તને જિંદગી હું સમર્પિત રહું છું

20 December, 2020 03:06 PM IST  |  Mumbai | Hiten Anandpara

તને જિંદગી હું સમર્પિત રહું છું

તને જિંદગી હું સમર્પિત રહું છું

કવિ મુકેશ જોષીની એક પંક્તિ છે : હું થોડા દિવસ હવે તારામાં રહું? કોઈની ભીતર રહેવા માટે પ્રેમ સંપાદિત કરવો પડે. સમર્પણ વગરનું અર્પણ સાકર વગરની ચા કે સુગંધ વગરના ફૂલ જેવું લાગે. કહેવાય છે કે ઈશ્વર આપણામાં જ રહે છે છતાં એને ઓળખવો કાયમ અઘરો હોય છે. કેટલીક વાર આપણે એટલા તિતરબિતર અને વેરવિખેર બની જઈએ કે સ્વની ઓળખ વિશે પણ શંકા થાય. મનહર મોદી સ્વની મહત્તા કરે છે...
ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથ
જ્યારે ન હોય મારી કને મારી હાજરી
જાણીબૂઝીને સ્થિર ઊભી છે યુગો થકી
મારી વિચારભોમમાં કેવી છે આ નદી?
આપણા વિચારોમાં વહેતી નદી ક્યારેક કાંઠા તોડીને બહાર નીકળી જાય તો ક્યારેક સુકાઈને હીબકાં ખાતી હોય. ભીનાશ વગરની જિંદગી વિતાવવી અઘરી હોય છે. વિશાળ નદીના પટ ઉપર માત્ર એક હોડી તરતી હોય તોય એને કંપની જેવું લાગે. સાથી હોય તો સફર કાપવી ગમે. ગની દહીંવાલાની સરખામણી ખરેખર રોમૅન્ટિક છે...
તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે
હું એવું પુષ્પ છું: મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે
શિયાળાની ઠંડી લહેરખી શરૂ થઈ ગઈ છે. સવારે ત્વચા ઉપર ફરી વળે તો જાણે પ્રિયતમાનો દુપટ્ટો આપણા ઉપર ફરી વળ્યો હોય એવી શીતળ અનુભૂતિ થાય. ઠંડી વધે તો દુપટ્ટાને શાલ બનતાં વાર નથી લાગતી. ઉંમર ઉંમરનું કામ કરે. આ વખતે કોરાનાને કારણે વલસાડી ઉંબાડિયું ખાવાનું મિસ થશે. સલામતીના કારણે જીભના ચટાકા આમેય અંકુશમાં આવી ગયા છે. છતાં જીજિવિષા ક્યારેક તો અકળાઈ ઊઠવાની. સુધીર પટેલ જાણે કોરાના વૅક્સિન દેવીને હકથી કહી રહ્યા હોય એવું લાગે છે...
થઈ રહું વાતાવરણથી પર સુધીર
ઘેરી વળતી આ હવાનું કૈંક કર!
તબીબી ઇતિહાસમાં યુદ્ધના ધોરણે તૈયાર થનારી આ પહેલી રસી છે. જેમાં વર્ષોનાં વર્ષો લાગે એ મહિનાઓમાં તૈયાર થઈ ગઈ. આફતમાં અનેક માર્ગ નીકળતા જ હોય છે. જટિલ પડકારો જ નવાં સંશોધનોને, નવી રીતોને જન્મ આપે છે. નવ-નવ મહિનાથી લડી રહેલા કોરોના વૉરિયર્સ માટે પહેલો હાશકારો હાથવેંતમાં છે. ખરેખર આ બધાને સલામ જેમણે પોતાની જિંદગી દાવ પર મૂકી બીજાની જિંદગી બચાવી છે. હવે તો ટીવી પર રસીની શીશી જોઈને સ્ક્રીનમાંથી જ લઈ લેવાનું મન થઈ આવે છે. ઝટ જાઓ ચંદનહાર લાવો જેવી માગણી આપણું મન કરી રહ્યું છે. સરકારી ધોરણે તો ખરી જ પણ રસી બજારમાં પણ ઉપલબ્ધ થશે એ સમાચાર સાંભળીને આંખો ચકળવકળ થવા લાગી છે. પીયૂષ પરમાર કહે છે એમ ખરેખર આ બનાવ વિરલ પુરવાર થવાનો...
ભરતો રહું સ્મરણ હું હવા જેમ શ્વાસમાં
લાગ્યા કરે સતત છતાં તારો અભાવ છે
આંખો મળી ગઈ જ્યાં અમારી બજારમાં
લોકો જુએ છે એમ, પ્રથમ આ બનાવ છે
કોરાનાની રસીના આગમન સાથે એક નવા આત્મવિશ્વાસનો સંચાર થશે. ટપોરીઓ છાતી કાઢીને ફરતા હોય ત્યારે જે અભિમાન હોય કંઈ એવું જ અભિમાન આપણા મનખાને થશે જ્યારે આપણે માસ્ક કાઢીને ફરવાનું શરૂ કરીશું. જે દિવસે માસ્કને કબાટના પાછલા ખૂણે ઢબૂરી દઈશું ને પછી આવતી દિવાળીએ સાફસૂફી વખતે બહાર કાઢીશું ત્યારે આ ગીત અચૂક આપણા હોઠો પર આવી જશેઃ વો ભી ક્યા દિન થે. ત્યારે મૃતઃપાય થઈ ગયેલો કોરોના વાઇરસ સૈફ પાલનપુરીની આ પંક્તિઓ વાગોળતો પડ્યો હશે ક્યાંક ખંડેરોમાં...
આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું
મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું
આ વાઇરસે જે ઉપદ્રવ મચાવ્યો છે એ જોઈને થાય છે કે ભવિષ્યમાં કોરોના માતાજી ન શોધાય તો સારું. પછી કોરાના આરતીઓ લખાશે ને સ્તુતિઓ ગવાશે. આ બધા રોગ અને દુઃખ અંતે તો આપણે ભગવાનને ભૂલી ન જઈએ એની જ ગોઠવણ હોય એવું લાગે છે. સલીમ દેખૈયાની વાત સાચી છે...
છે આવ-જા પણ ગમ તણી મારા હૃદયમહીં
હસતો રહું હર દર્દમાં તમને મળ્યા પછી
છો ચેતના, છો અર્ચના ને સાધના બધી
ઈશ્વર મળે છે અર્જમાં તમને મળ્યા પછી
જાન્યુઆરીથી શરૂ થતું નવું કૅલેન્ડર વર્ષ નવા આઘાતો ન લાવે એવી કામના કરીએ. કુદરત સામે તો બધા લાચાર જ રહેવાના. છતાં આપણે આપણો પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. હાથમાં ચમચમતી ફુટપટ્ટી વાગે પછી જ કેટલીક વાત સમજાય એમ મહામારી આપણને કેટલાંક સત્યો સમજાવી ગઈ છે. જવાબદાર નાગરિક નહીં બનીએ તો આવનારી પેઢી આપણને ગુનેગાર ઠેરવશે એ વાત નક્કી છે. હર્ષ બ્રહ્મભટ્ટની પંક્તિઓ સાથે આપણે અસરદાર થઈએ...
ચહેરો જ નહીં સૌના ઇરાદાય બતાવે
થોડોક અરીસાને અસરદાર કરી દઉં
હું આપની નજરોથી સદા દૂર રહું છું
એવું ન બને તમને ગુનેગાર કરી દઉં
ક્યા બાત હૈ
તને જિંદગી હું સમર્પિત રહું છું
અને તોયે શાને ઉપેક્ષિત રહું છું?

મળે છે ભલે ફક્ત ક્ષણભર મને તું
પછી ક્યાંય સુધી સુવાસિત રહું છું

નથી આમ તો ડર મને આ જગતનો
કદી હું જ મારાથી ભયભીત રહું છું

ઘણાને મળું છું હું આખા દિવસમાં
અને ખુદને મળવાથી વંચિત રહું છું

કરું જાણી જોઈ જીવન આડું-અવળું
પછી હારી થાકી વ્યવસ્થિત રહું છું

બહુધા નથી વ્યક્ત સઘળો થતો હું
જરૂરત પડે ત્યાં પરિચિત રહું છું
ગણપત પટેલ ‘સૌમ્ય’
કાવ્યસંગ્રહઃ મૌનની ભાષા

weekend guide columnists