હાલમાં દાંતની કઈ સારવાર કરાવવી અને કઈ ટાળવી?

27 May, 2020 10:05 PM IST  |  Mumbai | Bhakti Desai

હાલમાં દાંતની કઈ સારવાર કરાવવી અને કઈ ટાળવી?

ઇમર્જન્સીમાં સારવાર કરાવો, પણ સેફ્ટી સાથે

શું તમને કોઈ દાંતની પીડા હમણાં સતાવી રહી છે? તો જરૂર તાત્કાલિક સારવાર મેળવી શકો છો. જોકે દાંતની ઘણી ટ્રીટમેન્ટ એવી છે જે હાલમાં બની શકે તો થોડો સમય ડિલે કરવી જરૂરી છે. ડેન્ટિસ્ટને ત્યાં પણ યોગ્ય સૅનિટાઇઝેશન અને પ્રિવેન્શનનાં પગલાં લેવાતાં હોય એ આવશ્યક છ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા એક તરફ તમામ ફિઝિશ્યન્સને તેમની ક્લિનિક ઓપન રાખવાનું કહેવામાં આવ્યું છે ત્યારે ડેન્ટલ ક્લિનિક્સ એમાંથી બાકાત છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં તો ડેન્ટલ ક્લિનિક બંધ જ રાખવાની છે, જ્યારે ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ બને ત્યાં સુધી કન્સલ્ટેશન જ અલાઉડ છે, સિવાય કે કોઈ ખાસ ઇમર્જન્સી હોય. એનું કારણ એ છે કે સામાન્ય ડૉક્ટર તેના દરદી સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ મેઇન્ટેન કરી શકે છે, પણ દાંતના ડૉક્ટર અને દરદી વચ્ચે એ સંભવ નથી. ચેક-અપ માટે તો ઠીક, પણ જો કોઈ પ્રોસીજર કરવાની હોય તો એ પણ જોખમી બની શકે છે. મોં, લાળ અને રેસ્પિરેટરી ટ્રૅક્ટમાં જ કોરોના વાઇરસનો લોડ ભરેલો હોય છે ત્યારે જો કોઈ અસિમ્પ્ટમૅટિક કોવિડ-19 પેશન્ટ હોય અને દાંતની સારવાર કરાવવા આવે તો એનાથી ચેપ ફેલાઈ શકે છે. 

એમ છતાં જો કોઈને દાંતની તકલીફ થાય તો આ ગાળામાં શું કરવું? દાંતની સારવારમાં દરદી અને ડેન્ટિસ્ટ વચ્ચે અંતર રાખવું શક્ય નથી હોતું, પણ કોવિડ-19ને કારણે થયલા લૉકડાઉનમાં દાંતની સારવારની જરૂર પડે તો શું કરવું? કેવી સારવાર માટે ડેન્ટિસ્ટ પાસે જવું? ઘરે બેસીને ડૉક્ટરની સલાહથી દરદીએ કેવી રીતે દાંતની પીડા દૂર કરવા શું કરવું? અને ધારો કે ઇમર્જન્સીમાં ટ્રીટમેન્ટ લેવી જ પડે તો શું કરવું એ વિશે આજે જાણીએ.
૨૦ વર્ષના અનુભવી જુહુના એન્ડોડૉન્ટિસ્ટ ડૉ. અજય બજાજ કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરીને માત્ર ઇમર્જન્સી કેસ માટે ક્લિનિક ચાલુ રાખ્યું છે. તેઓ કહે છે, ‘કોવિડ-19 પછી અમારી અને દરદીની સુરક્ષા માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને તેમને ઘરે બેસીને ફોન પર, વિડિયો-કૉલ પર સલાહ આપવાનું અમે વધારે યોગ્ય સમજીએ છીએ. જોકે લૉકડાઉન પહેલાં મે ઘણા દરદીઓની રૂટ-કૅનાલની સારવાર શરૂ કરી હતી. આમાં અમુક નિશ્ચિત સમયાંતરે ડેન્ટલ પ્રોસીજર થતી હોય છે, એથી વધારે સમય માટે મુલતવી નથી રાખી શકાતી એથી આવા કિસ્સાઓ અપવાદરૂપ છે.’
અનિવાર્ય શું અને ટાળવું શું?
કોરોના આવ્યો એ પહેલાં જ કોઈએ
રૂટ-કૅનાલ, ટૂથ-ઇમ્પ્લાન્ટ જેવી સારવાર શરૂ કરી હોય તો તેમની અધૂરી સારવાર પૂરી કરવી જરૂરી છે. એ ઉપરાંત બીજા કયા કેસમાં ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે એ વિશે ડૉ. અજય બજાજ કહે છે, ‘દાંતનો અસહ્ય દુખાવો હોય, દાંત અચાનક તૂટી જાય, પેઢામાં કોઈ ઇન્ફેક્શનને કારણે સોજો હોય, પસ ભરાયું હોય કે અકસ્માતથી અથવા પડી જવાથી જડબાના ફ્રૅક્ચર જેવી ઇમર્જન્સી થાય ત્યારે સારવાર અનિવાર્ય થઈ જાય છે. જોકે
ટીથ-વાઇટનિંગ, ક્લીનીંગ કે કૉસ્મેટિક અને એસ્થેટિક ટ્રીટમેન્ટ કરાવવાનું હાલમાં ટાળવું જોઈએ. આમ તો દાંતનું ક્લીનિંગ ૬ મહિનામાં એક વાર થવું જોઈએ, પણ એ હમણાં ટાળી શકાય છે. હા, જો એવામાં કોઈ ભારે ચેપ લાગ્યો હોય તો ક્લીનિંગ કરાવી લેવું હિતાવહ છે.’


વિડિયો અને એક્સ-રે

દરદી ઘેરબેઠાં કઈ રીતે સારવાર લઈ શકે એ વિશે માહિતી આપતાં ડૉ અજય બજાજ કહે છે, ‘જેમના દાંતના એક્સ-રે ડેન્ટિસ્ટ પાસે હોય છે તેમને કોઈ પીડા થાય તો એના આધારે દરદીને માર્ગદર્શન મળી શકે. સામાન્ય પરિસ્થિતિમાં ટેલિફોનિક મેડિસિન એટલે કે ફોન પર દરદીને દવા સૂચવવવાની પરવાનગી અમને નથી હોતી, પણ લૉકડાઉનમાં કોવિડ-19ની ગાઇડલાઇનના હિસાબે દરદીને જરૂરી પ્રશ્નો પૂછી યોગ્ય દવા આપી શકાય છે, જેને માટે દરદી કન્સલ્ટેશન-ફી ઑનલાઇન આપી શકે છે. ઍડ્વાન્સ ટેક્નૉલૉજી સાથે હવે હું દરદીઓને તકલીફ આપનાર દાંતના અમુક ફોટો મોકલવા વિનંતી કરું છું અને સાથે જ સારી રીતે સમજવા માટે ૧૦થી ૧૫ સેકન્ડનો વિડિયો પણ મગાવું છું, જેથી દાંતની આજુબાજુનો ભાગ પણ દેખાઈ શકે અને દાંતની સમસ્યાનું મૂળ સમજી શકાય. આનાથી નાની સમસ્યામાં ક્લિનિકમાં કરીએ એવી તપાસ ફોટો અને વિડિયો દ્વારા થઈ શકે છે. જૂના દરદી હોય તો તેમને કઈ દવા સદે છે એનો અંદાજ પણ હોય છે. જ્યારે નવા દરદીને દવાથી ઉદ્ભવતી ઍલર્જીને લગતા પ્રશ્નો પૂછીને જ દવા સૂચવી શકાય છે. જો એ પછી પણ દરદીને આરામ ન મળે તો જ તેમને ક્લિનિક પર આવીને ચેકઅપ કરાવવું પડે.’

ઇમર્જન્સીમાં સારવાર કરાવો, પણ સેફ્ટી સાથે

લૉકડાઉન દરમ્યાન દાંતની અચાનક ઊભી થયેલી સમસ્યા માટે સારવાર લેનાર કાંદિવલીના દેવાંગ શેઠ પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘મારા દાંતની કૅપ અચાનક તૂટી ગઈ એથી હું થોડો મૂંઝાયો. મેં મારા ડેન્ટિસ્ટને તરત ફોન કર્યો અને તેમણે કહ્યું કે મારે ત્યાં જવું જ પડશે. મને ડર હતો કે હું આ સમસ્યા કાઢવા જતાં કોરોનાથી કઈ રીતે બચી શકીશ. એથી મેં ડૉક્ટરને પૂછી લીધું કે તેઓએ બધી સાવચેતી રાખી છે કે નહીં. મારા ડેન્ટિસસ્ટે મને ખાતરી આપી કે તમે આવી જાઓ, અમે સુરક્ષાનાં પગલાં લીધાં છે. મને અંદર લેતાં પહેલાં ઘણાં સુરક્ષાનાં પગલાં લીધાં. હું ત્યાં ગયો તો મને એવું લાગ્યું કે હું સ્પેસમાં પહોંચી ગયો છું, કારણ કે મારા ડેન્ટિસ્ટને હું ઓળખી શક્યો જ નહીં. તેમણે પર્સનલ પ્રોટેક્ટિવ કિટ અને અન્ય આવરણથી પોતાને ઢાંકી દીધા હતા. એક શબ્દની વાત કરવાની નહોતી. બધા અંતર રાખીને ઊભા હતા.’

આટલું રોજ કરશો તો દાંતની ઇમર્જન્સી નહીં આવે

કોઈ પણ ફ્લોરાઇડ ટૂથપેસ્ટ વાપરી દિવસમાં બે વાર બેથી ત્રણ મિનિટ માટે વ્યવસ્થિત બ્રશ કરો
દાંતની સમસ્યા ટાળવા રાત્રે બ્રશ કરવું ફરજિયાત
સાકરનું વધુ પડતું સેવન ટાળવું
પાણી વધારે પ્રમાણમાં પીવું
ફ્લોસ અથવા ઇન્ટરડેન્ટલ બ્રશથી દાંતની વચ્ચે સફાઈ કરવી
માઉથ-વૉશનો નિયમિત ઉપયોગ કરવો
સમય-સમયે ટૂથબ્રશ નવું લેવું અને કોઈ બીજાનું બ્રશ ક્યારેય ન વાપરવું
- ડૉ. દીપક મુછાળા

ડેન્ટલ ક્લિનિકમાં જરૂરી સાવચેતી

હાલના સમયમાં ડેન્ટલ ક્લિનિકમાં કેવી કાળજી રાખવી અનિવાર્ય છે એ વિશે ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશનના હેડ ઑફિસના ટ્રેઝરર અને વિલે પાર્લેના ૩૨ વર્ષનો વ્યાપક અનુભવ ધરાવનાર નિષ્ણાત ડેન્ટલ સર્જ્યન, ડૉ. દીપક મુછાળા જરૂરી તકેદારીઓ વિશે જણાવે છે ઃ
હિસ્ટરી લેવાનું મહત્ત્વનું : એમાં દરદીને ક્લિનિક પર બોલાવતાં પહેલાં ફોન પર અથવા મેસેજ પર અમુક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમને શરદી, ઉધરસ, તાવ છે કે નહીં અને ૧૪ દિવસ દરમ્યાન તેમના સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ વિશે પૂછવામાં આવે છે અને છેલ્લે તેઓ કોઈ કોરોના પૉઝિટિવ દરદીની નિકટ ગયા છે એની જાણકારી પણ લેવાય છે.
ક્લિનિક પર પ્રાથમિક તપાસઃ સૌપ્રથમ આવનારના શરીરનું ઉષ્ણતામાન માપવામાં આવે છે. નાડીના ધબકારાની તપાસ, હાથ સૅનિટાઇઝ કરાવવા, મોઢે ફરજિયાત માસ્ક પહેરવો એ બધા સાથે દરદીને એકલાને જ બોલાવાય છે જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે.
પ્રોટેક્શન અને પ્રિકોશન્સ: દરદીની સારવાર દરમ્યાન દરદીએ શૂ કવર, માથામાં કૅપ, ગાઉન અને ટ્રીટમેન્ટ-રૂમમાં પ્રવેશતાં પહેલાં આંખ પર રક્ષણાત્મક ચશ્માં પહેરવાં, પછી ખાસ માઉથ-વૉશથી જીવાણું મારવા માટે કોગળા કરાવવા.
સૅનિટાઇઝેશન : દરદી જાય પછી જમીન અને સપાટીને સોડિયમ હાઇપોક્લોરાઇડ સૉલ્યુશન દ્વારા ધોવાય છે અને ક્લિનિકઆખું સ્ટરિલાઇઝ ઈ એને પૂરી રીતે સ્વચ્છ કરવામાં આવે છે.

દાંતનો અસહ્ય દુખાવો હોય, દાંત અચાનક તૂટી જાય, પેઢામાં કોઈ ઇન્ફેક્શનને કારણે સોજો હોય ત્યારે સારવાર અનિવાર્ય થઈ જાય છે. જોકે ટીથ-વાઇટનિંગ, ક્લીનીંગ કે કૉસ્મેટિક અને એસ્થેટિક ટ્રીટમેન્ટ કરાવવાનું હાલમાં ટાળવું જોઈએ.
- ડૉ. અજય બજાજ, એન્ડોડૉન્ટિસ્ટ

bhakti desai covid19 columnists