મુંબઈ પોલીસના બદલાતા રંગ: લાલ, પીળો ને વાદળી અને છેવટે ખાખી

24 January, 2026 01:45 PM IST  |  Mumbai | Deepak Mehta

જેને માટે એક જમાનામાં આપણાં છાપાં ‘હુલ્લડ’ શબ્દ વાપરતાં એ પહેલી વાર ૧૮૩૨માં થયું હતું અને કહેવાય છે કે એની શરૂઆત પારસીઓએ કરી હતી. હજી આજે પણ રસ્તે રખડતા કૂતરા બાબતના કેસ છેક દિલ્હીની સુપ્રીમ કોર્ટ સુધી જાય છે.

મુંબઈ પોલીસના બદલાતા રંગ

અદાલતની બહાર, મુંબઈ પોલીસ નાના-મોટા ગુનેગારો સાથે જે રીતે કામ પાર પાડતી હતી એનાથી નારાજ રહેતા સર મૅકિન્ટોશે ૧૮૧૧માં જે દરખાસ્ત સરકારને મોકલી આપી એને આધાર તરીકે સ્વીકારીને મુંબઈ સરકારે ૧૮૧૨માં Rule, Ordinance and Regulation no.1 of 1812ની જાહેરાત કરી. ત્યાર બાદ છેક ૧૮૫૬ સુધી મુંબઈ પોલીસ મુખ્યત્વે એ નીતિનિયમોના આધારે કામ કરતી રહી. આ નિયમોને અનુસરીને ત્રણ મૅજિસ્ટ્રેટ ઑફ પોલીસની નિમણૂક કરવામાં આવી. ૧. કોટ વિસ્તાર માટે, જે સિનિયર મૅજિસ્ટ્રેટ તરીકે ઓળખાતો. ૨. કોટની બહારના માઝગાવ અને બ્રીચ કૅન્ડી સુધીના વિસ્તારો માટે ૩. માહિમમાં ઑફિસ ધરાવતો ત્રીજો મૅજિસ્ટ્રેટ બાકીના બધા વિસ્તારો માટે. એ વખતે મુંબઈ શહેરની હદ માહિમ સુધી જ હતી. આ ત્રણેનો પગાર હતો મહિને રૂપિયા ૫૦૦. દરેક મૅજિસ્ટ્રેટ ઑફ પોલીસની ઑફિસમાં નીચે પ્રમાણેનો સ્ટાફ :
પ્રભુ (ક્લાર્ક)-પગાર મહિને રૂપિયા ૫૦, કાજી-રૂપિયા ૮, ભટ (બ્રાહ્મણ) -રૂપિયા ૮, રબી (યહૂદી)-રૂપિયા ૧૨, પારસી મોબેદ-રૂપિયા ૬, બે કૉન્સ્ટેબલ દરેકને-રૂપિયા ૯, બે હવાલદાર-દરેકને  રૂપિયા ૮, ચાર પટાવાળા-દરેકને રૂપિયા ૬. કોણ જાણે કેમ પણ ૧૮૧૨માં પહેલા બે મૅજિસ્ટ્રેટ ઑફ પોલીસની નિમણૂક થઈ. ત્રીજા જેની ઑફિસ માહિમમાં હતી તેની નિમણૂક છેક ૧૮૩૦માં થઈ. આ ઉપરાંત મુંબઈગરાઓની દરેક મુખ્ય જ્ઞાતિનો એક-એક મુકાદમ નીમવામાં આવતો. તેનું કામ અંગ્રેજ અફસરોને જે-તે જ્ઞાતિનાં ધારાધોરણ, બંધનો, પરંપરા વગેરે સમજાવવાનું રહેતું. આખા મુંબઈની પોલીસ પાછળ સરકાર દર વર્ષે ૨૭,૨૦૪ રૂપિયા ખરચતી. આ ઉપરાંત દર વર્ષે હવાલદાર અને પટાવાળાના યુનિફૉર્મ પાછળ ૧૪૨૫ રૂપિયા અને સ્ટેશનરી પાછળ બે હજાર ખર્ચાતા. અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે દર વર્ષે ૮૮૮ રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી. 
પોલીસ-સ્ટેશનમાં કાજી, ભટ, રબી, મોબેદ વગેરેની નિમણૂક શા માટે એવો સવાલ સુજ્ઞ વાચકના મનમાં જરૂર ઊઠ્યો હશે. આ નિમણૂકો જેરલ્ડ ઍન્જરે શરૂ કરેલી પ્રથાને આભારી. તેમણે ‘દેશી’ લોકોના અંદર-અંદરના ઝઘડા વિશેના ચુકાદા આપતી વખતે સ્થાનિક પરંપરાને ધ્યાનમાં રાખવાનું ઠરાવ્યું અને એ માટે દરેક જાતિ-જ્ઞાતિના પુરુષોનાં જ્ઞાતિવાર પંચ બનાવેલાં. વખત જતાં એ કામ માટે મુખ્ય ધર્મના એક-એક પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી. આ પ્રથા ૧૮૬૨ સુધી ચાલુ રહી હતી. અલબત્ત, તેમની સલાહ માત્ર સિવિલ કેસમાં જ લેવાતી. બધા જ ક્રિમિનલ કેસમાં બ્રિટિશ કાનૂન લાગુ પડતો.
આ ત્રણ પોલીસ-સ્ટેશન ઉપરાંત ‘મરીન પોલીસ’ની અલગ શાખા હતી. દરિયાકિનારે અને બંદરમાં થતા ગુનાઓ મરીન પોલીસના તાબામાં હતા. નાંગરેલાં વહાણમાંથી કે બંદરના ધક્કા પરથી થતી નાની-મોટી ચોરી, ઝઘડા ઉપરાંત એક ખાસ પ્રકારનો ગુનો એ વખતે પ્રચલિત હતો. ઘણી વાર વેપારીઓ મોડી રાતે વહાણમાંનો બધો સામાન ઉતારી લીધા પછી વહાણને આગ ચાંપી દેતા! પણ કેમ? વીમાકંપની પાસેથી ‘આગમાં બળી ગયેલા’ માલનું વળતર મેળવવા. 
એ વખતે આખા શહેરમાં ગમે ત્યાં રાતને વખતે હથિયારબંધ ધાડપાડુઓ ત્રાટકતા અને જાન-માલની ખુવારી કરતા. આ ઉપરાંત નાની-મોટી ચોરીઓ તો લગભગ રોજ થતી. એટલે જેમની પાસે ગુમાવવા જેવું થોડુંઘણું પણ હોય તેઓ પોલીસ પર આધાર રાખવાને બદલે પોતાનો અલગ ‘ભૈયો’ રાખતા. જોકે તેની પાસે હથિયારમાં માત્ર એક લાઠી રહેતી. આ ‘ભૈયા’ તે આજની સોસાયટીઓમાં જોવા મળતા જડબેસલાક ‘સિક્યૉરિટી ગાર્ડ્સ’ના વડવાઓ. 
૧૮૨૪માં રેકૉર્ડર્સ કોર્ટ નાબૂદ કરીને એના સ્થાને ‘સુપ્રીમ કોર્ટ’ની સ્થાપના મુંબઈ, કલકત્તા, અને મદ્રાસમાં કરવામાં આવી. ફરી ૧૮૬૨માં આ ‘સુપ્રીમ કોર્ટ’ની જગ્યા ત્રણ હાઈ કોર્ટે લીધી. આ ત્રણે હાઈ કોર્ટની સ્થાપના બ્રિટિશ પાર્લમેન્ટના કાયદા દ્વારા નહીં પણ ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ બહાર પાડેલા ઢંઢેરાથી થઈ હતી. અને એટલે જ આજ સુધી બૉમ્બે, કલકત્તા અને મદ્રાસ હાઈ કોર્ટનાં નામ બદલી શકાયાં નથી. 
જેને માટે એક જમાનામાં આપણાં છાપાં ‘હુલ્લડ’ શબ્દ વાપરતાં એ પહેલી વાર ૧૮૩૨માં થયું હતું અને કહેવાય છે કે એની શરૂઆત પારસીઓએ કરી હતી. હજી આજે પણ રસ્તે રખડતા કૂતરા બાબતના કેસ છેક દિલ્હીની સુપ્રીમ કોર્ટ સુધી જાય છે. આજના મુંબઈમાં છે એના કરતાં એ વખતે રસ્તે રખડતા કૂતરાનો ત્રાસ ઘણો વધારે હતો. એટલે એવા કૂતરાને પકડી લાવે તેને કૂતરા દીઠ આઠ આના (આજના પચાસ પૈસા)નું ઇનામ આપવાની જાહેરાત સરકારે કરી. એનાથી લલચાઈને કેટલાક લોકો ઘરના આંગણામાંથી પણ કૂતરા ઉપાડી જવા લાગ્યા. એમાં એક દિવસ બે અંગ્રેજ કૉન્સ્ટેબલ એક કૂતરાને એક પારસીના ઘરમાંથી ઉપાડી ગયા અને ઘરથી થોડે દૂર લઈ જઈને એને મારી નાખ્યો. કોટ વિસ્તારમાં ખબર ફેલાઈ જતાં પારસી, જૈન, હિન્દુ લોકોનાં ટોળાં ભેગાં થયાં અને પેલા બે ગોરા કૉન્સ્ટેબલને ઘેરીને તેમના પર હુમલો કર્યો. બીજા દિવસે આખા શહેરમાં હડતાલ પડી અને લોકોનાં નાનાં-મોટાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં. બ્રિટિશ સૈનિકો માટેની ખાધાખોરાકીની વસ્તુઓ અને બીજો સામાન કોટમાં એક ‘સ્ટોર’ (કોઠાર)માં રાખવામાં આવતો. લોકોના ટોળાએ આ કોઠારને આગ ચાંપીને બધો માલસામાન બાળી નાખ્યો. પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે એમ લાગ્યું ત્યારે બ્રિટિશ સૈનિકોની ટુકડીઓને મામલો સોંપી દેવાયો. ત્યાર બાદ થોડા વખતમાં પરિસ્થિતિ થાળે પડી. 
એ અરસાના ‘બૉમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારે નોંધ્યું હતું કે ‘મુંબઈમાં નાના-મોટા ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને ગિરગામ, માઝગાવ, ભાયખલા વગેરે વિસ્તારમાં રાતના વખતે હાથમાં તલવાર અને બંદૂક જેવાં હથિયારો અને મશાલો લઈને લૂંટારું ટોળીઓ ત્રાટકે છે એટલું જ નહીં, ચોરી કર્યા પછી એ ઘરને મશાલ વડે આગ ચાંપી દે છે. આવા ચોર-લૂંટારાને પોલીસની સહેજ પણ બીક હોતી નથી. ઘણી વાર તો પોલીસ પોતે જ આવી ટોળીઓ સાથે ભળેલી હોય છે. આ રીતે ચોરો કે ધાડપાડુઓ સાથે મળી ગયેલા બે પોલીસને પકડવાનો હુકમ મૅજિસ્ટ્રેટે આપ્યો ત્યારે બીજા પોલીસોએ એ મૅજિસ્ટ્રેટ પર જ લાઠીઓ વડે હુમલો કર્યો.’ સમાચારને અંતે એ છાપાએ લખ્યું કે જો બધા પોલીસોને તડીપાર કરવામાં આવે તો મુંબઈના લોકો કદાચ વધુ સલામત રહેશે. આ રીતે મૅજિસ્ટ્રેટ પર પોલીસોએ જ હુમલો કર્યો એ પછી સરકારે પુણેથી અર્ધલશ્કરી જવાનોને બોલાવીને શહેરમાં રાત્રે પૅટ્રોલિંગ કરવાનું કામ તેમને સોંપી દીધું હતું. થોડા વખત પછી મુંબઈ પોલીસ વિશેના ખર્ચમાં સરકારે વર્ષે દસ હજાર રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો, પણ મુંબઈમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટવા લાગ્યું એ ૧૮૪૩થી. ના, પોલીસને કારણે નહીં. એ સાલમાં મુખ્ય રસ્તાઓ પર તેલના દીવા મૂકવામાં આવ્યા. રોજ સાંજને વખતે આ દીવામાં તેલ પૂરીને એને સળગાવવામાં આવતા. જેટલું તેલ પુરાતું એ લગભગ મધરાત સુધી ચાલતું પછી ૧૮૬૫ના ઑક્ટોબરમાં મુખ્ય રસ્તાઓ પર ગૅસના દીવા મૂકવામાં આવ્યા. ગૅસના પહેલવહેલા દીવા એસ્પ્લેનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) અને ભીંડી બજારમાં મુકાયા. આ દીવા આખી રાત ચાલુ રહેતા. આ સગવડ વધતી ગઈ એમ મુંબઈમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટતું ગયું.
હવે થોડી વાત બૉમ્બે પોલીસના યુનિફૉર્મ વિશે. ગવર્નર ઍન્જરના શાસનકાળ દરમ્યાન પહેલી વાર વ્યવસ્થિત પોલીસદળ બનાવવામાં આવ્યું ત્યારે પોલીસના સિપાઈઓનો યુનિફૉર્મ લાલ ભડક રંગનો હતો. લાંબી બાંયનો કોટ, એના પર કાળો પટ્ટો, ઘૂંટણની નીચે સુધી પહોંચતું એ જ રંગનું હાફ પૅન્ટ, પગ પર કાળા રંગનો પટ્ટો વીંટાળેલો, પગમાં સફેદ સૅન્ડલ અને માથે કાળા રંગની લાંબી ટોપી. પછીથી એમાં થોડો ફેરફાર થયો. લાંબી ટોપી અગવડભરી જણાતાં એને બદલે કાળો ફેંટો, કાળા પટ્ટાને બદલે સફેદ કમરબંધ, સૅન્ડલને બદલે બૂટ. પછી ૧૮૧૨માં જે યુનિફૉર્મ અપનાવાયો એ દેશને આઝાદી મળી એ પછી પણ થોડાં વર્ષ ચાલુ રહ્યો. માથા પરની ચપટી પીળી ગોળ ટોપી. કોટ અને હાફ પૅન્ટ, બન્ને ડાર્ક બ્લુ કલરનાં. પગમાં કાળાં સૅન્ડલ. કમરે બાંધેલા પટ્ટામાં ખોસેલો લાકડાનો દંડૂકો. 
આઝાદી માટેની લડત દરમ્યાન પોલીસની પીળી ટોપી એ અંગ્રેજ રાજસત્તાનું અને એના દમનનું પ્રતીક બની ગઈ હતી. એટલે સૌથી પહેલાં એ દૂર કરવામાં આવી. ૧૯૪૮ના જુલાઈની વીસમી તારીખથી એ પીળી ટોપી દૂર થઈ અને એની જગ્યા લીધી ડાર્ક બ્લુ કલરની સર્વિસ કૅપે. યુનિફૉર્મનો ડાર્ક બ્લુ કલર છેક ૧૯૭૮ સુધી ચાલુ રહ્યો. એ વર્ષે ખાખી રંગનો નવો યુનિફૉર્મ દાખલ થયો, પણ જેમને એ ન પહેરવો હોય તેમને જૂનો ડાર્ક બ્લુ યુનિફૉર્મ પહેરવાની છૂટ આપવામાં આવી. ૧૯૮૧ના ઑક્ટોબરમાં એ છૂટ પાછી ખેંચી લેવામાં આવી અને ખાખી યુનિફૉર્મ ફરજિયાત કરવામાં આવ્યો. સ્ત્રી પોલીસને ખાખી સાડી-બ્લાઉઝ પહેરવાનો વિકલ્પ આપવામાં આવ્યો. 
મુંબઈ પોલીસમાં સ્ત્રીઓની ભરતી કરવાની શરૂઆત ક્યારે થઈ? ૧૯૩૯માં. કેમ? ૧૯૩૭માં લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટની યોજના દ્વારા પહેલી વાર સામાન્ય ચૂંટણી થઈ. એમાં કૉન્ગ્રેસને બહુમતી મળતાં એણે બી. જી. ખેરને મુંબઈ રાજ્યના વડા પ્રધાન તરીકે પસંદ કર્યા (એ વખતે બૉમ્બે, કલકત્તા અને મદ્રાસની સરકારોના વડા પ્રાઇમ મિનિસ્ટર તરીકે ઓળખાતા). તેમની સરકારે મુંબઈ શહેરમાં દારૂબંધી દાખલ કરી પણ દારૂનો ધંધો કરનારા કાંઈ ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે દારૂની હેરાફેરી માટે સ્ત્રીઓનો ઉપયોગ શરૂ કર્યો કારણ કે કોઈ પુરુષ પોલીસ સ્ત્રીની જડતી લઈ ન શકે. એ માટે નજીકની સરકારી હૉસ્પિટલમાંથી નર્સને બોલાવવી પડતી. એટલે મુંબઈ બહારના થાણે જેવા વિસ્તારોમાંથી રોજેરોજ કેટલીયે ‘સગર્ભા’ સ્ત્રીઓ મુંબઈ આવવા લાગી. તેમની સંખ્યા વધતી ચાલી. પોલીસે નોંધ્યું કે આ જ સ્ત્રીઓ જ્યારે પાછી ફરતી ત્યારે ‘સગર્ભા’ રહેતી નહીં. પોલીસને ખાતરી થઈ કે આ સ્ત્રીઓનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થાય છે. મુંબઈ પોલીસે ખાસ ‘પ્રોહિબિશન બ્રાન્ચ (જે X બ્રાન્ચ તરીકે ઓળખાતી) શરૂ કરી અને એમાં ૨૧ સ્ત્રી કૉન્સ્ટેબલની ભરતી કરી. તેમનું એકમાત્ર કામ શંકાસ્પદ લાગતી ‘સગર્ભા’ સ્ત્રીઓની જડતી લેવાનું હતું. તેમનો યુનિફૉર્મ હતો કાળી સાડી અને કાળું બ્લાઉઝ. પણ પછી ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડતમાં સ્ત્રીઓએ ઘણી મોટી સંખ્યામાં ભાગ લીધો ત્યારે પોલીસદળમાં ઘણી વધુ સ્ત્રીઓની ભરતી થઈ અને તેમનું કામ માત્ર ‘સગર્ભા’ સ્ત્રીઓની જડતી લેવાનું ન રહ્યું. 
બૉમ્બે પોલીસ પુરાણનો વધુ એક અધ્યાય હવે પછી. 

mumbai news columnists deepak mehta mumbai brihanmumbai municipal corporation guide mumbai whats on mumbai things to do in mumbai