પરિવારને છોડીને મુંબઈ નોકરી માટે આવ્યો હતો, પણ હવે પાછા ગામ જવાય એમ નથી

22 July, 2020 07:46 PM IST  |  Mumbai | Sejal Patel

પરિવારને છોડીને મુંબઈ નોકરી માટે આવ્યો હતો, પણ હવે પાછા ગામ જવાય એમ નથી

પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ૩૧ વર્ષનો છું અને મધ્ય પ્રદેશથી મુંબઈ ભાગીને આવ્યો હતો. મારે ભણીને નોકરી કરવી હતી અને બાપુજીની ઇચ્છા ખેતી પર લગાવવાની હતી. જોકે મેં ધરાર ન માન્યું અને હું બે વર્ષ પહેલાં મુંબઈ આવી ગયો. નોકરી તો ઠીક-ઠાક મળી ગઈ અને ભાડેથી રહેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ. કોરોનાને કારણે બંધ થયું એ પછી એક મહિનો તો કંપનીએ પગાર આપ્યો, પણ પછી અનિયમિતતા થઈ ગઈ. બે મહિનાથી નોકરી છૂટી ગઈ છે. ભાડું કેવી રીતે ચૂકવવું અને રોજનો ખર્ચો કઈ રીતે નીકળશે એની ખબર નથી પડતી. બાપુજી પાસે તો પાછા નથી જ જવું એવું નક્કી કરેલું હોવાથી અત્યારે મેં શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે. ખેડૂતનો દીકરો હોવાથી એમાં નાનમ નથી, પરંતુ અત્યારે મુંબઈ જેવા મોટા શહેરમાં બહુ એકલું લાગે છે. મારી સાથેના બીજા જે બહારગામના લોકો હતા તે પોતાના ગામ જતા રહ્યા છે, પણ આટલું થયું હોવા છતાં મારા બાપુજી તરફથી એક ફોન નથી કે બેટા આવી જા. આવા સંજોગોમાં ત્યાં પાછા ન જવામાં જ સાર છે. તેમના વગર બોલાવ્યે પાછો જઈશ તો લોકો ખીલ્લી ઉડાવશે અને અહીં સર્વાઇવ થવાનું અઘરું છે. જો ત્રણ-ચાર મહિનામાં બરાબર કામકાજ ન મળ્યું તો જીવવું અઘરું થઈ જશે. મને અહીં એક છોકરી સાથે પ્રેમ થયેલો તેની સાથે જિંદગી માંડવાનું પ્લાન કરેલું, પર અત્યારે તો એની પર પણ અર્ધવિરામ મુકાઈ ગયું છે. નોકરી વિનાના છોકરાને ભલા કયો બાપ છોકરી આપવા તૈયાર થશે?
જવાબ- જે મુંબઈ શહેર એક સમયે કરોડો લોકોનાં સપનાં પૂરા કરવાનું શહેર મનાતું હતું એ હાલમાં ઠંડું પડી ગયું છે. માત્ર મુંબઈ જ નહીં, દુનિયાનું દરેક શહેર વધતે-ઓછે અંશે નોકરી-રોજગારના દૃષ્ટિકોણથી ઠંડાં પડેલાં છે.
ગામમાંથી ભાગીને તમે આવ્યા ત્યારે આવી સ્થિતિ પણ આવશે એનો કદાચ તમને અંદાજ પણ નહીં હોય, જોકે અનિશ્ચિતતાઓનું જ બીજું નામ તો જિંદગી છે. કાલ કોણે દીઠી છે? યસ, તમારી હિંમતને બિરદાવવી પડે. પરિવારથી છૂટા પડીને તમે ઘણો સંઘર્ષ કરીને મુંબઈમાં સેટલ થવાનો તમે પ્રયત્ન કર્યો છે. આર્થિક અનિશ્ચિતતાઓની દૃષ્ટિએ અત્યારે માત્ર તમારી જ નહીં, લગભગ બધાની હાલત વધતેઓછે અંશે સરખી છે. આવામાં મારે તમને એક સલાહ નહીં, વિનંતી કરવી છે. અત્યારે જે સંજોગો છે એ ગમેએટલી કસોટીઓ કરી લે એમાંથી હાર નથી માનવી એવું ઠાની લો. જો સર્વાઇવલની સમસ્યા બહુ મોટી લાગતી હોય તો પરિવાર પાસે પાછા તો નથી જ જવું એવી નાહકની જિદ ન રાખતા. કપરા સમયમાં પરિવાર જ સ્તો એક એવી જગ્યા છે જ્યાં પોતીકાપણું મળવાનું છે. પિતાનો ફોન આવે તો જ વાત કરું એવી અકડાઈ ન રાખો. આવા કઠિન સંજોગોમાં પેરન્ટ્સના ખબરઅંતર રાખવા એ દીકરા તરીકે તમારી પણ જવાબદારી છે જ ને!
બહુ સારું છે કે તમે અહીં આર્થિક ઉપાર્જનના ઑલ્ટરનેટિવ્સ શોધી લીધા છે. ભલે કદાચ એ અત્યારે તમને નાનું કામ લાગતું હોય, પણ સ્વમાનભેર જીવવા માટે કોઈ જ કામ નાનું નથી હોતું એટલું યાદ રાખવું. સર્વાઇવલ માટે કોઈ પણ કામ કરવાની અને એ કામમાં નવી તક શોધવાની દૃષ્ટિ રાખશો તો જરૂર આગળ રસ્તો નીકળતો જશે. બીજું, અત્યારે સહુની હાલત પાતળી છે એટલે જો તમે નિષ્ફળ જશો કે પરિવાર પાસે પાછા જવું પડશે તો લોકો શું કહેશે એવા વિચારને તો અત્યારે જ તગેડી મૂકજો.

sejal patel sex and relationships columnists