તૈયાર થવા માટે તમને કેટલો સમય જોઈએ?

06 December, 2022 04:18 PM IST  |  Mumbai | Varsha Chitaliya

વિદેશના એક સર્વેક્ષણ મુજબ મહિલાઓ મહિને ૧૧ કલાક જેટલો સમય તૈયાર થવામાં કાઢે છે એટલું જ નહીં, પોતાની આવકનો ચોથો ભાગ બ્યુટી-પ્રોડક્ટ્સ ખરીદવા માટે સ્પેન્ડ કરી દે છે. આ બાબતમાં ભારતીય મહિલાઓનું સ્થાન ક્યાં છે? ચાલો જાણીએ

પ્રતીકાત્મક તસવીર

વર્તમાન સમયમાં મહિલાઓ પર કામકાજનો ભાર વધી ગયો છે. ઘરની દેખરેખ, બહારનાં કામો, સામાજિક વ્યવહારો વગેરે દરેક મોરચે લડતી સ્ત્રી પાસે સમયનો સદંતર અભાવ હોય છે. પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ વ્યસ્ત હોય છે, પરંતુ અરીસા સામે બેસે પછી તેમની પાસે સમય જ સમય હોય છે. મૂવી જોવા જવાનું હોય, લગ્નપ્રસંગ હોય કે કિટી પાર્ટી; મહિલાઓને તૈયાર થવામાં ખૂબ વાર લાગતી હોવાનું જગજાહેર છે. વિદેશમાં થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૮૦ ટકા મહિલાઓ દર મહિને ૧૧ કલાક જેટલો સમય ડ્રેસિંગ પાછળ વેડફી નાખે છે. એટલું જ નહીં, પોતાની આવકનો ચોથો ભાગ બ્યુટી-પ્રોડક્ટ્સ ખરીદવા માટે સ્પેન્ડ કરી દે છે. તૈયાર થવું એ મહિલાઓનો અધિકાર છે, પણ શું તેઓ અરીસા સામે ખરેખર આટલો બધો સમય વિતાવે છે? 

મી ટાઇમ કહેવાય    

ડિમ્પલ મહેતા

કોઈ પણ સર્વે દરેક વ્યક્તિને લાગુ નથી પડતો એવી જ રીતે આ સર્વેમાં વિદેશી અને ભારતની મહિલાઓનો મત જુદો હોઈ શકે છે. એવરી વુમન ઇઝ સુપરવુમન ઇનસાઇડ. મહિલાઓ સમય વેડફે છે‍ કે ખોટા ખર્ચા કરે છે એવું હું નથી માનતી. આવી વાત કરતાં વસઈનાં રાજેશ્રી પ્રજાપતિ કહે છે, ‘બધાને બની-ઠનીને રહેવાનો શોખ નથી હોતો. ઘણી મહિલાઓ સાદગીપ્રિય પણ હોય છે. એવી જ રીતે કોઈ મહિલા પોતાની આવકમાંથી મોટી રકમ બ્યુટી-પ્રોડક્ટ્સ પાછળ ખર્ચી નાખતી હોય તો એ તેનો અંગત વિષય છે. એમાં કશું ખોટું પણ નથી. મને તૈયાર થવા માટે પંદરથી વીસ મિનિટ જોઈએ. કૉસ્મેટિક્સ અને બ્યુટીપાર્લર પાછળ આવકના ૨૦ ટકા હું વાપરું છું. તમે પોતાના લુક, મેકઅપ અને હૅરસ્ટાઇલથી સૅટિસ્ફાઇડ થાઓ એટલા સ્પેન્ડ કરવા જોઈએ. પ્રેઝન્ટેબલ રહેવાથી આત્મવિશ્વાસ વધે છે. દિવસના ૧૨ કલાક ગણો તોય મહિને ૩૬૦ કલાક થાય. એમાંથી ૧૧ કલાક અરીસા સામે વિતાવી શકાય. આ મહિલાઓનો મી ટાઇમ છે. જાતને પૅમ્પર કરવા આટલો સમય તો ફાળવવો જ જોઈએ.’ 

વીસ મિનિટ લાગે

નૂતન ઢાંકી

તૈયાર થવામાં મહિલાઓ ખાસ્સો સમય વેડફી નાખતી હોય છે એવા સર્વેમાં દમ તો છે એમ બ્રીચ કૅન્ડી પાસે રહેતાં નૂતન ઢાંકી કહે છે, ‘અરીસા સામે સમય વેડફવાથી કંઈ તમે વધુ સુંદર નથી દેખાવાના કે તમારી ઇમેજ બદલાઈ નથી જવાની એ સમજવાની જરૂર છે. એક મહિલા પોતાની જાતને લોકો સમક્ષ કઈ રીતે પ્રસ્તુત કરે છે, ડ્રેસિંગને કઈ રીતે કૅરી કરે છે એનાથી મોટો ફરક પડે છે. સામાન્ય રીતે તૈયાર થવામાં મને દસ મિનિટ લાગે છે. હા, પાર્ટી કે ફંક્શનમાં જવાનું હોય તો ૨૦ મિનિટ પણ લાગી જાય. મારા મતે મહિલાઓ તૈયાર થવા માટે દિવસમાં ૨૦ મિનિટ ફાળવે અને પોતાની આવકમાંથી સરેરાશ ૧૫ ટકા સૌંદર્ય-પ્રસાધનો પાછળ વાપરે એ ઠીક છે. નોકરિયાત મહિલાઓ તૈયાર થવામાં સમય વેડફતી નહીં હોય, પણ ગૃહિણીઓની તુલનામાં તેઓ વધુ સ્પેન્ડ કરતી હશે. જોવાસ્તવમાં પ્રેઝન્ટેબલ દેખાવાના જમાનામાં સૌંદર્ય-પ્રસાધનોનો ખર્ચ જરૂરિયાતને કારણે નહીં પરંતુ ઉત્પાદનોના ભાવવધારાને કારણે વધી ગયો છે.’

સમય ક્યાં છે?

કોઈ પણ વ્યવસાયમાં પ્રેઝન્ટેબલ દેખાવાની જરૂર હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે અમે અરીસા સામે ગોઠવાઈ જઈએ છીએ કે સૌંદર્ય-ઉત્પાદનો પાછળ અમારી આવકની મોટી રકમ ખર્ચી નાખીએ છીએ. આ વાત સાતે હું જરાય સહમત નથી એમ જણાવતાં બોરીવલીનાં ડિમ્પલ મહેતા કહે છે, ‘ડે-ટુડે લાઇફમાં વર્કિંગ મહિલાઓને કૉમ્પૅક્ટ, આઇલાઇનર અને લિપસ્ટિકની જરૂર હોય છે જેને લગાવવામાં ઝાઝો સમય જતો નથી. ફ્રૅગ્રન્સ માટે હું બૉડી મિસ્ટનો ઉપયોગ પણ કરું છું. નીટ ઍન્ડ ક્લીન આયર્નિંગ કરેલા ડ્રેસ સાથે સારાં સૅન્ડલ હોવાં જોઈએ એવો આગ્રહ ચોક્કસ રાખું છું. આટલી જરૂરિયાત પૂરી કરવામાં વધુ પૈસા ખર્ચાઈ જતા હોય એવું મને નથી લાગતું. વર્કિંગ લેડી દેખાવ માટે સભાન હોય, પરંતુ તૈયાર થવામાં દસ મિનિટથી વધુ સમય નથી લેતી. ફાસ્ટ લાઇફમાં રોજ આટલો જ સમય ફાળવી શકાય. મારા મતે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ, કામકાજના લાંબા કલાકો અને બાળકોની જવાબદારીના ભાર વચ્ચે કોઈ પણ મહિલા અરીસા સામે ટાઇમ વેસ્ટ ન કરે.’  

દિવસના ૧૨ કલાક ગણો તોય મહિને ૩૬૦ કલાક થાય. એમાંથી ૧૧ કલાક અરીસા સામે વિતાવવા વધુ ન કહેવાય. વાસ્તવમાં આ જ તો મહિલાઓનો મી ટાઇમ છે. તેઓ પોતાની જાતને પૅમ્પર કરવા સમય ફાળવે અને મની સ્પેન્ડ કરે એમાં કશું ખોટું નથી. રાજેશ્રી પ્રજાપતિ

અરીસા સાથે ફ્રેન્ડશિપ

વિદેશની મહિલાઓની જેમ આપણા દેશની મહિલાઓએ આર્ટિફિશ્યલ બ્યુટી પાછળ ભાગવાની જરૂર નથી. તેમની ગણના વિશ્વની સુંદર મહિલાઓમાં થાય છે. એ રીતે ઉપરોક્ત સર્વે આપણને પૂરેપૂરો લાગુ પડતો નથી. બ્યુટી-પ્રોડક્ટ્સ પાછળ કેટલો ખર્ચ કરવો એવો કોઈ ટાર્ગેટ ન હોય, પણ તૈયાર થવા માટે સમય તો જોઈએ એવી વાત કરતાં વસઈનાં બીના મકવાણા કહે છે, ‘મહિલા અને અરીસો બેસ્ટ ફ્રેન્ડ છે. અરીસા વગર દુનિયાની દરેક મહિલા અધૂરપ અનુભવે છે તેથી ખાસ્સો સમય વિતાવે છે. મને તૈયાર થતાં સહેજે અડધો કલાક લાગે. પ્રસંગોમાં કદાચ વધુ સમય વેડફાતો હશે. બીજું એ કે વિદેશમાં બધી મહિલાઓ વર્કિંગ હોય છે, જ્યારે ભારતમાં આજે પણ ગૃહિણીઓની સંખ્યા વધુ હોવાથી સર્વે કરો તો વિરોધાભાસ જોવા મળે. આવકનું સાધન હોય એવી મહિલાઓ સારીએવી રકમ સ્પેન્ડ કરે છે, જ્યારે ગૃહિણીઓનો પર્ચેઝિંગ પાવર ઓછો છે. જોકે કૉર્પોરેટ વર્લ્ડની જેમ હવે સોશ્યલ લાઇફમાં પણ પ્રેઝન્ટેશનનું મહત્ત્વ વધતાં આજકાલ અનેક ગૃહિણીઓ કૉસ્મેટિક્સ પાછળ ખાસ્સો ખર્ચ કરવા લાગી છે. જોકે મને તો એ વેસ્ટ ઑફ મની લાગે છે. સૌંદર્ય-પ્રસાધનોના અતિરેકથી સ્કિન-રિલેટેડ સમસ્યાઓ ઊભી થાય પછી એને છુપાવવા બીજી પ્રોડક્ટ્સ વાપરવી પડે. આ સાઇકલને કારણે ખર્ચ વધતો જાય છે. કૉસ્મેટિક્સ કરતાં હળદર, મુલતાની માટી, મિલ્ક પાઉડર, ચણાનો લોટ જેવી નૅચરલ પ્રોડક્ટ્સ પર મને વધુ ભરોસો છે.’

columnists Varsha Chitaliya