લૉકડાઉનમાં તમે કેટલા નસીબદાર રહ્યા છો કૂપન્સ, ઑફર્સ અને વાઉચર્સને લઈને?

19 October, 2020 10:50 PM IST  |  Mumbai | Darshini Vashi

લૉકડાઉનમાં તમે કેટલા નસીબદાર રહ્યા છો કૂપન્સ, ઑફર્સ અને વાઉચર્સને લઈને?

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ્સ ધીરે-ધીરે સામે આવી રહી છે. ઘણા લોકોએ માથાપચી કરીને ક્રેડિટ કાર્ડના સ્પેન્ડિંગ અને પૉઇન્ટ્સ થકી મેળવેલાં વાઉચર્સ, ઑફિસમાંથી મળેલી કૂપન્સ, ઑનલાઇન પર્ચેઝ પર મળેલી ઑફર્સ, ફૂડ ઍપ પરથી મેળવેલી ફૂડ કૂપન્સ વગેરે વેસ્ટ થઈ ગઈ છે. તો બીજી તરફ એવા કેટલાક નસીબદાર લોકો પણ છે જેમનાં વાઉચર્સ અને કૂપન્સ એક્સ્ટેન્ડ થઈ શક્યાં છે. આજે આપણે એવા જ કેટલાક લોકોની સાથે વાત કરવાના છીએ જેઓ આ અનુભવમાંથી પસાર થયા છે.

હાઈ-એન્ડ જિમનો ઉપયોગ કરવાની
મળેલી ઑફર વેસ્ટ ગઈ : આદિત્ય પટેલ

ખાનગી કંપનીમાં કામ કરતા અને ગોરેગામમાં રહેતા આદિત્ય પટેલ કહે છે, ‘મેં એક હેલ્થ ઇન્શ્યૉરન્સ લીધું હતું જેમાં મને અને મારી વાઇફને મહિનામાં ૧૨ દિવસ હાઈ-એન્ડ જિમમાં એન્ટ્રી-ફ્રી હતી. પરંતુ લૉકડાઉનને લીધે જિમ બંધ છે જેથી અમારી આ ઑફર વેસ્ટ ગઈ છે. અત્યારે જોકે ઘણી જગ્યાએ જિમ ખૂલ્યાં તો છે પરંતુ એ જિમની સાથે આ હેલ્થ ઇન્શ્યૉરન્સનું ટાઇ અપ નથી એટલે અમે આ ઑફર યુઝ કરી શકતાં નથી. આ સિવાય અમે છેલ્લા એક દોઢ વર્ષથી મહેનત કરીને ક્રેડિટ કાર્ડ પર બે લાખ પૉઇન્ટ્સ ભેગા કર્યા હતાં. અમે આ પૉઇન્ટ્સનો ઉપયોગ કરીને યુરોપ ટૂર પર જવાનું પ્લાન કરતાં હતાં, પરંતુ અચાનક લૉકડાઉન આવી જવાને લીધે અમારો પ્લાન તો પડી ભાંગ્યો સાથે-સાથે અમારા આ પૉઇન્ટ પર યુઝલેસ થઈ ગયા છે. હવે યુરોપ જવા માટે ફરી પૉઇન્ટ્સ ભેગા કરવાની મહેનત કરવી પડશે.’

બુક માય શોનાં વાઉચર્સનો ઉપયોગ કરીને ફિલ્મ જોવા જવાનું સ્વપ્ન જ બની રહ્યું : પીયૂષ ઠાકોર

આમ રૂટીન લાઇફમાં ફિલ્મ જોવા જવાનું બનતું નથી પરંતુ તમારી પાસે વાઉચર્સ હોય તો થાય કે વેસ્ટ થઈ જાય એના કરતાં ફિલ્મ જોઈ લઈએ. બસ મારે પણ એવું જ હતું, પરંતુ લૉકડાઉનને લીધે એ વાઉચર્સ પણ નકામાં બની ગયાં એમ જણાવતાં મલાડમાં રહેતા અને બિઝનેસ કરતા પિયુષ ઠાકોર કહે છે, ‘જાહેર ક્ષેત્રની એક બૅન્કના એક ક્રેડિટ કાર્ડ પર વર્ષમાં દર મહિને બુક માય શોના ₹૫૦૦ નાં વાઉચર્સ મળે છે. લૉકડાઉન શરૂ થવાના થોડા સમય અગાઉ જ મેં આ કાર્ડ લીધું હતું અને વિચાર્યું હતું કે આ બહાને ફિલ્મ જોવા જવાશે. પરંતુ એવું બની શક્યું નહીં. અને કદાચ હવે થિયેટર ખૂલશે પછી પણ તરત જવા મળશે નહીં એટલે અમારાં આ વાઉચર્સ વેસ્ટ જ ગયાં છે એમ કહીએ તો ચાલે.’’

ફૂડની કૂપન્સ યુઝલેસ થઈ ગઈ છે : અક્ષિતા સંપટ

નવી-નવી વરાઇટી ટેસ્ટ કરવાના અને ચટાકેદાર ખાવાના શોખીનોને તો જબરો ફટકો પડ્યો છે એમ કહીએ તો ચાલે અને એવામાં તેમની ફૂડ કૂપન્સ પણ નજરની સામે માત્ર કાગળનો એક ટુકડો બની જાય ત્યારે વધારે દુઃખ થાય છે. અંધેરીમાં રહેતાં અને સ્કૂલનાં ટીચર અક્ષિતા સંપટ કહે છે, ‘અમારી ફૅમિલીમાં બધાને ખાવાનો બહુ શોખ. એટલે મારી પાસે અને મારા હસબન્ડ પાસે પુષ્કળ ફૂડ કૂપન્સ અને એને સંબધિત વાઉચર્સ ભેગાં કરેલાં રહેતાં હોય છે. પરંતુ છેલ્લા છ મહિનાથી એ માત્ર કાગળનો એક ટુકડા સમાન બની ગયા છે. અમુક રેસ્ટોરન્ટ ખૂલી ગઈ છે પરંતુ ત્યાં આ કૂપન્સ કામ નથી કરતી. એટલે કોરોના ન જાય ત્યાં સુધી અમારે રાહ જોવી પડશે. ફૂડ કૂપન ઉપરાંત પણ અમારી નાનીમોટી ઘણી કૂપન્સ અને વાઉચર્સ નકામાં જઈ રહ્યાં છે.’

આ લોકો થોડા નસીબદાર છે...

મોટા સ્ટોરનાં વાઉચર્સની
ડેટ મુશ્કેલીથી લંબાવી
શક્યો : સંજય અજાણી

મારી પાસે ૩૦૦૦નું મોટા સ્ટોરનું વાઉચર હતું જે સપ્ટેમ્બરમાં પૂરું થઈ રહ્યું હતું પરંતુ ઘણી માથાપચી બાદ આખરે મને વાઉચર લંબાવી આપ્યું એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતા સંજય અંજાણી કહે છે, ‘મને ખબર
હતી કે મારું વાઉચર સપ્ટેમ્બરમાં પૂરું થઈ જવાનું છે
એટલે હું ઑગસ્ટ મહિનામાં તેની શૉપમાં ગયો હતો અને તેમને કીધું હતું કે મારી પાસે વાઉચર છે તો મને કંઈક સારું બતાવો પણ તેઓ પાસે કંઈ કલેક્શન હતું નહીં
એટલે મેં તેમને કીધું કે જુઓ અમે લેવા તૈયાર છીએ પરંતુ કોઈ કલેક્શન જ નથી તો શું કરીએ. પહેલાં તો તેઓ આનાકાની કરવા લાગ્યા. ઘણી વાટાઘાટો પણ થઈ, પરંતુ છેલ્લે હું જીતી ગયો અને મને વધુ છ મહિનાની અવધિ લંબાવી આપી.’

માત્ર એક મેઇલથી અમારાં શૉપિંગ વાઉચર લંબાવી આપ્યાં : રાજર્ષિ દેસાઈ

વાઉચર્સને લઈને કેટલાક લોકો નસીબદાર પણ સાબિત થયા છે જેમનાં વાઉચર લંબાવી આપવામાં આવ્યાં છે. સાંતાકુઝમાં રહેતા રાજર્ષિ દેસાઈ કહે છે, ‘ મારી પાસે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરનું કૅશ કાર્ડ છે જેની અવધિ છ મહિનાની હતી. જેની અવધિ મે મહિનામાં એટલે કે લૉકડાઉનમાં પૂરી થઈ ગઈ હતી. જ્યારે બધા ડિપાર્ટમેન્ટલ સ્ટોર શરૂ થયા ત્યારે હું ત્યાં ગયો મને આશા ન‍હોતી કે મને કોઈ સકારાત્મક રિસ્પૉન્સ મળશે, કેમ કે ત્યારે વાઉચર્સની અવધિ પૂરી થઈને ત્રણેક મહિના થઈ ગયા હતા. પરંતુ મેં મારું કાર્ડ બતાવ્યું અને તેમને રિક્વેસ્ટ કરી કે આમાં કંઈક થાય તો સારું અને તેમણે મારી અરજી સ્વીકારી. તેમના કૉલ સેન્ટરમાં કૉલ કર્યો અને મને બીજા છ મહિના વધારી આપ્યા. આમ તો કાર્ડ વધુ રકમનો હતું નહીં તેમ છતાં અત્યારના સમયમાં નાની રકમ પણ ઘણી મોટી લાગે છે.’

darshini vashi columnists