મુંબઈનાં વાહનોમાં ફક્ત બાનુઓ માટેની અગવડ-સગવડ

01 August, 2026 08:02 PM IST  |  Mumbai | Deepak Mehta

૧૯૯૨ના મે મહિનાની પાંચમી તારીખ. એ દિવસે મુંબઈમાં જે બન્યું એવું અગાઉ મુંબઈમાં જ નહીં, આખા દેશમાં જ નહીં; આખી દુનિયામાં ક્યાંય બન્યું નહોતું અને એ બન્યું હતું આપણા ચર્ચગેટ સ્ટેશન પર.

ગેટવે ઑફ ઇન્ડિયા બંધાયા પહેલાંના પાલવા બંદરે વિક્ટોરિયાઓ.

૧૯૯૨ના મે મહિનાની પાંચમી તારીખ. એ દિવસે મુંબઈમાં જે બન્યું એવું અગાઉ મુંબઈમાં જ નહીં, આખા દેશમાં જ નહીં; આખી દુનિયામાં ક્યાંય બન્યું નહોતું અને એ બન્યું હતું આપણા ચર્ચગેટ સ્ટેશન પર. ચર્ચગેટ સ્ટેશનના એક નંબરના પ્લૅટફૉર્મ પર ગલગોટાના હારતોરાથી શણગારેલી એક લોકલ ટ્રેન ઊભી હતી. વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર ત્યાં હાજર હતા. તેમના હાથે ઉદ્ઘાટનવિધિ થયા પછી તરત પ્લૅટફૉર્મ પર ઊભેલી સંખ્યાબંધ સ્ત્રીઓ આનંદની ચિચિયારીઓ સાથે ટ્રેનના ડબ્બાઓમાં ચડી હતી. અને સિગ્નલની લાઇટ લીલી થતાંવેંત એ ટ્રેન ઊપડી ત્યારે એક નાનકડો ઇતિહાસ રચાયો. એ હતી આખી દુનિયાની પહેલવહેલી લેડીઝ સ્પેશ્યલ ટ્રેન. (વેસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઇટ પર આમ જણાવવામાં 
આવ્યું છે.) 
અલબત્ત, અગાઉ ઘણાં વર્ષથી મુંબઈની લોકલ ટ્રેનોમાં મહિલા મુસાફરો માટે અલગ ડબ્બાની વ્યવસ્થા તો હતી જ, સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ બન્નેમાં. હકીકતમાં BBCI રેલવેએ ૧૮૬૭ના એપ્રિલની ૧૨ તારીખે પહેલવહેલી લોકલ ટ્રેન દોડાવી એમાં પણ સ્ત્રીઓ માટે અલગ બેઠકોની (અલગ ડબ્બાની નહીં) વ્યવસ્થા હતી. એવી જ રીતે સિગારેટ-બીડી પીનારાઓ માટે પણ અલગ બેઠકો રાખી હતી. એ જ BBCIની વારસદાર વેસ્ટર્ન રેલવેએ દુનિયાની પહેલવહેલી ‘લેડીઝ સ્પેશ્યલ ટ્રેન’ દોડાવી. 
દરેક જમાનામાં દેશના બીજા ભાગો કરતાં મુંબઈ થોડું આગળ, થોડું અલગ તો રહ્યું જ છે. ૧૮૫૩માં શરૂ થયેલી બોરીબંદર અને થાણે વચ્ચેની લોકલ ટ્રેન એ મુંબઈનું પહેલવહેલું પબ્લિક ટ્રાન્સપોર્ટનું સાધન. એ પહેલાં હતાં પાલખી, બળદ વડે ખેંચાતા રેંકડા અને વિક્ટોરિયા. મોટા અને ધનવાન ઘરનાં બૈરાં (એ વખતનો સામાન્ય ચલણમાંનો શબ્દ)ને જ પાલખીનો ઉપયોગ કરવાનું પોસાય. જોકે ગમે એવી ગરમી હોય તોય બાઈ માણસથી પાલખીનો એક પણ પડદો ખુલ્લો તો ન જ રખાય. બધા પડદા બંધ. રેંકડામાં કે વિક્ટોરિયામાં એકલી સ્ત્રી ભાગ્યે જ મુસાફરી કરે. ઘરનો કોઈ ને કોઈ પુરુષ સાથે હોવો જ જોઈએ. જો પતિ-પત્ની સાથે જતાં હોય તો રેંકડા કે વિક્ટોરિયાની એક સીટ પર સાથે ન બેસી શકે. બન્નેએ સામસામી સીટ પર અલગ બેસવું પડે! અને વિક્ટોરિયાનું છાપરું ખુલ્લું ન રખાય, બંધ જ રાખવું પડે. અરે, સુધરેલા ગણાતા પારસી સમાજની સ્ત્રીઓ પણ જાહેરમાં કોઈ પણ જાતનાં પગરખાં પહેરી નહોતી શકતી. તેણે તો અડવાણે પગે જ ચાલવું પડે. અલબત્ત, આ બધા નિયમો સમાજના ઉપલા વર્ગોની સ્ત્રીઓને લાગુ પડતા અને એવી સ્ત્રીઓને ઘરની બહાર નીકળવાના પ્રસંગો જ બહુ ઓછા. મહેનતકશ સ્ત્રીઓ – માછણો તથા શાકભાજી, દાતણ કે બીજી રોજિંદા વપરાશની વસ્તુઓ વેચતી સ્ત્રીઓ 
તો મોટા ભાગે એકલી જ પગપાળા આવતી-જતી.   
૧૮૧૫માં સ્થપાયેલી ‘ધ બૉમ્બે એજ્યુકેશન સોસાયટી’એ ૧૮૧૮માં એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ એમાં એક પણ દેશી છોકરી ભણતી નહોતી. એ વિશે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિન્દુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી એટલે આ સ્કૂલમાં એક પણ દેશી છોકરી ભણતી નથી. પછી ધીમે-ધીમે છોકરીઓ ભણતી થઈ, પણ ત્રણ-ચાર ધોરણ કરતાં આગળ ભાગ્યે જ કોઈ છોકરીને ભણવા મોકલતા. કેમ? કારણ કે સમાજમાં એવો વહેમ ફેલાવવામાં આવેલો કે છોકરી વધુ ભણે તો વહેલી વિધવા થાય. ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઑફ બૉમ્બેમાં પણ પહેલવહેલી સ્ત્રી ગ્રૅજ્યુએટ થઈ તે છેક ૧૮૮૮માં. તેમનું નામ કૉર્નેલિયા સોરાબજી. કારણ? યુનિવર્સિટી ઑફ બૉમ્બેની સ્થાપના કરતા કાયદામાં બધે જ student માટે ‘he’ શબ્દ વપરાયો હતો એટલે વર્ષો સુધી છોકરીઓ મૅટ્રિકની પરીક્ષામાં બેસી જ શકતી નહોતી.
જોકે એ પહેલાં મુંબઈમાં એક નાનકડી ક્રાન્તિ થઈ. ૧૮૭૪ના મે મહિનાનો નવમો દિવસ. એ દિવસે મુંબઈ શહેરમાં પહેલી વાર રોડ ટ્રાન્સપોર્ટની શરૂઆત થઈ. કઈ રીતે? ઘોડાથી ચાલતી ટ્રામ દ્વારા. આ સેવા શરૂ કરી હતી એક ખાનગી કંપનીએ, જેનું નામ હતું બૉમ્બે ટ્રામવે કંપની. શરૂઆત બે રૂટથી થઈ : એક, કોલાબાથી પાયધુની વાયા ક્રૉફર્ડ માર્કેટ અને બીજો, બોરીબંદરથી પાયધુની. એક ટ્રામને બે ઘોડા ખેંચે. આ ટ્રામમાં મહિલાઓ માટે અનામત સીટ નહોતી, પણ સાધારણ રીતે સ્ત્રીઓ આગળની બે સીટ પર બેસતી. જો કોઈ પુરુષ મુસાફર બેઠો હોય એ સીટ પર અને કોઈ સ્ત્રી ટ્રામમાં ચડે તો કન્ડક્ટર પેલા પુરુષ મુસાફરને ઇશારાથી ઊઠવા સૂચવે. આ ઘોડાની ટ્રામ આજે તો સાવ ભુલાઈ ગઈ છે. થોડા જૂના ફોટોમાં ફક્ત જોવા મળે, પણ એણે એક બહુ મોટા સામાજિક પરિવર્તનની શરૂઆત કરી : તમે ટ્રામમાં બેઠા હો અને બાજુની ખાલી સીટ પર આવીને કોણ બેસશે એ કંઈ કહેવાય નહીં. તે મુસાફર ગમે એ જાતિ કે જમાતનો હોય, તમે તેને બેસવાની ના તો ન જ પાડી શકો. એટલે કે આ ટ્રામ દ્વારા જાહેર રસ્તાઓ પર ન્યાત-જાત, છૂત-અછૂતના ભેદ દૂર થવાની શરૂઆત થઈ. એવી જ રીતે પબ્લિક પ્લેસમાં પુરુષો સાથે સ્ત્રીઓનો પણ સમાવેશ થયો. ભલે અલગ સીટ પર, પણ પુરુષો સાથે એક જ વાહનમાં તે મુસાફરી કરતી થઈ. જોકે આમ જુઓ તો ૧૮૫૩માં GIP રેલવેની લોકલ ટ્રેન શરૂ થઈ ત્યારથી 
મુસાફર-મુસાફર વચ્ચેના ભેદભાવ કાનૂની દૃષ્ટિએ દૂર થવા લાગ્યા હતા. જોકે એ વખતે નોકરિયાત સ્ત્રીઓ તો લગભગ હતી જ નહીં એટલે લોકલ ટ્રેનમાં એકલી સ્ત્રી-પ્રવાસી ભાગ્યે જ જોવા મળે, જ્યારે ટ્રામની મુસાફરી તો ટૂંકા અંતરની પણ કરી શકાય. વળી ટ્રામના રૂટ નાની-મોટી બજારોને સાંકળતા થતાં હટાણું કરવા જતી સ્ત્રીઓ પણ ટ્રામની મુસાફરી કરતી થઈ. વળી આ વાહન હતું સૌથી 
સસ્તું : ગમે ત્યાંથી ગમે ત્યાં જાઓ, ટિકિટ એક આનો (આજના છ પૈસા) અને હા, કલાકના પાંચ માઇલની ઝડપે ચાલતી આ ટ્રામ એ વખતે હતી સૌથી વધુ ઝડપી વાહન.
પછી ઊગ્યો ૧૯૦૭ના મે મહિનાનો સાતમો દિવસ. BEST કંપનીએ શરૂઆત કરી ઇલેક્ટ્રિક ટ્રામની. એનો પહેલો રૂટ હતો કોલાબાથી દાદર. જોકે ૧૯૦૮ના મે મહિનાની ૧૬ તારીખ સુધી સાથોસાથ ઘોડા-ટ્રામ પણ ચાલતી રહી. પછી ઘોડા-ટ્રામ ગઈ અને રહી ફક્ત ઇલેક્ટ્રિક ટ્રામ. એમાં પહેલેથી જ આગળની ૪ સીટ સ્ત્રીઓ માટે અલગ રખાઈ અને એ બેઠકો પર For Ladies only એવી સૂચના લખાતી. સાધારણ રીતે સિંગલ ડેકર ટ્રામનો પાછલો દરવાજો ચડવા માટે અને આગલો ઊતરવા માટે વપરાતો, પણ સ્ત્રીઓ આગલા દરવાજેથી 
ચડી-ઊતરી શકતી. વખત જતાં ચારને બદલે ૬ સીટ સ્ત્રીઓ માટે અનામત રખાઈ. 
૧૯૨૬માં BEST કંપનીએ મુંબઈમાં બસસેવા શરૂ કરી ત્યારે પહેલેથી જ ૪ સીટ મહિલા મુસાફરો માટે અલગ રાખી; પણ પછી વધુ ને વધુ છોકરીઓ ભણવા માટે સ્કૂલ-કૉલેજ જવા લાગી, નોકરી કે પોતાનો નાનો-મોટો કામધંધો કરતી સ્ત્રીઓની સંખ્યા પણ સતત વધતી ચાલી. ત્યારે ફ્લોરા ફાઉન્ટન, ચર્ચગેટ, ક્રૉફર્ડ માર્કેટ, દાદર જેવાં સ્થળો પરનાં બસ-સ્ટૅન્ડ પર સ્ત્રીઓ માટે અલગ લાઇન રાખવાનું શરૂ થયું, પણ એને કારણે સગવડ ઓછી અને ટંટા-ઝઘડા વધારે. એટલે પછી લોકલ ટ્રેનની જેમ આખેઆખી બસ લેડીઝ સ્પેશ્યલ દોડાવવાનું નક્કી થયું. આ માટેની ૩૭ બસને અલગ પાડવા માટે એમને ભગવા રંગે રંગવામાં આવી અને એના પર બહુ મોટા અક્ષરે ‘તેજસ્વિની’ લખવામાં આવ્યું. સ્ત્રીઓ માટેની આ અલગ બસસેવા ૨૦૦૭ના ડિસેમ્બરની ૨૮ તારીખથી શરૂ થઈ. એ પછી એનો વિસ્તાર વધતો રહ્યો છે.
અને છેલ્લે આવી મુંબઈ મેટ્રો. એમાં બન્ને છેડા પર અડધોઅડધો ડબ્બો મહિલાઓ માટે અનામત રખાય છે. એ ડબ્બામાં જો કોઈ પુરુષ પ્રવાસ કરતો પકડાય તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત બાકીના ડબ્બાઓમાં પણ સ્ત્રીઓ અને સિનિયર સિટિઝનો માટે અનામત બેઠકો રખાઈ છે. 
હા, હવે લગભગ બધાં જાહેર વાહનોમાં સ્ત્રીઓ માટે બેસવાની અલગ વ્યવસ્થા થઈ ગઈ છે, પણ લોકલ ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં રોજેરોજ એક જ ટ્રેનમાં મુસાફરી કરતી સ્ત્રીઓની વાત તો અનોખી જ છે. રોજ સાથે બેસીને મુસાફરી કરવાની એટલે લગભગ સૌ એકબીજાને ઓળખે. ઘરનાં અને ઑફિસનાં સુખદુખની વાતો થતી જાય એની સાથે સાંજે ઘરે જઈને રાંધવાનું શાક સમારાતું જાય. ઘરે ગણપતિની પધરામણી થઈ હોય તો બધાને પ્રસાદ વહેંચાય અને એકબીજાને નાની-મોટી પૈસાની મદદ પણ થાય. જોકે ક્યારેક વાત વીફરે તો પહેલાં બોલાચાલી અને પછી મારામારી સુધી પણ પહોંચે, પણ બે-ત્રણ દિવસ પછી એ બધું ભુલાઈ જાય અને બધા હસીમજાક કરવા લાગે. અનેક હાડમારીમાં જીવતી મુંબઈની વર્કિંગ વુમન સુખ અને દુખ બન્ને વહેંચી જાણે છે. અહીં મુંબઈના જીવનની વશેકાઈ જોવા મળે છે તો ક્યારેક પામરતા પણ જોવા મળે. અલબત્ત, હવે જેમ-જેમ ભીડ વધતી જાય છે તેમ-તેમ મુસાફરોએ માત્ર શરીર સંકોચીને જ બેસવું પડતું નથી, તેમનાં મન પણ સાથોસાથ સંકોચાતાં જાય છે.
જોકે આપણે ગમગીનીથી આજની વાત પૂરી નથી કરવી. એક જમાનામાં લોકલ ટ્રેનનાં સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ પર થોડા-થોડા અંતરે મુસાફરોને બેસવા માટે બાંકડા રહેતા. (આજે તો હવે પ્લૅટફૉર્મ પર વધુ મુસાફરો ઊભા રહી શકે એ હેતુથી એમાંના ઘણાખરા બાંકડા અલોપ થઈ ગયા છે.) એમાંના કેટલાક બાંકડા પર ભૂરા બૅકગ્રાઉન્ડ પર સફેદ અક્ષરે લખેલાં નાનાં બોર્ડ જોવા મળતાં : ‘ફક્ત બાનુઓ માટે’, ‘ફક્ત સ્ત્રિયાં કરિતા’, ‘For Ladies only’. ગુજરાતી ભાષાના અપૂર્વ અને અનન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે એક વાર ગ્રાન્ટ રોડ સ્ટેશન પરના આવા એક બાંકડા પર બેઠા હતા. એવામાં કોઈ ઓળખીતા ત્યાં આવ્યા અને તેમણે પૂછ્યું : ‘જ્યોતીન્દ્રભાઈ, કેમ અહીં બેઠા છો?’ ‘ટ્રેનની રાહ જોઉં છું.’ ‘એ તો બરાબર, પણ જરા પાછળ જુઓ. બાંકડા પર બોર્ડ લગાડ્યું છે : ફક્ત બાનુઓ માટે.’ એક ક્ષણનાય વિલંબ વગર જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપ્યો : ‘હું પણ ફક્ત બાનુઓ માટે જ છું.’
મુંબઈની બાનુઓ વિશેની વધુ વાતો હવે પછી.

deepak mehta mumbai news columnists mumbai guide mumbai things to do in mumbai