આ સવાલ અને આ જવાબ

07 December, 2025 04:46 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

એક વખત મુંબઈના ગવર્નર અને કૉન્ગ્રેસી નેતા શ્રી પ્રકાશના પુત્ર તપોવર્ધને પૂછેલા કયા પ્રશ્નનો ઉત્તર સરદાર પટેલ પાસે નહોતો?

સરદાર વલ્લભભાઈ પટેલ

સ્વતંત્ર ભારતના પહેલા વડા પ્રધાન થવા માટે જેમનું નિર્માણ નિશ્ચિત હતું તે સરદાર વલ્લભભાઈ પટેલ વડા પ્રધાન બની શક્યા નહોતા. તે વડા પ્રધાન કેમ બની શક્યા નહીં એની વાત આજે આપણે નથી કરવી. ૧૯૫૦ની ૧૫ ડિસેમ્બરે મુંબઈમાં બિરલા ભવન ખાતે સરદારે જિંદગી સમેટી લીધી એ ૧૫ ડિસેમ્બર એક અઠવાડિયા પછી છે, પણ આજે સરદાર વિશેની એક ઓછી જાણીતી એવી ઘટના સંભારવી છે. 
સરદાર ભલભલા નેતાઓ અને મુત્સદ્દીઓને જડબાતોડ જવાબ આપવા માટે જાણીતા હતા, પણ એક વાર ૨૦-૨૨ વર્ષના એક છોકરડાનો પ્રશ્ન તેઓ ઉકેલી શક્યા નહોતા. એક વખત મુંબઈના ગવર્નર અને એ સમયના આગેવાન કૉન્ગ્રેસી નેતા શ્રી પ્રકાશે આ ઘટના એક લેખમાં લખી છે. આ લેખ લગભગ ૭૦ કે એથી વધુ વર્ષો પહેલાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અત્યંત પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં પ્રગટ થયો હતો. આ લેખનું શીર્ષક હતું, ‘Tapu, my son - A problem’. આ ઘટના અત્યારે સંભારીએ...

સરદાર, આનો ઉકેલ શું? 

શ્રી પ્રકાશે એક રાત્રે આવીને સરદારને કહ્યું, ‘સરદાર, આમ તો આ એક નજીવો પ્રશ્ન છે, પણ મારા પુત્રના આ પ્રશ્નનો ઉત્તર મને મળતો નથી. તમે મને મદદ કરો.’
વાત એમ હતી કે શ્રી પ્રકાશના આ પુત્રનું નામ તપોવર્ધન હતું. તપોએ આઝાદી પછી પિતાશ્રી પ્રકાશને કહ્યું, ‘પિતાજી, મારે પાઇલટ બનવું છે. પાઇલટ બનવા માટે ઇન્ડિયન હવાઈદળે હમણાં ભરતીની જાહેરખબર આપી છે. હું બધી રીતે આ પાઇલટ બનવા માટે સક્ષમ છું, પણ હવાઈદળે મિનિમમ શૈક્ષણિક લાયકાતમાં ગ્રૅજ્યુએટ હોવાનું ફરજિયાત કહ્યું છે. હું ગ્રૅજ્યુએટ નથી. ગ્રૅજ્યુએટ થઈ શક્યો હોત, પણ ગાંધીજીએ અને તમારી કૉન્ગ્રેસે સૌને અંગ્રેજી શિક્ષણ છોડી દેવાનું કહ્યું. અમે તમારી વાત માની. મેં કૉલેજ છોડી દીધી. હવે હું તમારા કહેવાથી ગ્રૅજ્યુએટ નથી થયો અને હવે તમારી સરકાર મિનિમમ શૈક્ષણિક લાયકાત તરીકે ગ્રૅજ્યુએશન માગે છે. હવે હું આ ગ્રૅજ્યુએશન ક્યાંથી લાવું?’

તત્કાલીન ઉકેલ 

સરદાર પ્રશ્ન સમજી ગયા. તેમણે શ્રી પ્રકાશને કહ્યું, ‘તપોને હવાઈદળમાં ભરતી નહીં કરી શકાય, ત્યાં કાયદો ફેરવી શકાય નહીં. ભારતીય પૅસેન્જર ટ્રાફિકની ભરતીમાં ગ્રૅજ્યુએટ હોવું ફરજિયાત નથી. તમે તપોને ત્યાં મોકલો. હું ભલામણ કરીશ.’
અને આમ તપોવર્ધન પાઇલટ બન્યો. થોડા વખત પછી શ્રી પ્રકાશ સરદારને મળ્યા ત્યારે સરદારે પૂછ્યું, ‘તપો હવે રાજી થયો છેને?’ 
શ્રી પ્રકાશે એક ક્ષણ સરદાર સામે જોઈને કહ્યું, ‘સરદાર, તપો રાજી નથી થયો. તે પાઇલટ તો થયો, પણ તેણે એક પ્રશ્ન પૂછ્યો છે. હું પાઇલટ બની શક્યો, કારણ કે શ્રી પ્રકાશનો પુત્ર હતો અને સરદારશ્રીની ભલામણ હતી. આવો લાભ તમે કેટલાને આપી શકશો? મારા જેવા સેંકડો છોકરાઓ રખડી પડ્યા છે. આનો જવાબ તમારી પાસે છે?’ 
સરદાર સાંભળી રહ્યા. તેમની પાસે પણ એનો કોઈ જવાબ નહોતો. તેમણે શ્રી પ્રકાશને કહ્યું, ‘તપોને કહેજો કે તારી વાત સાચી છે. અમે પ્રયત્ન કરીશું.’
આ વાત અહીં પૂરી થઈ. સરદાર અને એ પછીની કોઈ સરકાર તપોના પ્રશ્નનો ઉકેલ આપી શકી નથી. સૌથી કરુણ વાત તો એ છે કે આ તપોવર્ધન બહુ જ ટૂંકા ગાળામાં એક વિમાનના અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.

એક બીજી વાત 

આઝાદી પછીનાં તત્કાલીન વર્ષોમાં ભારતીય સરકારના પ્રધાનમંડળમાં નેહરુ અને સરદાર વચ્ચે વિખવાદ છે અને પ્રધાનમંડળના બધા સભ્યો નેહરુ અને સરદારનાં બે જૂથમાં વહેંચાઈ ગયા છે એવી વાત ખાસ્સી ફેલાયેલી હતી. શ્રી પ્રકાશે સરદારને આ વાતનો ઉલ્લેખ કરીને પૂછ્યું, ‘સરદાર, આવા જૂથની વાત સાચી છે?’ 
સરદારે સહેજ હસીને કહ્યું, ‘પ્રધાનમંડળમાં આવાં કોઈ જૂથ હોય એની મને ખબર નથી અને જો હોય તો હું સરદારના જૂથમાં છું.’ 
શ્રી પ્રકાશ સ્તબ્ધ થઈ ગયા. સરદારના આ જવાબનો તેમની પાસે કોઈ જવાબ નહોતો. આજે સરદાર નથી, શ્રી પ્રકાશ પણ નથી અને તેમના આવા પ્રશ્નો અને આવા ઉત્તરો પણ નથી.

columnists dinkar joshi sardar vallabhbhai patel gujarati mid day exclusive