલી મળતી હોય છે એટલે એ કુકીઝ ખાવાનો વારો પણ વર્ષમાં બેચાર વાર માંડ મળે.
શેડ્યુલ વિનાનું સુરત
હું સુરત જાઉં ત્યારે શેડ્યુલને રડવાનું નહીં. આ ફિક્સ જ છે. હોમટાઉનમાં બધેબધી છૂટ. દિવસમાં ચારપાંચ કોકો થઈ જાય તો એ પણ પી લેવાના અને આઇસક્રીમનો ગોટાળો પણ ખાઈ લેવાનો. ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે હોય ત્યારે મારા માટે બધો ટાઇમ ચીટ-ડે જેવો જ હોય છે. પોંકનાં વડાં મારાં ફેવરિટ છે. હવે સીઝન પૂરી થવામાં છે. જો સુરત જવાનું ન હોય તો પણ આ સીઝનમાં તો જવાનું જ અને પોંક ખાવાનો. પોંક અને એની ઉપર મરીવાળી સેવનો છંટકાવ. ઊંબાડિયું પહેલાં ખાધું છે પણ હવે હું એ નથી ખાતો. એની તીખાશ અત્યારે પણ યાદ આવે તો મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.
સુરતમાં ફ્રેન્ડ્સ અને ફૅમિલીના કારણે કોઈ કન્ટ્રોલ નહીં રાખવાનો તો એમ જ ક્યાંય બહાર ફરવા ગયા હોય તો પણ કન્ટ્રોલ નહીં રાખવાનો. શૂટ હોય તો વાત અલગ છે પણ શૂટમાં પણ લોકલ ફૂડ ટ્રાય તો કરવાની જ કરવાની. હમણાં હું હરિયાણાના સોનીપતમાં શૂટ માટે ગયો હતો. સોનીપતમાં પનીર પરાઠાં, લસ્સી અને ત્યાંની ચાપનો સ્વાદ મને અત્યારે પણ યાદ છે.
છું કિચન બાદશાહ
હા, સાચે જ. મને કુકિંગ સારું આવડે છે. રોટલી ગોળ નથી બનતી પણ એ તો સમજાય. ખાવાલાયક હોય એટલે ઘણું. શાકની વાત કરું તો પાલકનું શાક, બટાટાનું શાક, બટાટા-ટીંડોળાનું શાક પણ હું બનાવી શકું. તમે કલ્પના નહીં કરી શકો પણ મને ઊંધિયું બનાવતાં પણ ફાવે. હું પૅન ઊંધિયું પણ બનાવું છું જેમાં ચીઝનો ઉપયોગ થાય અને મિલ્ક ક્રીમનો ઉપયોગ પણ કરું.
સ્ટ્રગલના દિવસો હતા ત્યારે અમે ફ્રેન્ડ્સ સાથે રહેતા. એ વખતે બધા પોતપોતાની રીતે નવા-નવા એક્સપરિમેન્ટ્સ કરતા રહે. નાનો હતો ત્યારે હું મમ્મીને ઑબ્ઝર્વ કરતો એટલે મને સિમ્પલ રેસિપી આવડતી. પણ એમ છતાં પ્રૅક્ટિકલ કરવા બેસીએ એટલે નૅચરલી વાર તો લાગવાની જ, પણ ફ્રેન્ડ્સ પાસેથી એ પ્રૅક્ટિકલ નૉલેજ પણ લઈ લીધું. શરૂઆતમાં થોડો પ્રૉબ્લેમ આવ્યો પણ ફ્રેન્ડ્સ હતા એટલે બધાએ મૅનેજ કરી લીધું અને હું કુકિંગ બાદશાહ બની ગયો. ક્યારેક મરચું કે મીઠું વધારે પડી જાય તો ક્યારેક મીઠું ઓછું હોય તો કોઈ-કોઈ વાર તો મીઠું ભુલાઈ જ જાય.
કોઈ ડિશ પહેલી વાર બનાવવાની હોય ત્યારે મેં મમ્મીને કૉલ કરીને પૂછી લીધું હોય. આ શરૂઆતના દિવસોની વાત છે. હવે કૉન્ફિડન્સ અલગ છે. હવે ઑનલાઇન એક વખત રેસિપી જોઉં અને એ ટ્રાય કરું તો પણ એટલી જ પર્ફેક્ટ બને છે.

મને કુકિંગ સારું આવડે છે. રોટલી ગોળ નથી બનતી પણ એ તો સમજાય. ખાવાલાયક હોય એટલે ઘણું. શાકની વાત કરું તો પાલકનું શાક, બટાટાનું શાક, બટાટા-ટીંડોળાનું શાક પણ હું સરસ બનાવી શકું છું

ગરબડ ગોટાળો

એક વાર અમે દોસ્તોએ બાર્બિક્યુ માટે પ્રોગ્રામ ફિક્સ કર્યો. બધી તૈયારીઓ કરી લીધી. વેજિટેબલ્સ, પનીર બધું રેડી કરીને રાખ્યું પણ બાર્બિક્યુમાં કોલસો નાખવામાં કંઈક ગરબડ થઈ ને એટલો ધુમાડો નીકળવા લાગ્યો કે ન પૂછો વાત. પાડોશીએ ડરના માર્યા ફાયરબ્રિગેડમાં ફોન કરી દીધો. બધેબધું ફૂડ બળી ગયું, ફાયર-ઑફિસરને સૉરી કહેવું પડ્યું અને પછી તાત્કાલિક હોટેલમાંથી ફૂડ ઑર્ડર કરીને જમવું પડ્યું. બોલો, આનાથી મોટી કોઈ ગરબડ હોય ખરી?

Rashmin Shah columnists