પહેલા બૉયફ્રેન્ડમાં જે ગમતું એ બધું હવે નથી ગમતું, શું થઇ શકે?

21 August, 2020 11:37 PM IST  |  Mumbai | Sejal Patel

પહેલા બૉયફ્રેન્ડમાં જે ગમતું એ બધું હવે નથી ગમતું, શું થઇ શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી અસમંજસ જરાક વિચિત્ર છે. મૂંઝવણ મારા જીવનસાથીની પસંદગી વિશે છે. હું છેલ્લા ત્રણ વર્ષથી એક રિલેશનશિપમાં છું. અમે બન્ને ખૂબ ગળાડૂબ પ્રેમમાં છીએ અને પરિવારજનોની નામરજી છતાં એક થવાનો નિર્ધાર રાખીએ છીએ. ખાસ કરીને તેના પેરન્ટ્સને વાંધો છે. મારો બૉયફ્રેન્ડ ગો ગેટર છે. જે નક્કી કર્યું હોય એ કોઈ પણ હિસાબે કરીને જ જંપે. એ તેની ઑફિસના ટાસ્કની વાત હોય કે અંગત જિંદગીની વાત. તે ખૂબ અગ્રેસિવ છે, જિદ્દી છે અને કેટલેક અંશે ઘમંડી પણ ખરો. ગુસ્સો તેના નાકના ટેરવે હોય, પણ એટલી જ ઝડપથી ગુસ્સો સરી પણ જાય. શરૂઆતમાં તેના આ જ ગુણો મને બહુ ગમતા, પણ હવે લાગે છે કે તેના એ જ ગુણોમાં બદલાવ નહીં આવે, થોડીક ફ્લેક્સિબિલિટી નહીં ઉમેરાય તો ભારે થશે. એક-બે વાર તો તેણે મારા પેરન્ટ્સનું પણ અપમાન કરી નાખ્યું, જસ્ટ બિકૉઝ તેનું ધાર્યું નહોતું થતું. ઇન ફૅક્ટ, તેના આવા વર્તનને કારણે હવે મારી મમ્મી પણ મને ચેતવે છે. ઇન ફૅક્ટ, વાત એમ છે કે તે એ જ કરે છે જે તે કરવા ધારતો હોય. તે ખોટું જોખમ ઉઠાવી રહ્યો હોય અને આપણે તેને ચેતવીએ તોપણ તે નારાજ થઈ જાય.
વાત એમ છે કે અત્યાર સુધી મારી મમ્મી આ સંબંધ માટે ના નહોતી પાડી રહી, પણ હવે તે મને રાહ જોવાનું કહે છે. એમાં પાછું કુંડળી મેળવી તો એમાં મૅચ નથી થતું. બૉયફ્રેન્ડને આ વાતની ખબર પડી તો મારી મમ્મીને ધમકી આપી દીધી કે તમે જો સીધી રીતે નહીં માનો તો હું તમારી દીકરીને ભગાવી જઈશ. હવે આ પ્રકારનું વર્તન તો યોગ્ય નથી જ ને? હું બેઉ પક્ષે પીસાઈ રહી છું શું કરવું એ સમજાતું નથી.
જવાબઃ ધાર્યું કામ પાર પાડવું, જીવનમાં કંઈક મેળવવા અગ્રેસિવ અપ્રોચ રાખવો, જીતવાની જીદ રાખવી જેવી લાક્ષણિકતાને ગુણ ત્યારે જ કહેવાય જ્યારે એમાં વિવેકબુદ્ધિ પણ ભળેલી હોય. નહીંતર, કોઈ પણ લાક્ષણિકતાની અતિ જીવનમાં ભારે જ પડે. અતિશય ભોળપણ હોય તો એ અવગુણ સાબિત થઈ શકે છે એમ અતિશય જીદનું પણ એવું જ છે. ધાર્યું કામ પાર પાડવા કંઈ પણ કરવાની વાત ગુણ પણ છે, પણ એ ખોટી જીદમાં પરિણમે તો લોકો ખોટા રસ્તે પણ ચડી જાય છે.
યંગ એજમાં લક્ષ્ય પામવા માટે અગ્રેસિવનેસ હોવી એ સારી વાત છે, પરંતુ સારા-નરસાનો ભેદ ચૂકી જાય એવી અગ્રેસિવનેસ બેધારી તલવાર જેવી છે. તમારા વર્ણન પરથી લાગે છે કે તમારો બૉયફ્રેન્ડ પણ આ જ પાતળી ભેદરેખા જાળવી નથી શકતો.
તમારી પરિસ્થિતિ અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી હશે. આવા સંજોગોમાં તમારે ધીરજ અને શાંતિથી કામ લેવું આવશ્યક છે. બૉયફ્રેન્ડની હાલની અગ્રેસિવનેસ આવતીકાલે આપમેળે ઠીક થઈ જશે એવું ધારી ન લેવું. લગ્ન પછી તેને બદલી નાખીશું એવા ભ્રમમાં તો કદી ન રહેવું. ગુસ્સાવાળો સ્વભાવ હોય એ ખોટું નથી, પરંતુ જ્યારે સારાસારનો ભેદ માણસ ભૂલી જાય ત્યારે એ બેકાબૂ થઈ જાય છે. તમે કોઈ નિર્ણય પર આવો અને લગ્ન કરો એ પહેલાં જ તેના આ સ્વભાવ બાબતે વાતચીત કરવી જરૂરી છે. તમારી મમ્મીની ચિંતા અકારણ નથી. સફળતા માટે માણસ મથે એ જરૂરી છે, પણ જો નિષ્ફળતા મળે અથવા તો ધાર્યું પાર ન પડે ત્યારે જે વ્યક્તિ સ્થિરતા જાળવી શકે છે એ જ જીવનમાં આગળ વધી શકે છે.

sex and relationships columnists sejal patel